શ્રાવણી પર્વ (૨)
પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને ૨, લાવ હથેળી, શામળિયા શ્રીનાથજી વગેરે કેસેટો પણ પ્રસિદ્ધ થઈ છે. તો ચાલો, આપણે પણ “શ્રાવણી”નું આવું જ એક સુંદર ભાવવાહી પદ માણીએ.
————————————————————————————-
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-2.mp3|titles=shravani parva-2]
સફળ થયો અવતાર રે…
વલ્લભકુળના વ્હાલા શ્રીનાથજી, શ્રીગોવર્ધનનાથ રે…
હું અબળા મતિ મંદને તોયે, મારો ઝાલ્યો હાથ રે…
લાલકમળદળ લોચન ખોલી, વરસાવી રસધાર રે…
મધુરું મુખડું મલકાવીને, આંખડી કીધી ચાર રે…
ભાન રહ્યું ના મુજને ત્યારે ભૂલી, ઘરને બ્હાર રે…
વદનકમળ શ્રીજીનું નીરખી, પામી પુષ્પનો સાર રે…
લગની એવી મનમાં લાગી, કહ્યું મેં જુગદાધાર રે…
શ્રીજી ઓ સાંવરિયા સ્વામી, આવી છું તમ દ્વાર રે…
યુગ યુગના કંઈ વ્હાણા વાયા, તરછોડી આ નાર રે…
તાણી લો નિજ લીલામાં પ્રભુ, કરશો ના હવે વાર રે…
નથી મને આ ભૂતળ ગમતું, કરોને મુજ ઉદ્ધાર રે…
શ્રીજીએ પછી કરુણા કીધી, કહું શું અપરંપાર રે…
ચરણકમલની રજમાં રાખી, ભુલાવ્યો સંસાર રે…
મુજને લાગ્યું અબળાનો આ, સફળ થયો અવતાર રે…
“શ્રાવણી”ને નિજ સેવાનો પછી, આપ્યો કંઈ અધિકાર રે…
વૈષ્ણવજનનું જીવન સેવા એ હું પામી સાર રે…