મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ ।
અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥
મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ ।
મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥
હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે.
‘મધુર અંગ આભૂષણ ભૂષિત’– શ્રીવલ્લભનું શ્રીઅંગ ત્રણ પ્રકારનાં આભૂષણોથી મધુર છે. (૧) શાસ્ત્રોમાં બતાવેલાં આભૂષણો, જેમકે કર્ણનું આભૂષણ જ્ઞાન છે. કંઠનું આભૂષણ સત્ય છે. હાથનું આભૂષણ દાન છે. શ્રીવલ્લભ જ્ઞાન, સત્ય અને દાનરૂપી આભૂષણોથી મધુર લાગે છે. (૨) શ્રીભાગવતની સર્વ પદાવલિઓ આપના શ્રીઅંગને આભૂષિત કરે છે. આપના કંઠમાં આ પદાવલિઓ હારાવલિ રૂપે બિરાજે છે. કર્ણમાં કુંડળ રૂપે, હસ્તમાં કંકણ અને બાજુબંધ રૂપે, તથા મસ્તકે મુકુટરૂપે જાણે બિરાજે છે. (૩) શ્રીવૃંદાવન નવનિકુંજની રસમય લીલાલહેરીઓથી આપ આભૂષિત છે. તેને લઈને આપનું રોમ-રોમ મધુર છે.
‘મધુર ઉરસ્થલ રૂપ સમાજ’ શ્રીમહાપ્રભુજીએ સ્વયં પોતાના હૃદયની અલૌકિકતા ‘નમામિ હૃદયે શેષે…’ શ્ર્લોકમાં બતાવી છે. પ્રભુનો લીલારસ મહાક્ષીરસાગર છે. જેમ ક્ષીરસાગરમાં શેષનાગ રૂપી શય્યા પર ભગવાન નારાયણ પોઢેલા છે અને લક્ષ્મીજી તેમની ચરણસેવા કરે છે; તેમ શ્રીવલ્લભના હૃદયમાં શ્રીપૂર્ણ પુરુષોત્તમ કલાનિધાન બિરાજમાન છે અને હજારો લક્ષ્મીરૂપા ગોપીજનો તેમની સેવા કરી રહ્યાં છે. આવું અલૌકિક શ્રીવલ્લભનું હૃદય છે. એનો અનુભવ શ્રીહરિરાયજીને થયો છે. આજ્ઞા કરે છે કે આપનું ઉરસ્થલ – હૃદય વ્રજલીલાપરિકરના રૂપકડા સમાજથી મધુર-મધુર છે.
બીજી રીતે પણ આ પંક્તિનો ભાવ વિચારવા જેવો છે. શ્રીઠાકોરજીના સંયોગસ્વરૂપનાં દર્શન નેત્રોથી થયા પછી, એ સ્વરૂપ માટે જ્યારે અંત:કરણમાં વિરહ વધે, ત્યારે વિપ્રયોગ ધર્મ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપે અંત:કરણમાં અનુભવ થાય છે. વિપ્રયોગધર્મી સ્વરૂપે એક જ સમયે અનેક લીલાઓનો અનુભવ એક સાથે થાય છે. આ જ પુષ્ટિમાર્ગનો પરમ મોક્ષ છે. ફળ છે. ‘આંતરં તુ પરં ફલમ્.’
શ્રીપરમાનંદદાસજીએ શ્રીવલ્લભની સન્મુખ ‘હરિ તેરી લીલા કી સુધિ આવે’ પદ ગાયું, ત્યારે શ્રીવલ્લભ આ અનુભવમાં ત્રણ દિવસ-રાત મૂર્ચ્છિત રહ્યા હતા. આવો ઉરપ્રદેશ શ્રીવલ્લભનો છે.
‘અતિ વિસાલ જાનુ અવલંબિત’– જાનુ એટલે નિતંબ. આપ સુકોમળ હોવા છતાં આપના નિતંબ અતિ પુષ્ટ છે. પુષ્ટ નિતંબ સ્ત્રીસૌંદર્યનું એક અંગ છે. એક લક્ષણથી સમગ્ર સ્વરૂપની શોભા કહેવાની કાવ્યની એક વિશેષતા હોય છે. એ મુજબ પુષ્ટ નિતંબના સૌંદર્ય લક્ષણથી એમ સૂચવ્યું કે આપના શ્રીઅંગમાં શ્રીસ્વામિનીજીનાં સ્વરૂપનું માર્દવ અને લાલિત્ય પણ છે.
