શ્રીજીબાવા માગીને આરોગે છે
શ્રીગિરિરાજજીની તળેટીમાં આન્યોર નામનું ગામ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં ત્યાં સદુ પાંડે નામના એક વ્રજવાસી રહે. તેમને ૧૨ વર્ષની એક દીકરી હતી. તેનું નામ હતું નરો.
એક દિવસ સવારે શ્રીજીબાવા સદુ પાંડેના ઘેર આવ્યા. તેઓ તેમની સાથે મંદિરમાંથી સોનાની નાની વાડકી લઈ આવ્યા. તેમણે નરોને કહ્યુઃ ‘નરો, મને દૂધ આપ.’
‘મહારાજ ! આ વાડકી તો નાની છે. આમાં કેટલું દૂધ માશે?’
શ્રીજીબાવાએ કહ્યુઃ ‘તું મને આપ્યા કર અને હું પીધા કરીશ.’
નરો વાડકીમાં દૂધ રેડે છે અને શ્રીજીબાવા આરોગે છે. શ્રીજીબાવા તે વાડકી ત્યાં જ મૂકીને પાછા મંદિરમાં પધાર્યા.
નરો બીજા દિવસે મંદિરે ગઈ ત્યારે તે સોનાની વાડકી સાથે લઈ ગઈ. તેણે કહ્યું, ‘શ્રીજીબાવા સોનાની વાડકી લઈને આવ્યા હતા અને દૂધ પીને વાડકી મારે ઘેર મૂકીને ગયા છે. તે પાછી લો.’
આ સાંભળી બધા સેવકો આશ્ચર્ય પામ્યા.
શ્રીજીબાવા આજે પણ પોતાના વૈષ્ણવો પાસે પ્રેમથી માગીને આરોગે છે. તમે તેમને મિસરીનો ભોગ ધરશો?