પુષ્ટિશિક્ષા
શ્રીગોકુળનાથજીના સેવક, જેઓ ‘મોટાભાઈ’ના નામથી પ્રસિદ્ધ હતા, તેમણે સેવા ઉપર ‘પુષ્ટિમાર્ગીય શિક્ષા’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે, જે વૈષ્ણવોએ હૃદયમાં ઉતારી લેવા જેવું છેઃ
અનુવાદકઃ શ્રી વ્રજરત્નદાસ પરીખ
(દોહા)
આ મારગનું મૂળ, ફળ, શ્રીવલ્લભ સિદ્ધાંત,
કરવી સેવા કૃષ્ણની, અવિચ્છિન્ન પ્રેમાંત.
ભગવદીય કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ એક જ છે. અખંડ પ્રેમપૂર્વક તમે શ્રીકૃષ્ણની સેવા જ કરો. શ્રીવલ્લભનો આ સિદ્ધાંત છે. એ પ્રેમ કેવો હોય એનો ખ્યાલ આપે છે
રાત દિવસ સેવા તણો મનમાં ઉમંગ અપાર,
ઊઠવું પ્રાતઃકાલથી, મન ક્લેશ નહિ પલવાર.
સવારમાં ઊઠ્યાં ત્યારથી સતત સેવાનો જ ઉમંગ મનમાં રહ્યા કરે. એનો આનંદ હૃદયમાં ભરેલો હોય, અણગમાની તો વાત જ શી?
બાંધ્યા બંધ શરીરના હરિસેવાને હેત,
સેવાના સંચા કર્યા, ઇન્દ્રિય પ્રાણ સમેત.
આ માનવશરીરની ને ઇન્દ્રિયોની અદ્ભુત રચના ભગવાને સેવા માટે જ કરી છે; ખાઈપીને મોજ કરવા માટે નહિ. જેમ કોઈ કુશળ કારીગર એન્જિન બનાવે તે ટ્રેઈન ચલાવવાના કાર્ય માટે, નહિ કે ખાલી કોલસા બાળી નાખવા માટે. દૈવી જીવોના દેહ પ્રભુસેવા માટે જ હોય છે. જુઓ શ્રીવલ્લભનું વચનામૃત ‘ભગવદ્રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર્નાન્યથા ભવેત્.’ પ્રભુના સ્વરૂપની સેવા માટે જ દૈવી સૃષ્ટિને પ્રગટ કરી છે, બીજા કોઈ પણ હેતુથી નહિ.
ઘર સૂનું નવ રાખવું, ક્ષણ વિણ સેવ્ય સ્વરૂપ,
ક્રિયા ભાવ વ્રજભક્તનાં, છે સેવા ફલરૂપ.
સેવા કરો તેમજ વારંવાર ઠાકુરજીને પારકે ઘેર ન પધરાવી દેશો. વળી, શ્રીવ્રજભક્તોનો ભાવ વિચારીને સેવા કરશો તો એમાં એવો આનંદ આવશે કે પ્રભુને છોડવાનું મન જ નહિ થાય. સેવામાં તો રસરૂપ ફળનો આસ્વાદ રહેલો છે.
હવે સેવામાં ખાસ સાચવવા, જેવી એક બાબત સમજાવે છેઃ
અર્ધભુક્ત જે વસ્તુ છે, હરિ વિનિયોગ ન થાય,
શ્રીઠાકુરજીની હોય તો, લૌકિકમાં ન કઢાય.
‘ન મતં દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ્।’ આપણું કે કોઈનું અડધું વાપરેલું, અર્ધભુક્ત કંઈ પણ પ્રભુને ન ધરાય. શ્રીકૃષ્ણ દેવાધિદેવ છે. વળી, પ્રભુસેવા માટે રાખેલી વસ્તુ લૌકિકમાં ન કઢાય. આટલું જરૂર સાચવવું.
હરિ અસમર્પિત વસ્તુ જે, તેનો તજવો સ્વાદ,
ખાનપાન અગ્રાહ્ય છે, હરિને વિના પ્રસાદ.
આ માર્ગના સિદ્ધાંતનું એ રહસ્ય છે કે ‘અસમર્પિત વસ્તુનાં તસ્માદ્ વર્જનમાચરેત્’ વૈષ્ણવ માત્રે પ્રભુને ધર્યા વિનાનું અસમર્પિત તો સર્વથા ન લેવું જોઈએ. એનો સ્વાદ છૂટે તો જ પ્રભુ મળે. ગીતાજી તો એટલે સુધી કહે છે કે ‘ભુંજતે તે ત્વધં પાપા યે પચંતિ આત્મકારણાત્. (૩/૧૩)’ જેઓ પોતાને માટે રાંધે છે, તે અન્ન નહિ પણ પાપ રાંધે છે. ભક્ત કવિ દયારામભાઈ તો એને મોટા રોગ જેવું ગણાવે છેઃ ‘અસમર્પિત અને અન્યાશ્રય બે મહા દુસ્તર રોગ’. (ભક્તિ પોષણ). આપણે આટલો અસમર્પિત ત્યાગ પણ ન કરી શકીએ અને પુષ્ટિમાર્ગીય ફળની મોટી આશા રાખીએ, એ કેમ બને?
હવે મોટાભાઈ કેટલાક સેવાવિષયક નિયમો સમજાવે છે.
ઉત્સવના દિવસો તણો, રહે ન સૂનો લેશ,
ઉત્સવ દિન ઉત્સાહથી કરીએ કંઈક વિશેષ.
નિત્યની સેવા કરતાં ઉત્સવને દિવસે કાંઈક વિશેષતા કરવી જોઈએ. પ્રભુ એવી અપેક્ષા રાખે છે. ઉત્સવ સાવ ખાલી તો ન જ જવા દેવો. સેવા-શૃંગાર-સામગ્રીમાં કંઈક પણ વિશેષ કરવું.
એક વૈષ્ણવ પ્રવાસમાં હતા અને અન્નકૂટ આવ્યો. એ જ્યાં હતા તે ગામડામાં માત્ર જુવાર મળી, તો તેની પણ બે ચીજ બનાવી વૈષ્ણવે પ્રભુની અન્નકૂટની ભાવના કરી લીધી.
હસે ન સેવાને સમય, રહે ન મિથ્યા વાદ,
કોઈથી સેવાને સમય, કદી ન કરે વિવાદ.
સેવામાં એકાગ્રતા જોઈએ. એકાંત સ્થળ હોય તો વધુ સારું. લૌકિક વાતચીતો, વાદવિવાદ એ બધું સેવાના આનંદ ઓછા કરી નાખે છે.
દ્રષ્ટિ બચાવે અવરની ધરતાં ભોગસિંગાર,
સાવધાન રહી સેવા કરે, પડે ન ચૂક લગાર.
પ્રભુને ભોગ ધરતાં અને શૃંગાર કરતાં ટેરો રાખવો. વળી, પ્રભુ પરમ સુકુમાર છે માટે એમને શ્રમ ન પડે તે રીતે સાવધાનતાથી સેવા કરવી. શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે ‘એવં વિધઃ સદા હસ્તે યોગીનાં પારદો યથા’ જેમ હાથમાં પારો સ્થિર રાખવા યોગીજનો ચિત્તની સ્થિરતા સાધે છે, તેવી સ્થિર ચિત્તવૃત્તિ પ્રભુસેવામાં રહેવી જોઈએ.
ગોવિંદ સ્વામીએ કહ્યું છે કે ‘ચિત્ત તો એક હૈ ઈત લગાઉં સો ઉતસોં નિકસ જાય, ઔર ઉત લગાઉં તો ઇંતસો નિકસ જાય.’
હવે મોટાભાઈ સાધન સંપત્તિવાળા વૈષ્ણવોએ કેવી રીતે સેવા કરવી જોઈએ તે બતાવે છેઃ
દ્રવ્યવંત જો હોય તો, નિત નિત નૂતન ભોગ,
નિત્ય વાઘાસિંગારનો, નિત નવનવ ઉપયોગ.
પ્રભુએ જો ધન આપ્યું હોય, તો નિત્ય નવા નવા ભોગરાગશૃંગારથી પ્રભુને લાડ લડવવા. એના જેવો ધનનો ઉત્તમ ઉપયોગ કોઈ નથી.
કસર કરે નવ ખર્ચતાં, વળી કાયર નવ થાય,
લાભ મળે આ જન્મનો, એવો કરે ઉપાય.
જીવનની સાર્થકતા એમાં જ છે. પ્રભુનું સુખ વિચારવામાં કંજુસાઈ ન કરવી. અરે, શરીરથી પણ કાયરતા ન રાખવી.
હરિમંદિર અતિ મોકળાં, ચિત્રવિચિત્ર, વિશાળ,
ધાઈ, ધોઈને રાખીએ, જેવાં ઝાકઝમાળ.
પ્રભુને બિરાજવાનું સ્થાન બને તેટલું સુંદર બનાવવું. દામોદરદાસ સંભરવાળાએ હવાદાર મંદિર ન બને ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરેલી, કેમ કે પ્રભુને તાપ લાગતો હતો. કેવી સ્નેહની ભાવના!
નવી વસ્તુ જે સાંભળે કૃષ્ણ તણો ઉપયોગ,
અતિ શીઘ્ર લાવી કરે, તત્ક્ષણ હરિ વિનિયોગ.
જે કોઈ નવી વસ્તુ મળવા લાગે, તે સત્વર પ્રભુ માટે લાવવી જોઈએ. એક વૈષ્ણવે આ ભાવનાથી તો ગુલાબના ફૂલના લાખ રૂપિયા ખર્ચી દીધા છે અને સાક્ષાત્ શ્રીજી એનાથી ઝૂક્યા છે! કોઈ વૈષ્ણવે મોટા મૂલ્યની કેરી અંગીકાર કરાવી છે. પ્રભુના સુખ આગળ ધનનો શો મોહ?
સામગ્રી બહુ ભાતની, સ્નિગ્ધ મિષ્ટ ને નર્મ,
આરોગાવે પ્રભુજીને, એ સેવકનો ધર્મ.
પુષ્ટિમાર્ગનું પાકશાસ્ત્ર પણ અદ્ભુત છે. અનેકવિધ સરસ સામગ્રીઓ આરોગાવીને પ્રભુને સુખ અપાય છે. એમાં છે પ્રભુની પ્રસન્નતા!
કુંજ કરવા ઉષ્ણ ઋતુ, સઘળી શીતળ વસ્ત,
જે ઋતુમાં જે જે ઘટે, તે કરવી પ્રેમપરસ્ત.
ઉષ્ણકાળમાં કેટલાક શીતળ ઉપચારો થાય છે. સૂરદાસજીએ ગાયું છે કે ‘મહાકી મધરાતી જૈસી જેઠકી દુપહરિ’ જેઠ માસ જાણે મહા માસની મધરાત જેવો શીતળ બની ગયો છે. ઋતુઋતુનાં વસ્ત્રો, આભૂષણો, સાજ, શૃંગાર, સામગ્રીઓ બધું જ જુદું. રાજા માનસિંહે શ્રીનાથજીનાં દર્શન કરીને કેટલી શીતળતા અનુભવેલી!
હવે સેવાનો હેતુ સમજાવે છેઃ
ઋણીપત સેવાનો રહે, નિત્ય મનમાં પરિતાપ,
ઋણી સુખે નવ સૂઈ શકે, ઋણિયાને સંતાપ.
પ્રભુના અનંત ઉપકારો આપણા ઉપર છે. બદલામાં આપણે પણ પ્રભુને યથાશક્તિ સુખ આપવું જોઈએ. પ્રભુના આપણે ઋણી છીએ. ઋણિયાને નિરાંતે ઊંઘવાનું ક્યાંથી હોય! એને તો ઋણ ચૂકવવાનો પરિતાપ જ હોય ને?
વળી, દાસનો સહજધર્મ છે કે સ્વામીની સેવા કરવી. સેવા કરીને આપણે કંઈ પ્રભુ ઉપર ઉપકાર કરતાં નથી. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જુઓ. રાજભોગ ધરીને બેસતા ત્યારે રડતા કે મારાથી કશું બરાબર બનતું નથી. પ્રભુ કેમ આરોગતા હશે? એમને શ્રમ પડતો હશે?
હરિસેવા મૂકે નહિ, કોઈને વિશ્વાસ,
દેહ રક્ષક થાયે નહિ, ઈન્દ્રિયને અધ્યાસ.
તમારું મન અને ઈન્દ્રિયો તો તમને આળસ કરવાને પ્રેરશે. ચાલો ને કોઈ સેવા કરનાર હોય, તો આપણે નિરાંતે બેસીએ, લૌકિક કાર્યો કરીએ. પણ ના, ના. બીજાને ભરોસે પોતાના પ્રભુને છોડશો નહિ. માતા પોતાના લાડકાને બીજાના ઘરે મૂકી આવે છે?
સેવારસમાં મઝા રહે, મનમાં ઉમંગ અપાર,
પોતાને હાથે કરે, વિવિધ ભોગસિંગાર.
એક કરું બીજું કરું, ત્રીજું કરવા જાય,
ચોથું તે પણ હું કરું, અગ ઉલટ ન માય.
વધુમાં વધુ સેવા કાર્ય પોતાને હાથે કરવાનો આગ્રહ રહે. મનમાં ઉત્સાહનો પાર નહિ. એક પછી એક સેવાકાર્યની મનમાં ધૂન લાગે. કોટાવાળા શ્રી રણછોડલાલજી મહારાજશ્રીએ છપ્પનભોગ પ્રસંગે સતત ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ અખંડ સેવા કરી બતાવી છે. અન્ય ગો. બાળકોએ પણ અદ્ભુત સેવા કરી બતાવ્યાના અનેક દાખલા મળી આવે છે. ‘આપ સેવા કરી શીખવે શ્રીહરિ.’
વ્યસનવાન વૈષ્ણવ તણી, એ સેવાની રીત,
જ્યહાં સૂપડે, ટોપલે, ડગલે પગલે પ્રીત.
મોટાભાઈ કહે છે કે જેને સેવાનું વ્યસન લાગે છે, તે તો આવા બની જાય છે. અરે! એમના હૃદયમાં પ્રભુના પ્રેમના ટોપલેટોપલા ઠલવાય છે અને એ પ્રીત એમની જીવનમાં ડગલે ને પગલે પ્રગટ થાય છે.