શ્રાવણી પર્વ (૫)

રાસ રમાડે સાંવરિયો

રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

—————————————————————————————-

રસમાં ઘોળી, રંગમાં રોળી;

રાસ રમાડે…. સાંવરિયો. (૧)

શ્રીજી મારો શ્યામ દુલારો,

મધુકર કાળો…. ભમ્મરીયો. (૨)

વેણુ વાગી, રસ અનુરાગી,

મનમાં મલકે…. ચાંદલિયો. (૩)

શ્રીજી મારો શ્યામ દુલારો,

નાચે ઘેઘૂર…. ઘમ્મરીયો. (૪)

નાકે વાળી, આપે તાળી,

હડપચીએ છે…. હીરલિયો. (૫)

શ્રીજી મારો શ્યામ દુલારો,

નયણે મટકે…. ચમ્મરીયો. (૬)

વ્રજની ગોપી, રસમાં ઓપી,

રજની ઊડતી…. ડમ્મરિયો. (૭)

શ્રીજી પ્યારો શ્યામ દુલારો,

‘શ્રાવણી’ને ઉર…. મનહરિયો. (૮)

શ્રાવણી પર્વ (૪)

રાધા માધવકી બન જાયે

રચનાઃ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

——————————————————————-

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-4.mp3|titles=shravani parva-4]

મીત વહી જો બીના બુલાયે,

મનમેં આયે ફિર નહીં જાયે.

ગીત વહી જો અનજાનેમેં,

બાર બાર મુખસે દોહરાયે.

હીત વહી જો અપનેપનસે,

સત્ય જીવનકા પથ દિખલાયે.

પ્રીત વહી જો પાગલપન દે,

પ્રાણોં મેં પીડા ભરજાયે.

રીત યહી હૈ જીનેકી ઈક,

જીંદગી હી બંદગી બન જાયે.

જીત યહી હૈ શ્રાવણી તૂ ભી,

રાધા માધવકી બન જાયે.

શ્રાવણી પર્વ (૩)

પુષ્ટિપતાકા

રચનાઃ પૂ.ગો.૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

પુષ્ટિ પતાકા! તુજે પ્રણામ તુજે પ્રણામ ….પુષ્ટિ પતાકા

વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ,

વલ્લભ કે હમ વૈષ્ણવ હૈ ….પુષ્ટિ પતાકા

ભક્તિઅમૃત પીનેવાલે,

પ્રેમ સભીકો દેનેવાલે

પ્રભુ ચરણોકે પરવાને હમ,

છકે હુએ મતવાલે હૈ ….પુષ્ટિ પતાકા

રાગ ભોગસે દૂર રહેં હમ

ભગવદ્ રસ ભરપૂર રહેં હમ

હરિ હરિ મુખસે રટનેવાલે,

દિવાને દિલવાલે હૈં ….પુષ્ટિ પતાકા

અહંકાર નહીં મનમેં આયે,

દાસોહમ્કી ધૂન લગાયે

સેવક બનકર શ્રીજીકી હમ,

સેવા કરનેવાલે હૈ …..પુષ્ટિ પતાકા

આત્મસમર્પણ ધ્યેય હમારા,

સેવ્ય સદા શ્રી નંદદુલારા

‘‘શ્રાવણી’’ જગમેં પુષ્ટિ પતાકા,

લેકર ચલનેવાલે હૈ ….પુષ્ટિ પતાકા

શ્રાવણી પર્વ (૨)

શ્રાવણી પર્વ (૨)

પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને ૨, લાવ હથેળી, શામળિયા શ્રીનાથજી વગેરે કેસેટો પણ પ્રસિદ્ધ થઈ છે. તો ચાલો, આપણે પણ “શ્રાવણી”નું આવું જ એક સુંદર ભાવવાહી પદ માણીએ.

————————————————————————————-

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-2.mp3|titles=shravani parva-2]

સફળ થયો અવતાર રે…

વલ્લભકુળના વ્હાલા શ્રીનાથજી, શ્રીગોવર્ધનનાથ રે…

હું અબળા મતિ મંદને તોયે, મારો ઝાલ્યો હાથ રે…

લાલકમળદળ લોચન ખોલી, વરસાવી રસધાર રે…

મધુરું મુખડું મલકાવીને, આંખડી કીધી ચાર રે…

ભાન રહ્યું ના મુજને ત્યારે ભૂલી, ઘરને બ્હાર રે…

વદનકમળ શ્રીજીનું નીરખી, પામી પુષ્પનો સાર રે…

લગની એવી મનમાં લાગી, કહ્યું મેં જુગદાધાર રે…

શ્રીજી ઓ સાંવરિયા સ્વામી, આવી છું તમ દ્વાર રે…

યુગ યુગના કંઈ વ્હાણા વાયા, તરછોડી આ નાર રે…

તાણી લો નિજ લીલામાં પ્રભુ, કરશો ના હવે વાર રે…

નથી મને આ ભૂતળ ગમતું, કરોને મુજ ઉદ્ધાર રે…

શ્રીજીએ પછી કરુણા કીધી, કહું શું અપરંપાર રે…

ચરણકમલની રજમાં રાખી, ભુલાવ્યો સંસાર રે…

મુજને લાગ્યું અબળાનો આ, સફળ થયો અવતાર રે…

“શ્રાવણી”ને નિજ સેવાનો પછી, આપ્યો કંઈ અધિકાર રે…

વૈષ્ણવજનનું જીવન સેવા એ હું પામી સાર રે…

શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧)

શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું.

————————————————————————

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-1.mp3|titles=shravani parva-1]

વલ્લભ વ્હાલા વિનંતી મારી

ભાવભરી સ્વીકારજો

અમસરખા જીવોને નિજની

સેવામાં સંભારજો…

વિકળ હૃદય ને નયન આંધળા

આપને જોવા ઝંખે;

કમળ સમી બે આંખડીમાંથી

કરુણારસ વરસાવજો…

મધદરિયામાં નાવડી વલ્લભ!

હાલક ડોલક થાતી;

અંતસમે અલબેલા મારી

નાવડીને હંકારજો…

ચંચળતા ચગડોળે ચઢતી

ચિત્તને ક્યાંય ભમાવે;

વંઠેલા ચિતડાને વલ્લભ!

ચરણોમાં ચોંટાડજો…

અજવાળાં અંતરને આપી

અંધારાં ઉતરાવજો;

સપનામાં સૂતેલા જનને

નિંદરથી ઉઠાડજો…

કહે ‘શ્રાવણી’ વલ્લભ વ્હાલા

પુષ્ટિનો રસ આપજો

દાસજનો પર દયા કરીને

સેવાનું સુખ આપજો…

પવિત્રા બારસ

પવિત્રા બારસ

pavitra baras

સમર્પણ ધોળ

આજનો દિવસ મારે અતિ મંગલકારીજી

શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી.

સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી.

ચિત્તમાં  ચિંતા  તણો  નહિ  પારજી.

જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી.

પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી.

આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી

તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી.

તે જીવનો અમે કરીશું અંગીકાર

કદી નહિ ત્યજીએ એ સમર્પિત જીવને જી.

પ્રભુની વાણી સાંભળી આનંદ ઉર થાયજી

પવિત્રું ધરી મીસરી ભોગ ધરાવ્યોજી

પ્રથમ બ્રહ્મસંબંધ હરસાનીજીને કરાવ્યું જી.

આજનો દિવસ પુષ્ટિપથનો આરંભકારીજી.

દૈવી જીવના ભાગ્ય તણો નહિ પારજી.

‘સુરપ્યારી’ના વલ્લભને આનંદ ઘણો થાય જી.

શ્રાવણ સુદ બારસ-પવિત્રા બારસ. આજે આપણા પુષ્ટિમાર્ગની વર્ષગાંઠ છે. આજે શ્રીમહાપ્રભુજીએ શ્રીદામોદરદાસ હરસાનીજીને સૌપ્રથમ બ્રહ્મસંબંધ આપ્યું. આજે પુષ્ટિમાર્ગની સ્થાપના થઈ.

શ્રીમહાપ્રભુજીએ આજના શુભ દિને શ્રીદામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરીઃ ‘દમલા, યહ મારગ તેરે લિયે હૈ’.

આ આજ્ઞાનું રહસ્ય આપણે વિચારીએ. શ્રીહરસાનીજી સર્વ પુષ્ટિભક્તોનું મૂળ છે. તેમનો જ અંશ આપણા બધા પુષ્ટિ જીવોમાં છે, તેઓ અંશી છે. આપણે તેમના અંશ છીએ. તેથી આ માર્ગ એટલે પુષ્ટિમાર્ગ શ્રીહરસાનીજીના અંશરૂપ પુષ્ટિજીવો માટે જ છે, બધા માટે નથી.

