રચનાઃ સૂરદાસજી (રાગઃ બિહાગ)
રે મન, મૂરખ જનમ ગંવાયો,
કર પરપંચ વિષયરસ લીધો, શ્યામ સરન નહિ આયો. (૧)
યહ સંસાર ફૂલ સેંવરકો, સુંદર દેખ લુભાયો,
ચાખન લાગ્યો રૂઈ ઉડિ ગઈ, હાથ કછુ નહિ આયો. (૨)
કહા ભયો અબ કે પછતાને, પેહેલે પાપ કમાયો,
કહત સૂર શ્રીકૃષ્ણ નામ બિના, સિર ધુની ધુની પછતાયો. (3)
ભાવાર્થઃ
સૂરદાસજી પોતાના મનને સંબોધીને કહે છેઃ હે મૂર્ખ મન, તેં કીમતી જન્મ ગુમાવ્યો તેનું કંઈ ભાન છે? પ્રપંચ કરવામાં અને વિષયરસના કાદવમાં ભૂંડની જેમ ભટકવામાં તું એવું તલ્લીન રહ્યું કે શ્યામસુંદરના શરણે ન ગયું. (૧)
સેવતીના દેખાવમાં સુંદર ફુલ જેવો અહંતા-મમતાનો આ સંસાર જોઈ, તેની સુંદરતામાં તું લોભાયું. જ્યારે તું તેને ચાખવા ગયું, ત્યારે ફુલમાંથી સુવાસ ઉડી જાય, તેમ તારા હાથમાં કશું ન આવ્યું. તારો સમય અને શક્તિ ફોગટ ગયાં! (૨)
હવે તું પસ્તાય તો ય શું? જિંદગીભર તો પાપ જ એકઠું કર્યું ને ? સૂરદાસજી કહે છે, તારી જેમ, જેમણે જેમણે શ્રીકૃષ્ણના નામ-સ્મરણ સિવાય સંસારી સ્વાદમાં જ જિંદગી વેડફી છે, તે બધા હવે માથુ પછાડી પછાડી પસ્તાય છે. (૩)
હે મૂર્ખ મન, તને નથી લાગતું કે તેં આ કિમતી જિંદગી વેડફી મારી ?