પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો? એક પરમાત્માને પામવા માટે એક જ ધર્મ કેમ ના બતાવ્યો?
જગતની રચના કરવાનો પરમાત્માનો મૂળ હેતુ તેમના આનંદ માટે ક્રિડા કરવાનો છે. ક્રિડાનો આનંદ ત્યારે જ મળે, જ્યારે ક્રિડામાં વૈવિધ્ય હોય. એકનું એક ભોજન કે પહેરવેશ આપણને કાયમ ગમતાં નથી; તેનાથી કંટાળો આવે છે. માટે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ જગત બનાવ્યું, જેમાં માણસનો દેખાવ એક જેવો લાગે અને છતાંય અબજો માણસોમાં બે માણસો પણ એકસરખા ન હોય. માણસના સ્વભાવમાં પણ પાર વિનાનું વૈવિધ્ય જોવા મળે છે. એક જ સ્થળે જવા નીકળેલા માણસોની ત્યાં જવાની રીત પણ જુદી જુદી હોય છે. વાહનો પણ જુદાં જુદાં હોય છે. એ સ્થળે પહોંચવાના રસ્તા પણ જુદા જુદા હોય છે. જગતના બધાં તત્તવોમાં વિવિધતા છે, ત્યારે એ મનુષ્યોના જુદા જુદા સ્વભાવને ધ્યાનમાં રાખી, ધર્મવિચારમાં પણ પરમાત્માએ વિવિધતા પ્રગટ કરી છે. બધા જ મનુષ્યો એક જ પ્રકારે ભજે એવું પરમાત્મા ઈચ્છતા નથી.
એક બીજુ કારણ પણ છે. માણસનો સ્વભાવ અને શક્તિ જુદાં જુદાં હોવાથી તેમનાં જીવન અને ધ્યેયની પ્રાપ્તિના માર્ગો તથા પ્રયત્નો પણ જુદા જુદા જોવા મળે છે. કોઈ માણસ મગજની શક્તિથી આગળ વધે છે, કોઈ હાથની શક્તિનો વિશેષ ઉપયોગ કરે છે. કોઈ લાગણીના બળે કામ કરે છે. પરિણામે, જ્ઞાનપ્રધાન મનુષ્યો જ્ઞાનના માર્ગે અને ક્રિયાશીલ મનુષ્યો કર્મના માર્ગે ઈશ્વરને પામવા પ્રયત્ન કરે છે. જ્યારે લાગણીશીલ, પ્રેમપૂર્ણ મનુષ્યો ભક્તિના માર્ગે ઈશ્વરની આરાધના કરે છે. આમ, ઈશ્વરને પામવાના માર્ગો અનેક છે, તેથી ધર્મો પણ અનેક છે.
ધર્મો અનેક હોવા છતાં પાયાની વાત એકસરખી છે. બધા ધર્મોનો હેતુ ઈશ્વરપ્રાપ્તિનો જ છે. તે માટેનાં સાધનો ભલે જુદાં છે, પણ સાધ્ય એક જ છે. સમજદાર ડાહ્યો માણસ સાધનોના ઉપયોગમાં દેખાદેખી કરતો નથી. પોતાને અનુકૂળ આવે તે સાધન જ તે વાપરે છે. સાધનનો ઝઘડો ન હોય. સાધનનો આધાર તે વાપરવાની શક્તિ ઉપર છે. તેમાં દેખાદેખી ન ચાલે. તેથી ભલે દુનિયામાં ધર્મ અનેક હોય, પણ આપણા સ્વભાવ અને શક્તિને અનુકૂળ આવે તે આપણો સ્વધર્મ. બીજા બધા ધર્મ આપણા માટે પરધર્મ. આથી ગીતાજીમાં શ્રીકૃષ્ણે સમજાવ્યું કે દરેક માણસે સ્વધર્મનું આચરણ કરવું. પરધર્મનું અનુકરણ ન કરવું. સ્વધર્મના આચરણનો અર્થ એવો પણ નથી કે પરધર્મનો દ્વેષ અથવા તિરસ્કાર કરવો. સમજદાર માણસ ધર્મના નામે ઝઘડા ન કરે; કારણ કે ધર્મ તો સાધન છે. સાધનના ઝઘડા ન હોય. દરેક મનુષ્યમાં સ્વધર્મ પ્રત્યે નિષ્ઠા અને અન્ય ધર્મો પ્રત્યે આદર હોવાં જોઈએ. જે મનુષ્ય પોતાને ધાર્મિક કહેવડાવે, તેનામાં બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા અને સદભાવ હોવા જોઈએ.
આજે ધર્મના નામે લોકો અસહિષ્ણુ બની, લડતા-ઝઘડતા જોવામાં આવે છે. તેમને ડાહ્યા કે શાણા માણસો કહી શકાય નહી; કારણ કે ધર્મ આપસ-આપસમાં બડાઈ હાંકવાનો, મોટાઈ દેખાડવાનો કે બીજાને ઉતારી પાડવાનો વિષય નથી. ધર્મ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. ધર્મ અત્યાચારનો વિષય નથી. સદાચારનો વિષય છે. જગતનો ઈતિહાસ બતાવે છે કે આજ સુધીમાં ધર્મના નામે અનેક યુદ્ધો ખેલાયાં છે. મુસલમાનોએ તલવારથી આખા જગતને ઈસ્લામપંથી બનાવવાના અત્યાચાર કર્યા; જ્યારે ‘ઈસ્લામ’ શબ્દનો અર્થ જ શાંતિ થાય છે. ખ્રિસ્તીઓએ ગરીબ પ્રજાની આર્થિક મજબૂરીનો ગેરલાભ લઈ, ધર્મ-પરિવર્તન કરાવ્યું. આપણા દેશમાં હિન્દુ ધર્મના અનુયાયી શૂદ્ર વર્ણના લોકોએ સમાજમાં ઊંચો મોભો મેળવવા ખાતર બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા. સોલંકી યુગના ગુજરાતમાં કુમારપાળ જેવા રાજાઓએ રાજ્યસત્તાના ભયથી અનેક જ્ઞાતિઓને જૈન ધર્મ આચરતી કરી. આ સૌ એક વાત ભૂલી ગયા કે ધર્મના અનુયાયીઓના સંખ્યાબળથી ધર્મની મહાનતા નક્કી થતી નથી.
કયો ધર્મ શ્રેષ્ઠ અને કયો ધર્મ હીન એ વિચાર જ અયોગ્ય છે. શ્રીમહાપ્રભુજીએ એક પ્રસંગમાં એનો સુંદર ખુલાસો કર્યો છે. શ્રીમહાપ્રભુજી ગુજરાતમાં પધાર્યા હતા, ત્યારે એક ગામમાં તળાવના કિનારે મુકામ કર્યો હતો. તે ગામના પુરુષોત્તમ જોષી નામના એક વિદ્વાને શ્રીમહાપ્રભુજીને પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગમાં કયો માર્ગ ઉત્તમ? શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો : બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જનારા જ છે, તેથી બધા ધર્મો ઉત્તમ છે. પસંદગીનો આધાર માણસના સ્વભાવ ઉપર છે. જેને જે માર્ગ અનુકૂળ આવે તે તેના માટે ઉત્તમ. મને પૂછો તો ભક્તિમાર્ગ ઉત્તમ છે.
આ વાત આજના સમયમાં ધર્મના માટે લડતા અને આતંકવાદી બનતા સૌએ સ્વસ્થતાથી સમજવા જેવી છે. જગતમાં વૈવિધ્યને માણવા માટે પણ મનની ઉદારતા જોઈએ, તેમ જુદા જુદા ધર્મોમાં રહેલા વૈવિધ્યને સ્વીકારવા માટે મનની ઉદારતા ઘણી જરૂરી છે. બધા ધર્મોના અસ્તિત્વનો ઉદારતાથી સ્વીકાર કરવો જોઈએ. તે માટે સંઘર્ષ કરવો યોગ્ય નથી.
આ સાથે એક બીજી વાત સમજી લેવાની જરૂર છે. સૌ ધર્મો પ્રત્યે સમભાવ હોવો જોઈએ, પરંતુ બધા ધર્મોનું અનુસરણ એક સાથે શક્ય નથી. એટલે અનુસરણ તો કોઈ એક જ ધર્મનું થાય. માટે આપણને અનુકૂળ આવે એવો એક ધર્મ પસંદ કરી, તે સ્વધર્મમાં આપણી નિષ્ઠા અને પ્રેમ રાખવા જોઈએ.