(છંદઃ શાર્દૂલવિક્રીડીત)
સૌન્દર્યં નિજહૃદ્ગતં પ્રકટિતં, સ્ત્રીગૂઢભાવાત્મકં
પુંરૂપં ચ પુનસ્તદન્તરગતં, પ્રાવીવિશત્ સ્વપ્રિયે ।
સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ, કૃષ્ણો હિ યત્સાક્ષિકં
રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ્ ।।
ભાવાર્થઃ
શ્રીઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતાં શ્રીસ્વામિનીજીના સ્ત્રીગૂઢભાવાત્મક સૌન્દર્યસ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રીસ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રીઠાકોરજીનું પુંભાવાત્મક સૌન્દર્યસ્વરૂપ પણ પ્રકટ થયું. આમ, બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારનાં સૌંદર્યસ્વરૂપોને શ્રીઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રીવલ્લભાચાર્યજીમાં પધરાવ્યાં. આમ બંને પ્રકારનાં સ્ત્રીપુંભાવ સૌંદર્યસ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રીકૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ (શ્રીવલ્લભાચાર્યજી) સાથે એકરસ થઇ શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષીરૂપ અને આ ત્રણે સ્વરૂપ જેમાં બિરાજમાન છે, તેવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું (દરેક વૈષ્ણવે) નિત્ય, ઉત્તમ રીતે ધ્યાન ધરવું.
ભાવાનુવાદઃ
રાધા-રૂપ રસે ભર્યું, હૃદયથી પ્રેમે પ્રકાશે પ્રભુ;
ને મૂર્તિ નિજ નાથની મદભરી, પ્રત્યક્ષ કીધી પ્રિયા;
પામે યુગ્મ અનેરું ઐક્ય અહીં એ, ભેટન્ત ભાવે ભરી;
ધ્યાને એ ધરું નિત્ય રૂપ નવલું શ્રીવલ્લભાધીશનું.
ભાવાનુવાદ-શ્રી વ્રજરત્નદાસ ચી. પરીખ (પાટણ)