હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)

હિંડોળાનું પદ  (હરિયાળી અમાસ)

રચનાઃ શ્રી ગોવિંદસ્વામી

રાગઃ મલ્હાર

હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી,
તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧)

ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી,
અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨)

મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી,
ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩)

ભાવાર્થઃ

શ્રાવણ માસ પ્રકૃતિ સૌંદર્યનો માસ છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હોય, સવર્ત્ર હરિયાળી છવાઈ હોય,પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોય, વનમાં વૃક્ષો ઉપર ફૂલો ખીલ્યાં હોય, મોર  કોયલનો કલશોર થતો હોય ત્યારે નિસર્ગના આ આનંદભર્યા વાતાવરણમાં વનમાં  કુંજ નિકુંજમાં વૃક્ષની ડાળીએ હિંડોળો બાંધી, વ્રજભકતો શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીને તેમાં પધરાવે છે. પ્રિયા  પ્રિયતમને હિંડોળે ઝુલાવવાનો આનંદ લે છે.

અષાડ સુદ એકમથી શ્રાવણ વદ બીજ સુધીના ૩૨ દિવસ પ્રભુ હિંડોળે ઝૂલે છે. નંદાલયમાં, નિકુંજમાં, શ્રીગિરિરાજજી ઉપર અને શ્રી યમુના પુલિન ઉપર એમ ચાર જગ્યાએ ઝૂલે છે. ચાર યૂથાધિપતિઓના ભાવથી આઠઆઠ દિવસ ઝૂલે છે. અથવા સોળ દિવસ શ્રીઠાકોરજીના અને સોળ દિવસ શ્રી સ્વામિનીજીના એમ યુગલ સ્વરૂપની ભાવનાથી બત્રીસ દિવસ ઝૂલે છે.

વૈષ્ણવો આ ૩૨ દિવસ વિવિધ પ્રકારના કલા  કૌશલ્યથી ભરપૂર હિંડોળાની રચના કરી, પ્રભુને હર્ષોલ્લાસપૂર્વક તેમાં પધરાવી, હૈયાના હેતથી ઝૂલાવી, પ્રભુની સમીપ રહેવાનો આનંદ માણે છે.

અષ્ટસખા પૈકીના પ્રભુના પરમ સખા શ્રી ગોવિંદસ્વામીએ પ્રભુની આ હિંડોળાલીલાનાં દર્શન કરીને ઉપરનું પદ ગાયું છે. કવિ કહે છે કે સુખદાયક એવી વર્ષાઋતુમાં સર્વત્ર હરિયાળી છવાઈ છે. આકાશમાં વાદળો ગર્જી રહ્યાં છે. વીજળી ચમકી રહી છે. શીતલતા અર્પતો વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે. આવા મધુર વાતાવરણમાં પ્રિયાપ્રિયતમ હિંડોળે ઝૂલે છે. સખીઓ ઝૂલાવે છે. કોઈવાર હિંડોળાને ઝોટા દઈને ખૂબ ઊંચે સુધી લઈ જાય છે ત્યારે, વીજળી અને વાદળોની જોરદાર ગર્જના થાય છે ત્યારે, અત્યંત સુકુમાર એવાં રાધાજી મનમાં ડરી જાય છે અને ભયભીત થઈને પોતાના પ્રિયતમશ્રીકૃષ્ણને અંકવારી ભરી લે છે, ભેટી પડે છે. તે સમયે મદનગોપાલ પ્રભુ શ્યામતમાલના વૃક્ષ જેવા અને સુકુમારી રાધા કનકવેલી એટલે સુવર્ણનાં વેલ જેવાં લાગે છે. જાણે શ્યામતમાલના વૃક્ષ ઉપર કનકવેલ વીંટળાઈ ગઈ હોય તેવું લાગે છે. આવા રસિક શ્રી ગિરિધરલાલ અને રસિકની શ્રી રાધાજી ઉપર ગોવિંદસ્વામી બલિહારી જાય છે.

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા

રચનાઃ સૂરદાસજી

રાગઃ મલ્હાર

બોલે માઈ ગોવર્ધન પર મુરવા,
તૈસીયે શ્યામઘન મુરલી બજાઈ, તૈસે હી ઊઠૈ ઝુક ધુરવા (૧)

બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા,
સૂરદાસ પ્રભુ તિહારે મિલનકો, નિસિ જાગત ભયો ભુરવા (૨)

ભાવાર્થઃ

જેઠ અને અષાડ માસની અસહ્ય ગરમીથી વ્રજવાસીઓ અકળાઈ રહ્યાં હતાં. ગોપીજનોને તો ગરમીની સાથે મનભાવન મનમોહનનો વિરહતાપ પણ સતાવતો હતો. આખી રાત જાગીને માંડ માંડ વીતાવી હતી.

પરોઢ થવાની તૈયારી હતી, ત્યાં સામે ગિરિ ગોવર્ધન ઉપરથી મોરનો ટહૂકો સંભળાયો. મોર તો વરસાદનો છડીદાર. વરસાદ આવવાના સૌથી પહેલા એંધાણ મોરને મળે. મોરનો કેકારવ સાંભળી વ્રજવાસીઓને હાશ થઈ. હવે વરસાદ આવશે. ગરમીથી છૂટકારો મળશે.

એટલામાં વાદળોનો ધીમો ધીમો ગડગડાટ પણ સંભળાયો. વ્રજવાસીઓને શ્યામ વાદળોનો આ ગડગડાટ શ્યામની બંસી જેવો જ મીઠો લાગ્યો. પછી તો વર્ષાનાં બિંદુઓ ટપકવા લાગ્યાં. વર્ષાની ધારા થવા લાગી. આ ધારામાં ભીંજાઈને શીતળ પવન વાવા લાગ્યો.

સૂરદાસજી ચંદ્રસરોવર ઉપર બેઠા છે. આખી રાત ગરમીમાં અને પ્રભુમિલનના વિરહતાપમાં માંડ માંડ વીતાવી છે. સવારે વરસાદ આવ્યો અને એમાં ભીંજાતા ભીંજાતા તેઓ મલ્હાર રાગમાં આ પદ ગાઈ રહ્યા છે. કહે છેઃ પ્રભુ, તમને મળવા માટે આખી રાત જાગ્યો છું. હવે સવારની શીતળતાનો અનુભવ થતાં થોડી ઠંડક થઈ પણ તમે મળ્યા નહિ.

અહીં સૂરદાસજી ગોવર્ધન ગિરિ ઉપર મોર બોલે છે એવું કહીને બતાવી રહ્યા છે કે પોતાના હૃદયરૂપી ગોવર્ધન ઉપર પ્રભુના પ્રેમરૂપી મોરલો ટહૂકી રહ્યો છે  પ્રભુને બોલાવવા માટે  જેમ ગિરિગોવર્ધન ઉપર વરસાદને બોલાવવા માટે મયૂર ટહૂકા કરી રહ્યો છે!

મોરના ટહૂકાના જવાબમાં જેમ વાદળો ગડગડાટ કરીને, વરસાદ વરસાવે છે, તેમ પ્રભુ પણ પોતાને પ્રેમથી બોલાવતા ભક્તો માટે મુરલીનો નાદ કરે છે. એ નાદ ભક્તોને વર્ષા જેવો મીઠો લાગે છે. શ્યામ મિલનની આશામાં ભક્તોની આંખમાંથી મોટાં મોટાં અશ્રુબિંદુ વરસે છે, જાણે વર્ષાનાં બિંદુઓની ટપકન! આમ કરતાં સવાર થઈ ગયું. હવે તો રાત્રિની પ્રભુમિલનની આશા અધૂરી રહી ગઈ. બીજી રાત્રિ સુધી રાહ જોવાની રહી.

શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો

શ્રીગુસાંઇજીનું પદ

(રચનાઃ શ્રીમાધવદાસજી)

(રાગઃ ભૈરવ)

શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો,
મંગલરૂપ સદા સુખદાયક દેખિયત તીન લોક ઉજિયારો (૧)

જહાં વલ્લભ સુત અભય વિરાજત, ભક્તજનન કે પ્રાણન પ્યારો,
‘માધોદાસ’ બલ બલ પ્રતાપબલ શ્રીવિઠ્ઠલ સર્વસ્વ હમારો (ર)

ભાવાર્થઃ

જે શ્રીગોકુલ ગામને શ્રીઠાકોરજીએ અને શ્રીગુસાંઇજીએ સનાથ કર્યું છે. તેની રીતભાત (પંડો) જુદી જ છે. કારણ, અહીં શ્રીવલ્લ્ભરાજકુમાર હરહંમેશા બિરાજે છે. તેમના બિરાજવાથી અહીં નિર્ભયતા છે. તેઓ ભક્તજનોના પ્રાણપ્યારા છે, હંમેશાં મંગલ સ્વરૂપ ધારણ કરીને બિરાજે છે, તેથી તેમનાં દર્શન કરતાં જ સુખ થાય છે. તેમના પ્રતાપબલથી તેઓ ત્રણે ય લોકને ઉજ્જવળ કરે છે. માટે માધવદાસ કહે છે કેઃ ‘આવા શ્રીવિઠ્ઠલનાથ આપણું સર્વસ્વ છે, તેથી તેમના પ્રતાપબળ પર હું ઓવારી જાઉં છું.’

અહીં શ્રીગોકુલ ગામનો એક બીજો ભાવ પણ  લઇ શકાય. ‘ગો’ એટલે ઇન્દ્રિયો અને ‘કુલ’ એટલે સમૂહ. જેમાં ઇન્દ્રિયોનો સમૂહ રહેલો છે, તેવો આપણો દેહ. ‘શ્રી’ એટલે પ્રભુ. માટે શ્રીગોકુલ એટલે જે દેહમાં પ્રભુ બિરાજ્યા છે, તેવો વૈષ્ણવી દેહ. આવા વૈષ્ણવની રીતભાત બીજા મનુષ્યો કરતાં તદ્​ન જુદી જ હોય છે. કારણ કે તેમના હૃદયમાં શ્રીવિઠ્ઠલનાથ બિરાજ્યા છે અને તેમના મસ્તક પર શ્રીવિઠ્ઠલનાથના ચરણકમળ બિરાજે છે, માટે અમારા સર્વસ્વ એવા શ્રીવિઠ્ઠલનાથનાં હું ઓવારણાં લઉં છું.

પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ

શ્રીમહાપ્રભુજીનું પદ

(રચનાઃ ગો. શ્રીદ્વારકેશજી)

(રાગઃ ભૈરવ)

પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલનાથ પરમ સુખકારી,
ભવદુઃખહરન ભજનફલપાવન કલિમલહરનપ્રતાપ મહારી  (૧)

શરન આયે છાંડત નાહિ કબહું બાંહ ગહે કી લાજ વિચારી,
તજો અન્ય આશ્રય, ભજો પદ પંકજ, ‘દ્વારકેશ’ પ્રભુ કી બલહારી  (૨)

ભાવાર્થઃ

સવારનો સુંદર સમય છે. સવારે  જાગીને સૌ પ્રથમ સ્મરણ કોનું કરીશું ? જે આપણને સર્વ રીતે સુખરૂપ હોય, તેનું જ સ્મરણ કરવું ગમે. સેવામાં પ્રભુને જગાવતાં પૂર્વે પણ કોનું સ્મરણ સૌ પ્રથમ કરીશું ? જેમની કૃપાથી આ અલૌકિક સેવાનો આનંદ પ્રાપ્ત થવાનો છે. તેમનું જ સ્મરણ કરવાનું હોય. માટે, ભક્ત કવિ કહે છે કેઃ ‘વહેલી સવારે હું શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલપ્રભુનું સ્મરણ કરું છું. કારણ, તેઓ પરમ સુખ આપનારાં છે. આપણા લૌકિક અને અલૌકિક સર્વ પ્રકારના સુખ તેમના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.’

શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલનાથના સ્વરૂપનું ભક્ત કવિ હવે વર્ણન કરે છેઃ ‘આપ પરમ સુખકારી કેમ છે, તેનાં કારણ આપે છે. (૧) શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલ જન્મમરણના દુઃખ હરનારા છે. તેમના શરણે આવ્યા પછી હવે આપણે ફરી બીજો જન્મ લેવો પડશે નહીં, માટે આપ ભવદુઃખહરણ છે. (ર) તેમના શરણે આવવાથી એક બીજું સુખ મળ્યું છે, જે બીજા મનુષ્યોને મળ્યું નથી. તે છે પ્રભુની સેવાનો અલૌકિક આનંદ અને અલૌકિક ફળ. આવું પાવન ભજનફળ આપ આપે છે, માટે તેઓ ભજનફલપાવન છે. (૩) શ્રીવલ્લભના શરણે આવેલો અને સેવા કરતો જીવ પણ આજુબાજુના દુઃસંગથી વિમુખ બની જાય, તેવી શક્યતા ખરી. પરંતુ શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલનો એવો અલૌકિક મહાન પ્રતાપ છે કે તેમનો દ્રઢ આશ્રય રાખીને રહેનાર ભક્તોને, કલિયુગના દોષ લાગતા નથી. તેઓ કલિયુગના દોષોનું હરણ કરે છે, માટે તેઓ કલિમલહરણપ્રતાપ મહારી છે. (૪) શ્રીવલ્લભનું પ્રતાપબળ અદ્ભુત છે. જીવ સ્વાભાવથી દુષ્ટ છે, છતાં આવા જીવને શરણે લઇ પકડ્યો છે, એટલું જ વિચારી (બાંહ ચહે કી લાજ વિચારી) પોતાના ચરણના શરણે આવેલા જીવોને ક્યારે ય છોડતા નથી.

માટે શ્રીદ્વારકેશજી કહે છે કેઃ ‘હે વૈષ્ણવો, તમે બીજા કોઇનો આશ્રય કરશો નહીં. કેવળ શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલના ચરણકમળને ભજો, તેમના જ થઇને રહો. તે પ્રભુની આવી બલિહારી છે.’

ઐસી કો તુમ બિન કૃપા કરે

(રાગઃ ભૈરવ)

ઐસી કો તુમ બિન કૃપા કરે,
લૈત સરન તતછિન કરુનાનિધિ, ત્રિવિધ સંતાપ હરે (૧)

સુફલ કિયો મેરો જનમ, મહાપ્રભુ પ્રભુતા કહિ ન પરે,
પૂરન બ્રહ્મ કૃપા-કટાક્ષ તેં ભવ કોં ‘કુંભન’ તરે. (૨)

ભાવાર્થઃ

શ્રીમહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક કુંભનદાસજી બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા, ત્યારે તેમના મનમાં જાગેલા ભાવ આ પદમાં તેમણે વર્ણવ્યા છે. તેમના વૈષ્ણવી જીવનનું પ્રભાત પ્રગટ્યું, તેથી સવારે ગવાતા ‘ભૈરવ’ રાગમાં તેમણે આ પદ ગાયું.

હે શ્રીમહાપ્રભુ ! આપના વિના આવી કૃપા બીજું કોણ કરે? આપ કરુણા (દયા)ના ભંડાર છો. તેથી શરણે લઈને તે જ ક્ષણે મારી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરી, મારા હૃદયમાં શીતળતા કરી. (૧)

આપના શરણથી મારો જન્મ સફળ થયો. આપની પ્રભુતાની શી વાત કરું? આપ સામાન્ય મનુષ્ય નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ છો. આપના કેવળ કૃપા-કટાક્ષથી (કૃપા ભરી દૃષ્ટિથી) હું-કુંભનદાસ-ભવસાગરને તરી જઈશ. (૨)

ભોર હી વલ્લભ વલ્લભ કહિયે

રચનાઃ શ્રીહરિરાયજી

(રાગઃ ભૈરવ)

ભોર હી વલ્લભ વલ્લભ કહિયે,
આનંદ પરમાનંદ કૃષ્ણમુખ સુમર સુમર આઠોં સિદ્ધિ પૈયે. (૧)

અરુ સુમરો શ્રીવિઠ્ઠલ ગિરિધર ગોવિંદ દ્વિજવરભૂપ,
બાલકૃષ્ણ ગોકુલ-રઘુ-યદુ-પતિ નવ ઘનશ્યામ સ્વરૂપ. (૨)

પઢો સાર વલ્લભવચનામૃત, જપો અષ્ટાક્ષર નિત ધરી નેમ,
અન્ય શ્રવણકીર્તન તજિ નિસદિન સુનો સુબોધિની જિય ધરી પ્રેમ. (૩)

સેવો સદા નંદયશોમતિસુત પ્રેમ સહિત ભક્તિ જિય જાન,
અન્યાશ્રય, અસમર્પિત લેનો, અસદ્ અલાપ, અસત્ સંગ હાન. (૪)

નયનન નિરખોં શ્રીયમુનાજી ઔર સુખદ નિરખોં વ્રજધામ,
યહ સંપત્તિ વલ્લભ તેં પૈયે, ‘રસિક’નકો નહિ ઔરસોં કામ. (૫)

ભાવાર્થઃ

પ્રભુથી વિખૂટા પડે આપણને હજારો વર્ષો થયાં. વિવિધ યોનિના ૮૪ લાખ ફેરામાં અથડાતાં આપણે પ્રભુને ભૂલી ગયા. આપણા મૂળ સ્વરૂપને પણ ભૂલી ગયા. અ બધો સમય આપણા જીવનની ઘોર અધારી રાત હતી.

પ્રભુકૃપાએ આપણને માનવદેહ મળ્યો. શ્રીવલ્લભે કૃપા કરી આપણને સનાથ કર્યા, આપણને બ્રહ્મસંબંધ કરાવી પ્રભુપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવ્યો. આપણા જીવનમાંથી અંધકાર દૂર થયો. આપણા વૈષ્ણવી જીવનનું સોનેરી સવાર ઊગ્યું છે, ત્યારે જીવનની બારીઓ ખોલી નાંખી, આળસ ખંખેરી જાગીએ. અલૌકિક સૂર્ય સ્વરૂપ શ્રીવલ્લભનાં સ્મરણ અને કીર્તનથી આપણા વૈષ્ણવી જીવનનો પ્રારંભ કરીએ.

મહાપ્રભુ શ્રીવલ્લભનું અને આપને વલ્લભ (પ્રિય) એવા પ્રભુનું જાગ્યા ત્યારથી જ સ્મરણ અને કીર્તન કરીએ. ‘શ્રીસર્વોત્તમ સ્તોત્ર’માં પ્રકટ આપનાં ૧૦૮ અલૌકિક નામ-સ્વરૂપોનાં બીજ રૂપ ત્રણ નામ-સ્વરૂપ આનંદ, પરમાનંદ અને શ્રીકૃષ્ણમુખારવિંદનું રાતદિવસ ચિંતન કરીશું તો તેમની કૃપાથી અલૌકિક અષ્ટસિદ્ધિ અવશ્ય સાંપડશે.

તદુપરાંત શ્રીગુસાંઈજી અને આપના સાત કુમાર-શ્રીગિરિધરજી, શ્રીગોવિંદજી, શ્રીબાલકૃષ્ણજી, શ્રીગોકુલનાથજી, શ્રીરઘુનાથજી, શ્રીયદુનાથજી અને શ્રીઘનશ્યામજીનું પણ આપણે સ્મરણ કરીએ.

શ્રીહરિરાયજી આપણાં વૈષ્ણવોના કર્તવ્ય નીચે પ્રમાણે બતાવે છે.

(૧) શ્રીમહાપ્રભુજીના ગ્રંથો વાંચવા, વિચારવા અને સમજવા.
(૨) દરરોજ નિયમપૂર્વક શ્રીઅષ્ટાક્ષરમંત્ર-શ્રીકૃષ્ણ શરણં મમનો જપ કરવો.
(૩) અન્ય લૌકિક બાબતો સાંભળવા-બોલવાનું છોડી દઈ, પ્રેમપૂર્વક શ્રીસુબોધિનીજીનું શ્રવણ હંમેશાં કરવું.
(૪) હૃદયના સાચા નિષ્કામ પ્રેમપૂર્વક શ્રીયશોદોત્સંગલાલિતની સદા સેવા કરવી.
(૫) અન્યાશ્રય, અસમર્પિત ખાન-પાન, અસદાલાપ અને અસત્સંગથી મોટી હાનિ થાય છે તેમ સમજી, તેમનો ત્યાગ કરવો.
(૬) શ્રીયમુનાજી અને સુખદ એવા શ્રીવ્રજધામનાં દર્શન કરવાં.

આ છ પ્રકારની અલૌકિક સંપત્તિ જ સાચી સંપત્તિ છે. તે મહાપ્રભુ શ્રીવલ્લભની કૃપાથી પ્રાપ્ત થશે. આ અલૌકિક સંપત્તિના રસિકોને બીજી કોઈ સંપત્તિનું કામ નથી. માટે ચાલો, પ્રેમથી શ્રીવલ્લભનું નામ રાતદિવસ રટીએ.

મંગલ માધો નામ

મંગલ માધો નામ

(રાગઃ પૂર્વી)

આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઇત કૃષ્ણ, ઉત કૃષ્ણ;
જિત દેખો તિત તિત કૃષ્ણમઈ રી.

મોર મુકુટ ધરેં કુંડલ, કરન ભરેં મુરલી;
મધુર ધ્વનિ તાન નઈ રી. (૧)

કાછિની કાછેં લાલ ઉપરેના, પીત પટ;
તિહિં કાલ સોભા દેખ થકિત ભઈ રી.

‘છીતસ્વામી’ ગિરિધર વિઠ્ઠલેશ પ્રભુવર;
નિરખત છબિ અંગ અંગ છઈ રી. (૨)

ભાવાર્થઃ

કૃષ્ણસ્મરણમાં તલ્લીન બનેલી ગોપિકાનો આ અનોખો અનુભવ છે. તેને પોતાની ચોમેર કૃષ્ણનાં જ દર્શન થાય છે. તે પોતે કૃષ્ણદર્શન અને સ્મરણથી કૃષ્ણમય બની ગઈ. મુરલીમનોહર કૃષ્ણે મોરમુકુટ અને કુંડળ ધારણ કર્યાં છે. પીળા પીતાંબર ઉપર લાલ ઉપરણાનો કાચ્છ બાંધ્યો છે. કોટિકંદર્પ લાવણ્ય કૃષ્ણના સ્વરૂપની શોભાને નિરખતાં તે ગોપિકાના અંગેઅંગમાં કૃષ્ણ છવાઈ ગયા છે.

આ પદ શ્રીગુસાંઈજીના સેવક ભક્તકવિ છીતસ્વામીજીનું છે.

શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે

(રાગઃ સારંગ)

શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે,
નખ સિખ પ્રતિ ભાવન કે ભૂષણ,
વૃંદાવન-સંપત્તિ અંગ અંગે. (૧)

ચટક-મટક ગિરિધર જુકી નાંઈ,
એન મેન વ્રજરાજ ઉછંગે.
‘પદ્મનાભ’ દેખે બની આવે,
સુધ રહી રાસરસાલભ્રૂભંગે. (૨)

ભાવાર્થઃ

શ્રીપદ્મનાભદાસજીને મધ્યાહ્ન સમયે શ્રીવલ્લભના અલૌકિક સ્વરૂપનાં દર્શન થાય છે.

મેઘશ્યામ શ્રીવલ્લભ અનુરાગના રક્તરંગથી-લીલારસરંગથી ગુલાબી કમળની કાંતિ જેવો શોભે છે. આપે નખથી શિખા પર્યંત ભાવ રૂપી અણમોલ આભૂષણ ધારણ કર્યાં છે. રાસાદિક અનેક લીલા રૂપી વૃંદાવનની સંપત્તિ આપના પ્રત્યેક અંગમાં વિલસે છે.

પ્રભુએ સાત દિવસ ગિરિરાજ ધારણ કર્યો, ત્યારે પોતાની ચટકમટક દ્વારા વ્રજભક્તોને સ્વરૂપાનંદનું દાન કર્યું હતું; તેવી જ ચટકમટક શ્રીવલ્લભની પણ છે. આવા શ્રીવલ્લભની ગોદમાં સાક્ષાત શ્રીવ્રજરાજ બિરાજે છે.

આવા અલૌકિક શ્રીવલ્લભના સ્વરૂપનું વર્ણન શબ્દોથી થાય તેવું નથી. તે તો દર્શનથી જ અનુભવાય, કારણ તેમની રસીલી ભ્રૂભંગના દર્શને જ રાસલીલાનું સ્મરણ થઈ આવે છે.

તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ

[ રાગઃ ઈમન ]

તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ,

નિત પ્રતિ મદનગોપાલલાલ કે, ચરનકમલ ચિત્ત લઈયૈ. (૧)

તન પુલકિત બ્રજ-રજમેં લોટત, ગોવિંદકુંડમેં ન્હઈયૈ,

‘રસિક પ્રીતમ’ હિત ચિત કી બાતેં, શ્રીગિરિધારી સોં કહિયૈ. (૨)

‘રસિક પ્રીતમ’ની છાપનાં પદો શ્રીહરિરાયજી રચિત છે.

શ્રી હરિરાયજી ઇચ્છે છે કે શ્રીગોવર્ધન ગિરિરાજની તળેટીમાં રહીએ. ‘ગોવર્ધન’ શબ્દના બે અર્થ છે.

(૧) ગો=ગાયો. ગાયોનું વર્ધન-પોષણ કરનાર. (૨) ગો=ઈન્દ્રિયો. ઈન્દ્રિયોને પ્રભુ પ્રત્યે વધારનાર-દોરનાર. શ્રીગિરિરાજજી આ બંને કાર્યો કરે છે. તેઓ પ્રભુને સુખ આપે છે, ભક્તોની ભક્તિ વધારે છે.

તેમની તળેટી એટલે તેમનાં ચરણકમળ. ત્યાં રહેવાથી તેમનાં દર્શન થાય, પ્રભુનાં લીલાસ્થાનોનાં દર્શન થાય. આપણી આંખો પ્રભુગામી થાય. ત્યાં કાન પ્રભુનાં કીર્તન સાંભળે. ત્યાં નાક પ્રસાદી પુષ્પોની સુગંધ લે. ત્યાં જીભ પ્રભુનાં ગુણગાન ગાય અને મહાપ્રસાદ ખાય. ત્યાં પગ તેમની પરિક્રમા કરે, હાથ સેવા કરે. જગત ભૂલાઈ જાય. હું-મારું ભૂલાઈ જાય. મન-વચન-કર્મમાં છવાઈ જાય શ્રીમદનમોહન, માટે શ્રીગોવર્ધનની તળેટીમાં રહીએ.

અહીં પ્રભુ બે સ્વરૂપે બિરાજે છે. (૧) મદનમોહન સ્વરૂપે ચંદ્રસરોવર પર નિત્ય રાસ કરે છે. (૨) શ્રીગોપાલલાલ સ્વરૂપે નિત્ય ગૌચારણ કરે છે. રાસલીલા રાત્રિકાલીન લીલા છે. ભક્તોને સંયોગનું સુખ આપનારી લીલા છે. ગૌચારણલીલા દિવસકાલીન લીલા છે. ભક્તોને વિપ્રયોગનું દાન કરનારી લીલા છે. આમ, અહીં રાત-દિવસ, સંયોગ-વિપ્રયોગ સ્વરૂપે બિરાજતા પ્રભુના ચરણકમળમાં આપણું ચિત્ત ચોંટેલું રહે. માટે શ્રીગોવર્ધનની તળેટીમાં આપણે રહીએ.

અહીં વ્રજરજ છે અને ગોવિંદકુંડ છે. તેનાં રજ અને જળ બંને શ્રીયુગલ સ્વરૂપના શ્રમ-જલથી સ્વરૂપાત્મક બન્યાં છે. તેમનો સ્પર્શ થતાં પ્રભુના સ્પર્શ જેવા સુખનો રોમાંચ આપણા અંગેઅંગમાં થાય છે. તે રજ અને જળ મુખ દ્વારા હૃદયમાં જતાં, હૃદય પ્રભુને લાયક નિર્મળ બને છે. તેથી તનુનવત્વ પ્રાપ્ત થાય છે. આપણો દેહ, હૃદય અને મન પ્રભુને લાયક અલૌકિક બને છે. માટે શ્રીગોવર્ધનની તળેટીમાં રહીએ.

અહીં આપણા ચિત્તમાં કેવળ પ્રભુના સુખનો જ વિચાર આવે છે. પ્રભુના સુખની આ વાતો બીજા કોઈની આગળ કહીશું નહીં. પ્રભુસુખના મનોરથોની વાતો કેવળ શ્રીગિરિધારીજીને જ કહીશું. શ્રીગિરિધર સ્વરૂપે પ્રભુએ શ્રીગોવર્ધન ધારણ કરી, ભક્તોનું હિત કર્યું હતું. તેથી હવે આપણે તેમના ભક્તો, તેમને સુખ થાય તેવા મનોરથો અહીં એકાંતમાં કરી, તેમને લાડ લડાવીશું. માટે આપણે શ્રીગોવર્ધનની તળેટીમાં રહીએ.

ચાર પંક્તિનું આ પદ ‘ચતુઃશ્લોકી’ની જેમ વૈષ્ણવના ચાર પુરુષાર્થ—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવે છે. તેની પહેલી પંક્તિમાં ધર્મ પુરુષાર્થ છે. શ્રીગોવર્ધનની તળેટીમાં વસવું તે વૈષ્ણવોનો ધર્મ-ફરજ. બીજી પંક્તિમાં અર્થ છે. આપણા અર્થ રૂપ પ્રભુનું સ્મરણ – ‘બડો ધન હરિજનકો હરિનામ’-તે જ આપણું સાચું ધન. ત્રીજી પંક્તિમાં કામ-ઇચ્છા છે. વ્રજરજમાં લોટી, ગોવિંદકુંડમાં નાહી, તનુનવત્વ પામી, પ્રભુની સેવાને લાયક બનવું તે જ આપણી એકમાત્ર ઇચ્છા. ચોથી પંક્તિમાં મોક્ષ છે. સાક્ષાત પ્રભુ સાથે, તેમના સુખના મનોરથોની વાત કરી, તે મનોરથ અંગીકાર કરાવવા તે જ આપણો મોક્ષ.

આ ચારે પુરુષાર્થનું દાન કરવા શ્રીગિરિરાજજી સમર્થ છે, માટે વૈષ્ણવો રોજ રાતે સૂતા પહેલાં આ પદ ગાય છે. પોતાની અભિલાષા શ્રીગિરિરાજજીને નિવેદન કરે છે.

આ ભાવનું ચિંતન કરતાં, શ્રીગિરિરાજજીના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં, આપણે રોજ રાતે સૂતાં પહેલાં  નિયમપૂર્વક આજથી આ પદ ગાઈએ.

શૃંગારનું પદ

શૃંગારનું પદ

શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે.

(રચનાઃ વિષ્ણુદાસ)

(રાગઃ બિલાવલ)

આઓ ગોપાલ સિંગાર બનાઉં,
વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે જુ ન્હવાઉં. (‍૧)

અંગ અંગોછ ગુહૂં તેરી બેની, ફૂલન રુચિ-રુચિ માલ બનાઉં,
સુરંગ પાગ જરતારી તોરા રત્નખચિત સિરપેચ બંધાઉં. (૨)

વાગો લાલ સુનેરી છાપો હરી ઈજાર ચરનન વિચરાઉં,
પટુકા સરસ બેંજની રંગકોં હંસુલી હાર હમેલ બનાઉં. (૩)

ગજમોતિનકે હાર મનોહર વનમાલા લે ઉર પહિરાઉં,
લે દરપન દેખો મેરે પ્યારે નિરખ-નિરખ ઉર નૈન સિરાઉં. (૪)

મધુમેવા પકવાન મિઠાઈ અપને કર લે તુમ્હેં જિમાઉં,
‘વિષ્ણુદાસ’કો યહી કૃપાફલ બાલલીલા હોં નિસદિન ગાઉં. (૫)

શબ્દાર્થઃ

ઉબટનો = સુગંધી પદાર્થોથી દેહને ઘસીને સ્વચ્છ કરવો.
જરતારી = જરીના તારવાળા.
તોરા, શિરપેચ = પાગ ઉપર ધરાતાં આભુષણો.
બેંજની = જાંબલી
હંસુલી, હમેલ = શ્રીકંઠના આભુષણ.

ભાવાર્થઃ

હે ગોપાલ! તમે પાસે, આવો. હું તમારા શૃંગાર કરું. સૌપ્રથમ વિવિધ સુગંધી પદાર્થો આપના શ્રીઅંગે લગાવી, આપને અભ્યંગ કરાવીશ અને પછી ગરમ જલથી સ્નાન કરાવીશ. (૧)

તમારું શ્રીઅંગ લૂછી, તમારા કેશ ગૂંથીશ અને તેમાં ફૂલોની રચના કરીને, તમારા કેશની વેણી બનાવીશ. તે કેશથી શોભતા મસ્તક ઉપર લાલ રંગનો પાગ બાંધીશ. પાગ ઉપર સોનેરી જરીના તોરા અને રત્નજડિત શિરપેચ ધરાવીશ. (૨)

        આપનાં ચરણોમાં લીલા રંગનું સૂથન અને શ્રીઅંગે લાલ રંગનો સોનેરી છાપાનો વાગો ધરાવીશ, વાગા ઉપર જાંબલી રંગનો સુંદર પટકો બાંધીશ. આપના શ્રીકંઠમાં હાંસ, હમેલ, હાર વગેરે આભુષણો ધરાવીશ. (૩)

        તે ઉપરાંત ગજમોતીના હાર અને સુંદર વનમાળા પણ ધરાવીશ. હે પ્રિય ! આપ આપના સુંદર મુખને દર્પણમાં જોશો ત્યારે તે મુખનાં દર્શન કરી, હું મારા હૃદય અને નેત્રોને શીતલ કરીશ. (૪)

        ત્યારપછી સુંદર મેવા, પકવાન અને મીઠાઈ મારા હાથમાં લઈ તમને આરોગાવીશ. વિષ્ણુદાસજી કહે છે કે, આપની આ સેવા એ આપની કૃપાનું જ ફળ છે. તે સેવા કરતાં હું હંમેશાં રાતદિવસ તમારી બાળલીલા ગાઈશ. (૫)

તાજેતરની ટિપ્પણીઓ

    ટૅગ્સ

    આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી