વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ,
શ્રી વલ્લભસુત સેવા કરે, એ શ્રી ગોકુલના રે ભૂપ. (૧)
પાઘ બાંધે વહાલો જરકસી, ને સુંદર વાઘા સાર,
પટકા તે છે પચરંગના, સજીયા તે સોળે શૃંગાર. (૨)
કેસરી તિલક સોહામણા, નાસિકા વેસર સાર,
ચિબુકની અતિ કાંતિ છે, કંઠે મોતીના હાર. (૩)
હડપચીએ હીરલો ઝગમગે, તેના તેજ તણો નહીં પાર,
અધર બિંબ એ રસિક છે, ઝળકે તે જ્યોત પ્રકાશ. (૪)
બાંહે બાજુબંધ બેરખા, હરિના ખીંટળિયાળા કેશ,
નિરખ્યા ને વળી નિરખશું, એનો પાર ના પામે શેષ. (૫)
ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણે કટિ મધ્ય હાથ,
કૃપા કરો શ્રીનાથજી, મ્હારા હૈડાં તે ટાઢા થાય. (૬)
પાયે ઘૂઘરી રણઝણે, મોજડીએ મોતીના હાર,
કૃપા કરો શ્રીનાથજી બલિહારી તે માધવદાસ. (૭)
માધવદાસ કહે હરિ, મારું માગ્યું આપો ને મહારાજ,
વળી વળી કરું વિનતી, મને દેજો ને વ્રજમાં વાસ. (૮)