શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર,
ચઢી કાગદકી નાવ પર, કહો કો ઉતર્યો પાર.
ભવસાગર કે તરનકી, બડી અટપટી ચાલ,
શ્રીવિઠ્ઠલેશ પ્રતાપબળ, ઉતરત હે તત્કાલ.
મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય,
ત્યોં શ્રી વિઠ્ઠલનાથ કે ચરણકમલ ચિત્ત લાય.
(શ્રીવલ્લભસાખી) (રચનાઃ શ્રીહરિરાયજી)
શ્રીવલ્લભ રાજકુમાર શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ વગર આ સંસાર મિથ્યા છે. શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલના નામરૂપી નૌકાના સહારે જ આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય તેમ છે, કારણ કાગળની નાવ ઉપર બેસી (અન્ય સાધનોના બળે) કોઈ પાર ઉતરી શક્યું નથી.
જન્મમરણરૂપી આ ભવસાગરને તરવાની રીત બહુ જ અટપટી છે. જીવ સ્વપ્રયત્ને કે અન્ય સાધનથી તેને પાર કરી શકતો નથી. માત્ર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના પ્રતાપબળે, તેમની કૃપાથી તરત તેને પાર કરી શકાય છે.
જેમ માછલી જળમાં જ જીવીત રહે છે, બહાર કાઢતા મરી જાય છે, તેમ વૈષ્ણવે પણ શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણના આશ્રયે જ રહેવું જોઈએ. તેમનાં ચરણોમાં જ ચિત્ત રાખવું જોઈએ.