(રચનાઃ કૃષ્ણદાસજી)
મેરે તો ગિરિધર હી ગુણગાન,
યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન.
ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે દાન,
‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન.
ભાવાર્થઃ
શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે રાખી, આવા પ્રિયતમના સ્નેહવશ બની જીવનભર હું તેમનાં ગુણગાન ગાઈશ. તે સાંભળવામાં તેમની પણ પ્રસન્નતા છે તે હું જાણું છું.
મારા સાંવરે લાલનું આ સ્વરૂપ મારી આંખોમાં સદાકાળ ખેલે છે. મારા હૃદયમાં સદાકાળ તેમનું જ ધ્યાન સહજ સ્નેહના કારણે છે; તેથી સહજ રીતે વાણીથી તેમનું જ ગુણગાન થયા કરે છે.
હે સાંવરે સુંદર! મારું મન તમારી ચરણરજની અભિલાષા સેવે છે. આપ મારા પ્રેમભાજન છો, ત્યારે મને આટલું દાન આપો. સદાય આપની ચરણરજ મારા હૃદય અને મસ્તકે લાગી રહે – આપનાં ચરણકમળ મારાં હૃદય અને મસ્તક પર બિરાજે.
કૃષ્ણદાસજી કહે છે, હે ગિરિધરલાલ! હું તમારી દાસી છું – તમે મારા સ્વામી છો. તેથી જ મારું જીવન છો. તમારા મંગલરૂપ નિધાનને પામી, મારું જીવન તમારા સુખ માટે જ જીવવા જેવું લાગે છે. આ જીવન દ્વારા તમારાં ગુણગાન ગાયા કરું, તેનાથી જ તમને રીઝવ્યા કરું.
તમારાં ગુણગાન પણ, હે નાથ! તમારા સુખ માટે જ ગાવાં છે, મારા સુખ માટે નહીં; કારણ તમારા સુખમાં જ મારું સુખ છે.