(રચનાઃ પરમાનંદદાસજી)
(રાગઃ બિભાસ)
ગંગા પતિતનકો સુખ દેની ।
સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।।
સકલ બ્રહ્માંડ ફોરકે આવત ચલત ચાલ ગજગેની ।
પરમાનંદ પ્રભુ ચરણ પરસતેં ભઈ કમલદલનયની ।।૨।।
આ પદમાં પરમાનંદદાસજી ગંગાજીનો મહિમા વર્ણવે છે. ગંગાજી પતિતોપાપીઓને સુખ દેનારાં છે. ગંગાસ્નાનથી અનેક જન્મોનાં પાતકો દૂર થાય છે.
ગંગાજી તો સ્વર્ગની સરિતા. શ્રી વિષ્ણુ ભગવાનનાં ચરણકમલમાંથી પ્રગટેલાં ચરણપદ્મજા. ભૂતળ ઉપર તેમને લાવનાર ભગીરથ રાજા. પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે અયોધ્યાના આ સૂર્યવંશી રાજાએ ગંગાજીને ભૂતલ ઉપર પધરાવ્યાં હતાં. ઈક્ષ્વાકુ વંશના સગર રાજાના ૬૦,૦૦૦ પુત્રો અશ્વમેધ યજ્ઞનો ઘોડો સાચવતા તેની પાછળ જતા હતા. આ ઘોડાને પાતાળમાં લઈ જવામાં આવ્યો, ત્યારે બધા પુત્રો પૃથ્વી ખોદીને પાતાળમાં ગયા. ત્યાં તેમણે ધ્યાનમાં બેઠેલ કપિલ મુનિનું અપમાન કર્યું. કપિલ મુનિ ક્રોધિત થયા અને એ ક્રોધથી બધા ભસ્મીભૂત થઈ ગયા.
ઘણાં વર્ષો પછી સગર રાજાના પૌત્ર અંશુમાન રાજા તેના કાકાઓની શોધમાં નીકળ્યા. કપિલ મુનિના શાપથી બધા ભસ્મીભૂત થયા છે એ જાણી અંશુમાન રાજાએ મુનિને વિનંતી કરી કે એ ૬૦,૦૦૦ ને માફી આપો.
કપિલ મુનિએ કહ્યું, ‘તમારા દીકરાના દીકરાનો દીકરો ભગીરથ રાજા થશે. તે ગંગાજીને પ્રસન્ન કરી ભૂતળ ઉપર લાવશે. ગંગાજીની સહાયથી એ ભસ્મીભૂત પુત્રોનો ઉદ્ધાર થશે.’
ભગીરથ રાજાએ ગંગાજીને પ્રસન્ન કરવા હજારો વર્ષો સુધી તપ કર્યું. તપથી ગંગાજી પ્રસન્ન થતાં તેમને પૃથ્વી ઉપર પધારવા વિનંતી કરી. ગંગાજીએ પૃથ્વી ઉપર આવવાનું કબુલ્યું. ત્યારે પ્રશ્ન થયો કે ગંગાજીના ધસમસતા પ્રવાહને પૃથ્વી ઉપર ઝીલશે કોણ? કારણ કે એ પ્રવાહ સીધો પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીને ચીરી નાખે. ભગીરથે શિવજી પાસે જઈ ગંગાના પ્રવાહને ઝીલવા વિનંતી કરી. શિવજીએ સંમતિ આપી. ગંગાજીને ઝીલવા તેઓ ઊભા રહ્યા. ગંગાજી આકાશમાંથી નીચે પધાર્યાં. ભગીરથ જ્યાં તપ કરતા હતા ત્યાં જલબિંદુઓ પડ્યાં અને ગંગાજીના જળથી ત્યાં બિંદુસાર નામનું સરોવર રચાયું. તેમાં ગંગાજી પુરાઈ ગયાં અને તેમના સ્પર્શથી સગર રાજાના ૬૦,૦૦૦ પુત્રોનો ઉદ્ધાર થયો. બધા સ્વર્ગમાં ગયા.
આ પૌરાણિક આખ્યાયિકાનો ઉલ્લેખ કરીને પરમાનંદદાસજી કહે છે કે ભગીરથ રાજા તપ કરી, સેવા કરી, ગંગાજીને સર્વ જીવોના પાપ દૂર કરવા માટે ભૂતલ ઉપર લાવ્યા છે. ગંગાજી સકલ બ્રહ્માંડને ચીરીને પૃથ્વી ઉપર પધાર્યાં છે અને ગજગતિ ચાલે આવી હિમાલયથી વહેતાં વહેતાં છેક બંગાળના ઉપસાગર સુધી પ્રવાસ કરે છે. અનેક પતિત લોકોને પાવન કરતાં રહે છે.
ગંગાજીમાં પતિતોને પાવન કરવાની આ શક્તિ ક્યાંથી આવી? તો પરમાનંદદાસજી કહે છે કે પ્રભુનાં ચરણમાંથી પ્રગટ્યાં હોવાથી, પ્રભુનાં ચરણનો સ્પર્શ થવાથી આ કમલદલ જેવાં નયનવાળાં ગંગાજી પતિતપાવની બન્યાં છે.
આવાં શ્રીગંગાજીનો મહિમા ભક્તો ગંગાદશહરાના દસ દિવસ ગાય છે અને શ્રીયમુનાજીની સાથે તેમને પણ યાદ કરે છે.