મને મારું ગોકુલ યાદ બહુ આવે,
મને તારા મથુરામાં જરાયે ન ફાવે.
મને મારા ગોવાળ યાદ બહુ આવે,
મારા માટે નવાં નવાં માખણ લાવે.
મને મારી ગોપીઓ યાદ બહુ આવે,
મારા માટે નવાં નવાં ખિલૌના લાવે.
મને મારાં જશોદામા યાદ બહુ આવે,
ખાંડણીએ બાંધ્યો એ તો કેમ રે વિસરાય.
મને મારાં યમુનાજી યાદ બહુ આવે,
કાળીનાગને નાથ્યો એ તો કેમ રે ભૂલાય.
મને મારા યમુનાના ઘાટ યાદ બહુ આવે,
રાધા દુલારી ત્યાં જળ ભરવા આવે.
વૃંદાવનની વાટો મને યાદ બહુ આવે,
બંસી બટનો ચોક મને યાદ બહુ આવે.
શરદ પૂનમની રાત મને યાદ બહુ આવે,
ગોપીઓનો પ્રેમ મને કદીયે ન ભૂલાય.
બારણાં વાસીને છપ્પન ભોગ ધરાવે,
માખણ મીસરીનો ભોગ ધરાવે.
માખણ મીસરીને તોલે કાંઈ નવ આવે,
મને મારી વ્રજભૂમિ યાદ બહુ આવે.
થનક થનક થૈઈ થૈઈ રાસ રચાવે,
કૃષ્ણ કહે ઓધવ ઝાઝું શું બોલવું.
ગોકુલની લીલાનો પાર ના આવે,
મને મારું ગોકુલ યાદ બહુ આવે.