શ્રીવલ્લભ ‘પ્રિયવ્રજસ્થિતિ:’ છે. વ્રજમાં બિરાજવું આપને વિશેષ પ્રિય છે. વ્રજમાં પ્રભુની લીલા નિત્ય બિરાજમાન છે. શ્રીવલ્લભની ગોદમાં શ્રીજીબાવા વારંવાર બિરાજે છે. શ્રીમથુરાનાથજી કર્ણાવલમાં પ્રગટ થયા, પછી શ્રીમહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા હતા. પુષ્ટ નિતંબોવાળી ગોદ પ્રભુને બિરાજવા માટે સુખદ બને છે. પ્રભુની સ્વરૂપમાધુરીના આસ્વાદથી આપના નિતંબો પુષ્ટ બન્યા છે.
‘મધુર બાહુ પરિરંભન કાજ’ – પરિરંભન એટલે આલિંગન, શ્રીવલ્લભ આજાનબાહુ છે. સીધા ઊભા રહેતાં, હાથ ઢીંચણથી નીચે અડકે, તેટલા લાંબા હાથવાળી વ્યક્તિ આજાનબાહુ કહેવાય. શ્રીવલ્લભના બાહુ આવા અતિ દીર્ધ છે. શ્રીનાથજીના પ્રથમ મિલન સમયે આ બાહુઓના પાશમાં જ શ્રીજી બંધાઈ ગયા હતા. શ્રીઠાકોરજીને આલિંગતા આ બાહુ મધુર હોય જ!
હવે શ્રી હરિરાયજી છેલ્લી કડીમાં અન્ય સર્વ અંગોની મધુરતાનું ફરીથી નિરૂપણ કરે છે. ‘મધુર ઉદર, કટિ મધુર, જાનુયુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ.’ – આપના ઉત્તરીય વસ્ત્ર – ઉપરણા – ના સરકવાથી ક્યારેક આપના ઉદરપ્રદેશનાં દર્શન થાય છે. મધુર લીલારસના સતત પાનથી તે મધુર છે. આપની કટિ પણ નમણી અને મધુર છે. જાનુયુગ એટલે બંને નિતંબ. એ પણ મધુર છે.
આપના ચરણારવિંદની ચાલ તો સર્વ સુખોના સમૂહ જેવી અતિ લચકીલી, ગજગતિવાળી છે.
‘મધુર ચરનકી રેનુ નિરંતર’ – આપનાં ચરણારવિંદ અને એની ચરણરજનો મહિમા તો અપરંપાર છે. જેમ ભગવાનનાં બે ચરણોમાં પુષ્ટિ ભક્તિ અને મર્યાદાભક્તિ બિરાજમાન છે, તેમ શ્રીવલ્લભનાં બે ચરણોમાં પુષ્ટિ શરણાગતિ અને પુષ્ટિસમર્પણભાવના સદૈવ બિરાજમાન છે. ભગવાનના શ્રીઅંગનો દિવ્ય આનંદરસ આપનાં ચરણોમાં અકત્ર થતાં, ભક્તો એની પ્રાપ્તિ માટે, ભગવાનનાં બે ચરણકમળોનો દ્રઢ આશ્રય કરી કહે છે, તેમ પુષ્ટિભક્તો શ્રીવલ્લભનાં બે ચરણકમળોનો દ્રઢાશ્રય કરી, વલ્લભાશ્રિત બનીને રહે છે. ભગવાનનાં ચરણકમળોની જેમ શ્રીવલ્લભનાં ચરણકમળો પણ જેના મસ્તકે બિરાજે તેને નિરંતર અભય આપે છે.
વળી શ્રી દામોદરદાસ હરસાનીજી જેવા ઘણા ભગવદીયોયે શ્રીવલ્લભનાં પાદુકાજી સ્વરૂપે શ્રીવલ્લભનાં ચરણ સેવ્યાં છે. ઘણાં ભગવદીયોયે વસ્ત્ર પર શ્રીવલ્લભનાં ચરણની કુમકુમ મંડિત છાપની સેવા કરી છે.
શ્રીવલ્લભનાં અલૌકિક ચરણકમળોના સ્પર્શથી ધરતીની રજ પણ ધન્ય બની છે. જેમ શ્રીરામના ચરણસ્પર્શે જડ શિલા જીવતી અહલ્યા બની ગઈ, તેમ શ્રીવલ્લભચરણસ્પર્શે ધરતીની જડ રજ પણ અલૌકિક રૂપા બની ગઈ. અધમોનો ઉદ્ધાર આ ચરણરજથી જ થઈ ગયો. જે જે સ્થાનોમાં શ્રીવલ્લભ સ્વયં જીવોના ઉદ્ધાર માટે પધારી ન શક્યા ત્યાં આપની ચરણરજ ઊડતી ઊડતી પહોંચી ગઈ. ત્યાં જે જીવોને આ ચરણરજનો સ્પર્શ થયો તે સર્વ જીવોનો મોક્ષ થઈ ગયો. ‘તે તામસનાં અઘ હર્યાં વ્હાલે, પ્રતાપ પદરજ ગંધ.’
શ્રીમહાપ્રભુજીનાં જ્યેષ્ઠકુમાર શ્રીગોપીનાથજીએ ‘સાધનદીપિકા’ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં આ ચરણરજનો મહિમા ગાતાં આજ્ઞા કરી કે જેમ દુનિયાના લોકો સ્વર્ગના કલ્પવૃક્ષની અભિલાષા સેવે છે, તેમ અમારા માટે પિતૃચરણનાં ચરણકમળોની રજ કામધેનુ સમાન છે.
શ્રીગુસાંઈજીએ આજ્ઞા કરી કે શ્રીવલ્લભની આ ચરણરજ આપણી સર્વ ચિંતાઓનો નાશ કરનારી છે.
શ્રીવલ્લભના ચરણસ્પર્શ દ્વારા આ દિવ્ય ચરણરજ પ્રાપ્ત થાય. આથી શ્રીહરિરાયજી છેલ્લે આજ્ઞા કરે છે કે ‘જનમ જનમ માગત હરિદાસ.’ શ્રી હરિરાયજી જન્મોજન્મ આ ચરણરજ માગે છે.
‘વહ્મિધૂમન્યાય’ પ્રમાણે જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય. તેથી જ્યાં ધૂમાડો દેખાય ત્યાં અગ્નિ અવશ્ય હોય. જ્યાં શ્રીવલ્લભની ચરણરજ બિરાજે, જ્યાં ચરણકમલ બિરાજે, ત્યાં શ્રીવલ્લભ પણ બિરાજતા જ હોય. આથી આપની ચરણરજ પ્રાપ્ત થાય ત્યારે આપ પોતે પણ અવશ્ય પ્રાપ્ત થાય જ.
શ્રીવલ્લભસ્વરૂપ ન માગતાં શ્રીવલ્લભ ચરણરજ માગીને શ્રીહરિરાયજીએ દીનતા અને નિ:સાધનતાનાં દર્શન કરાવ્યાં છે.
આ પદની છ કડીઓ શ્રીવલ્લભના અલૌકિક છ ધર્મોનો બોધ કરાવે છે. પહેલી કડીમાં શ્રીવલ્લભને ‘જીવનધન’ કહ્યા. તે શ્રીવલ્લભનું ‘ઐશ્ર્વર્ય’ સ્વરૂપ છે. બીજી કડીમાં શ્રીવલ્લભનાં વદનારવિંદની મધુરતા વર્ણવી છે. શ્રીવલ્લભનું ‘શ્રી’ સ્વરૂપ છે. ત્રીજી કડીમાં શ્રીવલ્લભનાં અધરરસનું નિરૂપણ કર્યું. તે આપનું ‘યશ’ સ્વરૂપ છે. ચોથી કડીમાં આપનાં ગુણો વર્ણવ્યા. તે ‘વીર્ય’ સ્વરૂપ છે. પાંચમી કડીમાં આપના અલૌકિક દેહનું વર્ણન કર્યું. તે જ્ઞાન સ્વરૂપ છે. છઠ્ઠી કડીમાં આપની ચરણરજ માંગી. તેમાં આપનું ‘વૈરાગ્ય’ સ્વરૂપ છે.
આમ આ પદમાં છ કડીઓમાં શ્રીવલ્લભના ષડધર્મોનું નિરૂપણ કરતાં તે દ્વારા આપના ‘મધુરાકૃતિ’ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું. આવા શ્રીવલ્લભની મધુરતાને માણવા આપણે ક્યારે ભાગ્યશાળી થઈશું?
(સંપૂર્ણ)
તાજેતરની ટિપ્પણીઓ