પવિત્રા બારસ
સમર્પણ ધોળ
આજનો દિવસ મારે અતિ મંગલકારીજી
શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી.
સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી.
ચિત્તમાં ચિંતા તણો નહિ પારજી.
જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી.
પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી.
આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી
તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી.
તે જીવનો અમે કરીશું અંગીકાર
કદી નહિ ત્યજીએ એ સમર્પિત જીવને જી.
પ્રભુની વાણી સાંભળી આનંદ ઉર થાયજી
પવિત્રું ધરી મીસરી ભોગ ધરાવ્યોજી
પ્રથમ બ્રહ્મસંબંધ હરસાનીજીને કરાવ્યું જી.
આજનો દિવસ પુષ્ટિપથનો આરંભકારીજી.
દૈવી જીવના ભાગ્ય તણો નહિ પારજી.
‘સુરપ્યારી’ના વલ્લભને આનંદ ઘણો થાય જી.
શ્રાવણ સુદ બારસ-પવિત્રા બારસ. આજે આપણા પુષ્ટિમાર્ગની વર્ષગાંઠ છે. આજે શ્રીમહાપ્રભુજીએ શ્રીદામોદરદાસ હરસાનીજીને સૌપ્રથમ બ્રહ્મસંબંધ આપ્યું. આજે પુષ્ટિમાર્ગની સ્થાપના થઈ.
શ્રીમહાપ્રભુજીએ આજના શુભ દિને શ્રીદામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરીઃ ‘દમલા, યહ મારગ તેરે લિયે હૈ’.
આ આજ્ઞાનું રહસ્ય આપણે વિચારીએ. શ્રીહરસાનીજી સર્વ પુષ્ટિભક્તોનું મૂળ છે. તેમનો જ અંશ આપણા બધા પુષ્ટિ જીવોમાં છે, તેઓ અંશી છે. આપણે તેમના અંશ છીએ. તેથી આ માર્ગ એટલે પુષ્ટિમાર્ગ શ્રીહરસાનીજીના અંશરૂપ પુષ્ટિજીવો માટે જ છે, બધા માટે નથી.
માર્ગની વ્યાખ્યા છેઃ ‘જેના પર ચાલીને નિશ્ચિત લક્ષ્ય મેળવી શકાય તે.’ પુષ્ટિજીવોનું નિશ્ચિત લક્ષ્ય છે ભગવદ્ સેવા – ભગવદ્ પ્રાપ્તિ. આ સિવાય પુષ્ટિજીવોનું કોઈપણ સમયે, કોઈપણ સ્થળે, કોઈપણ સ્થિતિમાં બીજું કર્તવ્ય નથી.
બ્રહ્મસંબંધ દ્વારા પુષ્ટિજીવના હૃદયમાં રહેલી ભક્તિરૂપી બીજને પાંગરવાનો અવકાશ મળે છે. તે જ ભગવદ્ કૃપા. માર્ગે ચાલવા અને લક્ષ્યસ્થાને પહોંચવા ઝડપી સાધન વધુ ઉત્તમ. ભક્તિરૂપી બીજના વિકાસ માટે પ્રારંભમાં ભગવદ્ સેવા-તનુ વિત્તજા સેવા – સાધન સેવા છે. તે જ ભગવદ્ કૃપાથી ફલરૂપા બને, ત્યારે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.
આવો અધિકાર પુષ્ટિના માર્ગે ચાલવાનો શ્રીમહાપ્રભુજીએ આપણને – પુષ્ટિજીવોને આપ્યો છે, તેથી આપ આજ્ઞા કરે છેઃ ‘યહ મારગ તેરે લિયે હૈ’.
શ્રીદામોદરદાસજીની આડીથી સર્વ પુષ્ટિજીવોનો આજે નવો જન્મ-આધ્યાત્મિક જન્મ થયો. આજે આપણે “વૈષ્ણવ” બન્યા.
આજે આપણે આપણા પોતાના સાચા સ્વરૂપને જાણ્યું. આપણે આપણા સ્વામી-પ્રભુને જાણ્યા. આપણે પ્રભુને સર્વ સમપર્ણ કર્યું. આપણે તેમના દાસ બન્યા. આપણને તેમની સેવાનો અધિકાર મળ્યો.
આજે આપણે શ્રીમહાપ્રભુજીને આપણા ગુરુપદે પધરાવ્યા. આપણે તેમના સેવક બન્યા. તેમણે બતાવેલા માર્ગે – પુષ્ટિમાર્ગે – ચાલવા આપણે પ્રતિજ્ઞા કરી.
હવે આપણે સંસારમાર્ગના ભટકતા, બેજવાબદાર મુસાફર નથી. આપણે પુષ્ટિપંથના કર્તવ્યનિષ્ઠ, વ્રતધારી યાત્રિક છીએ. ભગવદ્-સેવા-સ્મરણ આપણાં એકમાત્ર કર્તવ્ય છે. વિસરાયેલાં કર્તવ્યોનું આચરણ કરવા આપણે આજથી જ કટિબદ્ધ બનીએ. હજી આપણે મોડા નથી.
“ન ભૂલે તમે છો કૃપામાર્ગ પંથી, કૃપાપાત્ર થવા કરો પ્રેમભક્તિ.”
ચાલો, આપણે સૌ ભય છોડીને, પુષ્ટિના આ રાજમાર્ગે ચાલવાનો આરંભ કરી જ દઈએ. ‘યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.
વર્ષગાંઠના શુભ દિને આપણા ગુરુદેવ શ્રીમહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત.
તમને સૌને વર્ષગાંઠની શુભકામનાઓ.