(રાગઃ ભૈરવ)
ઐસી કો તુમ બિન કૃપા કરે,
લૈત સરન તતછિન કરુનાનિધિ, ત્રિવિધ સંતાપ હરે (૧)
સુફલ કિયો મેરો જનમ, મહાપ્રભુ પ્રભુતા કહિ ન પરે,
પૂરન બ્રહ્મ કૃપા-કટાક્ષ તેં ભવ કોં ‘કુંભન’ તરે. (૨)
ભાવાર્થઃ
શ્રીમહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક કુંભનદાસજી બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા, ત્યારે તેમના મનમાં જાગેલા ભાવ આ પદમાં તેમણે વર્ણવ્યા છે. તેમના વૈષ્ણવી જીવનનું પ્રભાત પ્રગટ્યું, તેથી સવારે ગવાતા ‘ભૈરવ’ રાગમાં તેમણે આ પદ ગાયું.
હે શ્રીમહાપ્રભુ ! આપના વિના આવી કૃપા બીજું કોણ કરે? આપ કરુણા (દયા)ના ભંડાર છો. તેથી શરણે લઈને તે જ ક્ષણે મારી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરી, મારા હૃદયમાં શીતળતા કરી. (૧)
આપના શરણથી મારો જન્મ સફળ થયો. આપની પ્રભુતાની શી વાત કરું? આપ સામાન્ય મનુષ્ય નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ છો. આપના કેવળ કૃપા-કટાક્ષથી (કૃપા ભરી દૃષ્ટિથી) હું-કુંભનદાસ-ભવસાગરને તરી જઈશ. (૨)