માર્ગની વ્યાખ્યા છેઃ ‘જેના પર ચાલીને નિશ્ચિત લક્ષ્ય મેળવી શકાય તે.’ પુષ્ટિજીવોનું નિશ્ચિત લક્ષ્ય છે ભગવદ્ સેવા – ભગવદ્ પ્રાપ્તિ. આ સિવાય પુષ્ટિજીવોનું કોઈપણ સમયે, કોઈપણ સ્થળે, કોઈપણ સ્થિતિમાં બીજું કર્તવ્ય નથી.

બ્રહ્મસંબંધ દ્વારા પુષ્ટિજીવના હૃદયમાં રહેલી ભક્તિરૂપી બીજને પાંગરવાનો અવકાશ મળે છે. તે જ ભગવદ્ કૃપા. માર્ગે ચાલવા અને લક્ષ્યસ્થાને પહોંચવા ઝડપી સાધન વધુ ઉત્તમ. ભક્તિરૂપી બીજના વિકાસ માટે પ્રારંભમાં ભગવદ્ સેવા-તનુ વિત્તજા સેવા – સાધન સેવા છે. તે જ ભગવદ્ કૃપાથી ફલરૂપા  બને, ત્યારે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.

આવો અધિકાર પુષ્ટિના માર્ગે ચાલવાનો શ્રીમહાપ્રભુજીએ આપણને – પુષ્ટિજીવોને આપ્યો છે, તેથી આપ આજ્ઞા કરે છેઃ ‘યહ મારગ તેરે લિયે હૈ’.

શ્રીદામોદરદાસજીની આડીથી સર્વ પુષ્ટિજીવોનો આજે નવો જન્મ-આધ્યાત્મિક જન્મ થયો. આજે આપણે “વૈષ્ણવ” બન્યા.

આજે આપણે આપણા પોતાના સાચા સ્વરૂપને જાણ્યું. આપણે આપણા સ્વામી-પ્રભુને જાણ્યા. આપણે પ્રભુને સર્વ સમપર્ણ કર્યું. આપણે તેમના દાસ બન્યા. આપણને તેમની સેવાનો અધિકાર મળ્યો.

આજે આપણે શ્રીમહાપ્રભુજીને આપણા ગુરુપદે પધરાવ્યા. આપણે તેમના સેવક બન્યા. તેમણે બતાવેલા માર્ગે – પુષ્ટિમાર્ગે – ચાલવા આપણે પ્રતિજ્ઞા કરી.

હવે આપણે સંસારમાર્ગના ભટકતા, બેજવાબદાર મુસાફર નથી.  આપણે પુષ્ટિપંથના કર્તવ્યનિષ્ઠ, વ્રતધારી યાત્રિક છીએ. ભગવદ્-સેવા-સ્મરણ આપણાં એકમાત્ર કર્તવ્ય છે. વિસરાયેલાં કર્તવ્યોનું આચરણ કરવા આપણે આજથી જ કટિબદ્ધ બનીએ. હજી આપણે મોડા નથી.

“ન ભૂલે તમે છો કૃપામાર્ગ પંથી, કૃપાપાત્ર થવા કરો પ્રેમભક્તિ.”

ચાલો, આપણે સૌ ભય છોડીને, પુષ્ટિના આ રાજમાર્ગે ચાલવાનો આરંભ કરી જ દઈએ. ‘યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.

વર્ષગાંઠના શુભ દિને આપણા ગુરુદેવ શ્રીમહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત.

તમને સૌને વર્ષગાંઠની શુભકામનાઓ.

ભગવદી! દુઃખ માં ધરશો રે

ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક)

દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે,

ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે;

નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧)

સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે;

હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)

માયા મોહ વધે સુખ પામે, વિષય વિષે મન ચૂર રે;

કૃષ્ણ પાસે દુઃખ કુંતાએ માગ્યું, દુઃખમાં હરિ નહિ દૂર. (૩)

તે જ કુસંગ જે હરિને ભુલાવે, સમરાવે તે સત્સંગ રે;

સુખ ભુલાવે ને દુઃખ સમરાવે, માટે ન કરે હરિ ભંગ. (૪)

લૌકિક ક્લેશ અંગીકૃત લક્ષણ, મેળવે શ્રી વ્રજરાય રે,

શ્રીહરિરાયજીનું વાક્ય વિલોકો, શિક્ષાપત્રમાં ગાય. (૫)

કોને મળ્યા કૃષ્ણ કષ્ટ વિના, સાંભળો શાસ્ત્ર પ્રમાણ રે;

વિપત પડે તો યે હરિ ના વિસારે, તેને ગણે હરિ પ્રાણ. (૬)

સુખ આવે છકી નવ જઈએ, દુઃખ આવે નવ ડરિયે રે;

આપણાથી અધિકાને જોઈને, ગર્વ ક્લેશને હરિએ. (૭)

તપે ટીપાય કનક, સહે મોતી-છેદ, તજે ન ઉજાસ રે;

તો મહી-પતિ મન ભાવે ભૂષણ, આપે હૃદય પર વાસ. (૮)

અંતર જામી નથી રે અજાણ્યા, વળી વ્હાલા પોતાના દાસ રે,

‘દયા’ પ્રીતમ માટે સારું જ કરશે, રાખજો દૃઢ વિશ્વાસ. (૯)

ભવ-દધિ=સંસાર-સાગર

સદ્ય=જલ્દી

કરુણાસાગર=દયાનું ધામ-પ્રભુ

હરિ=હરિનામ પાપ સંતાપને મટાડે છે, તે નામ રટવા છતાં દુઃખ ન જાય, તો સમજવું કે દુઃખ રાખવાનું ભગવાનને ગમે છે. (ભક્તના હિત માટે જ તો!)

ધન્ય શ્રી યમુના મા

Yamunaji02

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/018-Dhanya-Shri-Yamuna-Krupa-Kari.mp3|titles=Dhanya Shri Yamuna Krupa Kari]

ધન્ય શ્રી યમુના મા

ધન્ય શ્રીયમુના મા! કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો;

વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો… (ટેક)

તમો મોટાં છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી;

શરણે લેજો અમને તાણી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌

શ્રીવૃંદાવનની વાટમાં, ન્હાવું શ્રીયમુના ઘાટમાં;

વહાલે રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌

ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાશી;

મારા જન્મ-મરણની ટાળી ફાંસી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌

પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા;

વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌

પુષ્ટિશિક્ષા

પુષ્ટિશિક્ષા

શ્રીગોકુળનાથજીના સેવક, જેઓ ‘મોટાભાઈ’ના નામથી પ્રસિદ્ધ હતા, તેમણે સેવા ઉપર ‘પુષ્ટિમાર્ગીય શિક્ષા’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે, જે વૈષ્ણવોએ હૃદયમાં ઉતારી લેવા જેવું છેઃ

અનુવાદકઃ શ્રી વ્રજરત્નદાસ પરીખ

(દોહા)

આ મારગનું મૂળ, ફળ, શ્રીવલ્લભ સિદ્ધાંત,

કરવી સેવા કૃષ્ણની, અવિચ્છિન્ન પ્રેમાંત.

ભગવદીય કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ એક જ છે. અખંડ પ્રેમપૂર્વક તમે શ્રીકૃષ્ણની સેવા જ કરો. શ્રીવલ્લભનો આ સિદ્ધાંત છે. એ પ્રેમ કેવો હોય એનો ખ્યાલ આપે છે

રાત દિવસ સેવા તણો મનમાં ઉમંગ અપાર,

ઊઠવું પ્રાતઃકાલથી, મન ક્લેશ નહિ પલવાર.

સવારમાં ઊઠ્યાં ત્યારથી સતત સેવાનો જ ઉમંગ મનમાં રહ્યા કરે. એનો આનંદ હૃદયમાં ભરેલો હોય, અણગમાની તો વાત જ શી?

બાંધ્યા બંધ શરીરના હરિસેવાને હેત,

સેવાના સંચા કર્યા, ઇન્દ્રિય પ્રાણ સમેત.

આ માનવશરીરની ને ઇન્દ્રિયોની અદ્​ભુત રચના ભગવાને સેવા માટે જ કરી છે; ખાઈપીને મોજ કરવા માટે નહિ. જેમ કોઈ કુશળ કારીગર એન્જિન બનાવે તે ટ્રેઈન ચલાવવાના કાર્ય માટે, નહિ કે ખાલી કોલસા બાળી નાખવા માટે. દૈવી જીવોના દેહ પ્રભુસેવા માટે જ હોય છે. જુઓ શ્રીવલ્લભનું વચનામૃત ‘ભગવદ્​રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર્નાન્યથા ભવેત્.’ પ્રભુના સ્વરૂપની સેવા માટે જ દૈવી સૃષ્ટિને પ્રગટ કરી છે, બીજા કોઈ પણ હેતુથી નહિ.

ઘર સૂનું નવ રાખવું, ક્ષણ વિણ સેવ્ય સ્વરૂપ,

ક્રિયા ભાવ વ્રજભક્તનાં, છે સેવા ફલરૂપ.

સેવા કરો તેમજ વારંવાર ઠાકુરજીને પારકે ઘેર ન પધરાવી દેશો. વળી, શ્રીવ્રજભક્તોનો ભાવ વિચારીને સેવા કરશો તો એમાં એવો આનંદ આવશે કે પ્રભુને છોડવાનું મન જ નહિ થાય. સેવામાં તો રસરૂપ ફળનો આસ્વાદ રહેલો છે.

હવે સેવામાં ખાસ સાચવવા, જેવી એક બાબત સમજાવે છેઃ

અર્ધભુક્ત જે વસ્તુ છે, હરિ વિનિયોગ ન થાય,

શ્રીઠાકુરજીની હોય તો, લૌકિકમાં ન કઢાય.

‘ન મતં દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ્।’ આપણું કે કોઈનું અડધું વાપરેલું, અર્ધભુક્ત કંઈ પણ પ્રભુને ન ધરાય. શ્રીકૃષ્ણ દેવાધિદેવ છે. વળી, પ્રભુસેવા માટે રાખેલી વસ્તુ લૌકિકમાં ન કઢાય. આટલું જરૂર સાચવવું.

હરિ અસમર્પિત વસ્તુ જે, તેનો તજવો સ્વાદ,

ખાનપાન અગ્રાહ્ય છે, હરિને વિના પ્રસાદ.

આ માર્ગના સિદ્ધાંતનું એ રહસ્ય છે કે ‘અસમર્પિત વસ્તુનાં તસ્માદ્ વર્જનમાચરેત્’  વૈષ્ણવ માત્રે પ્રભુને ધર્યા વિનાનું અસમર્પિત તો સર્વથા ન લેવું જોઈએ. એનો સ્વાદ છૂટે તો જ પ્રભુ મળે. ગીતાજી તો એટલે સુધી કહે છે કે ‘ભુંજતે તે ત્વધં પાપા યે પચંતિ આત્મકારણાત્. (૩/૧૩)’ જેઓ પોતાને માટે રાંધે છે, તે અન્ન નહિ પણ પાપ રાંધે છે. ભક્ત કવિ દયારામભાઈ તો એને મોટા રોગ જેવું ગણાવે છેઃ ‘અસમર્પિત અને અન્યાશ્રય બે મહા દુસ્તર રોગ’. (ભક્તિ પોષણ). આપણે આટલો અસમર્પિત ત્યાગ પણ ન કરી શકીએ અને પુષ્ટિમાર્ગીય ફળની મોટી આશા રાખીએ, એ કેમ બને?

હવે મોટાભાઈ કેટલાક સેવાવિષયક નિયમો સમજાવે છે.

ઉત્સવના દિવસો તણો, રહે ન સૂનો લેશ,

ઉત્સવ દિન ઉત્સાહથી કરીએ કંઈક વિશેષ.

નિત્યની સેવા કરતાં ઉત્સવને દિવસે કાંઈક વિશેષતા કરવી જોઈએ. પ્રભુ એવી અપેક્ષા રાખે છે. ઉત્સવ સાવ ખાલી તો ન જ જવા દેવો. સેવા-શૃંગાર-સામગ્રીમાં કંઈક પણ વિશેષ કરવું.

એક વૈષ્ણવ પ્રવાસમાં હતા અને અન્નકૂટ આવ્યો. એ જ્યાં હતા તે ગામડામાં માત્ર જુવાર મળી, તો તેની પણ બે ચીજ બનાવી વૈષ્ણવે પ્રભુની અન્નકૂટની ભાવના કરી લીધી.

હસે ન સેવાને સમય, રહે ન મિથ્યા વાદ,

કોઈથી સેવાને સમય, કદી ન કરે વિવાદ.

સેવામાં એકાગ્રતા જોઈએ. એકાંત સ્થળ હોય તો વધુ સારું. લૌકિક વાતચીતો, વાદવિવાદ એ બધું સેવાના આનંદ ઓછા કરી નાખે છે.

દ્રષ્ટિ બચાવે અવરની ધરતાં ભોગસિંગાર,

સાવધાન રહી સેવા કરે, પડે ન ચૂક લગાર.

પ્રભુને ભોગ ધરતાં અને શૃંગાર કરતાં ટેરો રાખવો. વળી, પ્રભુ પરમ સુકુમાર છે માટે એમને શ્રમ ન પડે તે રીતે સાવધાનતાથી સેવા કરવી. શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે ‘એવં વિધઃ સદા હસ્તે યોગીનાં પારદો યથા’ જેમ હાથમાં પારો સ્થિર રાખવા યોગીજનો ચિત્તની સ્થિરતા સાધે છે, તેવી સ્થિર ચિત્તવૃત્તિ પ્રભુસેવામાં રહેવી જોઈએ.

ગોવિંદ સ્વામીએ કહ્યું છે કે ‘ચિત્ત તો એક હૈ ઈત લગાઉં સો ઉતસોં નિકસ જાય, ઔર ઉત લગાઉં તો ઇંતસો નિકસ જાય.’

હવે મોટાભાઈ સાધન સંપત્તિવાળા વૈષ્ણવોએ કેવી રીતે સેવા કરવી જોઈએ તે બતાવે છેઃ

દ્રવ્યવંત જો હોય તો, નિત નિત નૂતન ભોગ,

નિત્ય વાઘાસિંગારનો, નિત નવનવ ઉપયોગ.

પ્રભુએ જો ધન આપ્યું હોય, તો નિત્ય નવા નવા ભોગરાગશૃંગારથી પ્રભુને લાડ લડવવા. એના જેવો ધનનો ઉત્તમ ઉપયોગ કોઈ નથી.

કસર કરે નવ ખર્ચતાં, વળી કાયર નવ થાય,

લાભ મળે આ જન્મનો, એવો કરે ઉપાય.

જીવનની સાર્થકતા એમાં જ છે. પ્રભુનું સુખ વિચારવામાં કંજુસાઈ ન કરવી. અરે, શરીરથી પણ કાયરતા ન રાખવી.

હરિમંદિર અતિ મોકળાં, ચિત્રવિચિત્ર, વિશાળ,

ધાઈ, ધોઈને રાખીએ, જેવાં ઝાકઝમાળ.

પ્રભુને બિરાજવાનું સ્થાન બને તેટલું સુંદર બનાવવું. દામોદરદાસ સંભરવાળાએ હવાદાર મંદિર ન બને ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરેલી, કેમ કે પ્રભુને તાપ લાગતો હતો. કેવી સ્નેહની ભાવના!

નવી વસ્તુ જે સાંભળે કૃષ્ણ તણો ઉપયોગ,

અતિ શીઘ્ર લાવી કરે, તત્ક્ષણ હરિ વિનિયોગ.

જે કોઈ નવી વસ્તુ મળવા લાગે, તે સત્વર પ્રભુ માટે લાવવી જોઈએ. એક વૈષ્ણવે આ ભાવનાથી તો ગુલાબના ફૂલના લાખ રૂપિયા ખર્ચી દીધા છે અને સાક્ષાત્ શ્રીજી એનાથી ઝૂક્યા છે! કોઈ વૈષ્ણવે મોટા મૂલ્યની કેરી અંગીકાર કરાવી છે. પ્રભુના સુખ આગળ ધનનો શો મોહ?

સામગ્રી બહુ ભાતની, સ્નિગ્ધ મિષ્ટ ને નર્મ,

આરોગાવે  પ્રભુજીને, એ  સેવકનો  ધર્મ.

પુષ્ટિમાર્ગનું પાકશાસ્ત્ર પણ અદ્​ભુત છે. અનેકવિધ સરસ સામગ્રીઓ આરોગાવીને પ્રભુને સુખ અપાય છે. એમાં છે પ્રભુની પ્રસન્નતા!

કુંજ કરવા ઉષ્ણ ઋતુ, સઘળી શીતળ વસ્ત,

જે ઋતુમાં જે જે ઘટે, તે કરવી પ્રેમપરસ્ત.

ઉષ્ણકાળમાં કેટલાક શીતળ ઉપચારો થાય છે. સૂરદાસજીએ ગાયું છે કે ‘મહાકી મધરાતી જૈસી જેઠકી દુપહરિ’  જેઠ માસ જાણે મહા માસની મધરાત જેવો શીતળ બની ગયો છે. ઋતુઋતુનાં વસ્ત્રો, આભૂષણો, સાજ, શૃંગાર, સામગ્રીઓ બધું જ જુદું. રાજા માનસિંહે શ્રીનાથજીનાં દર્શન કરીને કેટલી શીતળતા અનુભવેલી!

હવે સેવાનો હેતુ સમજાવે છેઃ

ઋણીપત સેવાનો રહે, નિત્ય મનમાં પરિતાપ,

ઋણી સુખે નવ સૂઈ શકે, ઋણિયાને સંતાપ.

પ્રભુના અનંત ઉપકારો આપણા ઉપર છે. બદલામાં આપણે પણ પ્રભુને યથાશક્તિ સુખ આપવું જોઈએ. પ્રભુના આપણે ઋણી છીએ. ઋણિયાને નિરાંતે ઊંઘવાનું ક્યાંથી હોય! એને તો ઋણ ચૂકવવાનો પરિતાપ જ હોય ને?

વળી, દાસનો સહજધર્મ છે કે સ્વામીની સેવા કરવી. સેવા કરીને આપણે કંઈ પ્રભુ ઉપર ઉપકાર કરતાં નથી. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જુઓ. રાજભોગ ધરીને બેસતા ત્યારે રડતા કે મારાથી કશું બરાબર બનતું નથી. પ્રભુ કેમ આરોગતા હશે? એમને શ્રમ પડતો હશે?

હરિસેવા મૂકે નહિ, કોઈને વિશ્વાસ,

દેહ રક્ષક થાયે નહિ, ઈન્દ્રિયને અધ્યાસ.

તમારું મન અને ઈન્દ્રિયો તો તમને આળસ કરવાને પ્રેરશે. ચાલો ને કોઈ સેવા કરનાર હોય, તો આપણે નિરાંતે બેસીએ, લૌકિક કાર્યો કરીએ. પણ ના, ના. બીજાને ભરોસે પોતાના પ્રભુને છોડશો નહિ. માતા પોતાના લાડકાને બીજાના ઘરે મૂકી આવે છે?

સેવારસમાં મઝા રહે, મનમાં ઉમંગ અપાર,

પોતાને હાથે કરે, વિવિધ ભોગસિંગાર.

એક કરું બીજું કરું, ત્રીજું કરવા જાય,

ચોથું તે પણ હું કરું, અગ ઉલટ ન માય.

વધુમાં વધુ સેવા કાર્ય પોતાને હાથે કરવાનો આગ્રહ રહે. મનમાં ઉત્સાહનો પાર નહિ. એક પછી એક સેવાકાર્યની મનમાં ધૂન લાગે. કોટાવાળા શ્રી રણછોડલાલજી મહારાજશ્રીએ છપ્પનભોગ પ્રસંગે સતત ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ અખંડ સેવા કરી બતાવી છે. અન્ય ગો. બાળકોએ પણ અદ્​ભુત સેવા કરી બતાવ્યાના અનેક દાખલા મળી આવે છે. ‘આપ સેવા કરી શીખવે શ્રીહરિ.’

વ્યસનવાન વૈષ્ણવ તણી, એ સેવાની રીત,

જ્યહાં સૂપડે, ટોપલે, ડગલે પગલે પ્રીત.

મોટાભાઈ કહે છે કે જેને સેવાનું વ્યસન લાગે છે, તે તો આવા બની જાય છે. અરે! એમના હૃદયમાં પ્રભુના પ્રેમના ટોપલેટોપલા ઠલવાય છે અને એ પ્રીત એમની જીવનમાં ડગલે ને પગલે પ્રગટ થાય છે.

તાજેતરની ટિપ્પણીઓ

    ટૅગ્સ

    આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી