શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ

શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ


કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ ।

કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।।


શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી ભરેલાં, શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે, તે અમૃતજળથી ભરેલાં, શ્રીકૃષ્ણ સાથે સંબંધ કરાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૧)

કૃષ્ણપ્રિયાં કૃષ્ણમુખ્ય – રસસંગમદાયિનીમ્ ।

કૃષ્ણક્રીડાશ્રયાં કૃષ્ણ – પદવીપ્રાપિકામપિ ।।૨।।


શ્રીકૃષ્ણનાં પ્રિયા, શ્રીકૃષ્ણના મુખ્ય રસનો ભક્તોને સંગમ કરાવનારાં, શ્રીકૃષ્ણની ક્રીડાના સ્થાનરૂપ, શ્રીકૃષ્ણની પ્રાપ્તિનો માર્ગ બતાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૨)

કૃષ્ણસ્થિતાં કૃષ્ણવાસહૃદયાં કૃષ્ણભાવુકામ્ ।

કૃષ્ણપ્રિયાપ્રિયાં કૃષ્ણ-સ્થાયીભાવસમુદ્​ભવામ્ ।।૩।।


શ્રીકૃષ્ણમાં જેમનું મન સદા લાગેલું છે તેવાં, શ્રીકૃષ્ણ જેમના હૃદયમાં સદા બિરાજમાન છે એવાં, શ્રીકૃષ્ણમાં સર્વાત્મભાવવાળાં, શ્રીકૃષ્ણનાં પ્રિયા શ્રીસ્વામિનીજીનાં વહાલાં, શ્રીકૃષ્ણના સ્થાયી ભાવ – રતિમાંથી પ્રકટ થયેલાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૩)

કૃષ્ણૈકમિલનસ્થાનભૂતાં કૃષ્ણસુખાર્થિનીમ્ ।

કૃષ્ણગોપી-સહચરીં કૃષ્ણસમ્માનવર્ધિનીમ્ ।।૪।।


શ્રીકૃષ્ણને મળવાના સ્થાનરૂપ, શ્રીકૃષ્ણના સુખની ઇચ્છાવાળાં, શ્રીગોપીજનોનાં સહચરી, શ્રીકૃષ્ણના માનને વધારનારાં એવાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૪)

કૃષ્ણકાર્યપરાં કૃષ્ણલીલાસ્થલવિશોધિકામ્ ।

કૃષ્ણક્રીડાકુંકુંમાદિયુતાં કૃષ્ણરસાતુરામ્ ।।૫।।


શ્રીકૃષ્ણની સેવામાં પરાયણ, શ્રીકૃષ્ણના લીલાસ્થળને શુદ્ધ કરનારાં, શ્રીકૃષ્ણ સાથેની ક્રીડામાં કુમકુમ વગેરેથી શોભાયમાન, શ્રીકૃષ્ણરસ પામવા માટે આતુર (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૫)

કૃષ્ણગોપીપૂજ્યદેવીં કૃષ્ણવ્રતફલપ્રદામ્ ।

કૃષ્ણલીલાર્થમાયાતાં કૃષ્ણનીરધિસંગતામ્ ।।૬।।


શ્રીગોપીજનો દ્વારા પૂજાયેલાં દેવી, શ્રીકૃષ્ણસંબંધી વ્રતનું ફળ આપનારાં, શ્રીકૃષ્ણની લીલા માટે પૃથ્વી પર પધારેલાં, શ્રીકૃષ્ણરૂપી મહાસાગરને મળેલાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૬)

કૃષ્ણપાદસ્પર્શકામાં કૃષ્ણમનસસંશ્રિતામ્ ।

કૃષ્ણાસક્તં કૃષ્ણભક્તામ્ કૃષ્ણપ્રીતિપ્રસાધિનીમ્ ।।૭।।


શ્રીકૃષ્ણનાં ચરણસ્પર્શની ઇચ્છાવાળાં, શ્રીકૃષ્ણના મનનો આશ્રય કરીને રહેલાં, શ્રીકૃષ્ણમાં આસક્તિવાળાં, શ્રીકૃષ્ણનાં ભક્ત, શ્રીકૃષ્ણમાં પ્રીતિ વધારનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૭)

કૃષ્ણાંધ્રિરેણુબહુલાં કૃષ્ણસેવક-સમ્મુખામ્ ।

કૃષ્ણ ભાવવિરોધી-સ્વદાસપ્રકૃતિનાશિનીમ્ ।।૮।।


શ્રીકૃષ્ણનાં ચરણકમળની પુષ્કળ રજવાળાં, શ્રીકૃષ્ણના સેવકો પ્રત્યે કૃપાળુ, શ્રીકૃષ્ણ પ્રત્યેના ભાવથી વિરોધી એવી પોતાના ભક્તોની પ્રકૃતિનો નાશ કરનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૮)

નમામિ યમુનાં કૃષ્ણાં કૃષ્ણતૂર્યપ્રિયામહમ્ ।

નિજાચાર્યપદાંભોજદાસે ભાવં પ્રયચ્છતુ ।।૯।।


શ્રીકૃષ્ણનાં ચતુર્થ પ્રિયા એવાં શ્રીયમુનાજીને હું નમન કરું છું. શ્રીઆચાર્યચરણના ચરણકમળના દાસ એવા મને, હે શ્રીયમુનાજી! ભગવદ્​ભાવનું દાન કરો. (૯)

ઇતિ શ્રીહરિદાસોક્તા શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ સમાપ્તા ।

પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં

[રાગ-આસાવરી]

[રચના-શ્રી હરિરાયજી મહાપ્રભુ (રસિક)]

પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં અર ન મનમેં આવે હો ।
પઢ પુરાન ખટદર્શન નીકે જો કછુ કોઉ બતાવે હો ।।૧।।
જબતેં અંગીકાર કિયો હૈ મેરો તબતેં અન્ય ન સુહાવે હો ।
પાય મહારસ કોન મૂઢમતિ જહાં તહાં ચિત્ત ભટકાવે હો ।।૨।।
જાકો ભાગ્ય ફલ્યો યા કલિમેં સો યહ પદરજ પાવે હો ।
જિન કોઉ કરો ભૂલ મન સંશય નિશ્ચય કરિ શ્રુતિ ગાવે હો ।।૩।।
નંદનંદનકો નિજ સેવક કર દ્રઢ કર બાંહ ગહાવે હો ।
‘રસિક’ સદા ફલરૂપ જાનકે લે ઉછંગ હુલરાવે હો ।।૪।।

આ પદ શ્રી હરિરાયજી રચિત છે, જેમને આપણે ‘શિક્ષાપત્ર’ના કર્તા તરીકે યાદ કરીએ છીએ. આપશ્રીએ ‘રસિક’ ઉપનામથી ઘણાં કીર્તનોની રચના કરી છે. શ્રી હરિરાયજીને શ્રીમહાપ્રભુજીના ચરણોમાં ઘણી આસક્તિ હતી. શ્રીમહાપ્રભુજી પ્રત્યે તેમને અનન્ય ભાવ હતો. તેમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ત્રણ દિવસ સુધી સતત પાઠ કરેલા. તેના ફળસ્વરૂપે તેમને શ્રીમહાપ્રભુજીનો સાક્ષાત અનુભવ પણ થયો હતો. આ પદમાં તેઓ કહે છે કે મને શ્રીવલ્લભના ચરણકમલ સાથે એવી પ્રીત બંધાઈ ગઈ છે, એમાં એવી આસક્તિ થઈ ગઈ છે કે હવે એ ચરણકમલ સિવાય બીજું કંઈ મનને ગમતું નથી. કશામાં રૂચિ
થતી નથી.

અઢાર પુરાણો અને છ દર્શનો સારી રીતે ભણીને પણ જો કોઈ શ્રીવલ્લભ સિવાયની કોઈ બાબત મને બતાવે તો પણ મારું મન એ માનવા તૈયાર નથી. એ પુરાણો અને દર્શનો ભણવા માટે પણ કોઈ કહે તો તેમાંય મારું મન
લાગતું નથી.

જ્યારથી શ્રીવલ્લભે મારો અંગીકાર કર્યો છે, મારો હાથ પકડ્યો છે, ત્યારથી મને બીજું કંઈ સુહાતું નથી. જ્યારે કોઈ મહાન રસ પ્રાપ્ત થઈ જાય, કોઈ ઉત્તમોત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી એવો કોણ મૂઢમતિ હોય કે એ મહારસમાં મન લગાવવાને બદલે એના ચિત્તને આમતેમ ભટકાવે? શ્રીવલ્લભ જેવા કરુણાનિધિ, કૃપાનિધિ ગુરુ પ્રાપ્ત થઈ ગયા પછી જો કોઈ અન્યને શરણે જવા માટે આમતેમ ભટકે તો તેને મૂઢમતિ  જેની બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે એવો જ કહેવાયને? એની બુદ્ધિ માટે બીજું શું કહેવું?

આ કલિકાલમાં જેનું મહાન ભાગ્ય હોય એને જ શ્રીવલ્લભની ચરણરજ પ્રાપ્ત થાય. શ્રીવલ્લભનું સ્વરૂપ ‘વસ્તુતઃ કૃષ્ણ એવ’ સાક્ષાત્ શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે. એમના સ્વરૂપમાં ભૂલથી પણ કોઈ શંકા કરશો નહિ. વેદના પ્રમાણોથી આ બાબત સિદ્ધ થયેલી છે. એ વલ્લભની ચરણરજ મને પ્રાપ્ત થઈ છે એ મારું પરમ ભાગ્ય છે. તેથી હવે મને બીજું કાંઈ ગમતું નથી.

શ્રીવલ્લભ એવા કૃપાળુ છે કે જે જીવ આપને શરણે જાય છે તેને નંદનંદનના સેવક બનાવી દે છે. પ્રભુને એ જીવનો હાથ પકડાવી દે છે. એ હાથ એવો દ્રઢતાથી પકડાવે છે કે પ્રભુ એ જીવને પછી કદાપિ છોડતા નથી. ભલે એ જીવ ભગવાનને ભૂલી જાય પણ ભગવાન તેને ભૂલતા નથી. એટલું જ નહિ પણ એ જીવ જો પ્રેમથી પ્રભુનાં સેવાસ્મરણ કરે તો એ ભગવદીયની ગોદમાં નંદનંદન સદા ખેલે છે. ‘લે ઉછંગ હુલરાવે હો’ એ જીવ પ્રભુને સદા પોતાના ઉચ્છંગમાં  ગોદમાં ખેલાવે છે.

આમ આ પદમાં શ્રી હરિરાયજી બતાવે છે કે શ્રીવલ્લભમાં આપણો પ્રેમ છે, ભાવ છે તો એનું મુખ્ય લક્ષણ એ છે કે પછી આપણા હૃદયમાં તેમના સિવાય બીજા કોઈનું સ્થાન ન રહેવું જોઈએ. મન, વચન, કર્મથી તેમના જ થઈને રહીએ. તેમની આજ્ઞા અનુસાર જીવન જીવીએ. વલ્લભના વલ્લભ (પ્રિય) બનીએ.

મેરે તો ગિરિધર હી ગુણગાન

(રચનાઃ કૃષ્ણદાસજી)


મેરે તો ગિરિધર હી ગુણગાન,

યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન.

ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે  દાન,

‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન.


ભાવાર્થઃ

શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે રાખી, આવા પ્રિયતમના સ્નેહવશ બની જીવનભર હું તેમનાં ગુણગાન ગાઈશ. તે સાંભળવામાં તેમની પણ પ્રસન્નતા છે તે હું જાણું છું.

મારા સાંવરે લાલનું આ સ્વરૂપ મારી આંખોમાં સદાકાળ ખેલે છે. મારા હૃદયમાં સદાકાળ તેમનું જ ધ્યાન સહજ સ્નેહના કારણે છે; તેથી સહજ રીતે વાણીથી તેમનું જ ગુણગાન થયા કરે છે.

