હોળીના ચાલીસ દિવસ વસંતપંચમીથી કેમ શરૂ થાય છે?

આપણા પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રીઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રીઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે, એટલું જ નહિ પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે.

હોળી ખેલના ઉત્સવના ચાલીસ દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે. બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે. રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત-ધમાર-હોરીના ખેલ દ્વારા પ્રભુ વ્રજભક્તો સાથે વિહાર કરે છે. બધા વડીલોની હાજરીમાં વ્રજલલનાઓ સાથે હોળી ખેલે છે. ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખાનુભવ કરે છે.

ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ – વસંતપંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ – હોળી અને ફાગણ વદ એકમ – ડોલોત્સવ સુધી ૪૦ દિવસ ઉત્સવ મનાવાય છે.

વસંતઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. વસંતઋતુ આવતાં પ્રકૃતિ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને નવાં પાન, ફૂલ, ફળ આવે છે. વન-ઉપવન પુષ્પોની સુંગધ અને પક્ષીઓના કલરવથી મહેંકી ઉઠે છે. તેથી વસંતપંચમીને શ્રીપંચમી પણ કહેવાય છે.

વ્રજમાં કામદેવનો જન્મ વસંતપંચમીને દિવસે થયો છે. તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે. આ કામદેવને શિવજીએ બાળી નાંખેલો એ પ્રસંગ આપણે જાણીએ છીએ. ત્યારપછી કામદેવે શ્રીકૃષ્ણને ત્યાં રુકમણિજીની કૂખે પ્રદ્યુમ્નસ્વરૂપે જન્મ લીધો. માટે જ વસંતપંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમ્ન પ્રાગટ્યોત્સવ પણ મનાવાય છે. શિવજીએ બાળી નાંખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો. પરંતુ આધિદૈવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કયોઁ છે. કારણ પ્રભુ સાક્ષાત્ મન્મથમન્મથ છે. કામદેવને મોહિત કરનારા મદનમોહન છે. વસંતખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે. તેથી વસંતપંચમીને ‘મદનપંચમી’ પણ કહેવાય છે. વસંતોત્સવને ‘મદનમહોત્સવ’ કહેવાય છે.

આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે. પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાં થાય છે. તેથી પુષ્ટિમાર્ગમાં વસંતોત્સવ-હોળીખેલનો પ્રારંભ હોળીના ૪૦ દિવસ પહેલાં એટલે કે વસંતપંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રતિક સમાં કળશનું પૂજન થાય છે. સુવર્ણ કે ચાંદીના કળશમાં જળ ભરી, તેમાં ખજુરીની ડાળી, આંબાની મંજરી, સરસવના ફૂલ, જવ કે ઘઉંની  ઊંબી, ખજૂરીની ડાળીમાં બોર એમ પાંચ વસ્તુઓ કામદેવનાં પાંચ બાણના પ્રતિક રૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવી, તેનું અધિવાસન અને પૂજન થાય છે.

આ રીતે વસંતોત્સવ – વસંતખેલની શરૂઆત થાય છે. પ્રભુને ચંદન, ચોવા, અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે છે. વસંતપંચમીથી દસ દિવસ હળવો ખેલ થાય છે. આ દિવસો વસંતખેલના દિવસો કહેવાય છે. દસ દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય છે. વિવિધ સામગ્રીનો ભોગ ધરાય છે. ત્યાર પછીના ત્રીસ દિવસ હોળી ખેલનાં છે. મહાસુદપૂનમે હોળી દંડારોપણ થયા પછી ધમાર ગવાય છે. ભારે ખેલ થાય છે. ભક્તો કેસૂડો અને પીચકારી તથા અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી, રસભરી લીલા છે. કેસર(કેસૂડો) સ્વામિનીજીના પીતરંગના ભાવથી, ગુલાલ શ્રીલલિતાજીના લાલ રંગના ભાવથી, અબીલ શ્રીચંદ્રાવલિજીના શ્વેતરંગના ભાવથી અને ચોવા શ્રીયમુનાજીના શ્યામરંગના ભાવથી આવે છે.

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૮)

Hori Leela_08

આ ચોથો તબક્કો શ્રીસ્વામિનીજીની સેવાનો છે. અને સ્વામિનીજી પોતાની સાથે અષ્ટસખીઓને પધરાવે છે. એમાં પણ છેલ્લા પાંચ કે છ દિવસ તો સઘન ખેલના છે. કુંજ એકાદશીથી શરૂ થઈને ડોલોત્સવ સુધી. અને આ ખેલ હોરીલીલાનો ખેલ કહેવામાં આવે છે.

પહેલો વસંતલીલાનો ખેલ, બીજો ધમારનો ખેલ, ત્રીજો ફાગનોખેલ અને ચોથો હોરીનો ખેલ.

પહેલો નંદભવનમાં હતો. બીજો પોરીનો – પોળમાં ખેલાતો હતો. ત્રીજો ગલીનો એટલે કે શેરીઓમાં ખેલાતો ખેલ હતો અને હવે છેક બહાર – ચૌટામાં – ભાગોળ ઉપર- મન મૂકીને – માઝા મૂકીને – એકબીજા ઉપર પડીપડીને જે હોળી રમાય, જેનો અદ્‌ભુત આનંદ છે. આનંદની ચરમ અને પરમ સીમાનો જે ખેલ છે. રસમસ્તીનો પૂર્ણ સ્વરૂપાનંદના દાનનો જે પ્રકાર છે, એ આમાં રમાય છે.

હોલાષ્ટકનો પ્રારંભ થાય છે, ત્યારે શયનમાં ગોવિંદસ્વામીની ગાળો ગવાય છે. અદ્‌ભુત છે એ પણ. બે કથાઓ હોલિકાની મળે છે. એક હોરી નામની સ્વામિનીજીની અંતરંગ સખી હતી. એને સ્વામિનીજીની આજ્ઞા હતી.

વસંતમાં કામદેવનો જન્મ વસંતપંચમીએ મનાયો છે. એ કામ પ્રદીપ્ત થતાં થતાં પૂર્ણ પ્રજ્વલિત થઈને આ છેલ્લા દસ દિવસોમાં અતિશય માઝા મૂકે છે. એમાં પણ હોળાષ્ટક એટલે અષ્ટાંગ. આઠ આઠ અંગની અંદર એ કૃષ્ણરસથી સૌને ભરપૂર બનાવી દે છે. અષ્ટસખીઓના આનંદના આ દિવસો છે. એ દિવસોમાં ઠાકોરજી બહાર ચોરે ને ચૌટે પધારીને હોરી ખેલે છે.

યા ગોકુલકે ચોહટે રંગ રાચી ગ્વાલ ।

મોહન ખેલે ફાગ નૈન સલોનેરી રંગ રાચી ગ્વાલ ।।

હવે તો ગામના સીમાડે આવીને ટોળીઓ ને ટોળીઓ બનાવીને બધા હોરી ખેલી રહ્યા છે. અબીલ ગુલાલની પોટલીઓ ઊડાવી રહ્યા છે.

દુંદુભી બાજે ગહગહે નગર કુલાહલ હોય ।

ઉમડ્યો માનસ ધોખકો ભવન રહ્યો નહિ હોય ।।

એટલે વ્રજવાસીઓ બધા જ ચૌટામાં આવી ગયા છે. કોઈ પોતાના ઘરમાં રહ્યું નથી. બધા દોડી દોડીને ગોકુળના બજારમાં એકત્રિત થઈ  ગયાં છે.

કહે છેઃ ગારી દેત સુહાવની. આ વળી સુહાવની ગારી કેવી હોય? ઘણી વાર એવું બને કે આપણા પ્રિયજનો ગાળ આપે ને તોયે એ મીઠી લાગે. તો આમ મીઠી ગાળો આપે છે.

આ રીતે છેલ્લા દસ દિવસમાં ખૂબ રંગ ઊડે છે. સુંદર હોળીખેલ થાય છે. કુંજએકાદશીથી તો ડોલનાં કીર્તનો શરૂ થઈ જાય છે. ડોલ નંદભવનમાં રોપાય છે. એટલે કેટલાંક કીર્તનોમાં યશોદાજી ડોલ ઝૂલાવે છે એવું વર્ણન છે. યમુનાપુલિન ઉપર ડોલ બંધાય છે. શ્રીગિરિરાજજીની કંદરામાં ડોલ બંધાય છે. નિભૃત નિકુંજોમાં પણ ડોલ બંધાય છે. આમ જુદા જુદા ભાવથી જુદાં જુદાં સ્થાનોમાં ડોલ બંધાય છે. ડોલમાં આંદોલન જે થાય છે તે પ્રેમનું આંદોલન છે.

અમારે ત્યાં તો તેરસનો બગીચો પણ થાય છે. આ દિવસોમાં નવી નવી લીલાઓ કરતાં, ખેલના સ્વાંગ રચતાં, ગારીઓ દેતાં, માઝાઓ મૂકતાં એકબીજાને રંગતાં, દોડતાં, કૂદતાં હોળીને દિવસે એક અદ્‌ભુત ખેલ થાય છે. આમ તો શ્રીનાથજીબાવાને રાજભોગ દર્શન સમયે કપોલ રંગાય. પરંતુ હોળીને દિવસે સાંજે શયનમાં કપોલ રંગાય, મંડાય. અમારે ત્યાં કુંજ એકાદશીથી શયનમાં ગુલાલ ઊડે છે. કપોલ મંડાયા પછી શ્રીજીબાવાને વેણુ અને વેત્ર બંને સાથે શ્રીહસ્તમાં ઉપર આપવામાં આવે છે. અમુક જ દિવસે વેણુ અને વેત્ર એક સાથે ઉપર ધરે છે. ગોપાષ્ટમીના દિવસે સંધ્યાર્તિમાં ધરે છે. દાનમાં રાજભોગમાં ધરે છે અને આ દિવસોમાં શ્રીનાથજીબાવા શયનમાં વેણુ-વેત્ર સાથે ધરે છે. એટલે એ દિવસનું એક કીર્તન શ્રાવણીએ બનાવ્યું હતું કારણ કે શ્રીનાથજીબાવાની સામે જ એ બેઠી હતી.

હોરી આઈ હોરી આઈ કોયલ બોલી આવો રે,

કલી કલી તુમ ગલી ગલીમેં કેસર રંગ બરસાવો રે…હોરી આઈ૦

બડો ગ્વારિયા સાંવરિયા હૈ વાકી દાઢી રંગાવો રે

લાલમ લાલ ગુલાલ લગાકર લાલમ લાલ બનાવો રે…હોરી આઈ૦

છડી હાથમેં લેકર ઠાડો તા પર અબીર ઉડાવો રે

રંગરંગીલી હોરીમેં સખી, રસિયાકો નચવાવો રે…હોરી આઈ૦

ફગવા ર્માંગો ફાગ ખિલાવો, ડફ અરુ ઝાંઝ બજાવો રે

શ્યામકિંકરી મન ભાવનકો હોલી આજ મનાવો રે…હોરી આઈ૦

હોળી ખેલતાં ખેલતાં આજે છેલ્લો દિવસ આવી પહોંચ્યો છે ડોલોત્સવનો. ચાર ખેલ ડોલોત્સવમાં થાય. ડોલોત્સવમાં સમગ્ર વ્રજભક્તો એકત્રિત થયા છે. ચારે યૂથની સખીઓ એકત્રિત થઈ છે. પ્રભુને ડોલ ઝૂલાવે છે.

(સંપૂર્ણ)

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૭)

holi Leela_07

તબક્કાવાર આપણે દર્શન કરી રહ્યાં છીએ. પહેલો વસંતનો તબક્કો હતો. બીજો ધમારનો તબક્કો હતો અને આ ત્રીજો જે તબક્કો છે એ છે ફાગનો તબક્કો. ફાગની અંદર હોળી એ રીતે રમાય છે કે બધા ટોળીઓમાં ઘરમાંથી બહાર નીકળે. ઉછળતા, કૂદતા, નાચતા, ગાતા, બજાવતા, પોતપોતાની મંડળીઓમાં નીકળે. અત્યાર સુધી સિંગપોરીમાં (સિંહપોળમાં) હતા. હવે સિંગપોરીમાંથી ગલીઓમાં જાય છે. એકબીજાની ટોળીઓ ઉપર ગુલાલ – અબીલ ઊડાવે છે. કોણ વધારે ગુલાલ ઊડાવે એવી હારજીતની બાજીઓ લાગે છે.

