[રાગઃ સારંગ]
[રચનાઃ પરમાનંદદાસજી]
તુમ દેખો સખિ રથ બૈઠે ગિરિધારી ।
રાજત પરમ મનોહર સબ અંગ સંગ રાધિકા પ્યારી ।।૧।।
મણિ માણિક હીરા કુંદન ખચિ ડાંડી ચાર ર્સંવારી ।
વિધિકર વિચિત્ર રચ્યો જો વિધાતા અપને હાથ ર્સંવારી ।।૨।।
ગાદી સુરંગ તાફતાકી સુંદર ફરેવાદ છબી ન્યારી ।
છત્ર અનુપમ હાટક કલશા ઝૂમક લર મુકતારી ।।૩।।
ચપલ અશ્વ દ્વૈ ચલત હંસગતિ, ઉપજત હૈ છબિ ન્યારી ।
દિવ્ય ડોર પચરંગ પાટકી કર ગહિ કુંજવિહારી ।।૪।।
વિહરત વ્રજવીથન વૃંદાવન ગોપીજન મનુહારી ।
કુસુમ અંજુલિ બરખત સુરમુનિ પરમાનંદ બલિહારી ।।૫।।
આજે અષાઢ સુદ બીજ. રથયાત્રાનો ઉત્સવ. પ્રભુ રાધિકાજીની સાથે રથમા બિરાજી વ્રજવિહાર માટે પધાર્યા છે. વ્રજભક્તો દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ ગોઠવાઈ ગયા છે.
એક સખી પ્રભુનો રથ બતાવી બીજી સખીને કહે છેઃ ‘જો સખિ, આ રથમાં ગિરિધરલાલ બિરાજ્યા છે. તેમની સાથે શ્રીરાધિકાજી પણ છે. બંને જણ રથમાં કેવાં શોભી રહ્યાં છે! તેમનાં શ્રીઅંગ પરમ મનોહર છે.’
બીજી સખી કહે છેઃ બહેન, જે રથમાં યુગલ સ્વરૂપ બિરાજ્યા છે, એ રથ પણ જો કેટલો સુંદર છે! વિધાતાએ સંપૂર્ણ વિધિપૂર્વક તેને પોતાના સ્વહસ્તે રચ્યો છે. તેની ચાર દાંડી સુવર્ણની છે. રથમાં મણિ, માણેક, હીરા વગેરે રત્નો જડીને તેને શણગાર્યો છે. તેનાથી રથની સુંદરતા અનુપમ બની છે.
‘અને જો તો ખરી બહેન, એ રથમાં સુંદર ચમકતા રેશમી વસ્ત્રની તો ગાદી બિછાવી છે. ઉપર ધજા ફરકી રહી છે, તેની શોભાની તો શી વાત કરવી? રથનું છત્ર અને કળશ બંને સુવર્ણનાં અને અનુપમ સુંદર છે. ચારે બાજુ મોતીની લરો ઝૂલી રહી છે.’
આ રથને બે ચપળ અશ્વો જોડેલા છે. બંને અશ્વ હંસ જેવી સુંદર ગતિથી ચાલે છે તેથી રથની શોભા અનેરી લાગે છે.
પચરંગી રેશમની દિવ્ય દોરી પોતાના શ્રીહસ્તમાં લઈને કુંજવિહારી પ્રભુ આજે વ્રજભક્તોને દર્શન આપવા વ્રજ વિહાર કરી રહ્યા છે. વ્રજની ગલીઓમાં અને વૃંદાવનમાં વિચરી રહ્યા છે. ગોપીજનો તેમનો પ્રેમથી આદર સત્કાર કરે છે. પોતાના ઘેર પધરાવી વિવિધ શીતલ સામગ્રી આરોગાવે છે. દેવો અને મુનિજનો દર્શન કરીને રથ ઉપર પુષ્પવર્ષા કરે છે.
આ રથયાત્રાનાં દર્શન કરીને પરમાનંદદાસજી યુગલ સ્વરૂપ ઉપર બલિહારી જાય છે.