ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક)
દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે,
ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે;
નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧)
સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે;
હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)
માયા મોહ વધે સુખ પામે, વિષય વિષે મન ચૂર રે;
કૃષ્ણ પાસે દુઃખ કુંતાએ માગ્યું, દુઃખમાં હરિ નહિ દૂર. (૩)
તે જ કુસંગ જે હરિને ભુલાવે, સમરાવે તે સત્સંગ રે;
સુખ ભુલાવે ને દુઃખ સમરાવે, માટે ન કરે હરિ ભંગ. (૪)
લૌકિક ક્લેશ અંગીકૃત લક્ષણ, મેળવે શ્રી વ્રજરાય રે,
શ્રીહરિરાયજીનું વાક્ય વિલોકો, શિક્ષાપત્રમાં ગાય. (૫)
કોને મળ્યા કૃષ્ણ કષ્ટ વિના, સાંભળો શાસ્ત્ર પ્રમાણ રે;
વિપત પડે તો યે હરિ ના વિસારે, તેને ગણે હરિ પ્રાણ. (૬)
સુખ આવે છકી નવ જઈએ, દુઃખ આવે નવ ડરિયે રે;
આપણાથી અધિકાને જોઈને, ગર્વ ક્લેશને હરિએ. (૭)
તપે ટીપાય કનક, સહે મોતી-છેદ, તજે ન ઉજાસ રે;
તો મહી-પતિ મન ભાવે ભૂષણ, આપે હૃદય પર વાસ. (૮)
અંતર જામી નથી રે અજાણ્યા, વળી વ્હાલા પોતાના દાસ રે,
‘દયા’ પ્રીતમ માટે સારું જ કરશે, રાખજો દૃઢ વિશ્વાસ. (૯)
ભવ-દધિ=સંસાર-સાગર
સદ્ય=જલ્દી
કરુણાસાગર=દયાનું ધામ-પ્રભુ
હરિ=હરિનામ પાપ સંતાપને મટાડે છે, તે નામ રટવા છતાં દુઃખ ન જાય, તો સમજવું કે દુઃખ રાખવાનું ભગવાનને ગમે છે. (ભક્તના હિત માટે જ તો!)