બોલે માઈ, ગોવર્ધન પર મુરવા
રચનાઃ સૂરદાસજી
રાગઃ મલ્હાર
બોલે માઈ ગોવર્ધન પર મુરવા,
તૈસીયે શ્યામઘન મુરલી બજાઈ, તૈસે હી ઊઠૈ ઝુક ધુરવા (૧)
બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા,
સૂરદાસ પ્રભુ તિહારે મિલનકો, નિસિ જાગત ભયો ભુરવા (૨)
ભાવાર્થઃ
જેઠ અને અષાડ માસની અસહ્ય ગરમીથી વ્રજવાસીઓ અકળાઈ રહ્યાં હતાં. ગોપીજનોને તો ગરમીની સાથે મનભાવન મનમોહનનો વિરહતાપ પણ સતાવતો હતો. આખી રાત જાગીને માંડ માંડ વીતાવી હતી.
પરોઢ થવાની તૈયારી હતી, ત્યાં સામે ગિરિ ગોવર્ધન ઉપરથી મોરનો ટહૂકો સંભળાયો. મોર તો વરસાદનો છડીદાર. વરસાદ આવવાના સૌથી પહેલા એંધાણ મોરને મળે. મોરનો કેકારવ સાંભળી વ્રજવાસીઓને હાશ થઈ. હવે વરસાદ આવશે. ગરમીથી છૂટકારો મળશે.
એટલામાં વાદળોનો ધીમો ધીમો ગડગડાટ પણ સંભળાયો. વ્રજવાસીઓને શ્યામ વાદળોનો આ ગડગડાટ શ્યામની બંસી જેવો જ મીઠો લાગ્યો. પછી તો વર્ષાનાં બિંદુઓ ટપકવા લાગ્યાં. વર્ષાની ધારા થવા લાગી. આ ધારામાં ભીંજાઈને શીતળ પવન વાવા લાગ્યો.
સૂરદાસજી ચંદ્રસરોવર ઉપર બેઠા છે. આખી રાત ગરમીમાં અને પ્રભુમિલનના વિરહતાપમાં માંડ માંડ વીતાવી છે. સવારે વરસાદ આવ્યો અને એમાં ભીંજાતા ભીંજાતા તેઓ મલ્હાર રાગમાં આ પદ ગાઈ રહ્યા છે. કહે છેઃ પ્રભુ, તમને મળવા માટે આખી રાત જાગ્યો છું. હવે સવારની શીતળતાનો અનુભવ થતાં થોડી ઠંડક થઈ પણ તમે મળ્યા નહિ.
અહીં સૂરદાસજી ગોવર્ધન ગિરિ ઉપર મોર બોલે છે એવું કહીને બતાવી રહ્યા છે કે પોતાના હૃદયરૂપી ગોવર્ધન ઉપર પ્રભુના પ્રેમરૂપી મોરલો ટહૂકી રહ્યો છે પ્રભુને બોલાવવા માટે જેમ ગિરિગોવર્ધન ઉપર વરસાદને બોલાવવા માટે મયૂર ટહૂકા કરી રહ્યો છે!
મોરના ટહૂકાના જવાબમાં જેમ વાદળો ગડગડાટ કરીને, વરસાદ વરસાવે છે, તેમ પ્રભુ પણ પોતાને પ્રેમથી બોલાવતા ભક્તો માટે મુરલીનો નાદ કરે છે. એ નાદ ભક્તોને વર્ષા જેવો મીઠો લાગે છે. શ્યામ મિલનની આશામાં ભક્તોની આંખમાંથી મોટાં મોટાં અશ્રુબિંદુ વરસે છે, જાણે વર્ષાનાં બિંદુઓની ટપકન! આમ કરતાં સવાર થઈ ગયું. હવે તો રાત્રિની પ્રભુમિલનની આશા અધૂરી રહી ગઈ. બીજી રાત્રિ સુધી રાહ જોવાની રહી.