(૩)
શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે ।
સદા બસો મન યહ જીવનધન,
સબહીન સોં જુ કહત હૌં ટેરે ।
શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે.
જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે સાચો દૃષ્ટિકોણ ક્યાંથી હોય? સામાન્ય સંસારીજનો ધનને ભૌતિક સાધન-સંપત્તિ-સમૃદ્ધિના અર્થમાં સમજે છે. એમને મન ધન કમાવા માટે જીવન છે અને જીવન જીવવા માટે ધન છે. ધન વિનાનું જીવન દુ:ખમય છે. એમની વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રમાં કેવળ ધન છે, ‘પૈસો મારો પરમેશ્વર’; ‘સર્વે ગુણા:કાંચનમાશ્રયન્તે.’ સોનાથી બઘા સદગુણો આવી મળે છે.
પણ કેટલાક લોકોને લૌકિકની સાથે પારલૌકિકની ફિકર પણ હોય છે. કેટલાક જન્મજાત ફકીર હોય છે. પૈસાને બગાડ માની દૂર ભાગનારા હોય છે. એમાંના કોઈને વિદ્યામાં ધન જણાય છે, કોઈને શૌર્યમાં, કોઈને ત્યાગમાં, કોઈને તપમાં.
ભગવદ્ ભક્તો જુદી માટીના છે. એમની ખોપરી જ જુદી. સીતાજીએ અતિ મૂલ્યવાન ગજમોતીની માળા પ્રસાદરૂપે હનુમાનજીને આપી, ત્યારે દાંતથી એક એક મોતી તોડી જોવા લાગ્યા. અંદર એમના રામજી છે? રામજી હોય તો મોતી કામનાં; બાકી તો કુંભનદાસજીએ કહ્યું: “ભક્તનકો કહા સિકરીકો કામ? કુંભનદાસ લાલ ગિરિઘરન બિન યહ સબ જૂઠો ઘામ.” ભક્તને મન ભગવાન જ ધન-સર્વસ્વ. “ત્વમેવ દ્રવીણં” આથી જ સૂરદાસજી કહે છે. “બડો ધન હરિજનકો હરિનામ.”
ગોપિકાઓ તો ‘ગોપીગીત’માં એથીયે આગળ વધીને પરોક્ષ બનેલા ભગવાનને કહે છે: ‘ત્વયિ ધૃતાસવ’- ભલે તમારા વ્રજવાસથી અહીં લક્ષ્મી સ્થિરવાસ કરીને અમારી પર્ણકુટિમાં રહ્યાં હોય, પણ અમે તો તમારા માટે જ જીવીએ છીએ. અમારા પ્રાણ તમારા માટે જ ટક્યા છે!
આમ, ભક્તોના જીવનધન તો ભગવાન જ છે. એમના જીવનના શ્રેય માટે જરૂરી ધનરૂપ ભગવાન છે, જીવનના સુખરૂપ પણ ભગવાન છે અને જીવનના અંતિમ ફળરૂપ પણ ભગવાન જ છે.
શ્રીહરિરાયજી શ્રીવલ્લભને પોતાનું જીવનધન કહે છે; કારણ કે શ્રીદામોદરદાસ હરસાનીજીએ શીખવ્યું છે કે ગોવિંદથી ગુરુ મોટા છે. ગુરુ જ ગોવિંદ છે. આ જ વાત સૂરદાસજીએ પણ એમની અંતિમ ક્ષણે કહી: ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોંસો.’ શ્રીવલ્લભ એ જ શ્રીનાથજી અને શ્રીનાથજી એ જ શ્રીવલ્લભ. શ્રીગુસાંઈજીએ બતાવ્યું: ‘વસ્તુત: કૃષ્ણ એવ.’ માટે શ્રીવલ્લભ આપણું જીવનધન છે. “ત્વમેવ સર્વં મમ દેવદેવ.”
ધન સુખ લાવે, ધન દુ:ખ દૂર કરે, ધન શાંતિ આપે. શ્રીવલ્લભે આપણને સેવાનું સુખ આપ્યું. સંસારનું અહંતા-મમતાનું દુ:ખ દૂર કર્યું. આપણને આશ્રય આપી નિશ્ચિંત કર્યાં, શાંતિ બક્ષી; માટે તેઓ આપણા જીવનધન છે.
ધનથી બધું મળે. નામ મળે અને પ્રતિષ્ઠા પણ મળે. ‘શ્રીવલ્લભ સાધૈ સબ સધે.’ શ્રીવલ્લભના મળવાથી ભગવદીય મળે, ભગવાન મળે.
આવું ધન ગમે ત્યાં ન રખાય. તિજોરીમાં રખાય. માટે શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે: “સદા બસો મન યહ જીવનધન” શ્રીવલ્લભરૂપી જીવનધન સદા મારા મનમાં બિરાજો. ત્યાંથી કોઈ તેમને લઈ જઈ શકશે નહિ. શરીરનું સગપણ તો શરીર સાથે નાશ પામશે. આત્માનો સંબંધ કાયમી રહેશે. માટે શ્રીવલ્લભને આત્મીય બનાવવા, આપણા મનમંદિરમાં પધરાવીએ. પણ પધરાવવા કેવી રીતે?
શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં તેનો પ્રકાર બતાવે છે. પહેલાં મનમંદિરને સાફસુથરું, સુઘડ બનાવો. મર્યાદામાર્ગમાં તે માટે યોગ, તપ વગેરે પ્રકારો છે; પણ એતો કપરા છે. તેથી શ્રીહરિરાયજી કહે છે: “કાહેકો દેહ દમત, સાધન કરિ, મૂરખજન.” આપશ્રી કહે છે: પુષ્ટિમાર્ગ તો પ્રેમમાર્ગ છે. જો પ્રેમીમાં તમારી અનન્યાતાપૂર્વકની શરણાગતિ અને સમર્પણનિષ્ઠા છે, તો તમારા મનના દોષો-અવગુણો પ્રેમીનો સાથ અને પ્રેમ પામવામાં અવરોધક નહિ બને. તમારો પ્રેમ તમારો મોટામાં મોટો ગુણ બની જશે; માટે પુષ્ટિમાર્ગમાં મનમંદિરને સજાવવા માટે દીનતા, નિ:સાધનતા, તાપક્લેશ અને ગુણગાન જરૂરી છે. તેનાથી સ્વરૂપાસક્તિ સુદૃઢ થશે. એક વખત શ્રીવલ્લભમાં સ્વરૂપાસક્તિ થઈ નથી કે શ્રીવલ્લભ મનમંદિરમાં પધાર્યા નથી.
દીનતા આદિ માટે માર્ગનિષ્ઠા થવી જોઈએ. શ્રીવલ્લભના ગ્રંથોના પાઠ, ચિંતન અને તે મુજબના આચરણથી જ માર્ગનિષ્ઠા બને. માર્ગનિષ્ઠા દૃઢ થતાં શ્રીવલ્લભ નામાત્મક અને રૂપાત્મક બંને સ્વરૂપે આપણા મનમંદિરમાં બિરાજે.
પુષ્ટિમાર્ગ એટલે કૃપામાર્ગ. ભગવાન ભોજન આપે, ચાવવા દાંત આપે અને ચાવવાની શક્તિ આપે, એ ભગવાનની કૃપા. પણ આપણે ચાવવું તો પડે જ. તેમ આપણે આપણા મનમંદિરમાં શ્રીવલ્લભને પધરાવવાનો પુરુષાર્થ તો કરવો જ પડે.
સાથે સાથે એ પણ નક્કી છે કે જે આંખનો વિષય બને, સદા માટે આંખમાં વસી જાય, તે જ મનનો વિષય બને, મનમંદિરમાં ય વસી જાય. આંખનો વિષય ન બને, તે મનનો વિષય કેવી રીતે બની શકે? પહેલાં શ્રીવલ્લભને આંખમાં વસાવવા પડે. શ્રીવલ્લભનું રૂપ આંખમાં અંજન બની અંજાઈ જાય. શ્રીહરિરાયજીનાં નેત્રોમાં એ કેવું અંજાઈ ગયું કે તેમના મનમાં એ જીવનધન સદાને માટે વસી ગયું?
શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે: ‘સબહીન સોં જુ કહત હૌં ટેરે.’ પોતાનો આ અનુભવ આપ બધાંને કહી રહ્યા છે. વાજતે-ગાજતે કહી રહ્યા છે. સૌને સમજાવી રહ્યા છે કે મધુરાકૃતિ શ્રીવલ્લભને પોતાના બનાવો. જીવનધન બનાવી હૃદયમાં સદાને માટે વસાવી લો. શ્રીવલ્લભ વિદ્યમાન આનંદ છે. ‘વિદ્યમાન આનંદ તજિ ચલત ક્યોં અપાથે?’
છતાં સૌને શ્રીહરિરાયજીની આ આજ્ઞા સમજાતી કેમ નથી? જવાબ સીધો છે: ‘અધિકારી પાખે એ વાણી, નહિ કોને ઉચ્ચાર.’ અધિકાર હોય તે સમજે. બાકી તો ‘સૂન્યો તો સહી, પરિ સમઝ્યો નાહીં’ જેવું થાય.
(ક્રમશઃ)