જેમ પહેલી દસ દિવસની સેવા શ્રીયમુનાજીની હતી, બીજી દસ દિવસની સેવા શ્રીચંદ્રાવલીજીની હતી, તેમ આ ત્રીજા દસ દિવસની સેવા શ્રીલલિતાજીની છે. આમાં પણ ધમાલ તો ચાલુ જ હોય છે. ધમાર તો ગવાયા જ કરે છે. અમારે ત્યાં સુરતમાં શ્રીનાથજીના પાટોત્સવ પછી હોળીખેલનો પ્રકાર બદલાઈ જાય છે. પીછવાઈઓ ગુલાલથી છાપેલી સુંદર અને કલાત્મક આવે છે.

ઠાકોરજીનાં વસ્ત્રો ઉપર પણ અબીલગુલાલથી ડિઝાઈનો પાડવામાં આવે છે. ગાદીના જે પટ્ટા ખેલાવીને સુંદર રીતે રંગાતા હતા ત્યાં પણ કંકુ દ્વારા સુંદર છાપ છપાય છે. એકબાજુ શ્રીરાધાજીની ટોળી અને બીજી બાજુ શ્યામસુંદરની ટોળી, એકબાજુ સખીઓનું ઝુંડ આવે, આ બાજુથી સખાઓનું ઝુંડ આવે.

નંદરાયજીના ઘરમાંથી વધાઈઓ વધાવતા વધાવતાં અને પેલી બાજુ વૃષભાનજીના ઘરમાંથી ગાતાં ગાતાં પધારે. તાલ મૃદંગ બાંસુરી વાગે. એકબીજા ઉપર પીચકારીઓ છૂટે.

એક પદમાં તો બહુ સુંદર વાત આવી.

વ્રજમેં હરિ હોરી મચાઈ. કૃષ્ણકનૈયા અને રાધાજીએ વ્રજમાં હોરીની ધમાલ મચાવી દીધી.

ઈતતેં આઈ સુઘર રાધિકા, ઉતતેં કુંવર કન્હાઈ

હિલમિલ ફાગ પરસ્પર ખેલે, શોભા બરની ન જાઈ

નંદઘર બજત બધાઈ.. વ્રજમેં૦

બાજત તાલ મૃદંગ બાંસુરી બીના ડફ સહનાઈ

ઊડત અબીર ગુલાલ કુમકુમા રહ્યો સકલ વ્રજ છાઈ.

માનોં મઘવા ઝર લાઈ… વ્રજમેં૦

કોઈ વીણા વગાડે છે. કોઈ ડફ વગાડે છે. આ દિવસોમાં કુમકુમા ઊડે છે. એ લાખના બને છે અને એમાં ગુલાલ ભરવામાં આવે છે. પછી એ તાકીને મારવામાં આવે છે. હવે તો આ કુમકુમા બહુ જોવા મળતા નથી. પણ જ્યારે બનતા ત્યારે એ કુમકુમા જેની ઉપર પડે તે રંગાઈ જતા.

લેલે રંગ કનક પીચકાઈ સન્મુખ સબે ચલાઈ

છિરકત રંગ અંગ સબ ભીંજે ઝુકઝુક ચાચર ગાઈ,

પરસ્પર લોગ લુગાઈ…. વ્રજમેં૦

એકબીજાના ઉપર પીચકારીથી રંગ છાંટે છે. અહીં ભક્તોનો રંગ ભગવાન ઉપર અને ભગવાનનો રંગ ભક્તો ઉપર લાગે છે. આ રંગ કાંઈ સામાન્ય રંગ ન હતો. આતો પ્રેમનો રંગ હતો. આનંદનો રંગ હતો. ઉમંગનો રંગ હતો. એકબીજાના હૃદયનો રંગ છંટાઈ રહ્યો છે.

ચાચરના ખેલ થાય છે અને કેટકેટલા આનંદ થાય છે.

રાધાને સેન દઈ સખીયનકો ઝુંડ ઝુંડન ઘીર આઈ.

રાધાજીએ ઈશારો કરી સખીઓને પાસે બોલાવી. બધી ભેગી મળીને આવી ગઈ. રાધાજીએ કહ્યું – ‘વાકો પકડકે લાવો.’

લપટ ઝપટ ગઈ શ્યામસુંદરસોં પરવશ પકર લે આઈ

લાલજુકો નાચ નચાઈ  વ્રજમેં૦

શ્રીકૃષ્ણને પકડીને રાધાજી પાસે લઈ આવ્યાં. આખી દુનિયાને નચાવવાળો જે કૃષ્ણ, એને આ ગોપીજનો નચાવે છે.

છીન લઈ હૈ મુરલી પીતાંબર સિરતેં ચુનરી ઊઢાઈ

મુરલી લઈ લીધી, પીતાંબર લઈ લીધું, માથા ઉપર ઓઢણી ઓઢાડી દીધી.

બેની ભાલ નયન બીચ કાજર નકવેસર પહેરાઈ

માનો નઈ નાર બનાઈ  વ્રજમેં૦

આંખમાં કાજળ આંજ્યું. વાંકડિયા વાંકડિયા કેશમાં વેણી ગૂંથી. નાકમાં નકવેસર ધરાવ્યું. માનો નઈ નાર બનાઈ. સુંદર સ્ત્રીવેશ ધારણ કરાવ્યો.

મુસકત હૈ મુખ મોડ મોડકે કહાં ગઈ ચતુરાઈ

અરે લાલા, તેરી ચતુરાઈ કહાં ગઈ? અબ તો બોલ, તુ લુગાઈ ભયો હૈ.

કહાં ગયે તેરે તાત નંદજી કહાં યશોદા માઈ.

કનૈયા બોલ, તું કહેતો હૈ મેંતો વ્રજકો રાજા હૂં, બતા દે અબ તેરી ઠકુરાઈ. તુમ્હેં અબ લે ન છુડાઈ. બોલ તારા બાબાને અહીં બોલાવ તો ખરો. એને ય નચાવી દઈએ અને એનેય લુગાઈના કપડાં પહેરાવી દઈએ.

ફગવા દિયે બિન જાન ન પાવો કોટિક કરો ઉપાઈ

હવે તો અમારા ફગવા નહિ આપો તો કોટિ ઉપાય કરશો તોયે નહિ જવા દઈએ.

લેહું કાઢ કસર સબ દિનકી તુમ ચિત્તચોર ચબાઈ.

બહુત દધિ માખન ખાઈ  વ્રજમેં૦

અમારા ચિત્તના ચોર, હવે અમે આખા વરસની કસર કાઢી લઈશું. તમારું બધું વેર વાળી દઈશું,

બહુત દધિમાખન ખાઈ  અમારા બહુ દહીંમાખણ ખાઈ ખાઈને તગડા થયા છો તો હવે તમને નચાવશું.

રાસવિલાસ કરત વૃંદાવન જહાં તહાં યદુરાઈ

રાધાશ્યામા કી યુગલ જોરી પર સૂરદાસ બલ જાઈ

પ્રીત ઉર રહી સમાઈ. વ્રજમેં હરિ હોરી મચાઈ.

આ ધમારમાં એક શબ્દ આવે છે ‘ચાચર’.

હોળીના દિવસોમાં ચાચર ખેલ બહુ થાય છે. ચાચર એ તાલનું નામ છે. જેમ ધમાર એ તાલનું નામ છે તેમ ચાચર એ તાલનું નામ છે અને લીલાનું નામ પણ છે. જેમ આપણે રાસની અંદર દાંડિયા લઈએ છીએ એમ ચાચર ખેલમાં મોટા મોટા વાંસડા લે છે. મોટા મોટા વાંસડા સાથે આ બાજુ શ્રીસ્વામિનીજીની ટોળી અને આ બાજુ શ્રીઠાકોરજીની ટોળી આવે છે. જેવી રીતે દાંડિયાથી રાસ રમવામાં આવે તેમ આ વાંસડાંથી એકબીજા સાથે રમે છે. કેટલાક લોકો આ વાંસડા રમે છે  કેટલાક પીચકારી ઊડાવે છે. કેટલાક ગુલાલ ઉડાવે છે. આ રીતે રાધા અને ગિરિધર બંને ખિલવાર (ખેલનારા) બનીને ચાચર ખેલ ખેલે છે. ચાચરખેલ ખેલતાં ખેલતાં ગોપીકાઓ કૃષ્ણને ઘેરી વળે છે. એકબાજુ ઘેરી લે છે અને બાજુ એને દ્વે બાપનકો, તું બે બાપનો છે. તારા બાપનાયે ઠેકાણાં નહિ  જેવી ગારી (મીઠીગાળો) સંભળાવે છે. આજે પણ ધમારની એટલી બધી ગાળો શ્રીનાથજીને લોકો દે છે મોઢામોઢ દે છે કે એ આપણાથી સંભળાય પણ નહિ. આ દિવસોમાં પ્રભુને ગાળો આપવાની છૂટ છે. મને લાગે છે કે એ બહાને મનમાં જે રહ્યું હોય તે બધું નીકળી જાય!

ખેલે ચાચર નરનારી માઈ હોરી રંગ સુહાવનો ।

બાજત તાલ મૃદંગ મુરજ

ડફ બીના ઔર સહનાઈ માઈ ।।

હોરીખેલમાં મૃદંગ, ડફ, ચંગ, ઉપંગ વગેરે ઘણા વાજિંત્રો વાગે છે. કેટલાક વાજિંત્રો આજે જાણીતા છે. કેટલાકની આપણને ખબર પણ નથી. લઈ ગુલાલ મારત પીચકારી. એક બાજુ ગુલાલનો માર મારે છે. બીજી બાજુ પીચકારીઓનો માર મારે છે. એક ગોપી તો કનૈયાને ઉંચકીને લઈ આવી છે.

એક ગોપીએ હાથમાંથી મુરલી ખેંચી લીધી. એકે બધા હાર ઉતારી લીધા. એકે મોઢા ઉપર રંગોથી સુંદર ચિતરામણ કર્યું. નેત્રોમાં કાજળ આંજ્યું. એક હસત દે તારી. એક ગોપી તાળીઓ પાડીને હસી રહી છે. એક આલિંગન દેત રહી એક જો વદન નિહારી. એક ગોપીએ કૃષ્ણને આલિંગન આપ્યું છે. એક વારંવાર તેમનું મુખારવિંદ નિહાળી રહી છે. એક અધરરસ પાન કરતી. એક સર્વસ્વ ડારત વારી. એક અધરરસનું પાન કરે છે એક પોતાનું સર્વસ્વ શ્રીઠાકોરજી ઉપર ઓવારી રહી છે. આ વ્રજયુવતીઓનાં ધન્યભાગ્ય છે કારણ કે તેમને આ રીતે શ્રીવિઠ્ઠલ ગિરિધારીલાલ સાથે રસભર્યો વિલાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

આવા આવા અનેક ખેલ થાય છે. હોળીના દિવસમાં સ્વાંગ પણ ઘણા રચવામાં આવે છે. નવા નવા વેશ ધારણ કરી વ્રજવાસીઓ ઠાકોરજીને રીઝવે છે.

ભેરી બાજે ભરૂવા નાચે, આગે ગધૈયા દોરે જુ ।

એવા એવા ખેલ કરે છે ઠાકોરજી. ગધેડાના પૂછ આમળે એટલે ગધેડા દોડે.

તા પાછે સબ ગોપકે લરિકા હો હો હોરી બોલેજુ ।।

હોરી હૈ… હોરી હૈ… હોરી આઈ હૈ એવી બૂમો પાડતા ગોપબાળકો પાછળ દોડે છે.

કમર હિલાવે બાંહ મરોરે અધરનકો રસ લેવેજુ ।

નૈન નચાવે બગલ બજાવે મુખપેં ગુલચા દેવેજુ ।।

ગોપબાલો જાતજાતના ખેલ કરે છે. કમર હલાવે છે. હાથ મરોડે છે. આંખો નચાવે છે. બગલ બજાવીને અવાજ કરે છે. એકબીજાના મુખ ઉપર ગુલચા દે છે.

ભરુવાજીકો મુંડ મુંડાયો નિર્લજ હોકે સબ ખોલેજુ ।

રામદાસ પ્રભુ યા હોરીમેં ઢોલ ઢોલકી બોલેજુ ।।

ભેરી બાજે ને ભરુવા નાચે. આગે ગધૈયા દોરે જુ.

ભરુવાજી એક નિર્લજ્જ માણસ છે. કપડાંયે કાઢી નાખે ને નાચે પણ ખરો. એવો એ અહીં નાચી રહ્યો છે.

આવી આવી તો કેટલીયે લીલાઓ વ્રજની અંદર ચાલે છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ હઁસી-ખેલ-મજાક-આનંદ આ બધું ખૂબ વધે છે.

કોઈ દિવસ વૃષભાનજીને ત્યાંથી કોઈ બ્રાહ્મણ બિચારો નંદભવનમાં આવ્યો હોય કે નંદભવનમાંથી કોઈ બ્રાહ્મણ વૃષભાનજી ત્યાં ગયો હોય તો બિચારાની જોવા જેવી થાય. એની જોવા જેવી ફિલમ ઉતરે. જેવો એ આવે એવા જ બધા એને ઘેરી વળે. બધી ગોપીઓ એને ઘેરી વળે ને કૃષ્ણને જેમ ગોપીઓ શૃંગાર પહેરાવે એમ આ બિચારા પાંડેજીને પણ ગોપીનો શૃંગાર પહેરાવીને નચાવે.

