[ રાગઃ ઈમન ]
તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ,
નિત પ્રતિ મદનગોપાલલાલ કે, ચરનકમલ ચિત્ત લઈયૈ. (૧)
તન પુલકિત બ્રજ-રજમેં લોટત, ગોવિંદકુંડમેં ન્હઈયૈ,
‘રસિક પ્રીતમ’ હિત ચિત કી બાતેં, શ્રીગિરિધારી સોં કહિયૈ. (૨)
‘રસિક પ્રીતમ’ની છાપનાં પદો શ્રીહરિરાયજી રચિત છે.
શ્રી હરિરાયજી ઇચ્છે છે કે શ્રીગોવર્ધન ગિરિરાજની તળેટીમાં રહીએ. ‘ગોવર્ધન’ શબ્દના બે અર્થ છે.
(૧) ગો=ગાયો. ગાયોનું વર્ધન-પોષણ કરનાર. (૨) ગો=ઈન્દ્રિયો. ઈન્દ્રિયોને પ્રભુ પ્રત્યે વધારનાર-દોરનાર. શ્રીગિરિરાજજી આ બંને કાર્યો કરે છે. તેઓ પ્રભુને સુખ આપે છે, ભક્તોની ભક્તિ વધારે છે.
તેમની તળેટી એટલે તેમનાં ચરણકમળ. ત્યાં રહેવાથી તેમનાં દર્શન થાય, પ્રભુનાં લીલાસ્થાનોનાં દર્શન થાય. આપણી આંખો પ્રભુગામી થાય. ત્યાં કાન પ્રભુનાં કીર્તન સાંભળે. ત્યાં નાક પ્રસાદી પુષ્પોની સુગંધ લે. ત્યાં જીભ પ્રભુનાં ગુણગાન ગાય અને મહાપ્રસાદ ખાય. ત્યાં પગ તેમની પરિક્રમા કરે, હાથ સેવા કરે. જગત ભૂલાઈ જાય. હું-મારું ભૂલાઈ જાય. મન-વચન-કર્મમાં છવાઈ જાય શ્રીમદનમોહન, માટે શ્રીગોવર્ધનની તળેટીમાં રહીએ.
અહીં પ્રભુ બે સ્વરૂપે બિરાજે છે. (૧) મદનમોહન સ્વરૂપે ચંદ્રસરોવર પર નિત્ય રાસ કરે છે. (૨) શ્રીગોપાલલાલ સ્વરૂપે નિત્ય ગૌચારણ કરે છે. રાસલીલા રાત્રિકાલીન લીલા છે. ભક્તોને સંયોગનું સુખ આપનારી લીલા છે. ગૌચારણલીલા દિવસકાલીન લીલા છે. ભક્તોને વિપ્રયોગનું દાન કરનારી લીલા છે. આમ, અહીં રાત-દિવસ, સંયોગ-વિપ્રયોગ સ્વરૂપે બિરાજતા પ્રભુના ચરણકમળમાં આપણું ચિત્ત ચોંટેલું રહે. માટે શ્રીગોવર્ધનની તળેટીમાં આપણે રહીએ.
અહીં વ્રજરજ છે અને ગોવિંદકુંડ છે. તેનાં રજ અને જળ બંને શ્રીયુગલ સ્વરૂપના શ્રમ-જલથી સ્વરૂપાત્મક બન્યાં છે. તેમનો સ્પર્શ થતાં પ્રભુના સ્પર્શ જેવા સુખનો રોમાંચ આપણા અંગેઅંગમાં થાય છે. તે રજ અને જળ મુખ દ્વારા હૃદયમાં જતાં, હૃદય પ્રભુને લાયક નિર્મળ બને છે. તેથી તનુનવત્વ પ્રાપ્ત થાય છે. આપણો દેહ, હૃદય અને મન પ્રભુને લાયક અલૌકિક બને છે. માટે શ્રીગોવર્ધનની તળેટીમાં રહીએ.
અહીં આપણા ચિત્તમાં કેવળ પ્રભુના સુખનો જ વિચાર આવે છે. પ્રભુના સુખની આ વાતો બીજા કોઈની આગળ કહીશું નહીં. પ્રભુસુખના મનોરથોની વાતો કેવળ શ્રીગિરિધારીજીને જ કહીશું. શ્રીગિરિધર સ્વરૂપે પ્રભુએ શ્રીગોવર્ધન ધારણ કરી, ભક્તોનું હિત કર્યું હતું. તેથી હવે આપણે તેમના ભક્તો, તેમને સુખ થાય તેવા મનોરથો અહીં એકાંતમાં કરી, તેમને લાડ લડાવીશું. માટે આપણે શ્રીગોવર્ધનની તળેટીમાં રહીએ.
ચાર પંક્તિનું આ પદ ‘ચતુઃશ્લોકી’ની જેમ વૈષ્ણવના ચાર પુરુષાર્થ—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવે છે. તેની પહેલી પંક્તિમાં ધર્મ પુરુષાર્થ છે. શ્રીગોવર્ધનની તળેટીમાં વસવું તે વૈષ્ણવોનો ધર્મ-ફરજ. બીજી પંક્તિમાં અર્થ છે. આપણા અર્થ રૂપ પ્રભુનું સ્મરણ – ‘બડો ધન હરિજનકો હરિનામ’-તે જ આપણું સાચું ધન. ત્રીજી પંક્તિમાં કામ-ઇચ્છા છે. વ્રજરજમાં લોટી, ગોવિંદકુંડમાં નાહી, તનુનવત્વ પામી, પ્રભુની સેવાને લાયક બનવું તે જ આપણી એકમાત્ર ઇચ્છા. ચોથી પંક્તિમાં મોક્ષ છે. સાક્ષાત પ્રભુ સાથે, તેમના સુખના મનોરથોની વાત કરી, તે મનોરથ અંગીકાર કરાવવા તે જ આપણો મોક્ષ.
આ ચારે પુરુષાર્થનું દાન કરવા શ્રીગિરિરાજજી સમર્થ છે, માટે વૈષ્ણવો રોજ રાતે સૂતા પહેલાં આ પદ ગાય છે. પોતાની અભિલાષા શ્રીગિરિરાજજીને નિવેદન કરે છે.
આ ભાવનું ચિંતન કરતાં, શ્રીગિરિરાજજીના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં, આપણે રોજ રાતે સૂતાં પહેલાં નિયમપૂર્વક આજથી આ પદ ગાઈએ.