શ્રીગુસાંઇજીનું પદ
(રચનાઃ શ્રીમાધવદાસજી)
(રાગઃ ભૈરવ)
શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો,
મંગલરૂપ સદા સુખદાયક દેખિયત તીન લોક ઉજિયારો (૧)
જહાં વલ્લભ સુત અભય વિરાજત, ભક્તજનન કે પ્રાણન પ્યારો,
‘માધોદાસ’ બલ બલ પ્રતાપબલ શ્રીવિઠ્ઠલ સર્વસ્વ હમારો (ર)
ભાવાર્થઃ
જે શ્રીગોકુલ ગામને શ્રીઠાકોરજીએ અને શ્રીગુસાંઇજીએ સનાથ કર્યું છે. તેની રીતભાત (પંડો) જુદી જ છે. કારણ, અહીં શ્રીવલ્લ્ભરાજકુમાર હરહંમેશા બિરાજે છે. તેમના બિરાજવાથી અહીં નિર્ભયતા છે. તેઓ ભક્તજનોના પ્રાણપ્યારા છે, હંમેશાં મંગલ સ્વરૂપ ધારણ કરીને બિરાજે છે, તેથી તેમનાં દર્શન કરતાં જ સુખ થાય છે. તેમના પ્રતાપબલથી તેઓ ત્રણે ય લોકને ઉજ્જવળ કરે છે. માટે માધવદાસ કહે છે કેઃ ‘આવા શ્રીવિઠ્ઠલનાથ આપણું સર્વસ્વ છે, તેથી તેમના પ્રતાપબળ પર હું ઓવારી જાઉં છું.’
અહીં શ્રીગોકુલ ગામનો એક બીજો ભાવ પણ લઇ શકાય. ‘ગો’ એટલે ઇન્દ્રિયો અને ‘કુલ’ એટલે સમૂહ. જેમાં ઇન્દ્રિયોનો સમૂહ રહેલો છે, તેવો આપણો દેહ. ‘શ્રી’ એટલે પ્રભુ. માટે શ્રીગોકુલ એટલે જે દેહમાં પ્રભુ બિરાજ્યા છે, તેવો વૈષ્ણવી દેહ. આવા વૈષ્ણવની રીતભાત બીજા મનુષ્યો કરતાં તદ્ન જુદી જ હોય છે. કારણ કે તેમના હૃદયમાં શ્રીવિઠ્ઠલનાથ બિરાજ્યા છે અને તેમના મસ્તક પર શ્રીવિઠ્ઠલનાથના ચરણકમળ બિરાજે છે, માટે અમારા સર્વસ્વ એવા શ્રીવિઠ્ઠલનાથનાં હું ઓવારણાં લઉં છું.