શ્રીયમુનાજીનું પદ
રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી
(રાગઃ રામકલી)
પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે,
સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧)
તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે,
કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨)
ભાવાર્થઃ
શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આપ નિર્ગુણ સ્વરૂપ છે, માટે પોતાના પ્રિયતમ પ્રભુની સાથે હંમેશાં આનંદપૂર્વક વિલાસ કરે છે. આપ કદી પ્રભુ સાથે માન કરતાં નથી. જેમ સૂર્યના પ્રકાશે કમળનું ફૂલ ખીલે છે, તેમ પ્રભુ સાથે અલૌકિક આનંદક્રીડા કરતાં રસસાગરમાં આપ પણ અતિ પ્રસન્ન થાય છે.
શ્રીયમુનાજી તન, મન અને પ્રાણથી હંમેશાં પ્રભુ સાથે મૃદુ હાસ્યવિનોદ કરે છે અને પ્રભુને રીઝવે છે.
શ્રી વ્રજપતિજી કહે છે કેઃ ‘હું બધાને સમજાવીને કહું છું કે, તમે આવાં અલૌકિક શ્રીયમુનાજીની સેવા કરો. તેનાથી તમને ભગવદ્પ્રાપ્તિનું અલૌકિક ફળ તો મળશે જ; પરંતુ સાથે સાથે તમારે યમયાતના ભોગવવી પડશે નહીં. શ્રીયમુનાજીની કૃપાથી દેહ છૂટ્યા બાદ તમને ફરીથી નિત્યલીલાની જ પ્રાપ્તિ થશે.’