હે સાંવરે સુંદર! મારું મન તમારી ચરણરજની અભિલાષા સેવે છે. આપ મારા પ્રેમભાજન છો, ત્યારે મને આટલું દાન આપો. સદાય આપની ચરણરજ મારા હૃદય અને મસ્તકે લાગી રહે – આપનાં ચરણકમળ મારાં હૃદય અને મસ્તક પર બિરાજે.

કૃષ્ણદાસજી કહે છે, હે ગિરિધરલાલ! હું તમારી દાસી છું – તમે મારા સ્વામી છો. તેથી જ મારું જીવન છો. તમારા મંગલરૂપ નિધાનને પામી, મારું જીવન તમારા સુખ માટે જ જીવવા જેવું લાગે છે. આ જીવન દ્વારા તમારાં ગુણગાન ગાયા કરું, તેનાથી જ તમને રીઝવ્યા કરું.

તમારાં ગુણગાન પણ, હે નાથ! તમારા સુખ માટે જ ગાવાં છે, મારા સુખ માટે નહીં; કારણ તમારા સુખમાં જ મારું સુખ છે.

રે મન, મૂરખ જનમ ગંવાયો

રચનાઃ સૂરદાસજી  (રાગઃ બિહાગ)

રે મન, મૂરખ જનમ ગંવાયો,

કર પરપંચ વિષયરસ લીધો, શ્યામ સરન નહિ આયો. (૧)

યહ સંસાર ફૂલ સેંવરકો, સુંદર દેખ લુભાયો,

ચાખન લાગ્યો રૂઈ ઉડિ ગઈ, હાથ કછુ નહિ આયો. (૨)

કહા ભયો અબ કે પછતાને, પેહેલે પાપ કમાયો,

કહત સૂર શ્રીકૃષ્ણ નામ બિના, સિર ધુની ધુની પછતાયો. (3)

ભાવાર્થઃ

સૂરદાસજી પોતાના મનને સંબોધીને કહે છેઃ હે મૂર્ખ મન, તેં કીમતી જન્મ ગુમાવ્યો તેનું કંઈ ભાન છે? પ્રપંચ કરવામાં અને વિષયરસના કાદવમાં ભૂંડની જેમ ભટકવામાં તું એવું તલ્લીન રહ્યું કે શ્યામસુંદરના શરણે ન ગયું. (૧)

સેવતીના દેખાવમાં સુંદર ફુલ જેવો અહંતા-મમતાનો આ સંસાર જોઈ, તેની સુંદરતામાં તું લોભાયું. જ્યારે તું તેને ચાખવા ગયું, ત્યારે ફુલમાંથી સુવાસ ઉડી જાય, તેમ તારા હાથમાં કશું ન આવ્યું. તારો સમય અને શક્તિ ફોગટ ગયાં! (૨)

હવે તું પસ્તાય તો ય શું? જિંદગીભર તો પાપ જ એકઠું કર્યું ને ? સૂરદાસજી કહે છે, તારી જેમ, જેમણે જેમણે શ્રીકૃષ્ણના નામ-સ્મરણ સિવાય સંસારી સ્વાદમાં જ જિંદગી વેડફી છે, તે બધા હવે માથુ પછાડી પછાડી પસ્તાય છે. (૩)

હે મૂર્ખ મન, તને નથી લાગતું કે તેં આ કિમતી જિંદગી વેડફી મારી ?

ચૈત્ર સુદ-૬, શ્રીયમુનાજીનો ઉત્સવ

(રાગ-આશાવરી)

હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન ।

માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ;

ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।।

ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ ।

સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।।

બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।

જોગી જતિ સતી સંન્યાસી, મગ્ન ભયે તિહારે ગુણગાન ।।૩।।

જૈસે તુરંગ ચલત ધરણી પર, તૈસે ભવરા કરત ગુંજાર ।

‘સૂરશ્યામ’ આધીન તિહારે જય જનની મૈયા કરની કલ્યાન ।।૪।।

ભાવાર્થઃ

‘સૂરશ્યામ’ની છાપનાં પદ શ્રીપ્રભુએ સ્વયં રચ્યાં છે. શ્રીયમુનાજીની વધાઈનું આ પદ ‘સૂરશ્યામ’ની છાપનું છે.

અમે શ્યામસ્વરૂપા શ્રીયમુનાજીનું શરણ ગ્રહણ કર્યું છે. તેથી હે યમુને મૈયા! અમારું ધ્યાન તમારાં ચરણોમાં લાગેલું રહો. તમારાં માતા છે સંજ્ઞાદેવી, તમારા પિતા છે આધિદૈવિક સૂર્યદેવ. તમારા ભાઈ છે ધર્મરાજ શ્રીયમદેવ અને તમારા પતિ છે પ્રભુ પોતે. એવાં શ્રીયમુનાજી પર્વતરાય હિમાલયના પાષાણોમાંથી ઊછળતાં-કૂદતાં, સાત-સાત સમુદ્રોને ભેદીને આપ પૃથ્વી પર પધાર્યાં છો. બ્રહ્માજી પણ તમારું ધ્યાન ધરે છે. વેદ-પુરાણ ભણતા પંડિતો, યોગીઓ, જતિ અને સતી તથા સંન્યાસી સૌ તમારા ગુણગાનમાં મગ્ન છે. જેમ ધરતી પર રેવાલ ચાલે, અશ્વ ચાલે, તેમ આપ પધારી રહ્યાં છો. ભ્રમરો ગુંજારવ કરે છે, એવાં શ્રીયમુનાજી, શ્રીશ્યામસુંદરલાલ પણ આપને આધીન છે. હે શ્રીયમુને મૈયા, આપનો જય થાઓ, આપ સૌનું કલ્યાણ કરો.

ચૈત્ર સુદ-૯, રામનવમી

(રાગઃ દેવગંધાર)

માઈ પ્રગટ ભયે હૈં રામ ।

હત્યા તીન ગઈ દશરથકી સુનત મનોહર નામ ।।૧।।

બંદી જન સબ કૌતુક ભૂલે રાઘવ જન્મ નિધાન ।

હરખે લોગ સબૈ ભુવ પરકે યુવજન કરત હૈં ગાન ।।૨।।

જય જયકાર ભયો વસુધા પર, સંતન મન અભિરામ ।

‘પરમાનંદદાસ’ બલિહારી ચરનકમલ વિશ્રામ ।।૩।।

ભાવાર્થઃ

હે બહેન, શ્રીરામજીનું પ્રાકટ્ય થયું છે. શ્રીરામ-જન્મની વધાઈ સાંભળતાં જ રાજા દશરથની ત્રણ-ત્રણ હત્યાઓનું પાપ નાશ પામ્યું છે. શ્રીરાઘવના જન્મથી ભાટચારણ સૌ આશ્ચર્યચકિત બન્યા છે. પૃથ્વી પરના સર્વ લોકો આનંદિત બનીને શ્રીરામનાં ગુણગાન ગાય છે. પૃથ્વી પર સર્વત્ર જયજયકાર થઈ રહ્યો છે. સંતોના મનને પરમ આનંદ થયો છે. અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજી કહે છે, શ્રીરામનાં ચરણકમલ સૌના માટે વિશ્રામરૂપ છે. હું એ ચરણકમલની બલિહારી જાઉં છું.

ચૈત્ર સુદ-૧, સંવત્સરોત્સવ

(રાગઃ સારંગ)

ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ ।

કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।।

આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત ।

બીરી દેત દાસ ‘પરમાનંદ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।।

ભાવાર્થઃ

અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજીની આ રચના છે.

