આ ચોથો તબક્કો શ્રીસ્વામિનીજીની સેવાનો છે. અને સ્વામિનીજી પોતાની સાથે અષ્ટસખીઓને પધરાવે છે. એમાં પણ છેલ્લા પાંચ કે છ દિવસ તો સઘન ખેલના છે. કુંજ એકાદશીથી શરૂ થઈને ડોલોત્સવ સુધી. અને આ ખેલ હોરીલીલાનો ખેલ કહેવામાં આવે છે.
પહેલો વસંતલીલાનો ખેલ, બીજો ધમારનો ખેલ, ત્રીજો ફાગનોખેલ અને ચોથો હોરીનો ખેલ.
પહેલો નંદભવનમાં હતો. બીજો પોરીનો – પોળમાં ખેલાતો હતો. ત્રીજો ગલીનો એટલે કે શેરીઓમાં ખેલાતો ખેલ હતો અને હવે છેક બહાર – ચૌટામાં – ભાગોળ ઉપર- મન મૂકીને – માઝા મૂકીને – એકબીજા ઉપર પડીપડીને જે હોળી રમાય, જેનો અદ્ભુત આનંદ છે. આનંદની ચરમ અને પરમ સીમાનો જે ખેલ છે. રસમસ્તીનો પૂર્ણ સ્વરૂપાનંદના દાનનો જે પ્રકાર છે, એ આમાં રમાય છે.
હોલાષ્ટકનો પ્રારંભ થાય છે, ત્યારે શયનમાં ગોવિંદસ્વામીની ગાળો ગવાય છે. અદ્ભુત છે એ પણ. બે કથાઓ હોલિકાની મળે છે. એક હોરી નામની સ્વામિનીજીની અંતરંગ સખી હતી. એને સ્વામિનીજીની આજ્ઞા હતી.
વસંતમાં કામદેવનો જન્મ વસંતપંચમીએ મનાયો છે. એ કામ પ્રદીપ્ત થતાં થતાં પૂર્ણ પ્રજ્વલિત થઈને આ છેલ્લા દસ દિવસોમાં અતિશય માઝા મૂકે છે. એમાં પણ હોળાષ્ટક એટલે અષ્ટાંગ. આઠ આઠ અંગની અંદર એ કૃષ્ણરસથી સૌને ભરપૂર બનાવી દે છે. અષ્ટસખીઓના આનંદના આ દિવસો છે. એ દિવસોમાં ઠાકોરજી બહાર ચોરે ને ચૌટે પધારીને હોરી ખેલે છે.
યા ગોકુલકે ચોહટે રંગ રાચી ગ્વાલ ।
મોહન ખેલે ફાગ નૈન સલોનેરી રંગ રાચી ગ્વાલ ।।
હવે તો ગામના સીમાડે આવીને ટોળીઓ ને ટોળીઓ બનાવીને બધા હોરી ખેલી રહ્યા છે. અબીલ ગુલાલની પોટલીઓ ઊડાવી રહ્યા છે.
દુંદુભી બાજે ગહગહે નગર કુલાહલ હોય ।
ઉમડ્યો માનસ ધોખકો ભવન રહ્યો નહિ હોય ।।
એટલે વ્રજવાસીઓ બધા જ ચૌટામાં આવી ગયા છે. કોઈ પોતાના ઘરમાં રહ્યું નથી. બધા દોડી દોડીને ગોકુળના બજારમાં એકત્રિત થઈ ગયાં છે.
કહે છેઃ ગારી દેત સુહાવની. આ વળી સુહાવની ગારી કેવી હોય? ઘણી વાર એવું બને કે આપણા પ્રિયજનો ગાળ આપે ને તોયે એ મીઠી લાગે. તો આમ મીઠી ગાળો આપે છે.
આ રીતે છેલ્લા દસ દિવસમાં ખૂબ રંગ ઊડે છે. સુંદર હોળીખેલ થાય છે. કુંજએકાદશીથી તો ડોલનાં કીર્તનો શરૂ થઈ જાય છે. ડોલ નંદભવનમાં રોપાય છે. એટલે કેટલાંક કીર્તનોમાં યશોદાજી ડોલ ઝૂલાવે છે એવું વર્ણન છે. યમુનાપુલિન ઉપર ડોલ બંધાય છે. શ્રીગિરિરાજજીની કંદરામાં ડોલ બંધાય છે. નિભૃત નિકુંજોમાં પણ ડોલ બંધાય છે. આમ જુદા જુદા ભાવથી જુદાં જુદાં સ્થાનોમાં ડોલ બંધાય છે. ડોલમાં આંદોલન જે થાય છે તે પ્રેમનું આંદોલન છે.
અમારે ત્યાં તો તેરસનો બગીચો પણ થાય છે. આ દિવસોમાં નવી નવી લીલાઓ કરતાં, ખેલના સ્વાંગ રચતાં, ગારીઓ દેતાં, માઝાઓ મૂકતાં એકબીજાને રંગતાં, દોડતાં, કૂદતાં હોળીને દિવસે એક અદ્ભુત ખેલ થાય છે. આમ તો શ્રીનાથજીબાવાને રાજભોગ દર્શન સમયે કપોલ રંગાય. પરંતુ હોળીને દિવસે સાંજે શયનમાં કપોલ રંગાય, મંડાય. અમારે ત્યાં કુંજ એકાદશીથી શયનમાં ગુલાલ ઊડે છે. કપોલ મંડાયા પછી શ્રીજીબાવાને વેણુ અને વેત્ર બંને સાથે શ્રીહસ્તમાં ઉપર આપવામાં આવે છે. અમુક જ દિવસે વેણુ અને વેત્ર એક સાથે ઉપર ધરે છે. ગોપાષ્ટમીના દિવસે સંધ્યાર્તિમાં ધરે છે. દાનમાં રાજભોગમાં ધરે છે અને આ દિવસોમાં શ્રીનાથજીબાવા શયનમાં વેણુ-વેત્ર સાથે ધરે છે. એટલે એ દિવસનું એક કીર્તન શ્રાવણીએ બનાવ્યું હતું કારણ કે શ્રીનાથજીબાવાની સામે જ એ બેઠી હતી.
હોરી આઈ હોરી આઈ કોયલ બોલી આવો રે,
કલી કલી તુમ ગલી ગલીમેં કેસર રંગ બરસાવો રે…હોરી આઈ૦
બડો ગ્વારિયા સાંવરિયા હૈ વાકી દાઢી રંગાવો રે
લાલમ લાલ ગુલાલ લગાકર લાલમ લાલ બનાવો રે…હોરી આઈ૦
છડી હાથમેં લેકર ઠાડો તા પર અબીર ઉડાવો રે
રંગરંગીલી હોરીમેં સખી, રસિયાકો નચવાવો રે…હોરી આઈ૦
ફગવા ર્માંગો ફાગ ખિલાવો, ડફ અરુ ઝાંઝ બજાવો રે
શ્યામકિંકરી મન ભાવનકો હોલી આજ મનાવો રે…હોરી આઈ૦
હોળી ખેલતાં ખેલતાં આજે છેલ્લો દિવસ આવી પહોંચ્યો છે ડોલોત્સવનો. ચાર ખેલ ડોલોત્સવમાં થાય. ડોલોત્સવમાં સમગ્ર વ્રજભક્તો એકત્રિત થયા છે. ચારે યૂથની સખીઓ એકત્રિત થઈ છે. પ્રભુને ડોલ ઝૂલાવે છે.
(સંપૂર્ણ)