જન્માષ્ટમીની વધાઈ
રચનાઃ સૂરદાસજી
(રાગઃ ગોરી)
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/kaun-sukrut.mp3|titles=kaun sukrut]
કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો વદત વિરંચી શિવ શેષ ।
શ્રીહરિ જીનકે હેત પ્રગટે ગહી માનુષ વેષ ।।ધ્રુવ।।
જોતિરૂપ જગધામ જગતગુરુ જગતપિતા જગદીશ ।
યોગયજ્ઞ જય તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ ।।૧।।
એક એક રોમ કૂપ વિરાટ સમ અનંત કોટિ બ્રહ્માંડ ।
લિયે ઉછંગ વાહિ માત યશોદા અપને નિજ ભુજદંડ ।।૨।।
જાકે ઉદર લોક ત્રય જલ થલ પંચ તત્ત્વ ચહું ખાન ।
બાલક હોઈ ઝૂલત વ્રજ પલના જસુમતિ ભવન નિધાન ।।૩।।
અનુદિન સ્ત્રવત સુધારસ પંચમ ચિંતામનિ સી ધેન ।
સો તજિ જસુમતિ કો પય પીવત ભક્તનકો સુખ દેન ।।૪।।
કરન હરન પ્રભુ દાતા ભુક્તા વિશ્વંભર જગ જાની ।
તાહિ લગાય માખનકી ચોરી બાંધ્યો હૈ નંદરાની ।।૫।।
રવિ શશિ કોટિ કલા સમ લોચન ત્રિવિધ તિમિર મિટિ જાત ।
અંજન દેત હેત સુતકે ચખ લે કર કાજર માત ।।૬।।
કમલાનાયક વૈકુંઠદાયક દુઃખ સુખ જાકે હાથ ।
કાંધે કામર લકુટ નગ્ન પદ વન બછરનકે સાથ ।।૭।।
વેદ વેદાંત ઉપનિષદ ષટરસ અરપત ભુક્તત નાહિ ।
ગોપ ગ્વાલનકી મંડલી મોહન હંસી હંસી જૂઠન ખાહિ ।।૮।।
ક્ષિતિ નાપી ત્રયપદ કરુનામય બલિ છલિ દિયો પાતાર ।
દેહરી ઉલંધ સકત નહીં સો પ્રભુ ખેલત નંદકુમાર ।।૯।।
બકી બકાસુર શકટ તૃણાવર્ત અઘ ધેનુક વૃષભાસ ।
કંસ કેશીકો યહ ગતિ દીની રાખે ચરન નિવાસ ।।૧૦।।
ભક્તવત્સલ પ્રભુ પતિત ઉધ્ધારન રહે સકલ ભરપૂર ।
મારગ રોકિ પર્યો હરિદ્વારે પતિત સિરોમનિ સૂર ।।૧૧।।
ભાવાર્થઃ
આ પદમાં સૂરદાસજીએ એવું વર્ણન કર્યું છે કે જેનાથી માહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહ પ્રભુમાં સિદ્ધ થાય.
બ્રહ્માદિ દેવો કહે છે કે – આ વ્રજવાસીઓનાં કેવાં પૂર્વ પુણ્ય પ્રગટ્યાં કે સાક્ષાત્ પરમાત્મા એમને માટે માનવ રૂપે ભૂતલ પર પ્રગટ થયા! (૧)
તેજોમય, સર્વવ્યાપક, સર્વના શિરોમણિ, જગતના સર્જનહાર જગદીશ કે જે યોગ, યજ્ઞ, જપ, તપ કે વ્રતો વગેરે કરવાથી પણ મળતા નથી તે ગોકુલમાં ઘેર ઘેર પધારે છે! (૨)
જેના સ્વરૂપમાં ત્રણે લોક સમાયેલા છે, જળસ્થળની તમામ પંચતત્વ સૃષ્ટિ સમાયેલી છે, તે યશોદાજીના ઘરમાં બાળક બનીને પારણે ઝૂલી રહ્યા છે! (૩)
જે વિરાટ પ્રભુનું એકેક રૂવાટું કૂવા જેવું મહાન છે, જે વિરાટમાં અનંત કોટિ બ્રહ્માંડો સમાએલાં છે, તેને યશોદા મૈયા ખોળામાં લઈને, બાથ ભરીને ભેટી રહ્યાં છે! (૪)
સૂર્ય, ચંદ્ર, તો જેનાં બે નયનો છે, એવા તેજસ્વી પ્રભુ, જેના વડે વિશ્વનો ત્રિવિધ અંધકાર દૂર થઈ જાય, તેની આંખોમાં માતા હેત કરીને અંજન આંજી રહ્યાં છે! (૫)
ત્રણ પગલામાં જેણે ત્રણ લોકને માપી લીધા, રાજા બલિ ઉપર કૃપા કરવા, છળ કરીને એને પાતાળમાં મોકલ્યો, એ પ્રભુ અહીં નંદરાયજીના આંગણામાં ઉમરો પણ ઓળંગી શકતા નથી; ઘુંટણિયાં તાણી રહ્યા છે! (૬)
ચિંતામણી જેમ સુવર્ણ આપે તેમ, કામધેનુ જેને માટે નિત્ય અમૃતરસ સ્રવે છે (દૂધને બદલે અમૃત) એવા પ્રભુ, એ છોડીને અહીં યશોદાજીનું પયપાન કરી રહ્યા છે. કેમકે ભક્ત મનોરથ પૂરવા પ્રગટ્યા છે! (૭)
વેદ વેદાન્ત વેધ એવા પુરુષોત્તમ, જે ખટરસ વ્યંજન આપવા છતાં લે નહિ તે, અહીં વ્રજમાં છાકલીલા કરતાં, ગ્વાલબાલોનું જૂઠન હસી હસીને આરોગે છે! (૮)
ભક્તોને વૈકુંઠમાં લઈ જનાર, લક્ષ્મીપતિ, કે જે જીવમાત્રના સુખદુઃખના સાથી છે, તે અહીં કાંધે કાળી કામળી ઓઢીને, હાથમાં લાલ લાકડી લઈને, વનમાં વાછરડાં સાથે ખેલી રહ્યાં છે! (૯)
જે કર્તા-હર્તા છે, જે દાતા અને ભોક્તા છે, વિશ્વનું ભરણ પોષણ કરનાર તરીકે જગત જેને જાણે છે, તે પ્રભુને માખણની ચોરી લગાવીને નંદરાણી બાંધી રહ્યા છે! (૧૦)
પૂતના, બકાસુર, શકટાસુર, તૃણાવર્ત, અઘાસુર, ધેનુકાસુર, વૃષભાસુર, કેશી અને કંસ જેવાને મારીને જેણે મુક્તિ આપી, એવા પતિત-ઉદ્ધારક પ્રભુ, અહીં ભક્તો પ્રત્યે ભરપુર પ્રેમ દર્શાવી રહ્યા છે!
શ્રીસૂર કહે છે કે મારા પ્રભુ આવા સમર્થ છતાં ભક્ત વત્સલ હોવાથી હું તો એમનું દ્વાર રોકીને પડ્યો છું. મારા જેવા પતિત શિરોમણિનો પણ એ ઉદ્ધાર કરવાના જ છે! (૧૧-૧૨)
શબ્દાર્થઃ
વિરંચિ=બ્રહ્મા
કૂપ=કૂવો
ઉચ્છંગ=ગોદ, ખોળો
ત્રિવિધ તિમિર=ત્રણ પ્રકારનો અંધકાર (આધિભૌતિક વગેરે)
ચખ=ચક્ષુ, આંખ
ક્ષિતિ મિતિ=પૃથ્વી માપીને
ત્રિપદ=ત્રણ પગલાં
દેહરી=ઉમરો
અનુદિન=નિત્ય
ખટરસ=ભોજનના છ સ્વાદ (ગળપણ વગેરે)
ભુગતે નહિ=આરોગતા નથી
કમલા=લક્ષ્મી