આજૈ ચૈત્ર માસના પડવાના દિવસે નવા સંવત્સર-વર્ષનો પ્રારંભ થયો છે. આજે નવાં સાજ અને વસ્ત્રો ધારણ કરી, પુષ્પના કુંજમહલમાં શ્રીયુગલસ્વરૂપ-પ્રિયતમ અને પ્રિયાજી બિરાજ્યાં છે. શ્રીયુગલસ્વરૂપ પોતાના શ્રીહસ્તથી પુષ્પમાળાઓ ગૂંથે છે અને પોતાની મનભાવતી રસમય ક્રીડાઓ કરે છે. શ્રીપરમાનંદદાસજી પોતાના આધિદૈવિક સખી સ્વરૂપે શ્રીયુગલસ્વરૂપને પાનની બીડી આરોગાવે છે અને આ લીલાનાં દર્શન કરતાં હરખાઈને તેનાં યશોગાન ગાય છે.

શ્રીગુરુદેવાષ્ટકમ્

શ્રીગુરુદેવાષ્ટકમ્


પુષ્ટિમાર્ગીયસર્વજ્ઞઃ કરુણારસપુરિતઃ ।

શ્રેષ્ઠઃ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રીગુરૂવે નમઃ ।।૧।।

પુષ્ટિમાર્ગના સંપૂર્ણ રહસ્યને જાણનારા, કરુણારસથી પૂર્ણ, સર્વોત્તમ ફળનું દાન કરનાર શ્રીગુરુદેવને નમસ્કાર. (૧)

દૈવીજીવસમુદ્ધર્તા આનંદમયવિગ્રહઃ ।

ધ્યેયોસિ મે સદા સ્વામિન રસિકૈકશિરોમણિઃ ।।૨।।

દૈવી જીવોનો ઉદ્ધાર કરનાર, આનંદમય શ્રીઅંગવાળા હે સ્વામી! રસિક –ભગવદ્ રસના અનુભવીઓમાં આપ શિરોમણી છો. આપ સદા મારે ધ્યાન કરવા યોગ્ય છો. (૨)

પ્રતિબંધનિરાકર્તા પુષ્ટિજ્ઞાનપ્રદીપકઃ ।

સર્વસિદ્ધાન્તવક્તા ય દીનદુઃખાસહઃ પ્રભુઃ ।।૩।।

ભક્તિમાર્ગમાં નડતા પ્રતિબંધોને દૂર કરનાર, પુષ્ટિમાર્ગનું જ્ઞાન આપવામાં દીપક સમાન, સર્વ સિદ્ધાંત કહેનારા, દીનજનોનાં દુઃખ સહન કરનાર આપ સમર્થ છો. (૩)

સર્વદોષપ્રહન્તા ય સર્વાતીત સુખપ્રદઃ ।

બુદ્ધિપ્રેરકભાવાત્મા નમામિ તમહં ગુરુમ્ ।।૪।।

સર્વ દોષોનો નાશ કરનાર, સર્વોપરિ સુખનું દાન કરનાર, બુદ્ધિના પ્રેરક અને ભાવસ્વરૂપ શ્રીગુરુદેવને હું નમન કરું છું. (૪)

સ્વરૂપજ્ઞાનશૂન્યસ્ય કૃપયા નિખિલાઘહૃત ।

કાર્યમાત્રસમર્થાત્મન્ નિજનાથ નમોનમઃ ।।૫।।

સ્વરૂપના જ્ઞાન વિનાઓનાં સર્વ પાપોને કૃપા કરીને હરનાર, સર્વ કાર્યમાં સમર્થ એવા હે નિજભક્તોના નાથ! આપને નમન હો, નમન હો. (૫)

રસમગ્નો ભગ્નદુઃખઃ સર્વદાનવિલક્ષણઃ ।

સર્વાંગસુંદર વિભો રતિનાથવિમોહનઃ ।।૬।।

ભગવદ્ રસમાં નિમગ્ન, દુઃખને ભાંગનાર, સર્વ પ્રકારનું દાન આપવામાં વિલક્ષણ, સુંદર સર્વ શ્રીઅંગવાળા હે વિભો! આપ કામદેવને પણ મોહિત કરો છો. (૬)

ભક્તિપ્રિયો ભાવગમ્યો રસજ્ઞો રસદાયકઃ ।

અતિમાધુર્યનિચયો દુર્લભો ભાવબોધકઃ ।।૭।।

ભક્તિપ્રિય, ભાવને જાણનાર, રસજ્ઞ, રસનું દાન કરનાર, અત્યંત મધુરતાના સમુહરૂપ, દુર્લભ અને ભાવબોધક છો. (૭)

અનન્યધર્મદાતા ચ વ્યભિચારનિવારકઃ ।

શરણાગતસંત્રાતા કાલાદિનયનાશકઃ ।।૮।।

શ્રીવિઠ્ઠલપ્રાપ્તિકર્તા નિજદાસાવલંબકઃ ।।૮-૧/૨।।

અનન્ય એવા ધર્મનું દાન કરનાર, વ્યભિચારનો વિનાશ કરનાર, શરણાગત જીવોનું સારી રીતે રક્ષણ કરનાર, કાલાદિ ભયનો નાશ કરનાર, શ્રીવિઠ્ઠલ સ્વરૂપ-પ્રભુની પ્રાપ્તિ કરાવનાર અને પોતાના સેવકોના અવલંબન રૂપ આપ શ્રીગુરુદેવ છો. (માટે આપને વંદન હો!) (૮-૧/૨)

।।ઇતિ શ્રીનિજદાસ (હરિદાસ) વિરચિતં શ્રીગુરુદેવાષ્ટકમ્ સમાપ્તમ્ ।।

નિજદાસ શ્રીહરિરાયજી વિરચિત શ્રીગુરુદેવાષ્ટક સમાપ્ત થયું.


નોંધઃ

શ્રીહરિરાયજીના બ્રહ્મસંબંધદાતા શ્રીગુસાંઈજીના ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજી હતા. આપણા માર્ગના સિદ્ધાંત મુજબ બ્રહ્મસંબંધદાતા શ્રીવલ્લભકુળના બાળક ગુરુદ્વાર છે અને શ્રીમહાપ્રભુજી ગુરુ છે. તેથી શ્રીહરિરાયજી આ સ્તોત્રમાં ગુરુ શ્રીમહાપ્રભુજી અને ગુરુદ્વાર શ્રીગોકુલનાથજીને વંદન કરે છે.

 

આપણે પણ આ સ્તોત્ર મુખપાઠ કરી, દરરોજ તે ગાતાં-ગાતાં શ્રીમહાપ્રભુજી અને આપણા ગુરુદ્વાર શ્રીવલ્લભકુળને વંદન કરવાં જોઈએ.

મને મારું ગોકુલ યાદ બહુ આવે

મને મારું ગોકુલ યાદ બહુ આવે,

મને તારા મથુરામાં જરાયે ન ફાવે.

મને મારા ગોવાળ યાદ બહુ આવે,

મારા માટે નવાં નવાં માખણ લાવે.

મને મારી ગોપીઓ યાદ બહુ આવે,
મારા માટે નવાં નવાં ખિલૌના લાવે.

મને મારાં જશોદામા યાદ બહુ આવે,

ખાંડણીએ બાંધ્યો એ તો કેમ રે વિસરાય.

મને મારાં યમુનાજી યાદ બહુ આવે,

કાળીનાગને નાથ્યો એ તો કેમ રે ભૂલાય.

મને મારા યમુનાના ઘાટ યાદ બહુ આવે,

રાધા દુલારી ત્યાં જળ ભરવા આવે.

વૃંદાવનની વાટો મને યાદ બહુ આવે,

બંસી બટનો ચોક મને યાદ બહુ આવે.

શરદ પૂનમની રાત મને યાદ બહુ આવે,

ગોપીઓનો પ્રેમ મને કદીયે ન ભૂલાય.

બારણાં વાસીને છપ્પન ભોગ ધરાવે,

માખણ મીસરીનો ભોગ ધરાવે.

માખણ મીસરીને તોલે કાંઈ નવ આવે,

મને મારી વ્રજભૂમિ યાદ બહુ આવે.

થનક થનક થૈઈ થૈઈ રાસ રચાવે,

કૃષ્ણ કહે ઓધવ ઝાઝું શું બોલવું.

ગોકુલની લીલાનો પાર ના આવે,

મને મારું ગોકુલ યાદ બહુ આવે.

તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી

[રાગઃ સારંગ]

[રચનાઃ  પરમાનંદદાસજી]

તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી ।

રાજત પરમ મનોહર સબ અંગ સંગ રાધિકા પ્યારી ।।૧।।

મણિ માણિક હીરા કુંદન ખચિ ડાંડી ચાર ર્સંવારી ।

વિધિકર વિચિત્ર રચ્યો જો વિધાતા અપને હાથ ર્સંવારી ।।૨।।

ગાદી સુરંગ તાફતાકી સુંદર ફરેવાદ છબી ન્યારી ।

છત્ર અનુપમ હાટક કલશા ઝૂમક લર મુકતારી ।।૩।।

ચપલ અશ્વ દ્વૈ ચલત હંસગતિ, ઉપજત હૈ છબિ ન્યારી ।

દિવ્ય ડોર પચરંગ પાટકી કર ગહિ કુંજવિહારી ।।૪।।

વિહરત  વ્રજવીથન  વૃંદાવન  ગોપીજન  મનુહારી ।

કુસુમ અંજુલિ બરખત સુરમુનિ પરમાનંદ બલિહારી ।।૫।।

આજે અષાઢ સુદ બીજ. રથયાત્રાનો ઉત્સવ. પ્રભુ રાધિકાજીની સાથે રથમા બિરાજી વ્રજવિહાર માટે પધાર્યા છે. વ્રજભક્તો દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ ગોઠવાઈ ગયા છે.

એક સખી પ્રભુનો રથ બતાવી બીજી સખીને કહે છેઃ ‘જો સખિ, આ રથમાં ગિરિધરલાલ બિરાજ્યા છે. તેમની સાથે શ્રીરાધિકાજી પણ છે. બંને જણ રથમાં કેવાં શોભી રહ્યાં છે! તેમનાં શ્રીઅંગ પરમ મનોહર છે.’

બીજી સખી કહે છેઃ બહેન, જે રથમાં યુગલ સ્વરૂપ બિરાજ્યા છે, એ રથ પણ જો કેટલો સુંદર છે! વિધાતાએ સંપૂર્ણ વિધિપૂર્વક તેને પોતાના સ્વહસ્તે રચ્યો છે. તેની ચાર દાંડી સુવર્ણની છે. રથમાં મણિ, માણેક, હીરા વગેરે રત્નો જડીને તેને શણગાર્યો છે. તેનાથી રથની સુંદરતા અનુપમ બની છે.

‘અને જો તો ખરી બહેન, એ રથમાં સુંદર ચમકતા રેશમી વસ્ત્રની તો ગાદી બિછાવી છે. ઉપર ધજા ફરકી રહી છે, તેની શોભાની તો શી વાત કરવી? રથનું છત્ર અને કળશ બંને સુવર્ણનાં અને અનુપમ સુંદર છે. ચારે બાજુ મોતીની લરો ઝૂલી રહી છે.’

આ રથને બે ચપળ અશ્વો જોડેલા છે. બંને અશ્વ હંસ જેવી સુંદર ગતિથી ચાલે છે તેથી રથની શોભા અનેરી લાગે છે.

પચરંગી રેશમની દિવ્ય દોરી પોતાના શ્રીહસ્તમાં લઈને કુંજવિહારી પ્રભુ આજે વ્રજભક્તોને દર્શન આપવા વ્રજ વિહાર કરી રહ્યા છે. વ્રજની ગલીઓમાં અને વૃંદાવનમાં વિચરી રહ્યા છે. ગોપીજનો તેમનો પ્રેમથી આદર સત્કાર કરે છે. પોતાના ઘેર પધરાવી વિવિધ શીતલ સામગ્રી આરોગાવે છે. દેવો અને મુનિજનો દર્શન કરીને રથ ઉપર પુષ્પવર્ષા કરે છે.

આ રથયાત્રાનાં દર્શન કરીને પરમાનંદદાસજી યુગલ સ્વરૂપ ઉપર બલિહારી જાય છે.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી