નંદમહોત્સવનો સાક્ષાત્કાર
શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ.
એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા.
(અભ્યંગ સમયનું પદ)
(રાગ-દેવગંધાર)
વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત સુની, સુનિ આનંદે સબ લોગ, ગોકુલ ગણિત ગુની ।
વ્રજ પૂરવ પૂરે પુન્યરૂપી કુલ, સુથિર થુની, ગ્રહ લગ્ન નક્ષત્ર બલિ સોધિ, કીની વેદ ધ્વની ।।૧।।
સુનિ ધાઇં સબે વ્રજનારી, સહજ સિંગાર કિયે, તન પહરે નૌતન ચીર, કાજર નૈન દિયે ।
કસિ કંચુકી તિલક લિલાટ, શોભિત હાર હિયેં, કર કંકણ કંચન થાર, મંગલ સાજ લિયેં ।।૨।।
વે અપને અપને મેલ, નિકસીં ભાંતિ ભલીં, માનો લાલ મુનિનકી પાંતિ, પિંજરત ચૂર ચલી ।
વે ગાવેં મંગલગીત મિલી, દશ પાંચ અલીં, માનો ભોર ભયો રવિ દેખિ, ફૂલી કમલ કલી ।।૩।।
ઉર અંચલ ઉડત ન જાન્યો, સારી સુરંગ સુહીં, મુખ માંડ્યો રોરી રંગ, સેંદુર માંગ છુહી ।
શ્રમ શ્રવનન તરોના તરોના, બેની શિથિલ ગુહી,
શિર બરખત કુસુમ સુદેશ, માનો મેઘ ફૂહી ।।૪।।
પીય પહલેં પોહોંચી જાય, અતિ આનંદ ભરી, લઈ ભીતર ભવન બુલાય, સબ શિશુ પાય પરી ।
એક વદન ઉઘારી નિહારત, દેત અસીસ ખરી, ચિરજીયો યશોદાનંદ, પૂરન કામ કરી ।।૫।।
ધન્ય ધન્ય દિવસ ધન્ય રાત્ર, ધન્ય યહ પહર ઘરી,
ધન્ય ધન્ય મહરિજૂકી કૂખ, ભાગિ સુહાગ ભરી ।
જિન જાયો એસો પૂત, સબ સુખ ફલન ફરી, થિર થાપ્યો સબ પરિવાર, મનકી શૂલ હરી ।।૬।।
સુતિ ગ્વાલન ગાય, બહોરિ બાલક બોલિ લિયે, ગુહિ ગુંજા ઘસિ વન ધાતુ, અંગ અંગ ચિત્ર ઠયે ।
શિર દધિ માખનકે માંટ, ગાવત ગીત નયે,
સંગ ઝાંઝ મૃદંગ બજાવત, સબ નંદભવન ગયે ।।૭।।
એક નાચત કરત કુલાહલ, છિરકત હરદ દહીં, માનોં બરખત ભાદોમાસ, નદી ઘૃત દૂધ બહી ।
જાકો જહીં જહીં ચિત જાય કૌતિક તહીં તહીં, રસ આનંદ મગન ગુવાલ, કાહૂ બદત નહી ।।૮।।
અક ધાય નંદજૂપે જાય, પુનિ પુનિ પાય પરે, એક આપ આપુહિ માંઝ, હસિ હસિ અંક ભરે ।
એક અંબર સબહી ઉતારિ દેત નિશંક ખરેં, એક દધિરોચન ઔર દૂબ, સબનકે શીશ ધરે ।।૯।।
તબ નંદ ન્હાય ભયે ઠાડે, અરુ કુશ હાથ ધરે, નાંદીમુખ પિતર પુજાય અંતર સોચ હરેં ।
ઘસિ ચંદન ચારુ મંગાય, વિપ્રન તિલક કરે,
વર ગુરૂ જન દ્વિજન પહરાય, સબનકે પાંય પરે ।।૧૦।।
ગન ગૈયા ગિની ન જાય, તરુન સુવચ્છ બઢી, નિત ચરૈં યમુનાજૂકે, કાછ દૂને દૂધ ચઢી ।
ખુર રુપે તાંબે પીઢ, સૌને સીંગ મઢી, તે દીની દ્વિજન અનેક, હરખિ અસીસ પઢી ।।૧૧।।
તબ અપને મિત્ર સુબંધુ, હસિ હસિ બોલિ લીયે, મથિ મૃગમદ મલય કપૂર, માથેં તિલક કીયે ।
ઉર મણિમાલ પહરાય, વસન વિચિત્ર દીયે, માનો વરષત માસ અષાઢ દાદુર મોર જીયે ।।૧૨।।
વર બંદી માગધ સૂત, આંગન ભવન ભરે, તે બોલે લે લે નામ, હિત કોઉ ના બિસરે ।
જિન જો જાચ્યો સો દીનો, રસ નંદરાય ઢરે, અતિ દાન માન પરધાન, પૂરન કામ કરે ।।૧૩।।
તબ રોહિની અંબર મગાય, સારી સુરંગ ઘની, તે દીન વધૂન બુલાય, જૈસી જાય બની ।
વે અતિ આનંદિત બહોરિ, નિજ ગૃહ ગોપ ધની,
મિલિ નિકસી દેત અસીસ, રુચિ અપુની અપુની ।। ૧૪।।
તબ ઘરઘર ભેરિ મૃદંગ, પટહ નિસાન બજે, વર બાંધી બંદનમાલ અરુ ધ્વજ ક્લશ સજે ।
તબ તા દિનતેં વે લોગ, સુખ સંપતિ ન તજે,
સુનિ સૂર સબનકી યહ ગતિ જે હરિ ચરન ભજે ।।૧૫।।
ભાવાર્થઃ
શ્રી યશોદાજીને ત્યાં પુત્ર જન્મ થયાની વાત વ્રજમાં પ્રસરી ત્યારે તે સાંભળતાં જ વ્રજવાસીઓ ઘણા આનંદમાં આવી ગયાં. વળી ગણ્યા ગણાય નહિ એટલા ગુણીજનો (ભાટ-યાચકો) ગોકુલમાં આવવા લાગ્યા.
પૂર્વનાં પૂરાં પુણ્યને લીધે, નંદરાયજીના કુલને સ્થિર કરનાર (બનાવનાર) સ્તંભ જેવા શ્રી કૃષ્ણ પ્રગટ્યા. જ્યોતિષીઓ આવ્યા છે. ગ્રહો, નક્ષત્રોનું બલ શોધીને કુંડલી તૈયાર કરે છે. વેદમંત્રોના ધ્વનિથી નંદભવન ગાજી રહ્યું છે. (૧)
(જે ચિરકાલથી આ દિવસની પ્રતીક્ષા કરી રહી હતી તે, વેદની શ્રુતિઓ રૂપી) વ્રજનારીઓ તો નંદસદન પ્રતિ દોડવા લાગી છે. એમના સહજ સિંગારનું અને આનંદોલ્લાસનું મનોરમ વર્ણન કવિ હવે કરે છે.
સૌએ નવાં નવાં ચીર ધારણ કર્યાં છે. નયનોમાં અંજન છે.
ચળીઓ કસીને પહેરી છે. લલાટમાં બિંદીઓ કરેલી છે. છાતી પર મોતીના હાર ઝૂલી રહ્યા છે. હાથમાં થાળ લીધા છે અને કંકણનો રણકાર થાય છે. થાળમાં મંગલ સામગ્રી સાજેલી છે. (૨)
પોતપોતાના મેળની સરખી સહિયરો સાથે સૌ નીકળી છે. લાલ સુરંગ સાડીઓ પહેરીને બની ઠનીને આવી રહી છે. એ દ્રશ્ય કેવું દેખાય છે? જાણે લાલ મુનિ નામક પક્ષીઓ, પાંજરાં તોડીને, એક સાથે ઊડી રહ્યાં હોય! (ગોપીઓ જાણે ચાલતી નથી, પણ ઊડી રહી છે, એવું દ્રશ્ય લાગે છે. ભારે ઉમંગમાં છે ને!)
પ્રભાતમાં સૂર્યોદય થાય અને કમળની કળીઓ ખીલે એવાં એમનાં હૃદય કમલ પ્રફુલ્લિત બન્યાં છે. પાંચ પાંચ, દસ દસ, સખીઓ સાથે સ્વર મિલાવીને, મંગલ ગીતો ગાતી જાય છે. (૩)
મુખ પર કુંકુમની આડ કરેલી છે. સેંથામાં સિંદૂર પૂર્યો છે. વક્ષઃસ્થલ પરનો પાલવ પવનથી ઊડીને ઊંચો થાય છે. ત્યારે ઉર પ્રદેશ ખુલ્લો થાય છે. આમ તો એ લજ્જાશીલ યુવતીઓ આવું ન થવા દે. અત્યારે આનંદના અતિરેકમાં એમને એનું યે ભાન રહેતું નથી. મન નંદનંદનમાં એવું લાગી ગયું છે. અલૌકિક આનંદમાં લોકલજ્જાત વિસરાઈ જાય છે.
વેગીલી ગતિને લીધે શરીર, શ્રમજલ (પસીના) થી ભીંજાઈ જાય છે; કાનનાં આભૂષણો ડોલી રહ્યાં છે; કેશ પાશ ઢીલો પડવાથી એમાં ગૂંથેલાં પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે. (૪)
ગોપો અને ગોપીઓ ઘેરથી તો સાથે નીકળ્યાં હશે. પણ ગોપીઓનો ઉત્સાહ વિશેષઃ એ પતિથી પહેલી પહોંચી ગઈ. રોહિણીજીએ એમને ઘરની અંદર બોલાવી. બાલકને સૌ પગે લાગવા માંડી.
જેનાં મનમાં જે આવે તે આશીર્વચન ઉચ્ચારે છે. પાલનામાં ઢબૂડીને પોઢાવેલા લાલનું મુખ ઉઘાડીને કોઈ ગોપી કહે છે. ‘ઓ યશોદાનંદન! આપ ચિરંજીવો. અમારી મનોકામનાઓને પૂરવા આપ પ્રગટયા છો.’ (૫)
કોઈ કહે છેઃ ‘આ દિવસ-રાત, આ પહોર, આ ઘડી બધું ધન્ય બની ગયું. અરે, યશોદા મૈયાની કૂખને ય કોટિ કોટિ ધન્યવાદ! એ ભાગ્ય સૌભાગ્યથી સભર બની ગઈ!
જે કૂખે સાક્ષાત્ પ્રભુ પુત્ર રૂપે પ્રગટયા. સર્વ સુખ અને સકલ ફલ ફલિત થયાં. આ પુત્ર આખા પરિવારને સ્થિર કરીને સ્થાપશે. દુઃખોને દૂર કરશે. (૬)
ગાયો ચરાવતા ગોવાળોએ પુત્ર જન્મની વાત સાંભળીને ગાયોને વાળી લીધી. પોતાના બાળકોને પાછા બોલાવ્યા. ઘેર આવીને શણગાર પહેર્યા. કેવા? ગુંજાની માળાઓના અને ગોપીચંદનનાં ચિત્રોથી શરીરની શોભા કરી.
પછી એ ગોવાળોએ માથે દહીંમાખણનાં માટ લીધાં. નવાં ગીત ગાતા, ઝાંઝ મૃદંગ બજાવતા, એ નંદભવનમાં પહોંચ્યા. (૭)
ગોવાળિયા મસ્ત બનીને નીચે છે. ‘નંદ ઘેર આનંદ ભયો.’ ગાતાં કોલાહલ મચાવે છે. હળદર મિલાવેલું દહીં છાંટતાં, એવી ઝડી વરસાવે છે કે જાણે દહીંની વર્ષા ન થતી હોય! વરસાદ વરસે ત્યાં જળનો પ્રવાહ ચાલે; અહીં દૂધ-દહીં-માખણની નદી વહી રહી છે!!
જ્યાં જોઈએ ત્યાં નવું જ કૌતુક દેખાય છે. આનંદ રસમાં મસ્ત બનેલા ગ્વાલબાલો કોઈને ગાંઠતા નથી; સ્વચ્છંદ ખેલી રહ્યા છે. (૮)
કોઈ તો નંદરાયજીની પાસે દોડી જાય છે. એમને પગે પડે છે. કોઈ હસી હસીને પરસ્પર આલિંગન આપી રહ્યા છે.
કોઈ કોઈને માથે દહીં રેડે છે તો કોઈ ગોરોચન અને દુર્વા (ધરો) સૌને માથે મૂકતા ફરે છે. કોઈ તો વળી પોતાનાં પહેરેલાં વસ્ત્રો કાઢીને બીજાને આપી દે છે. આમ કરતાં સંકોચ પણ થતો નથી. આનંદમાં ઘેલા થઈ ગયાં છે ને! દિવાનાઓને નિરાવરણ થતાં ક્યાં શરમ આવે છે? (૯)
હવે કવિ બીજી બાબતો વર્ણવે છેઃ
નંદરાયજી સ્નાન કરીને ઊભા થાય છે. હાથમાં દર્ભ લીધો છે. સુંદર ચંદન વડે વિપ્રોને તિલક કરે છે.
નાંદીમુખ, પિતૃ પૂજન, વિગેરે વિધિઓ કરે છે. અંતરના શોચને દૂર કરે છે. વડીલો તથા વિપ્રોને વસ્ત્રો પહેરાવે છે. પછી સૌને પગે લાગે છે. (૧૦)
નંદજીને ઘેર અગણિત ગાયો છે. ગાયો યુવાન છે. એમનાં સુંદર વાછરડાં વધતાં જાય છે. ગાયો યમુના તટે ચરે છે. પ્રભુના પ્રાગટ્યથી ગાયોને એવો હર્ષ થયો છે કે બમણું દૂધ આપવા લાગી છે.
આવી અનેક ગાયોને શણગારવામાં આવી. ખરીઓ રૂપાથી, પીઠ તાંબાથી અને શિંગડીઓ સોનાથી મઢી. નંદરાયજી આવી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપે છે. એ ભૂદેવો હર્ષ પામીને બાલકને આશીષ આપે છે. (૧૧)
પછી સગાં સંબંધીઓને પ્રેમથી આદર આપીને બોલાવ્યાં. ચંદનમાં કસ્તુરી બરાસ મેળવીને એમને તિલક કર્યું.
પછી રત્નના હાર પહેરાવ્યા. છૂટે હાથે વિવિધ વસ્ત્રો વહેંચ્યાં. જાણે એની હેલી વરસી. વર્ષા થતાં અષાઢ માસમાં દાદુર અને મયૂરો રાજી થઈ જાય તેવાં સૌ પ્રફુલ્લિત થયાં. (૧૨)
યાચકો બંદીજનો, ભાટ ચરણોથી આંગણું અને ઘર ભરાઈ ગયું છે સૌને બોલાવી બોલાવીને દાન આપે છે. કોઈનું હિત બાકી રાખતા નથી.
અરે જણે જે માગ્યું તે આપ્યું. નંદરાય એવા અઢળક ઢળી રહ્યા છે. સૌને સૌની યોગ્યતા અનુસાર આપે છે; કોઈને દાન આપે છે, કોઈને શિરપાવ આપે છે તો કોઈને વસ્ત્રો પહેરાવે છે. દરેકની કામના પૂર્ણ કરે છે. (૧૩)
હવે સ્ત્રીજનોની વાતઃ રોહિણીજીએ અમ્મર મગાવ્યાં. રંગબેરંગી સાડીઓ મગાવી. કુટુંબની વહુઆરૂઓને બોલાવીને, જેને જે શોભે તે આપી.
ગોપીઓ આનંદમાં મગ્ન છે. પોતાના ઘરવાળા સહિત, સજોડે, નવ જાત બાલકને આશીષ આપી રહી છે. જેના મનમાં જે ઠીક લાગે તે કહે છે. (૧૪)
માત્ર નંદભવનમાં નહિ; વ્રજમાં ઘેર ઘેર મંગલ મહોત્સવ થઈ રહ્યો છે. ભેરિ, મૃદંગ, પટહ અને નિશાન જેવાં વાંજિત્રો સર્વત્ર વાગી રહ્યાં છે. બારણે બારણે તોરણો બંધાયાં છે; ધજાઓ ફરકે છે, કલશ ચઢ્યા છે.
છેવટે, શ્રી સૂરે ગાયું કે,
તબ તા દિનતેં વે લોગ, સુખ સંપત્તિ ન તજે.
અર્થાત્, પ્રભુ પ્રગટયા એને લીધે વ્રજવાસીઓ આમ સુખ સંપત્તિ યુક્ત બની ગયાં. સદૈવ સુખમાં રહેવા લાગ્યાં.
શ્રી મહાપ્રભુજી આ અદ્ભુત વર્ણન વાળું પદ સાંભળતાં અતિ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી.
સુન સૂર! સબનકી યહ ગતિ, જો હરિ ચરન ભજે.
‘અરે સૂરદાસજી! મારી વાત તો સાંભળો; વ્રજવાસીઓને જે સુખની પ્રાપ્તિ થઈ તેવી જ અત્યારે પણ ભગવાનનાં ચરણનું સેવાસ્મરણ કરનારને થાય છે. હવે પછી પણ થશે.’ (૧૫)
પદ પુરૂં થાય છે. શ્રીવલ્લભનું કેવું આર્શીવચન! આપશ્રીએ જે સેવામાર્ગ પ્રગટ કર્યો છે તે સારસ્વત કલ્પની લીલનું જ પ્રતિબિંબ છે. જે સુખ ત્યારે હતું તે અત્યારે છે. શ્રીવલ્લભની કૃપાથી આધુનિક ભગવદીઓ એવું જ સુખ અંતરમાં અનુભવે છે. આથી શ્રેષ્ઠ માર્ગ બીજો કયો હોઈ શકે!
શબ્દાર્થઃ
થુની = થાંભલો, સ્તંભ,
લાલ મુનિ = એક જાતનાં પક્ષીઓ
પાંત = પંક્તિ, હાર
શ્રવણ = કાન
તરલ = ડોલતાં
તરોના = કર્ણ ભૂષણ
બહોરિ = વળી
વન ધાતુ = ગોપીચંદન
કાહુ બદત નહીં = કોઈને ગાંઠતા નથી.
અંક = આલિંગન
રોચન (ગોરોચન) = ગાયના ઝરણમાંથી થતો પીળો પદાર્થ
દૂબ, કુસ = ધરો
વર = સુંદર
ગન (ગણ) = જૂથ
તે બોલે = તેમને બોલાવ્યા
પરિધાન = પહેરવાનાં વસ્ત્રો.
તાજેતરની ટિપ્પણીઓ