(૨)
શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે ।
શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’
શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨) મધુરા આકૃતિવાળા. આકૃતિ એટલે સ્વરૂપનાં પાસાં (૧) બાહ્ય (૨) અંતરંગ. આંખોથી જોઇ શકાય તે બાહ્ય સ્વરૂપ. અંત:કરણના ગુણો તે અંતરંગ સ્વરૂપ. માણસ બહારથી દેખાવડો હોય પણ હૃદયનો કઠોર અને નિર્દય હોય; અથવા બહારથી કરડો અને બરછટ હોય પણ હૃદયનો કોમળ હોય, તો એનું સ્વરૂપ એટલે કે આકૃતિ મઘુર ન કહેવાય. શ્રીવલ્લભના રૂપ અને ગુણ બંને મધુર છે તેથી તેઓ મધુરાકૃતિ છે.
મધુર શ્રી ઠાકોરજી અને મધુરા શ્રી સ્વામિનીજી. બંનેના સ્વરૂપનો સુભગ સમન્વય શ્રીવલ્લભમાં છે. શ્રીવલ્લભ પુરુષરૂપ હોવા છતાં આપનામાં સ્ત્રીત્વનું સહજ લાલિત્ય છે. આમ, મધુર અને મધુરા સ્વરૂપનો સમન્વય થવાથી તેઓ ‘મધુરાકૃતિ’ છે.
શ્રીવલ્લભ નિજભક્તોના ભાવનું સ્વરૂપ ધારણ કરી, દર્શન આપે છે. આપ શ્રી પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે; તો શ્રીસ્વામીની સ્વરૂપે પણ દર્શન આપે છે. ક્યારેક આપ યુગલ સ્વરૂપે પણ દર્શન આપે છે. આપના આચાર્ય સ્વરૂપ-સન્મનુષ્યાકૃતિ સ્વરૂપમાં પણ ભગવદીયોને અલૌકિકતાની ઝાંખી કરાવે છે. ‘જાકે રોમ રોમ પ્રતિ કોટિ ગોવર્ઘનરાઈ.’ આ સર્વ સ્વરૂપ ‘મધુરાકૃતિ’ છે.
જેમ શ્રીપ્રભુનાં આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરૂપ તેમ શ્રીવલ્લભનાં પણ ત્રણ સ્વરૂપ. આગળ જોઈ ગયા તે ભગવદ્ સ્વરૂપ આપનું આધિદૈવિક સ્વરૂપ. એ તો ‘મઘુરાકૃતિ’છે જ. આપની વાણીરૂપ આપના ગ્રંથો આપનું આધ્યાત્મિક સ્વરૂપ. તે પણ મધુર છે. “ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિધ્ધાન્ત.” પૃથ્વી ઉપર પ્રકટ થયેલ આપનું મનુષ્ય નરાકાર સ્વરૂપ એ આધિભૌતિક સ્વરૂપ. તે પણ એટલું જ મધુર હોવાથી ભમરાઓની જેમ પુષ્ટિજીવો દૂરદૂરથી ખેંચાઈ, આપને શોઘતા આપના ચરણમાં આવે છે. આમ આ ત્રણે સ્વરૂપે આપ ‘મધુરાકૃતિ’ છે.
મધુરા છે કૃતિ જેની તે = મધુરાકૃતિ. આ રીતે સમાસનો વિગ્રહ કરીએ તો શ્રીવલ્લભની સર્વ કૃતિ-લીલા મઘુર છે. મધુર એવા શ્રીસ્વામિનીજીના પ્રગાઢ માનને છોડાવવા લીઘેલ પ્રાગટ્ય આપની મધુરાકૃતિ છે. પૃથ્વી ઉપરનું આપનું આગમન અને તિરોધાન મધુર કૃતિ છે. પુષ્ટિજીવોનો ઉધ્ધાર પણ આપે મધુરતાથી કર્યો છે. માયાવાદના ખંડન માટેનાં આપનાં વાણી અને વર્તન પણ એટલાં જ મધુર છે. શ્રીભાગવતરસનું આપે કરેલું મંથન મધુર છે. ભગવત્સેવાનો આપે પ્રકટ કરેલો પ્રકાર મઘુર છે.
આમ આપની આકૃતિ અને કૃતિ ઉભય મધુર છે. અલૌકિક દિવ્ય રસથી છલોછલ છે.
જ્યાં મધુરતા હોય ત્યાં કોમળતા હોય, પ્રસન્નતા હોય. શ્રીવલ્લભ સ્વરૂપ મધુર છે એટલે સુકોમળ અને પ્રસન્નતાપૂર્ણ છે. કોમળતામાં નજાકતતા પણ હોય. આપનામાં નજાકતતા પણ છે. આ સ્વરૂપમાઘુરી ‘દેખે હી બનિ આવે, કહત ન આવે’ એવી છે માટે શ્રીહરિરાયજી માત્ર ‘મધુરાકૃતિ’ પદ કહી, અટકી ગયા છે!
આવા મધુરાકૃતિ શ્રીવલ્લભ જેમને પ્રાપ્ત થાય તે મહા બડભાગી એમ સૂચવવા શ્રીહરિરાયજીએ કહ્યું : ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ ક્યારેક પ્રેમ એકપક્ષી હોય છે. આપણે કોઈકને સ્નેહ કરતા હોઈએ, તેને પોતાનો માનીએ, પણ સામી વ્યક્તિ આપણને સ્નેહ ન પણ કરતી હોય. આ એકપક્ષી પ્રેમ અધૂરો છે; છતાંયે તેમાં મધુરતા તો છે જ; પરંતુ જ્યારે પ્રેમ બે પક્ષી બને – તું મારો, હું તારો – ત્યારે તે પરિપૂર્ણ પ્રેમ કહેવાય. તે પૂર્ણત: મધુર હોય. શ્રીવલ્લભ સાથેનો આપણો હૃદયભાવ બેપક્ષી છે. આપણે શ્રીવલ્લભને અપનાવ્યા છે. શ્રીવલ્લભે આપણને સ્વીકાર્યા છે. તેને લઈને શ્રીવલ્લભ આપણા પોતીકા હોવાથી વિશેષ ‘મધુરાકૃતિ’ છે. પોતાપણાનો ભાવ પ્રકટે એટલે અરૂપ પણ રૂપવાન લાગે. મધુર વધારે મધુર લાગે. આથી શ્રીહરિરાયજીને શ્રીવલ્લભ સવિશેષ ‘મધુરાકૃતિ’ લાગે છે. ‘શ્રીવલ્લભ સવિશેષ મારા છે’ એ પરમ સૌભાગ્યનો આનંદ જ આ પદ ગવડાવે છે.
જે મારા – આપણા થાય, તે આંખ સામે હોય ત્યારે ‘રૂપ દેખે નયના પલક લાગે નહિ.’ તે આંખથી અંતર્ધાન થઈ, અંત:કરણમાં બિરાજે, ત્યારે ય એમના સ્વરૂપની સ્મૃતિ તો મમળાવવાનું જ મન રહે. સ્મૃતિની માણેલી મધુરતા, જગતમાં કામગરા રહેવા છતાં, આપણને શ્રીવલ્લભમય બનાવી દે છે. ‘જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદે ત્રિકમજીશું તાળી’ પછી એ ભક્ત માટે તો ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.’ આજ ઉત્કટ અનુભવથી શ્રીહરિરાયજીએ ગાયું – શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.
(ક્રમશઃ)