આવી રીતે વ્રજમાં ભૂતળની હોરી ખેલાય છે. આ હોરીખેલનું હરિવલ્લભજીએ એક નાનકડું પણ સુંદર કીર્તન લખ્યું છે. ઠાકોરજી ચોવા, ચંદન, અબીલ, ગુલાલ  પીચકારીઓ ઊડાવીને ખેલ તો ખેલે છે પરંતુ આંખોથી આંખોના ખેલ પણ ખેલે છે.

નયના નયનસોં ખેલે હોરી ।

સામસામે એખબીજાના નેત્રો મળે, ત્યારે નેત્રોની અંદર પણ હોળી ખેલાય છે. કારણ કે નેત્રોની અંદર પણ અનુરાગનો લાલ રંગ છે. કમળ જેવાં મોટાં સુંદર નેત્રો હોય. એમાં અનુરાગ (પ્રેમ) ભરેલો હોય.

લાલ લાડિલી ગુલાલ ઉડાવતિ પલકનકી કરી ઝોરી ।

ઉઘરત મૂંદત મુઠી ચલાવતિ કર કર બૈનન ચોરી ।।

ઘડીકમાં નેત્રો મૂંદે (મીંચે) ઘડીકમાં ખોલે, પાંપણોની ઝોળી બનાની તેનાથી જાણે ગુલાલ ઊડાડે છે.

હરિવલ્લભ પ્રભુ ખેલે હોરી આનંદ સિંધુ ઝકોરી ।।

આમ ઘણીવાર નેત્રોની હોળી પણ ખેલાય છે.

એકવાર વર્ષાઋતુમાં  કારણકે આ હોળીખેલની રસલીલા વર્ષાઋતુમાં શરૂ થઈ છે શ્રાવણીએ જે હોળી જોઈ છે તેની વાત કરે છે.

વર્ષાઋતુમાં મેઘધનુષ્ય હતું. સુંદર રંગો હતા ત્યારે શ્રાવણીએ કલ્પના કરી.

અંબરકે આંગનકી દેખો આજ રંગીલી હોરી ।

અરે ભાઈ, દેખો દેખો. આજ આકાશમેં કૈસી હોરી ખેલી જા રહી હૈ!

પ્રાચીકે રાજાને આકર ઈન્દ્રધનુ પીચકારી ખોલી ।।

પ્રાચીનો રાજા એટલે સૂર્ય. એ પીળાં પીળાં અને લાલ લાલ રંગો લાવે છે.

રંગકેલી કરતે અપને રંગસે ભર દી ઝોલી.

એ રંગોથી એણે વાદળોને ભરી દીધાં છે. તેથી વાદળો આપણને ઘણી વાર કાળાં પણ લાગે છે અને ઘણીવાર લાલ પણ લાગે છે.

બાદલને તબ સોર મચાયા, બીજલીકી જબ આયી ડોલી. ડફ વાગ્યા. વર્ષાઋતુમાં વાદળ ડફ બજાવે. વીજળી મહારાણીની જ્યારે પધરામણી થઈ ત્યારે વાદળોએ ડફ બજાવ્યા. મલયાનિલને કેસર જલસે ઉસકી પીલી કર દી ચોલી. મલયાનીલે આવીને એ વીજળીને એકદમ પીળી પીળી બનાવી દીધી. હરિયાલીકે અવગુંઠનસે એટલે હરિયાળીની સાડી પહેરીને બેઠેલી અવની ફિર ધીરે સે બોલી, વસંતકે ઉત્સવપે આના મેરે આંગનમેં તુ હોલી.

હે હોલી, તું આકાશની અંદર આવી સુંદર લાગે છે. નીચે ક્યારે ઉતરી આવશે? તો એ આકાશની હોળી તો રમાતી હતી વર્ષાઋતુમાં કે જે ઋતુમાં ઠાકોરજી દાનલીલા કરતા હતા. એ હોળી વસંતઋતુમાં નીચે ઉતરી આવી. મેઘધનુષ્યના બધા જ સાતે રંગો નીચે ઉતરી આવ્યા. અને આ કેસરના રંગોની સાથે અમારે ત્યાં અગિયારસથી બધા જ રંગો પણ ઊડે છે. એટલે મને એમ લાગે છે કે મેઘધનુષ્યના રંગો જ આખા વસંત ઉત્સવમાં છવાઈ જાય છે.

આંખોની હોળી, અંબરની હોળી અને આ ભૂતળની હોળી એવો હોળીનો અદ્‌ભુત આનંદ લેતાં લેતાં ચોથો તબક્કો આવ્યો.

(ક્રમશઃ)

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૬)

Holi Leela_06

એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર.

શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય ।

હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।।

શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન ।

પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।।

સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ ।

ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।

વિક્રમ સં. ૧૬૨૩ મહા વદ સાતમના દિવસે આ મનોરથ થયો. શ્રીનાથજીબાવાને વિનંતી કરી. શ્રીનાથજીબાવા હલકા ફૂલ થઈ ગયા. શ્રીગિરિધરજીએ ગોવર્ધન શિખર ઉપરથી પ્રભુને નીચે પધરાવી, મથુરા પધરાવ્યા. મહા વદ સાતમથી લઈ ઠેઠ નૃસિંહ ચૌદશ સુધી ત્યાં બિરાજ્યા. જ્યારે ખબર પડી કે શ્રીગુસાંઈજી હવે ગુજરાતથી પાછા પધારવાના છે. એમને ખબર પડશે તો તેઓ લડશે કારણ આજ્ઞા વગર પ્રભુને પધરાવ્યા છે. એટલે સવારે પ્રભુને પાછા જતિપુરા પધરાવવાનો ઉપક્રમ કર્યો અને સાંજ પહેલા પાછા જતિપુરા પધરાવ્યા. એટલે નૃસિંહ ચૌદશના દિવસે રાજભોગ અને શયનભોગ શ્રીજીબાવાને ભેગા આવ્યા. આજે પણ ભેગા આવે છે.

આજે હોળીદાંડાના દિવસથી બધા રાગ ગવાય છે. એ દિવસોમાં શ્રીગોવર્ધનધરણનો એક પ્રસંગ છે. એકવાર શ્રીગુસાંઈજી શયનના દર્શનમાં શયનભોગ સરાવીને બીડી આરોગાવી રહ્યા હતા અને ગોવિંદસ્વામી બહાર મણિકોઠામાં ઊભા ઊભા કીર્તન કરતા હતા. ત્યાં ઊભા ઊભા ગોવિંદસ્વામીએ એક સુંદર લીલાનાં દર્શન કર્યાં.

ગોવિંદસ્વામીને લાગે છે આજે શ્રીગોવર્ધનધરણનાં નેત્રો ચંચળ બની ગયા છે. એટલા બધાં રસીલાં બની ગયાં છે કે ભક્તોના રસમાં મસ્ત થવાની ભાવના રાખે છે.

શ્રી ગોવર્ધનરાય લાલા તિહારે ચંચલ નયન વિશાલા

હે ગોવર્ધનનાથ, આજે તારા નેત્રો ચંચળ બન્યા છે. ગોવિંદસ્વામીને તો સખા ભાવ છે ને! કહે છેઃ એ નેત્રો કોઈની સાથે રસમસ્તી કરવાની ઝંખના કરે છે.

તિહારે ઉર સોહે વનમાલા આપે વનમાલા ધારણ કરી છે.

આ વનમાલા પણ ભક્તોનું સ્વરૂપ છે. તેમાં દોરી છે એ પ્રેમનું સ્વરૂપ છે. અનેક ભક્તોના મન આપે હૃદય ઉપર ધારણ કર્યા છે. એ જોઈને ‘મોહી રહી સકલ વ્રજબાલા’.

આપના મનોરથો આ વ્રજભક્તો જાણી ગયા છે.

અત્યાર સુધી આપ ભક્તોના મનોરથ પૂર્ણ કરતા હતા. હવે ભક્તોએ ઈચ્છા કરી કે અમે શ્રીગોવર્ધનધરણના મનોરથ પૂર્ણ કરીએ. છે ને પરસ્પર પ્રીતિ!

યાતેં મોહી રહી સકલ વ્રજબાલા.

મુગ્ધભાવે આપના સુંદર વિશાલ નેત્રો અને હૃદય ઉપર શોભતી વનમાલાનાં દર્શન કરી રહ્યાં છે. નેત્રોમાં પ્રીતિરસ છે. એ પ્રીતિ રસ હૃદયમાં રહેલો છે એટલે નેત્ર અને હૃદય બંનેનું દર્શન કરી રહ્યાં છે. શ્રીજીબાવાનાં સુંદર વક્ષઃસ્થલને જોઈ જેમ વનમાલા આલિંગન આપી રહી છે તેમ વ્રજબાલાને પણ થઈ રહ્યું છે કે અમે પણ વનમાલાની માફક શ્રીજીબાવાના ગળામાં ઝૂલીએ. હવે ઠાકોરજી તો ભક્ત મનોરથપૂરક છે.

ખેલત ખેલત તહાં ગયે જહાં પનિહારીનકી વાટ

જેમ સવારે જળ ભરે એમ ગોપીજનો સાંજે પણ જળ ભરતાં હશે. અને વળી તેઓ બહાનું જ શોધતાં હોય કે ઘરમાંથી ક્યારે નીકળીએ અને ગોવિંદ અમને ક્યારે મળે! તો પનિહારીના રૂપમાં એ જળ તો ભરી રહી છે પણ ગાગરો ખાલી થાય છે અને ભરાય છે. ભરાય છે અને ખાલી થાય છે. ખાલી કરે છે ને પાછી ડૂબાડે છે. વળી વળીને જુએ છે કે શ્યામજી ક્યારે પધારે, ક્યારે પધારે! અને ત્યાં તો શ્રીજીબાવા પાછળથી પધાર્યા.

ગાગર ઢોરી સીસતેં  બધાં ગોપીજનોની ગાગરો ઢોળી નાખી. કોઈ ભરન ન પાવે ઘાટ  કોઈ ગાગર ભરી શકતી નથી. અમારો સાંવરો યહી કહે હૈ ઔર રસકો ક્યોં ભરોં સખી, મૈં તુમ્હારે સામને હૂં અપની ગાગર ભર લો મોંસો! તમારી આંખ ભરો, તમારા કાન ભરો, તમારા હૃદય ભરો. આખો રસિકેન્દ્ર શેખર તમારી સામે ઊભો છે!

નંદરાયકે લાડિલે બલિ ઐસો ખેલ નિવાર ।

અરે નંદરાયજીના લાડિલા, આ શું કરો છો? અમારી ગાગરો ઢોળો છો. કૃપા કરીને હવે આ ખેલ બંધ કરો. મનમેં આનંદ ભર રાો મુખ જોવત સકલ વ્રજનાર  મનમાં તો આનંદ છે કે હજુ ગાગરો ઢોળે, હજુ ગાગરો ઢોળે, આનંદ આનંદ વ્રજભક્તોના હૃદયમાં વ્યાપી ગયો છે. ઠાકોરજીના મનમાં પણ અત્યારે મનોરથો થઈ રાા છે કે મારી જેમ આ ગોપીઓ પણ મને છેડે. ક્યા મઝા આગર વો મુઝે ન છેડે? છેડછાડ ન થાય તો પ્રેમમાં આનંદ શું આવે? પ્રેમમાં તો થોડી નટખટતા હોય, થોડાં રિસામણાં મનામણાં હોય, થોડી છેડછાડ હોય તો એમાં આનંદ આવે.

શ્રીસ્વામિનીજી રંગ લઈને ક્યારના પધાર્યા છે. લાગ મળે તો આજે તો કૃષ્ણકનૈયાને રંગી નાખું.

અરગજા કુમકુમ ઘોરીકે પ્યારી કર લીનો લપટાય.

અરગજા અને કંકુ  સફેદ અને લાલ રંગ બંને ભેગા કર્યાં છે. અરગજા એટલે સુગંધી અબીલ. તેમાં કંકુ ભેળવીને જળની અંદર ઘોળી લીધા છે અને તેનાથી બંને હાથ ભરી લીધા છે. પછી પાછળ હાથ રાખી ધીરે ધીરે  અચકા અચકા આઈકે  શ્રીઠાકોરજી હજી તો જોઈ રહ્યા છે. એવામાં ધીરેથી આવીને, ચોર પગલે આવીને, શ્યામસુંદરને ખબર ન પડે એ રીતે પાછળથી  આવીને, શ્રીઠાકોરજીના બંને ગાલ રંગી દીધા.

ગિરિધર ગાલ લગાય. પછી શ્રી રાધાજી ક્યાં ભાગી ગયા તે ખબર ન પડી અને ગોવિંદસ્વામી કીર્તન કરતાં અટકી ગયા. આરતી કરી ગુસાંઈજી પધાર્યા. ગોવિંદસ્વામીને કહે છેઃ ‘તમારી ધમાર તો અધૂરી રહી.’

‘કહા કહૂં મહારાજ, વો ધમાર તો ભાજ ગઈ! જે ધમાલ કરનાર હતી તે તો ભાગી ગઈ. હવે આગળ હું કીર્તન કરું કેવી રીતે? ધમારમાં બે પંક્તિઓ શ્રીગુસાંઈજીએ ઉમેરી છે.

યહ વિધિ હોરી ખેલહી વ્રજવાસીન સંગ લાઈ

શ્રીગોવર્ધનધર રૂપ પર જન ગોવિંદ બલ બલ જાઈ

આ રીતે શ્રીઠાકોરજી વ્રજવાસીઓ સાથે હોરી ખેલી રહ્યા છે.

શ્રીનાથજીનો પાટોત્સવ લગભગ બધા જ ઘરોમાં મનાવાય છે. શ્રીનાથજીની ભાવનાનું સ્વરૂપ પધારે છે. અને જે ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હોય તેમની સાથે એમને ખેલ થાય છે.

આ દિવસોની અંદર શયનના સમયે રાળ પણ ઊડે છે. આમ તમને લાગે કે રાળ દ્વારા અગ્નિની ઝાળ ઊડી રહી છે. એ અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે? શા માટે રાળ ઊડતી હશે? નાનપણમાં જ્યારે બાલકૃષ્ણલાલજીની સામે રાળ ઊડતી જોઉં ત્યારે મને ઘણીવાર થતું કે અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે? પણ વખત જતાં સમજાયું કે આ તો હૃદયનો વિરહાનલ છે. જેમ જેમ ભૂખ ઉઘડતી જાય તેમ તેમ રસની માગ વધતી જાય. હજુ વધારે, હજુ વધારે, વધારે ને વધારે જોઈએ. આ સંયોગરસ એવો છે કે એ હજુ વધારે રસ મળે એવા અગ્નિને પ્રકટ કરે છે. વિપ્રયોગની અંદર જો સંયોગરસ છે તો સંયોગમાં વિપ્રયોગ રસ છે. ઔર મિલે, ઔર મિલે એવી જ હૃદયની લગની છે, એ જ આ અગ્નિ સ્વરૂપે પ્રભુ પાસે પ્રગટ થાય છે. એની ઝાળ જાણે ચારે બાજુથી પ્રદીપ્ત બની જાય છે. અત્યારે આપણે જે ક્રમ જોઈ રહ્યાં છીએ એ ક્રમમાં ઠેઠ વંસતપંચમીથી લઈ દોલોત્સવ સુધી પહોંચવાનું છે. આ દિવસોમાં ઘણા બધા સુંદર કીર્તનો મહાનુભાવોએ ગાયાં છે પણ આપણે એ બધાં સુધી પહોંચી શકીએ તેમ નથી. મહા સુદ દસમથી ફાગણ સુદ પાંચમ સુધી હોરીખેલનો ત્રીજો તબક્કો શરૂ થાય છે.

(ક્રમશઃ)

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૫)

holi-3

કામનાં પાંચ બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામનાં પાંચ બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વીંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે આ જે કળશ છે એમાં પધરાવેલાં આમ્રમંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય ત્યારે રસનો ઉન્માદ વધે છે.

ભાવરૂપે કૃષ્ણનો વિકાસ કઈ રીતે થાય છે અને એ વિકાસ જમીનમાં નહિ પણ ભક્તોના હૃદયમાં કેવી રીતે થાય છે, જેમ એક બીજ રોપ્યા પછી વિશાળ વૃક્ષ બને, વૃક્ષને ફૂલ આવે અને ફળ આવે, ત્યારે એ ફલફૂલવાળું વૃક્ષ કેટલું સુંદર, રસાળ અને મનગમતું બને છે, એમ કૃષ્ણ પણ એક શૃંગારકલ્પદ્રુમ સ્વરૂપે ભક્તોના હૃદયમાં કેવી રીતે વિકાસ પામે છે, એ દર્શાવતો એક બહુ સુંદર શ્લોક શ્રીગુસાંઈજીએ રચ્યો છે.

ભાવૈરંકુરિતંમયિ મૃગદુષા માકલ્પમાસંચિતં

પ્રેમ્ણાકંદલિતં મનોરથમયૈઃ શાખાશતૈસમૃધમં ।

લોલ્યૈ પલ્લવિતં મુદા કુસુમિતં પ્રત્યાશયા પુષ્પિતં

લીલાભિઃ ફલિતં ભજે વ્રજવનિ શૃંગારકલ્પદ્રુમં ।।

આ શૃંગારકલ્પદ્રુમનું બીજ છે ભાવ. ભક્તોના – ગોપીજનોના હૃદયમાં ભાવ ક્યારે આવ્યો? શ્રુતિરૂપાઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો અને ઋષિરૂપાઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો? પ્રારંભના કાળમાં ભગવાનની અનેક લીલાઓ હૃદયમાં સ્ફૂરાયમાન થઈ, એ લીલાઓએ આનંદનો અનુભવ અક્ષરબ્રહ્મ સુધીનો કરાવ્યો. પરંતુ પરમાનંદ હજુ કાંઈક અનુભવાતો ન હતો. ભગવાને જ એમના હૃદયમાં પરમાનંદની પ્રાપ્તિ માટે તાપ મૂક્યો. ભગવાને જ એમને વરદાન આપ્યું.

‘પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપીઓ ભવિષ્યતઃ’ સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપીજનો થઈને પધારશો.’ એ સમયનો તાપ હતો કે ક્યારે પ્રભુ સારસ્વત કલ્પમાં અવતાર લે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પધારે અને ક્યારે પોતાના પૂર્ણ રસાનંદ સ્વરૂપનો અમને અનુભવ કરાવે. ભાવૈઃ અંકુરિતં, આકલ્પમાસંચિતં – બે અર્થો છે. આસંચિતૈઃ ભાવૈઃ – એક કલ્પ સુધી સંઘરી રાખેલો ભાવ. એ ભાવ પોષાતા પોષાતાં – જેમ તડકો પડે અને પછી જ બીજમાંથી અંકુર ફૂટે એવી રીતે – એમના હૃદયમાં કૃષ્ણ અંકુર રૂપે ફૂટ્યા. જ્યારે કૃષ્ણ યશોદાજીને ત્યાં પ્રગટ્યા ત્યારે તમે જોશો તો એ બાલભાવની અંદર પણ શૃંગારભાવ છે. પ્રેંખ પર્યંક શયનં ચિરવિરહ તાપહર મતિ રૂચિર મીક્ષણં – પલનામાં પોઢીને પણ વિરહતાપને દૂર કરતા મધુરું મધુરું હસી રહ્યા છે. હજુ તો નાનકડા લાલ પલને ઝૂલે છે, ત્યાં બાલભાવમાં પણ ગોપીજનોના હૃદયમાં આ ભાવ અંકુરિત થયો.

ઋષિઓના હૃદયમાં ક્યારે ભાવ થયો? રામાવતારમાં જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે એમનો બિલકુલ સરળ સ્વભાવ જોયો ત્યારે પોતે જ એમના હૃદયમાં બિરાજીને એ ભાવ ઉત્પન્ન કર્યો કે હે રામ, આપના સૌંદર્યનો અનુભવ અમે ક્યારે કરીશું? ત્યારે અંદર પુષ્ટિપુરુષોત્તમે પ્રગટ થઈને વરદાન આપ્યું કે કૃષ્ણાવતારની અંદર તમે બધાં અગ્નિકુમારિકાઓ રૂપે પ્રગટશો અને ત્યારે હું તમારા ભાવોને પરિપૂર્ણ કરીશ. એ જે ત્રેતાયુગમાં હૃદયમાં ભાવનો વલોપાત શરૂ થયો હતો એ અંકુરિત થયો કૃષ્ણાવતારમાં – કૃષ્ણના પ્રાગટ્ય પછી.

સમગ્રના ભાવસ્વરૂપે – યશોદોત્સંગલાલિત સ્વરૂપે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું.

‘મયિમૃગદૃષાં’ – મૃગનયની ગોપીઓનો આટલા બધા સમયથી સંઘરી રાખેલો એ ભાવ અંકુરિત થયો અને પછી એમાંથી પ્રેમરૂપી કંદલ એટલે ફણગો ફૂટ્યો. ધીરે ધીરે એમનામાં પ્રેમ જાગ્યો. શૃંગાર રસાત્મક કૂંપળો ફૂટી. સ્નેહાદ્‌ રાગ વિનાશસ્યાત્‌ જે શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં કહ્યું છે તેમ એમના સંસારમાંથી બધા રાગ ઓછા થવા લાગ્યા.

‘મનોરથમયૈઃ શાખાશતૈસમૃધમ્‌’ – એ જે ભાવ હતો, તેમાંથી પ્રેમ જાગ્યો, પ્રેમમાંથી પ્રણય જાગ્યો, ભાવમાંથી અકુર ફૂટ્યા, પ્રેમમાંથી કંદલ એટલે કૂંપળો ફૂટી. પ્રણયની અંદર એની અનેક શાખાઓ થઈ ગઈ. અનેક મનોરથો જાગ્યા – પ્રભુને લાડ લડાવવા માટે, પ્રભુને રસ લેવડાવવા માટે.

‘લોલ્યૈ પલ્લવિતં’ – અને પ્રભુનાં ચપળ નેત્રો અને લલિત લીલાઓ દ્વારા એ સ્નેહ વધુ વિકાસ પામ્યો. મુદા કુસુમિતં – જુદી જુદી લીલાઓ દ્વારા હૃદયમાં જે આનંદ પ્રગટ્યો, એમાંથી રાગ પ્રગટ્યો અને ધીરે ધીરે પ્રેમની કલિકાઓ ફૂટી.

‘પ્રત્યાશયા પુષ્પિતં’ – પછી હૃદયમાં રાગમાંથી અનુરાગ જન્મ્યો. એ કળીનું ફૂલ બન્યું.

‘લીલાભિઃ ફલિતં’ – પછી પ્રભુએ જે દાનલીલા, રાસલીલા કરી, વસંતલીલા કરી એમાં એનું ફળ મળ્યું. વસંતલીલામાં કૃષ્ણનું એ ઉદ્દીપક સ્વરૂપ સુંદર રીતે પ્રગટી ઊઠ્યું. ચોવા, ચંદન, અબીલ ગુલાલ લગાડવાને બહાને થતો શ્રીકૃષ્ણનો સ્પર્શ એ ઉદ્દીપક હતો. કોકિલનું ગાન ઉદ્દીપક હતું. યમુનાજીની લહેરો ઉદ્દીપક હતી. વૃંદાવનમાં ખીલેલી લતાપતા ઉદ્દીપક હતી. વાદ્યોનો મધુર ગુંજારવ ઉદ્દીપક હતો. આ બધી રસમસ્તી માટેની પૂર્વભૂમિકાઓ જ્યારે આવી ત્યારે મદનમહોત્સવ વસંતપંચમીના દિવસે મનાવાયો.

વસંતપંચમી મદન પ્રગટ ભયો, સબ તન મન આનંદ ।

ઠોર ઠોર ફૂલે પલાસ દ્રુમ ઔર મોર મકરંદ ।।

વિવિધ ભાંત ફૂલ્યો વૃંદાવન કુસુમ સમૂહ સુગંધ ।

કોકિલા મધુપ કરત ગુંજારવ ગાવત ગીત પ્રબંધ ।।

આ મદન મહોત્સવ આવતાં જ શયનમાં માન છોડવાનું પદ ગવાય છે. ઐસો પત્ર લિખિ પઠ્યો નૃપ વસંત.

હવે તો રાજા વસંત છે. એનું રાજ ચાલી રહ્યું છે. એ વસંત રાજા પત્ર લખીને માનુનીઓને કહી રહ્યા છે કે હવે તમે માન છોડો.

તુમ તજો માનિની માન તુરંત.

માનુની, તમે આમ કૃષ્ણકનૈયા સાથે મોઢું ફેરવીને બેસી ન રહો. આ તો આનંદલીલાનો સમય આવ્યો છે.

કાગદ નવદલ અંબપાત – વસંત ઋતુએ કાગળ કયો વાપર્યો? નવદલ અંબપાત – એટલે આંબાનું પત્રપાન લીધું છે. દ્વાત કમલ મસિ ભ્રમર ગાત – પછી કાળો ભ્રમર મસિ એટલે કાળી શાહી બન્યો છે. વળી એ ગાઈ રહ્યો છે. ગાતાં ગાતાં જાણે આ પત્ર લખાઈ રહ્યો છે.

લેખની કામકે બાન ચાપ – લેખની કઈ છે? કામના પાંચ બાણોની અને ચાંપ એટલે ધનુષ્યની લેખની એટલે પેન બની છે.

લિખ્યો અનંગ – પત્ર લખ્યો છે વસંત ઋતુના કહેવાથી કામદેવે – અનંગે. એના ઉપર ચંદ્રમાએ મોર છાપ મારી મલયાનિલ પઠ્યો કરી વિચાર – આ પત્ર લાવ્યું કોણ? મલયગિરિથી આવતો પવન એ પત્ર લાવ્યો. વાંચવા કોણ બેઠું? વસંતના પ્રેમના આ બધા પત્રોને વાંચે છે કોણ? વાંચી શુક મોર સુનો નાર. આ પત્રો પોપટ, મોર, કોયલ વાંચી રહ્યાં છે. ગોપીજનો, તમે આ વસંતઋતુનો કામદેવે લખેલો પત્ર વાંચો. ચંદ્રમાએ જેના ઉપર મોર છાપ મારી છે એ પત્ર વાંચો. સુંદર કમળના પાન અને આંબાના પાન ઉપર લખાયેલા પત્ર વાંચો. ભ્રમર જેમાં ગુંજારવ કરી રહ્યા છે એવા આ પત્ર વાંચો.

સૂરદાસ યોં બદત બાન તું હરિ ભજ ગોપી સયાન.

સૂરદાસજી કહી રહ્યા છે હે ગોપી તું માન ત્યજી દે. તું બહુ શાણી, સમજુ, ડાહી હોય તો આ વસંત ઋતુનો ઉત્સવ મનાવી લે.

ઐસો પત્ર લિખિ પઠ્યો નૃપ વસંત, તુમ તજો માનિની માન તુરંત.

કાગદ નવદલ અંબ પાંતિ, દ્વાત કમલ મસિ ર્ભંવર ગાતિ.

લેખન કામ કૈ બાન ચાપ, લિખિ અનંગ સસિ દઈ છાપ.

મલયાનિલ પઠ્યો કરિ બિચાર, બાંચે સુક પિક તુમ સુનોં નાર.

સૂરદાસ યોં બદતિ બાનિ, તૂ હરિ ભજ ગોપી સયાન.

મહાસુદ પૂનમથી હોળીદંડારોપણ થાય છે. ધમારગાન શરૂ થાય છે.

નેક મહોડો માંડન દેહો હોરી કે ખિલૈયા ।

જો તુમ ચતુર ખિલાર કહાવત અંગુરીન કો રસ લેહો ।।૧।।

ઉમડે ઘૂમડે ફિરત રાવરે સકુચિત કાહે હેહો ।

સૂરદાસ પ્રભુ હોરી ખેલો ફગવા હમારો દેહો ।।૨।।

વ્રજભક્તો ફગવા માગવાના બહાને જ્યાંને ત્યાં કૃષ્ણને લઈ જાય છે. કોઈ નચાવે છે, કોઈ કૂદાવે છે. નેક મહોંડો માંડન દેહો – કાના, આજે જરા મુખ ઉપર રંગ લગાવવા દે. જો તુ ચતુર ખિલાર ગણાતો હોય તો અંગુરિનકો રસ લઈ લે. આજે સંકોચ શાનો? અમારી સાથે હોરી ખેલો અને અમને ફગુવા આપો.

(ક્રમશઃ)

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૪)

Hori Leela_04

શ્રીગુસાંઈજીએ સંસ્કૃતમાં દાનલીલા લખી છે. એની પૂર્ણાહુતિમાં એમણે એક પંક્તિ લખી છે. ઈતિ શ્રીમદ્‌ વ્રજેશસ્ય તત્પ્રિયાણાં ચ વાંછિતમ્‌ મિત સર્વસ્વ દાનમ્‌ વિઠ્ઠલઃ સ્વાશ્રયે કરો. શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું, એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રીગુસાંઈજી ભાવના કરે છે.

આવાં ગોપીજનોનો પ્રેમ શ્રીઠાકોરજીમાં સહજ છે. શ્રીઠાકોરજીએ પોતે દાન કરેલો છે. એમની સમગ્ર ઈન્દ્રિયો કૃષ્ણરસમાં સમાઈ ગઈ છે. આ લીલાની સાથે તમે વેણુગીતને જોડી શકો છો. કારણકે વેણુગીતમાં એ ભાવ ગોપીજનોમાં જાગ્યો છે. શ્રીમહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પણ કહ્યું છેઃ ભગવતા સહ સંલાપઃ દર્શનં મિલિતસ્ય ચ. બધી જ ઈન્દ્રિયો કૃષ્ણરસમાં ડૂબી જાય. એટલા માટે પરમાનંદદાસજીએ એક બહુ સુંદર કીર્તન ગાયું છેઃ

ભવન છાંડ બન જઈએ યાતે

માઈ ભવન છાંડ બન જઈએ ।

આંખ રસ કાન રસ બાત રસ નંદનંદનપેં પઈએ ।।

આ સમ્યકતયા ભોગ છે. જેમાં બધી ઈન્દ્રિયો જોડાઈ જાય. કામનું સ્વરૂપ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. શ્રોત્ર, ત્વક્‌, ચક્ષુ, જિહ્‌વા, ઘ્રાણાનામ્‌ આત્મસંયુક્તેન સમુદિષ્ઠિાતાન્‌ તેષુ તેષુ વિષયેષુ આનુકલ્પક પ્રવૃત્તિ કામઃ. આપણા આંખ, નાક, કાન બધું જ મન સાથે પોતપોતાના વિષયોને લઈને પોતાના પ્રિયતમ સાથે જોડાઈ જાય એનું કામ છે.

આવો કામ ગોપીજનોના હૃદયમાં કૃષ્ણસ્વરૂપે પ્રકટ્યો છે. આ સહજ પ્રીત કૃષ્ણ સ્વરૂપે જાગી છે. સહજ પ્રીત ગોપાલ હી ભાવે.

સહજ પ્રીત ગોપાલ હી ભાવે ।

મુખ દેખે સુખ હોય સખીરી પ્રીતમ નૈનસુ નૈન મિલાવે ।।૧।।

સહજ પ્રીત કમલ ઔર ભાને, સહજ પ્રીત કુમુદિની ઔર ચંદે ।

સહજ પ્રીત કોકિલા વસંતે, સહજ પ્રીત રાધા નંદનંદે ।।૨।।

સહજ પ્રીત ચાતક ઔર સ્વાતિ, સહજ પ્રીત ધરણી જલધારે ।

મન કર્મ બચન દાસ પરમાનંદ, સહજ પ્રીત કૃષ્ણ અવતારે ।।૩।।

પરમાનંદદાસજી કહે છે કે આ પ્રેમ એવો સહજ છે કે જેવી રીતે સૂર્ય અને કમળને સહજ પ્રેમ છે, જેમ કુમુદ અને ચંદ્રની સહજ પ્રીતી છે. પંચમ રાગમાં ગાતી કોયલ અને વસંતઋતુને જેમ સંબંધ છે. રાધા અને નંદનંદનની સહજ પ્રીતિ છે. સ્વાતિના બિંદુ માટે ચાતકની જેવી પ્રીતિ છે, ધરતી અને વાદળની જેમ પ્રીતિ છે, તે જ રીતે મન કર્મ વચનથી પરમાનંદદાસજીની પ્રીતિ શ્રીકૃષ્ણમાં છે.

વસંત ઋતુમાં હોળીખેલના ૪૦ દિવસો આવે છે. આ ૪૦ દિવસોને ૪ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. દસ દિવસનો પહેલો તબક્કો, દસ દિવસનો બીજો તબક્કો, દસ દિવસનો ત્રીજો તબક્કો અને દસ દિવસનો ચોથો તબક્કો. સહજ પ્રીત કરનાર ભક્તો ચાર પ્રકારના સ્વભાવવાળા છે. સાત્વિક ભક્તો, રાજસ ભક્તો, તામસ ભક્તો અને નિર્ગુણ ભક્તો. આ ચારેચાર ભક્તોના પ્રતીક સ્વરૂપ વસંતખેલમાં ચાર પદાર્થોનો ઉપયોગ ખેલાવવા માટે કરવામાં આવે છે. ચંદન, ચોવા, ગુલાલ અને અબીલ. સફેદ રંગ સાત્ત્વિક ભાવનો છે. લાલ રંગ રાજસ ભાવનો છે. શ્યામ રંગ તામસ ભાવનો છે. ચંદનીયા રંગ નિર્ગુણ ભાવનો છે. તમે ગમે તેવા રંગ વાપરો પણ ૪૦ દિવસ શ્રીઠાકોરજીને ખેલાવવા માટે આ ચાર રંગો વાપરવા. પછી કેસૂડો વાપરો કે કેસરનો રંગ વાપરો. એ પણ અંતે તો પીળો જ છે.

બીજો ભાવ એવો છે કે ચંદન એ શ્રીસ્વામિનીજીના શ્રીઅંગનો વર્ણ છે. લાલ રંગ સ્વામિનીજીના મુખારવિંદ ઉપર જ્યારે આનંદ વધે છે ત્યારે લાલ લાલ ગુલાબી છવાઈ જાય છે, એનો છે. શ્યામ રંગ શ્રીસ્વામિનીજીની આંખમાં અંજાયેલા કૃષ્ણકાજળનો છે. શ્વેત રંગ આપશ્રીના શ્રીઅંગ ઉપર આનંદની જે કાંતિ વધી છે, એ કાંતિનો રંગ છે. આમ ચોવા, ચંદન, અબીલ, ગુલાલ એ ચાર રંગોથી આપણે આ ભાવથી ખેલાવીએ છીએ.

ચાર યૂથાધિપતિઓ છે. શ્રીયમુનાજી, શ્રીચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રીસ્વામિનીજી. આમ તો બધા જ ભક્તો દરરોજ સેવા કરે છે. પરંતુ આ બધામાં પણ મુખ્ય કોઈ એક હોય છે. એટલે દસદસ દિવસ જુદા જુદા સ્વામિનીજીની મુખ્ય સેવા છે. પહેલા દસ દિવસ શ્રીયમુનાજીની સેવા છે. જોકે એમની સાથે બીજા ભક્તો પણ જોડાયેલા જ હોય છે. આ દસ દિવસ  વસંતપંચમીથી લઈ મહા સુદ ૧૪ સુધી સૂક્ષ્મ ખેલ થાય છે. કેવળ વસંત રાગ ગવાય છે. બીજા બધા રાગ મહા સુદ પૂનમ  હોળી દંડો રોપાય  ત્યારથી શરૂ થાય. બહાર તમે જો વસંત રાગ જોશો તો એ અલગ રીતનો ગવાય છે. એમાં બે જાતના મ ગવાય છે, પરંતુ આપણે ત્યાં જે વસંતરાગ ગવાય છે. એમાં શુદ્ધ મ ગવાય છે. શ્રીગુસાંઈજીએ આપણે ત્યાં મ પ્રધાન વસંતરાગની શરૂઆત કરી છે. એમ કહેવાય છે કે આ જે સાત સ્વર છે  સા, રે, ગ, મ, પ, ધ, ની – એ જુદા જુદા પક્ષીઓના કેકારવમાં બોલવામાં આવતા સ્વરો છે. ષડજ સા એ મયૂરનો કેકારવ છે. ઋષભ રે ચાતકનો સ્વર છે. ગાંધાર ગ  પછી એ કોમળ હોય કે શુદ્ધ હોય  અજ એટલે બકરાના ગળામાંથી નીકળેલો સ્વર છે. મધ્યમ મ  શુદ્ધ કે તીવ્ર  એ ક્રૌંચ પક્ષીના મુખમાંથી નીકળેલો છે. પંચમ એ કોકિલાના એટલે કે કોયલના મુખમાંથી નીકળેલો છે. ધૈવત એટલે ધ એ શુદ્ધ હોય કે કોમળ  એ મંડૂકના એટલે દેડકાના મોઢામાંથી નીકળેલો છે. નિ  નિષાદ એ હાથીની ચિત્કાર – હાથીનો અવાજ છે. આ જે જુદા જુદા રાગો છે એમાં વાદી ને સંવાદી સ્વરો રસ પ્રમાણે આવે છે. મ અને પ આ બે સ્વરો શૃંગાર અને હાસ્યના પ્રધાન સ્વરો છે.

તમે જાણો છો કે ભરત મુનિએ આઠ પ્રકારના રસ કહ્યા છે. સાહિત્યદર્પણકારે નવ પ્રકારના રસ કહ્યા છે અને ભક્તિમાર્ગમાં દસ પ્રકારના રસ છે. મનુષ્યને પોતાના અંતઃકરણમાં જે રસ એટલે આનંદ આવે છે એ ભક્તિમાર્ગ પ્રમાણે દસ પ્રકારે આવે છે અને દરેકના સ્થાયી ભાવો હોય છે. એ સ્થાયીભાવમાંથી રસની નિષ્પત્તિ થાય છે. તો મ અને પ એ શૃંગાર અને હાસ્યરસના પ્રધાન સ્વરો છે. સા અને રે એ રૌદ્ર અને વીરરસના પ્રધાન સ્વરો છે. મ અને ની એ કરુણરસના પ્રધાન સ્વરો છે. ગ એ બિભત્સ – ભયાનક અને અદ્‌ભુત આ ત્રણ રસના પ્રધાન સ્વરો છે. જ્યારે વસંત રાગની વાત આવી ત્યારે આપણા કુંભનદાસજીએ એક બહુ સુંદર પદ ગાયું છે. તેઓ કહે છે કે ભાઈ, તમે બધા રાગોની વાત કરો, હજારો રાગો છે, તેના જુદા જુદા સંમિશ્રણો પણ છે. પણ ઔર રાગ સબ ભયે બારાતી, દુલ્હે રાગ વસંત જ્યારે જાન ઠાઠમાઠથી નીકળે ત્યારે વરરાજા મુખ્ય હોય તેમ બધા રાગોમાં મુખ્ય રાગ તો વસંત છે. કારણ કે એ આનંદ અને પ્રેમનો રાગ છે.

મદન મહોત્સવ આજ સખીરી બિદા ભયો હેમંત.

હેમંત ગયો અને મદનમહોત્સવ આવ્યો છે

મધુર સ્વર કોકિલ કલ કૂજત બોલત મોર હસંત

ગાવત નાર પંચમ સૂર ઊંચે જૈસે પીક ગુણવંત.

હાથ લઈ કનક પિચકાઈ મોહન ચાલ ચલંત

કુંભનદાસ શ્યામા પ્યારીકો મિલ્યો હૈ ભાવતો કંત.

કંત એટલે સ્વામીકંથ.

આ કીર્તન બહુ પ્રસિદ્ધ છે.

આ દસ દિવસની અંદર પ્રિયા – પ્રિયતમને બિરાજમાન કરી નંદભવનમાં સૂક્ષ્મ ખેલ થાય છે. આ ખેલમાં પરસ્પરનાં સૌંદર્યનું દર્શન છે. આ દિવસોમાં પીચકારી નથી ઊડતી, અબીલગુલાલની અંધિયારી નથી થતી અને ઠાકોરજી પાસે અબીલગુલાલની પોટલીઓ પણ નથી પધરાવવામાં આવતી. છડી અને ગેંદ પણ નથી પધરાવવામાં આવતા. અમારા સૂરતના ઘરમાં આ દસ દિવસ ગ્વાલનાં દર્શન સમયે પ્રભુને ખેલાવવામાં આવે છે. કારણકે આ ઘરનો ખેલ છે.

રાજભોગમાં ખેલ હોળીદાંડાથી શરૂ થશે. કારણ પ્રભુ ઘરેથી નીકળીને પોળ સુધી  એટલે કે ઘરની બહાર ખેલવા માટે પધારશે. એટલે આ ‘પોરી કો ખેલ’ થશે.

વસંતપંચમીના દિવસે કળશનું પૂજન થાય છે. કળશમાં આમ્રમંજરીની ડાળખી, ખજૂરીની ડાળી, સરસવનાં પીળાં ફૂલની ડાળી, યવાંકુર, બોરના ફળ, વિવિધ પ્રકારની કળીઓ અને પુષ્પો વગેરે પધરાવવામાં આવે છે. ઉપર પીળું વસ્ત્ર ઓઢાવવામાં આવે છે.

(ક્રમશઃ)

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૩)

4

આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં ।

શ્રીશ્યામા પૂરણ શશિમુખ નિરખત, ઉમગ ચલ્યો વ્રજવૃંદાવનમેં ।।૧।।

ઈત રોક્યો જમુના ઉત ગોપી, કછુક ફૈલ પડ્યો ત્રિભુવનમેં ।

ના પરસ્યો કર્મિષ્ઠ અરુ જ્ઞાની, અટક રહ્યો રસિકન કે મનમેં ।।૨।।

મંદમંદ અવગાહત બુદ્ધિબલ, ભક્ત હેત નિત પ્રત છિનછિનમેં ।

કછુક નંદસુવનકી કૃપા તેં સો દેખિયત પરમાનંદ જનમેં ।।૩।।

સમગ્ર વસંતલીલામાં જો આપ જોશો તો ‘આનંદસિંધુ બઢ્યો હરિ તનમેં’  શ્રીકૃષ્ણના રોમરોમમાં આનંદરસ છલકાઈ રહ્યો છે, પરમાનંદ રસ છલકાઈ રહ્યો છે એવું લાગશે. આનંદ અને પરમાનંદ છલકાય છે ત્યારે એક ઉન્માદની દશા આવે છે અને એ ઉન્માદ એવો હોય છે કે આ આનંદ હું કોને આપું? આ આનંદ હું કોને આપું? એટલે એ રસ સમર્પિત થાય છે. વસંતલીલામાં એ પરમાનંદ પ્રભુ ભક્તોને સમર્પિત થઈ જાય છે. ઉન્માદ  એ રસનો નશો પ્રભુ ભક્તને સમર્પિત કરી દે છે. એમાંથી વિપરિત રતિનો પ્રારંભ થાય છે. ભગવાન ભક્તાધીન બને છે.

સોશ્રૃતે સર્વાન્‌ કામાન્‌ સ બ્રહ્મણા વિપશ્ચિતાઃ – અને એ પ્રેમ જગાડવા માટે આ જે પરસ્પર સમર્પણનો ભાવ છે, એ સમર્પણનો ભાવ પરકીયા ભાવની અંદર જે પ્રગટ થયો, એ તમને મળશે દાનલીલાની અંદર.

તુમ નંદમહરકે લાલ જસુમતિ પ્રાણ આધાર, મોહન જાન દે.

ગોવર્ધનકી શિખરતેં મોહન દીની ટેર

અંતરંગસોં કહત હૈ સબ ગ્વાનિ રાખો ઘેર, નાગરી દાન દે.

બહોત દિન તુમ બચ ગઈ હો દાન હમારો માર

આજ હોં લઈ હોં અપનો દિન દિનકો દાન સંભાર, નાગરી દાન દે.

યહ મારગ હમ નિત ગઈ હો કબહૂ સૂન્યો નહીં કાન

આજ નઈ હોત હૈ સો માગત ગોરસ દાન, મોહન જાન દે.

આ બધી શ્રુતિરૂપા ગોપીજનો, જે પરકીયા ભાવવાળી છે, એ કહે છેઃ લાલા, અમે તમને જાણીએ છીએ. તુમ નંદ મહરકે લાલ ઔર જસુમતિ પ્રાણ આધાર. આમ બે અલગ અલગ કેમ કહ્યા? કારણકે તમે એકલા નંદબાવાના લાલ નથી. નંદસુનુ વિશિષ્ટ યશોદાસુનુ તમે નથી. એટલે નંદરાયજીમાંથી તમે યશોદાજીમાં પધાર્યા, જેમ કોઈ પિતા બીજાધાન કરે અને પછી બાળકનો જન્મ માતામાંથી થાય એમ આપ પધાર્યા નથી. આપ નંદજીના લાલ પણ છો અને યશોદાજીના લાલ પણ છો. બંને અલગ અલગ છો. આ વાત ગોપીગીતની અંદર શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરી છે.

ન ખલુ ગોપીકાનંદનો ભવાન્‌ અખિલ દેહીનામ અંતરાત્મ ધૃક્‌ – આપ યશોદાના લાલ પણ છો ને નંદબાવાના લાલ પણ છો. આપ અમારા ભાવમાંથી પ્રગટ થયા છો. આપ અમારા ભાવભાવાત્મક સ્વરૂપ છો.

આવા પ્રભુ આજે શ્રીચંદ્રાવલીજીને ઉપરથી બોલાવી રહ્યા છે. ગોવર્ધનકી શિખરતેં મોહન દીની ટેર. રાખો ઈનકો ઘેર નાગરી દાન દે. અરે, આખી દુનિયા જેની પાસે માગવા જાય એ કૃષ્ણ કનૈયો અહીં ભક્તો પાસે માગે છેઃ નાગરી દાન દે. આ ગોપીઓ કહે છેઃ મહારાજ, યહ મારગ હમ નિત ગઈ. અમે તો શ્રુતિઓ છીએ. સાધનાના માર્ગે અમે બહુ ગયાં. કેટલાંયે ફળ અને અને રસની વાત અમે કરી. કહું સૂન્યો નહિ કાન. પણ આજે તમે જે રસાત્મક લીલાની વાત કરો છો એ અમે શ્રુતિઓમાં ક્યાંય નથી સાંભળી. નેતિ નેતિ નેતિ.

આજ નઈ યહ હોત હૈ સો માગત ગોરસ દાન. આપ અમારી પાસેથી અમારી ગો એટલે ઈન્દ્રિયોના રસનું દાન માગો છો? પ્રિયજનો, અહીં કૃષ્ણ કામ બન્યા છે. કામ બનીને સમગ્ર ભક્તોને સમ્યકતયા ભોગ આપવાની ભાવના કરે છે. જેમાં બધીજ ઈન્દ્રિયોનો રસ હોય. મન સહિત સમગ્ર ઈન્દ્રિયોનો રસ, તે પણ લૌકિક નહિ, અલૌકિક રસ, સમગ્ર જીવનનું જાણે પરિવર્તન થયું હોય.

અત્યારે તો આપણને લૌકિક ભોગ વર્તન કરાવે છે પરંતુ અહીં તો સમગ્ર પરિવર્તન થઈ ગયું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા ‘વેસ્ટ’ છે. જ્ઞાનીઓ કહે છેઃ એને કાઢો, એને કાઢો. એને મારો, એને મારો. અને ભક્તિમાર્ગમાં તો કહે છે ‘વેસ્ટને પણ બેસ્ટ બનાવો.’ આ બધાને ફેંકી દેવાને બદલે ઠાકોરજી સાથે જોડી દો. એને દબાવો એટલે સપ્રેશન. તમે સ્પ્રીંગને દબાવો તો શું થાય? દબે તો ખરી પણ પાછી એવી ઉછળે, એવી ઉછળે કે તમને ફેંકી દે. એટલે સપ્રેશન નહિ પરંતુ સબ્લીમેશનનો માર્ગ અપનાવો. એના ઉર્ધ્વીકરણનો, નવીનીકરણનો માર્ગ અપનાવો. એનું સ્વરૂપ જ બદલી નાખો. આ દુનિયામાં કોઈપણ વસ્તુ એવી નથી કે જેનો કૃષ્ણ અંગીકાર કરતા નથી. સમસ્ત વસ્તુઓનો અંગીકાર કૃષ્ણ કરે છે અને જેમ ગંગાજીમાં મળેલું જળ ગંગારૂપ બની જાય છે એમ કૃષ્ણ સાથે મળેલી તમામ વૃત્તિઓ કૃષ્ણરૂપ બની જાય છે. કૃષ્ણરૂપ બનેલી એ વૃત્તિઓ પછી સંસારને ઉત્પન્ન કરતી નથી.

ભગવાને પોતે જ વેણુગીતના અંતમાં ગોપીજનોને કહ્યું છે કે જેમ બીજ શેકી નાખવામાં આવે તો એમાંથી કોઈ અંકુર ફૂટતો નથી, એવી રીતે એકવાર જેને મારી, મારા પ્રેમની લગની લાગી ગઈ છે તેમનામાં પછી કોઈ દિવસ લૌકિક અંકૂરો ફૂટતા નથી. આ એક અદ્‌ભુત નવીન માર્ગ છે. અલૌકિક માર્ગ છે. જે શ્રીમહાપ્રભુજીએ આપણને આપ્યો છે. જરાપણ આ લીલામાં લૌકિક બુદ્ધિ આવે તો આ રસ મળે નહિ. આ લીલામાં અલૌકિક ભાવ રાખીશું તો જ એનો રસ મળવાનો છે. ગોપીજનોના સ્વરૂપો પણ કેવળ હાડ, ચામ, માંસનું પિંજર રહ્યું નથી. પ્રભુએ એમને વેણુનાદ કરી, સર્વાભોગ્યા સુધાનું પાન કરાવી, એમના રોમ રોમમાં આનંદ સ્વરૂપને નિમગ્ન કરી દીધું છે. હવે પ્રભુ એમની પાસે ગોરસનું દાન માગે છે.

(ક્રમશઃ)

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૨)

3

પહેલાં ચક્ષુપ્રીતિ થાય છે. પ્રેમ કઈ રીતે પ્રવૃત્ત થાય એની એક પ્રક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. લાગાલાગી લોચન કરે નાહક મન જરી જાય. પછી મનસંગઃ થાય. જે વસ્તુ આંખોથી મનમાં-અંતરમાં ઉતરી હોય એ મનની અંદર ઘોળાયા કરે. એટલે આસક્તિ વધે. પછી સંકલ્પોત્પત્તિ થાય. સતત પ્રેમીને મળવા માટે મનમાં સંકલ્પો થયા કરે. એ મળવાનો રસ્તો શોધ્યા કરે. મળવા માટે અનેક પ્રકારના સંકલ્પો એના ચિત્તમાં જાગે. ત્યારપછી ચોથી દશા આવે છે નિદ્રાઉચ્છેદઃ. રાત્રે ઊંઘ જ ન આવે. ઊંઘ કદાચ આવે તો પણ સ્વપ્નમાં યે એનું એ જ દેખાય. નિદ્રા ઉચ્છેદ એ વ્યસન દશા છે કારણકે આસક્તિ પછી વ્યસન દશા આવે છે. નિદ્રા ઉચ્છેદમાં કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયની મર્યાદાઓનો નાશ થાય છે.

તમે કલાકોના કલાકો સુધી એને માટે કાંઈને કાંઈ કર્યા કરો. પછી તે સામગ્રી બનાવો, સુંદર વસ્ત્રો અને સાજ બનાવો, આરતી બનાવો કે માળાજી બનાવો. સમય ક્યાં જાય તેની ખબર જ ન પડે. વારેઘડીએ ઘડિયાળ સામે જોવું ન પડે કે કેટલા વાગ્યા, કેટલા વાગ્યા. બોલો, આજે આપણને આવું થાય છે? ૧૫ મિનિટની સેવા હોય તો પણ એમ થાય છે કે ક્યારે જલ્દી પૂરી થાય!

કારણકે હજુ આપણામાં અરતિ છે, વિરતિ છે. એ પ્રેમની ઉત્પત્તિ જ થઈ નથી. કાલમર્યાદા જેમ તૂટી જાય છે તેમ કર્મમર્યાદા પ્રેમ થતાં તૂટી જાય છે. કર્મને લીધે કોઈ પતિ, કોઈ ભાઈ, કોઈ મા, કોઈ બાપ, આ બધાંની આપણને મર્યાદાઓ છે. આપણું મન એમાં જાય છે. થોડીવાર ઠાકોરજીમાં લાગે વળી થાય પેલાની નિશાળનો ટાઈમ થશે. જલદી દોડો. પરંતુ પ્રભુમાં જ્યારે પ્રીતિ પ્રગાઢ બને ત્યારે કર્મમર્યાદાઓ ભૂલાઈ જાય છે. શું થયું અને શું નહિ થયું તેનો ખ્યાલ ન રહે. જેને જે કરવું હોય તે કરે. કોણ કેટલું બોલે છે કાંઈ સાંભળવાનું નહિ. સ્વભાવની મર્યાદા પણ આવે. આપણે આપણા સ્વભાવથી જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા કરીએ છીએ. આપણી ઈચ્છા, આપણી ક્રિયા, આપણું જ્ઞાન આ બધું જેમાં ભૂલાઈ જાય. આપણે એટલે આપણે એક નામધારી, એક દેહધારી નહિ પરંતુ આપણે એક જીવ સ્વરૂપ રહી જઈએ. એમાં ભગવદિચ્છા, ભગવદ્‌જ્ઞાન અને ભગવદ્‌રૂચિનો પ્રકાર જાગી જાય. ત્યારપછીની દશા આવે છે વિષયેભ્યોવાવર્તનમ્‌. પછી કોઈ વિષયમાં મન ન લાગે. આ કનૈયો છે જ એવો. એનું નામ કૃષ્ણ છે. એ આકર્ષણ કરે છે. પોતાની તરફ ખેંચે છે.

તન્મનસ્કાઃ તદાલાપાઃ તદ્‌વિધેષ્ટા તદાત્મિકાઃ ।

તદ્‌ગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારિણી સત્સ્મરોઃ ।।

તન્મનસ્કાઃ મનને પૂછો કે તારી અંદર બીજું કોઈ છે, કૃષ્ણ વગર? તો મન કહેશેઃ મન બીજે ક્યાં જશે?

મન ન ભયે દસવીસ, એક હતો સો ગયો શ્યામસંગ

કો આરાધે ઈશ, મન ન ભયે દસવીસ.

તદાલાપાઃ વાતો કરે તોયે પ્રિયતમની જ કરે. ગુસપુસ કરે તો પણ પ્રિયતમની અને ચેષ્ટાઓ કરે તો પણ પ્રિયતમની લીલાઓની કરે.

તદાત્મિકાઃ ઘર  દેહ ગેહ બધું ભૂલાઈ જાય. ત્યાર પછી બે દશા આવે છે. લજ્જાપ્રનાશઃ અને ઉન્માદઃ. પછી કોઈ જાતની લજ્જા રહેતી નથી. સાસુ, નણંદ, સમાજ શું કહેશે, દુનિયા શું કહેશે તેની ચિંતા રહેતી નથી. દુનિયાને જે કહેવું હોય તે કહે. હોં તો ચરનકમલ લપટાની. કોઉ વંદો કોઉ નિંદો. સખિ, કોઈ મારી નિંદા કરે કે કોઈ મને વંદન કરે. મને કોઈની પડી નથી. હું તો પ્રભુના ચરણકમલમાં લપટાણી છું. આ ભાવ એના હૃદયમાં આવે છે.

અને આ ભાવનાં તમારે દર્શન કરવા હોય તો એ ભાવ વસંતલીલામાં આવે છે. ઉન્માદઃ અને લજ્જાપ્રનાશઃ. કોઈપણ જાતની સમાજની મર્યાદા વગર ઠાકોરજી પોતાના રંગથી ભક્તોને રંગે છે અને ભક્તો પોતાના રંગોથી ઠાકોરજીને રંગે છે. ત્યારપછી આવે છે ઉન્માદ. પ્રેમનો એક નશો એમના હૃદયની અંદર છવાઈ જાય છે. આ દશામાં જીવ અને બ્રહ્મ એવા બે ભેદભાવ રહેતા નથી. ભક્ત અને ભગવાન એક સમાન કોટિના બની જાય છે. જો આ સમાન ભાવ ન આવે તો ભક્ત પોતાનો રંગ પ્રભુ ઉપર નાખી કેવી રીતે શકે?  ભગવાનના રંગથી તો આપણે રંગાઈએ પણ આપણો રંગ આપણે શ્રીઠાકોરજી ઉપર કેવી રીતે નાખી શકીએ? આજે તમે  દર્શનમાં આવો ત્યારે ઠાકોરજીના રંગોથી રંગાઈ જાઓ પણ સામે થોડા ઝોળીઓ ભરીને રંગ નાખી શકવાનાં છો? અહીં તો સામસામે લીલા થાય છે. જીવ જીવની મર્યાદા ભૂલી જાય છે. બ્રહ્મ બ્રહ્મની મર્યાદા ભૂલી જાય છે. નિર્મર્યાદ બનીને એક ઉન્માદભર્યો ખેલ ચાલે છે. આમાં બે દશા નથી આવતી. એક મૂર્છા નથી આવતી અને મરણ નામની દશા નથી આવતી, કારણ આ પરમ આનંદનો ખેલ છે.

પૂર્ણે અનુગ્રહે જાતે રસાશ્રયઃ  એનામાં પૂર્ણ રસાશ્રય થાય છે. એટલો બધો રસનો આશ્રય હૃદયમાં થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે રસરૂપ છે તે પોતે પણ ગોપીજનોના ભક્તોના રંગમાં, રાધાજીના રંગમાં, શ્રીચંદ્રાવલીજીના રંગમાં ડૂબી જાય છે.

એટલે કીર્તનરસાસ્વાદ માટે મેં પહેલું કીર્તન પસંદ કર્યું છેઃ આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં । જો આ ભાવ તમે સમજો તો જ આખી વસંતલીલા સમજાશે.

(ક્રમશઃ)

શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શો થાય?

‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણે અહીં લાગુ પડે છે. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે, તેથી તેઓ જ મારી રક્ષા કરશે. તેઓ મારા રક્ષક છે. તેમની રક્ષા કરવાની શક્તિમાં મને દ્રઢ વિશ્વાસ છે. જેમ ઘર માણસને રક્ષણ આપી નિર્ભય બનાવે છે અને સુખ આપે છે, તેમ શ્રીકૃષ્ણના ચરણકમળોમાં જ મારું નિવાસસ્થાન છે તેમના ચરણારવિંદની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રનો આવો અર્થ છે.

આ મંત્રમાં ‘શ્રીકૃષ્ણઃ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ એટલે ગોકુલમાં નંદયશોદાના ત્યાં, યશોદાજીની કૂખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણપુરષોતમ ભગવાન. શ્રીકૃષ્ણ કેવળ ભગવાનનું જ વિશેષ નામ જ નથી. કૃષ્ણ શબ્દ ભગવાનના ગુણ બતાવનાર છે. ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. તે બે શબ્દોનો બનેલો છે. કૃષ + ણ. ‘કૃષ’ એટલે સર્વશક્તિમાન અને ‘ણ’ એટલે પરમાનંદ. જે સર્વથી વિશેષ શક્તિમાન છે અને પરમાનંદ – સ્વરૂપ છે તે પરમાત્મા એટલે કૃષ્ણ. તેમના જેટલા શક્તિમાન અને આનંદસભર કોઈ દેવ કે મનુષ્ય નથી એટલે પરમાત્મા શ્રીકૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે અને આનંદનું દાન કરી શકે, એટલું અન્ય કોઈ કરી શકે તેમ નથી. માટે આવા સર્વોચ્ચ અને સર્વોપરી પરમાત્મા, જે ગોકુલમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે, તેમનું શરણ હું સ્વીકારું છું. શ્રી એટલે લક્ષ્મી અથવા સ્વામિની. લંક્ષ્મી ભગવાનના પત્ની છે. નિત્યલીલામાં શ્રી રાધિકાજી, લક્ષ્મી – સ્વરૂપા છે. આમ, શ્રીકૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. આ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે, એવો ભાવ આ મંત્રનો છે.

‘કૃષ્ણ’ શબ્દનો એક બીજો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. ‘કૃષ્’ એટલે ખેચવું અથવા આકર્ષવું. ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ – રસાત્મક – સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે,  તે શ્રીકૃષ્ણ. આવા શ્રીકૃષ્ણને શરણે હું છું, એવો ભાવ પણ વિચારવો જોઈએ.

દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. મંત્ર સાધનામાં બીજમંત્રનું ઘણું મહત્વ હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજમંત્ર છે. બીજમાંથી જ અલૌકિક રસાત્મક પૂર્ણ પુરૂષોત્તમ પ્રગટ થયા છે. માટે આ અષ્ટાક્ષર મંત્રના પ્રારંભમાં બીજ મંત્ર મુકવામાં આવ્યો છે.

મંત્રને જેમ બીજ મંત્ર જરૂરી છે, તેમ તેના દેવતા પણ જરૂરી છે. દેવતા એટલે મંત્રમાં બિરાજમાન પ્રભુનું અલૌકિક સ્વરૂપ, જે મંત્ર રૂપે આપણા મન – હૃદયમાં સદા રમણ કરે છે. અષ્ટાક્ષર મંત્રના દેવતા શ્રીયશોદાનંદન પૂર્ણપુરુષોત્તમ રસ સ્વરૂપ શ્રીકૃષ્ણ છે.

મંત્રનો વિનિયોગ અને મંત્રનું ફળ હોય છે. આ અષ્ટાક્ષર મંત્રનો વિનિયોગ, લૌકિક દુઃખોના નિવારણ અને લૌકિક સુખો મેળવવા માટે નથી. તેનો વિનિયોગ ભગવાનનું દ્રઢ શરણ ગ્રહણ કરવા માટે છે. તેનું ફળ ભગવાનના સંયોગ સુખનો અનુભવ છે. આ મંત્ર સિદ્ધ થતાં સાક્ષાત ભગવાનનો રસાનુભવ પ્રાપ્ત થાય છે.

શ્રીગુંસાઈજીના એક સેવકનો પ્રસંગ છે. શ્રીગુંસાઈજીએ તેમને નામમંત્ર આપ્યા બાદ આજ્ઞા કરી કે તમે શ્રીગિરીરાજજીની તળેટીમાં દંડવતી શિલા સામે બેસીને છ મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો દીનતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવથી જપ કરો. તે વૈષ્ણવ તે પ્રમાણે જપ કરતાં, તેમને સદેહે પ્રભુની અલૌકિક લીલાનાં દર્શન થવા લાગ્યા.

શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગે જગતનાં દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને વૈષ્ણવોએ પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ.

શ્રીગુસાંઈજીએ આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય સમજાવ્યું છેઃ

‘શ્રી’ એટલે શ્રી સ્વામિનીજી. તેઓ અલૌકિક લક્ષ્મી છે. તેઓ પોતાના ભક્તોને બીજમંત્ર – જપના ફળરૂપે સાક્ષાત્ શ્રીઠાકોરજીનું દાન કરી, જીવને અવિચલ અલૌકિક સૌખ્ય આપે છે. એ જીવને વ્રજભક્તનું દિવ્ય સૌભાગ્ય મળે છે. તેના માથે શ્રીઠાકોરજી જેવા પતિ બિરાજવાથી, તે લૌકિકમાં પણ ધનવાન બને છે. સામાન્ય રીતે લૌકિક ધન આખરે તો દુઃખરૂપ હોય છે. પ્રભુ કૃપાથી મળેલી સંપત્તિ પ્રભુની સેવામાં વપરાતા દુઃખરૂપ બનતી નથી, યશ અપાવનારી બને છે. ‘શ્રી’ મંત્રાક્ષરના પ્રભાવથી        તે વ્યક્તિ રાજાને પ્રિય બને છે. સમાજમાં તેના માન – પ્રતિષ્ઠા વધે છે, છતાં તેથી તેને અભિમાન રૂપી અર્નથ થતો નથી.

‘કૃ’ અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નિવૃત્ત થાય છે.

‘ષ્ણઃ’ અક્ષરના પ્રભાવથી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રણે તાપ શાંત થાય છે. આધિ – વ્યાધિ – ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.

‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. જગતમાં જન્મેલો જીવ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મના મુખ્ય ત્રણ પ્રકાર છે. ક્રિયામાણ, પ્રારબ્ધ અને સંચિત. આ જન્મમાં કરવામાં આવતા કર્મ ક્રિયામાણ કર્મ કહેવાય છે. પૂર્વજન્મના કરેલા કર્મોના ફળ રૂપે જે સારા-ખોટાં કર્મો આ જન્મમાં ભોગવવા પડે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. પૂર્વજન્મોનાં અને આ જન્મનાં જે કર્મો ભવિષ્યના જન્મોમાં ભોગવવા પડે, તે સંચિત કર્મો કહેવાય છે. આ સંચિત કર્મોના પરિણામે જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે. અષ્ટાક્ષરમંત્રના ‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ-મરણમાંથી મુક્તિ મળે છે.

‘ર’ અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે. તેના જ્ઞાનને લીધે જીવ અન્ય લૌકિક કર્મોમાં ફસાતો નથી.

‘ણં’ અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે. પુષ્ટિભક્તિમાં ભગવાન પ્રત્યે દ્રઢ અનન્યતા અને તેમના સુખનો ભાવ મુખ્ય છે. પુષ્ટિભક્તિનું ફળ સાક્ષાત્ ભગવદ્પ્રાપ્તિ છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.

આ મંત્રનું મહત્વ સમજાવતાં શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, જે જીવ શ્રદ્ધાથી અને ભક્તિથી આ મંત્રનો જપ કરે છે, તેને જગતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. શ્રીપૂર્ણપુરુષોત્તમની પુષ્ટિભક્તિ પ્રાપ્ત થતાં અલૌકિક પરમાનંદનો અનુભવ થાય છે. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રદેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે. શ્રીઠાકોરજી સદા તેના હૃદયમાં બિરાજે છે.

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૧)

પુષ્ટિમાર્ગીય ઉત્સવપરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે. વસંતને ઋતુરાજ કહ્યો છે. વસંત ઋતુના માસ તો છે ફાગણ અને ચૈત્ર, પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય. પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થાય. વ્રજભક્તો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે. ભગવદીયો હોરીખેલની એ રસલીલાનાં દર્શન કરી તેનો સુખાનુભવ કરે, એ લીલાનું ગાન કરે અને એ કીર્તનો દ્વારા આપણા જેવા જીવોને પણ એ દર્શન કરાવે.

 

શીતકાલને વિદાય આપવાનો અને નવા શણગાર સજતી પ્રકૃતિને આવકારવાનો આ ઉત્સવ છે. કામદેવનો જન્મદિવસ એટલે વસંતપંચમી. પરિણામે આ ઉત્સવને મદન મહોત્સવ પણ કહેવાય. પ્રિયા-પ્રિયતમને રસભર્યા વ્રજભક્તો હોરી ખેલાવે. ૪૦ દિવસ સુધી અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, કેસર રંગથી રંગી દે. હોરીની વિવિધ રસભરી ગારી (ગાળો) પણ ગાય! વિવિધ વાદ્યોના તાલ સાથે રંગભર્યા ગોપગોપી ઝૂમે. પ્રિયા-પ્રિયતમ પરસ્પર પણ હોરી ખેલે. વળી કોઈવાર ગોપીજનો શ્રીઠાકોરજીને પોતાના ઝૂંડમાં લઈ જઈ સખીવેશ પણ પહેરાવી દે. ફગુવા લઈને જ છોડે.

 

આવી રસમય લીલાઓનું આપણા અષ્ટછાપ અને બીજા ભગવદીયોએ પણ કીર્તનોમાં સુંદર વર્ણન કર્યું છે. એ કીર્તનોના ગાન અને તેનો રસાસ્વાદ કરાવવાનો એક કાર્યક્રમ – “વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” નામે મુંબઈમાં પ્રેમપુરી અધ્યાત્મ કેન્દ્રમાં યોજાયો હતો. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઈન્દિરા બેટીજી મહોદયાએ પોતાની મધુર લાક્ષણિક, શૈલીમાં વ્રજની એ હોરીલીલાનો કીર્તનો દ્વારા સુંદર રસાસ્વાદ કરાવેલો. અત્રે પ્રસ્તુત છે એ વચનામૃતનું સંકલિત રૂપાંતર.

—————————————————————————————————————

શ્રી વસંતવિહારી લાલકી જય.

વસંતવિહાર કરવા માટે આપણે અહીંથી નીકળીને વ્રજભૂમિમાં પહોંચી જઈએ. આ વ્રજની રંગલીલા છે. આ વ્રજની રસલીલા છે. આ રંગલીલા અને રસલીલા કેવળ પ્રભુને આનંદ આપવા માટે છે. ભગવાનથી આનંદ મેળવવો એ એક વસ્તુસ્થિતિ છે અને આનંદસિંધુ પ્રભુને આનંદ આપવો એ બીજી પરિસ્થિતિ છે. આમ જુઓ તો આ રસલીલા આદાન અને પ્રદાનની છે. આનંદ લેવો અને આનંદ આપવો એ બે બાબત છે. ભક્તો પ્રભુ માટે પોતાનું બધું લૂંટાવી દે છે તો પ્રભુ પોતે પણ લૂંટાઈ જાય છે. પરસ્પર સમર્પણની લીલા એટલે આ વસંતોત્સવની લીલા.

વસંતપંચમી એ મદનપંચમી છે. કામદેવના  રતિના પ્રાગટ્યની પંચમી છે. નિર્ણયામૃત પુરાણસમુચ્ચય નામના ગ્રંથમાં આજ્ઞા કરી છે કે

માઘ માસે નૃપશ્રેષ્ઠ શુક્લાયાં પંચમી તિથૌ ।

રતિકામૌ તુ સંપૂજ્ય કર્તવ્યઃ સુમહોત્સવઃ ।।

મહા મહિનાની સુદ પંચમીના દિવસે રતિકામનો (બંનેનો) ઉત્સવ કરવો જોઈએ. એની ટીકામાં શ્રીપુરુષોત્તમજીએ આજ્ઞા કરીઃ અત્ર ઉત્સવા દિના ભગવદ્‌ તોષઉક્તેઃ ભગવદિયૈઃ સાક્ષાત્‌ મન્મથમન્મથઃ સલક્ષ્મીક ભગવાન્‌ પૂજ્યઃ ।

સાક્ષાત્‌ કામદેવના સ્વરૂપમાં અહીં કૃષ્ણની જ પૂજા કરવામાં આવે છે. ગોપીજનો માટે કામદેવ બીજો કોઈ નથી. કૃષ્ણ જ છે અને તે પણ ‘સલક્ષ્મીકઃ’ રાધા વગરની માધવની લીલા તો અધૂરી હોય. રાધા સહિત માધવનો ઉત્સવ એ આ વસંતોત્સવ છે. રસિકોત્સવ છે.

આ મદનમહોત્સવનો પ્રારંભ ક્યારથી થયો? શું આ પાંચમથી જ થયો? ના. શરદચાંદ્ર ઋતુ દાનએકાદશીના દિવસથી શરૂ થાય છે, એટલે મદનમહોત્સવનો પ્રારંભ દાનએકાદશીથી થાય છે. દાનએકાદશીથી પ્રારંભ થયેલો આ ઉત્સવ ઠેઠ દોલોત્સવ સુધી ચાલે છે. ત્યાં સુધી અદ્‌ભુત અલૌકિક આનંદની એક રસયાત્રા ચાલે છે. કન્યામાં જ્યારે સૂર્ય આવે ત્યારે સૌર શરદઋતુનો પ્રારંભ થાય છે. ચાંદ્ર શરદઋતુમાં દાનલીલા શરૂ થઈ. સૌર શરદઋતુમાં રાસલીલા શરૂ થઈ. વસંત સંપાતબિંદુ – તમે જો પંચાંગની અંદર જોશો તો રેવતી અને અશ્વિની નક્ષત્રની વચ્ચે આવે છે. આ બેની વચ્ચે જ્યારે સૂર્ય પહોંચે ત્યારે, એટલે કે મેષમાં સૂર્ય પહોંચે તે પહેલાં, મેષ સંક્રાન્તિ પહેલાં આ વસંત સંપાતબિંદુ શરૂ થાય છે.

મધુમાધવમાસો – ચૈત્ર અને વૈશાખ એ બે માસ વસંતઋતુના છે. આપણો ચૈત્ર નહિ, પણ વ્રજનો ચૈત્ર-ફાગણ વદથી વ્રજનો ચૈત્ર માસ શરૂ થાય. એમાં ચૈત્ર વદ અને પછી ચૈત્ર સુદ આવે.

ચાંદ્ર શરદઋતુમાં એક પ્રણયલીલાનો પ્રારંભ થાય છે. આ પ્રણયલીલામાં ભગવાન ધીરે ધીરે ધીરે ભક્તોના હૃદયની અંદર પોતાનો ઉદ્દીપનભાવ જણાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે પહેલો પ્રેમ શરૂ થાય ત્યારે ‘ચક્ષુપ્રીતિઃ’ આંખથી પ્રેમ શરૂ થાય. અને દાનલીલામાં તમે જોશો તો પહેલી દૃષ્ટિ શ્રીઠાકોરજીની શ્રીચંદ્રાવલીજી ઉપર પડી. ગોવર્ધનના શિખરે બિરાજ્યા હતા. ચંદ્રની આવલી એટલે હજારો ચંદ્રોની કિરણાવલીઓ જેટલું સૌંદર્ય જેના મુખારવિંદ ઉપર પથરાયું છે એનું નામ ચંદ્રાવલી.

વસંત ઋતુ હોય કે દાનલીલાની ઋતુ હોય, આ બંને લીલાઓ પરકીયા ભાવવાળી છે. સ્વામિની ભાવ વિશિષ્ટ સ્વકીયાભાવ અને સ્વામિનીભાવ વિશિષ્ટ પરકીયાભાવ – આવા બે ભાવ છે. તેમાં ભક્તો કોઈ પરકીય નથી. બધા જ ભક્તો પ્રભુની લીલામાં પોતાના છે. પરંતુ રસસ્તુ પરકીયાનામ્‌ એવ સિદ્ધઃ  એ ભાવનાથી શ્રીચંદ્રાવલીજી પરકીયા ભાવવાળાં સ્વામિનીજી છે, અને શ્રીસ્વામિનીજી એ સ્વકીયાભાવ વિશિષ્ટ સ્વકીયા-ભાવવાળાં સ્વામિનીજી છે. આ બંને ભાવો તમે દાનલીલામાં જોશો અને વસંતલીલામાં પણ જોશો. કારણ કે દાનલીલામાં આ બંને ભાવોનું દાન કરીને અને વસંત લીલામાં પણ આ બંને ભાવોનું દાન કરીને પ્રભુ પોતે એમના દ્વારા પરમ આનંદનો અનુભવ કરે છે.

(ક્રમશઃ)

તાજેતરની ટિપ્પણીઓ

    ટૅગ્સ

    આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી