શૃંગારનું પદ

શૃંગારનું પદ

શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે.

(રચનાઃ વિષ્ણુદાસ)

(રાગઃ બિલાવલ)

આઓ ગોપાલ સિંગાર બનાઉં,
વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે જુ ન્હવાઉં. (‍૧)

અંગ અંગોછ ગુહૂં તેરી બેની, ફૂલન રુચિ-રુચિ માલ બનાઉં,
સુરંગ પાગ જરતારી તોરા રત્નખચિત સિરપેચ બંધાઉં. (૨)

વાગો લાલ સુનેરી છાપો હરી ઈજાર ચરનન વિચરાઉં,
પટુકા સરસ બેંજની રંગકોં હંસુલી હાર હમેલ બનાઉં. (૩)

ગજમોતિનકે હાર મનોહર વનમાલા લે ઉર પહિરાઉં,
લે દરપન દેખો મેરે પ્યારે નિરખ-નિરખ ઉર નૈન સિરાઉં. (૪)

મધુમેવા પકવાન મિઠાઈ અપને કર લે તુમ્હેં જિમાઉં,
‘વિષ્ણુદાસ’કો યહી કૃપાફલ બાલલીલા હોં નિસદિન ગાઉં. (૫)

શબ્દાર્થઃ

ઉબટનો = સુગંધી પદાર્થોથી દેહને ઘસીને સ્વચ્છ કરવો.
જરતારી = જરીના તારવાળા.
તોરા, શિરપેચ = પાગ ઉપર ધરાતાં આભુષણો.
બેંજની = જાંબલી
હંસુલી, હમેલ = શ્રીકંઠના આભુષણ.

ભાવાર્થઃ

હે ગોપાલ! તમે પાસે, આવો. હું તમારા શૃંગાર કરું. સૌપ્રથમ વિવિધ સુગંધી પદાર્થો આપના શ્રીઅંગે લગાવી, આપને અભ્યંગ કરાવીશ અને પછી ગરમ જલથી સ્નાન કરાવીશ. (૧)

તમારું શ્રીઅંગ લૂછી, તમારા કેશ ગૂંથીશ અને તેમાં ફૂલોની રચના કરીને, તમારા કેશની વેણી બનાવીશ. તે કેશથી શોભતા મસ્તક ઉપર લાલ રંગનો પાગ બાંધીશ. પાગ ઉપર સોનેરી જરીના તોરા અને રત્નજડિત શિરપેચ ધરાવીશ. (૨)

        આપનાં ચરણોમાં લીલા રંગનું સૂથન અને શ્રીઅંગે લાલ રંગનો સોનેરી છાપાનો વાગો ધરાવીશ, વાગા ઉપર જાંબલી રંગનો સુંદર પટકો બાંધીશ. આપના શ્રીકંઠમાં હાંસ, હમેલ, હાર વગેરે આભુષણો ધરાવીશ. (૩)

        તે ઉપરાંત ગજમોતીના હાર અને સુંદર વનમાળા પણ ધરાવીશ. હે પ્રિય ! આપ આપના સુંદર મુખને દર્પણમાં જોશો ત્યારે તે મુખનાં દર્શન કરી, હું મારા હૃદય અને નેત્રોને શીતલ કરીશ. (૪)

        ત્યારપછી સુંદર મેવા, પકવાન અને મીઠાઈ મારા હાથમાં લઈ તમને આરોગાવીશ. વિષ્ણુદાસજી કહે છે કે, આપની આ સેવા એ આપની કૃપાનું જ ફળ છે. તે સેવા કરતાં હું હંમેશાં રાતદિવસ તમારી બાળલીલા ગાઈશ. (૫)

ફૂલના હિંડોળાનું પદ

ફૂલના હિંડોળાનું પદ

રચનાઃ શ્રીચતુર્ભુજદાસજી

(રાગઃ માલવ)

ફૂલનકો હિંડોરો ફૂલનકી ડોરી, ફૂલે નંદલાલ ફૂલી નવલકિશોરી;
ફૂલનકે ખંભ દોઉ ડાંડી ફૂલનકી, પટુલી બૈઠે દોઉ એક જોરી (૧)

ફૂલે સઘન વન ફૂલે નવકુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી;
ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કૂલે, ફૂલી ભામિની દેત અકોરી (૨)

ભાવાર્થઃ

યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે. સખીઓ ઝૂલાવે છે. હિંડોળો ફૂલોથી સુંદર રીતે સજાવ્યો છે. ઝુલાવવા માટેની દોરી પણ ફૂલોથી ગૂંથી છે.

હિંડોળામાં બિરાજમાન નંદલાલ શ્રીકૃષ્ણ અને નવલ કિશોરી રાધા બંને ફૂલ્યાં સમાતા નથી. પ્રસન્નતાથી ઝૂલી રહ્યાં છે. હિંડોળાના બે ખંભ અને ચાર દાંડી ઉપર ફૂલપાનથી વેલની સુંદર ભાત પાડી છે. વચ્ચે પટુલી ઉપર યુગલ સ્વરૂપ બિરાજે છે અને એકબીજા સાથે ઝૂલવાનો આનંદ લઈ રહ્યાં છે.

વર્ષાઋતુના મનભાવન દિવસો છે. ચોમેર સઘન વન પુષ્પોથી મહેકી રહ્યાં છે. નવીન કુંજોમાં સુગંધિત પુષ્પો ખીલી રહ્યાં છે. પ્રભુને આવા સુંદર, સુગંધયુક્ત વાતાવરણમાં શ્રીયમુનાજીના કિનારે ફૂલહિંડોળામાં સખીઓ ઝૂલાવી રહી છે ત્યારે શ્રીયમુનાજી પણ જાણે પ્રભુનાં દર્શન કરવા માટે આનંદપૂર્વક હિલોળા લઈને ઉપર ચઢી રહ્યાં છે.

યમુનાજીના કિનારે આ હિંડોળાની નજીક ઊભા રહીને દર્શન કરી રહેલ ચતુર્ભુજદાસજી કહે છે કે નંદનંદન શ્રીઠાકોરજી અને ભામિની રાધા બંને જણ આનંદપૂર્વક કિલકારી કરતાં હિંડોળે ઝૂલે છે ત્યારે એ દર્શનનો આનંદ હું પણ લઈ રહ્યો છું.

ચતુર્ભુજદાસજી આ કીર્તનમાં પ્રભુની હિંડોળા લીલાનું વર્ણન કરી આપણને પણ હિંડોળે ઝૂલતાં યુગલ સ્વરૂપનાં દર્શન કરાવી રહ્યા છે. વર્ષાઋતુના આહ​લાદક દિવસોમાં આપણા પ્રભુને આપણે ફૂલોથી સજાવેલા હિંડોળામાં ઝૂલાવીએ અને ઝૂલાવવાનો, કીર્તન ગાવાનો તેમજ દર્શન કરવાનો આનંદ લઈએ.

તાજેતરની ટિપ્પણીઓ

    ટૅગ્સ

    આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી