[રાગઃ સારંગ ]
[ રચનાઃ શ્રીવ્રજાધિશજી]
વૃંદાવન યમુનાકે જલ ખેવત નાવ લલિતાદિક,
જહાં કુંજ કુસુમ રચિત બૈઠે હરિ રાધા ।
પ્રફુલ્લિત મુખ દોઉ બને અરગજા રંગ સારી પાગ,
મોતી ભૂષન સુભગ અંગ તૈસી હૈ રૂપ અગાધા ।।૧।।
વારવાર તટ હરે દ્રુમ ગજવર કમનીય કેલિ,
મૃદુ સુગંધ ફેલિ રહ્યો તરનિ તેજ ન બાધા ।।૨।।
જંત્રન જલ ફૂહિ પરત સુખદાયક સખી જહાં,
વ્રજાધીશ મધુરી તાન ગાવત સુર સાધા ।।૩।।
વૃંદાવનમાં શ્રીયમુનાજીનો વિશાળ પ્રવાહ છે. તેમાં કમળ ખીલ્યાં છે. એક મોટું નાવ છે. નાવને સુંદર રીતે શણગાર્યું છે. પુષ્પોની જાણે કુંજ રચી છે. તેમાં શ્રીહરિ અને રાધાજી બિરાજ્યાં છે. લલિતાજી નાવ ચલાવી રહ્યાં છે. અન્ય સખીજનો પંખો કરવાની સેવા કરે છે.
શ્રીયમુનાજીના બંને કિનારે મોટાં મોટાં વૃક્ષો ઊભાં છે, તેમના ઉપર સુગંધિત પુષ્પો ખીલ્યાં છે. એ પુષ્પોની મૃદુ સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. આવા સુગંધિત વાતાવરણમાં પ્રભુ યુગલસ્વરૂપે નાવમાં બિરાજી જલવિહાર કરી રહ્યા છે.
બંનેના મુખ ઉપર પ્રસન્નતા છે. મોતીનાં અને ફૂલનાં આભૂષણ સજ્યાં છે. બપોરનો સમય છે પણ નાવમાં પુષ્પોની એવી કુંજરચના કરી છે કે સૂર્યનો તડકો જલવિહારમાં બાધા કરી શકતો નથી. બંને સ્વરૂપોએ અરગજાઈ રંગના, ચંદનના રંગનાં વસ્ત્રો ધારણ કર્યાં છે. શ્રીરાધાજીએ સાડી ધરી છે અને શ્રીઠાકોરજીને પણ એ જ રંગની પાગ ધરી છે. બંને સ્વરૂપો મદમત્ત ગજરાજની જેમ સુંદર ક્રીડા કરી રહ્યાં છે. શ્રીયમુનાજીના શીતલ જલપ્રવાહમાંથી પવનની સાથે ઠંડી લહેરો આવી રહી છે. શીતલ જલનો જાણે છંટકાવ થઈ રહ્યો છે. ગરમીના દિવસોમાં જલનો છંટકાવ ઘણો સુખદાયક લાગે છે.
વ્રજાધીશજી મહારાજ આ નાવલીલાનાં દર્શન કરી, મધુરી તાન છેડી રહ્યા છે અને સારંગ રાગમાં કીર્તનગાન કરી રહ્યા છે. કીર્તન દ્વારા આપણને પ્રભુની લીલાનાં દર્શન કરાવી રહ્યા છે.
વ્રજભક્તોએ પ્રભુના સુખ માટે વિવિધ મનોરથો કર્યાં છે. આજે લલિતાજી વગેરે સખીઓએ નાવનો મનોરથ કર્યો છે. શ્રીયમુનાજીના જલમાં યુગલ સ્વરૂપને જલવિહાર માટે પધરાવ્યાં છે. બંને સ્વરૂપો પ્રસન્ન થઈને આ મનોરથ અંગીકાર કરી રહ્યાં છે.
આ ભાવનાથી જ આપણા મંદિરોમાં અને વૈષ્ણવોને ઘેર ઉષ્ણકાલમાં પ્રભુને નાવનો મનોરથ અંગીકાર થાય છે. શીતલ સામગ્રીનો ભોગ આવે છે. ફૂલના શૃંગાર ધરાય છે અને પ્રભુના પ્રસન્ન મુખારવિંદનાં દર્શન કરી ભક્તો પણ પ્રસન્ન થાય છે.