રચના : શ્રીહરિરાયજી
ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ
(રાગ-બિહાગ)
શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે ।
સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।।
મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત ।
મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।।
મધુર અધર રસરૂપ મધુર છબિ, મધુર અતિ લલિત કપોલ ।
મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।।
મધુર કટાક્ષ કૃપારસ પૂરન, મધુર મનોહર બચન વિલાસ ।
મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।।
મધુર કંઠ આભૂષન ભૂષિત, મધુર ઉરસ્થલ રૂપ સમાજ ।
અતિ વિશાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ।।૫।।
મધુર ઉદર કટિ મધુર જાનુ યુગ, મધુર ચરનગતિ સબ સુખરાસ ।
મધુર ચરનકી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ।।૬।।
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/04/shri-vallabh-madhurakruti-mere_piyushbhai-parikh.mp3|titles=shri vallabh madhurakruti mere_piyushbhai parikh](સ્વરઃ શ્રી પીયૂષભાઈ પરીખ, ભરુચ)
ભાવાર્થ :
શ્રીહરિરાયજીને શ્રીવલ્લભમાં ભરપુર પ્રીતી. જેનામાં પ્રીતિ હોય એનામાં મતિ રહે. ચિત્ત વારંવાર ત્યાં જ ગતિ કરે. પ્રીતિને લઈને વારંવાર એમનું રૂપ યાદ આવે. સહજ સ્મરણ થાય. આથી શ્રીહરિરાયજી કિશોર અવસ્થાથી જ એકાંતમાં બિરાજી ‘શ્રીસર્વોત્તમ સ્તોત્ર’ ના જપમાં રાતદિવસ મગ્ન થઈ જતા.
લાકડામાં અગ્નિ છુપાયેલો હોય છે. બે લાકડાં ઘસાય એટલે અગ્નિ પ્રકટે. શ્રીવલ્લભ એટલે અલૌકિક અગ્નિ. શ્રીહરિરાયજીના હૃદયમાં વિરહતાપ સ્વરૂપે તેઓ બિરાજે. ‘શ્રીસર્વોત્તમ સ્તોત્ર’માં નામસ્વરૂપે બિરાજે. વિરહાતુર હૃદયથી તેમના અગ્નિ સ્વરૂપ નામનો જપ થાય, એટલે એ અલૌકિક અગ્નિ પહેલા અંત:કરણમાં પ્રગટ થાય; પછી બહાર પધારી નેત્રથી દર્શન આપે. આ રહસ્ય શ્રીવલ્લભે સ્વયં ‘નિરોધલક્ષણ’ માં બતાવ્યું.
શ્રીહરિરાયજીને શ્રીવલ્લભ સ્વરૂપનો અલૌકિક અનુભવ તેમના અંત:કરણથી અને નેત્રોથી થયો. આપે કૃપા કરી આ પદ દ્વારા આપણને શ્રીવલ્લભ સ્વરૂપરસનો આસ્વાદ કરાવ્યો છે.
ભગવદ્ સ્વરૂપરસની મઘુરતાનો પ્રથમ અનુભવ શ્રીવલ્લભને ગોકુળમાં શ્રાવણ સુદ અગિયારસની મઘ્યરાત્રિએ થયેલો. આપે તે અનુભવ ‘મધુરાષ્ટક’માં ગાયો. ત્યાં શ્રી મઘુરેશ પ્રભુને આપે ‘મધુરાધિપતિ’ કહ્યા. અહીં શ્રીહરિરાયજી શ્રીવલ્લભ પ્રભુને ‘મઘુરાકૃતિ’ કહે છે.
‘મઘુરાષ્ટક’ની ટીકામાં શ્રીગુસાંઈજીએ સમજાવ્યું કે જ્યારે રૂપ, ગુણ અને લીલા-એમ ત્રણ સુંદર અને આનંદમય હોય ત્યારે તે મઘુર કહેવાય. શ્રીસ્વામિનીજી આવાં ‘મધુરા’ છે. તેમના અઘિપતિ પણ એવા જ ‘મઘુર’ હોય. આથી શ્રીઠાકોરજીને મધુરાધિપતિ કહ્યા.
જેમનામાં મીઠાશ હોય તે મધુર કહેવાય. મીઠાશ બે પ્રકારની. જીભની અને હૃદયની. કેરીનો રસ, મધ, સાકર આદિની મીઠાશ જીભની છે. તેનો આનંદ, તે ખવાય ત્યાં સુઘીનો. સ્નેહ એ હૃદયની મીઠાશ છે. એનો અનુભવ સતત થાય. લૌકિક સ્નેહ જો આટલો મીઠો-મઘુર હોય, તો દિવ્ય સ્નેહ – પ્રેમ તો કેટલો મધુર હોય? એ મધુરતાનું વર્ણન શબ્દોમાં ખાસ ન કરી શકાય.
વેદ જેવા વેદે પણ શ્રીપ્રભુની મઘુરતા માટે એટલું જ કહ્યું : “રસો વૈ સ: ” તે (પ્રભુ) રસરૂપ છે. રસ કેવો? એના જવાબમાં કહ્યું: “આનંદ કરપાદમુખોદરાદિ” એમના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે બઘાં અંગો આનંદ સ્વરૂપ. એમાં આનંદરસનું પ્રમાણ કેટલું ? જવાબ મળ્યો-“પૂર્ણ:” પ્રભુ પૂરેપુરા આનંદરૂપ છે.
આપણને કોઇ સુંદર કહે ત્યારે આપણી સુંદરતાને માણવા આપણે અરીસા સામે ઊભા થઇ જઈએ છીએ! પ્રભુએ પોતાના આનંદ સ્વરૂપની મધુરતા માણવા, પોતાના જ સ્વરૂપમાંથી પોતાનું બીજું સ્ત્રીરૂપ પ્રકટ કર્યું. તે શ્રીરાધિકાજી-સ્વામિનીજી! શ્રીપ્રભુ આનંદસ્વરૂપ, તો સ્વામિનીજી પરમાનંદ સ્વરૂપ. આનંદરસ શૃંગારના બે દળ-સંયોગ અને વિપ્રયોગ. શ્રીસ્વામિનીજી સંયોગ શૃંગારનું સ્વરૂપ. કૃષ્ણ વિપ્રયોગ શૃંગારનું સ્વરૂપ.
કૃષ્ણ સંયોગ શૃંગાર રસનો અનુભવ કરવા તેમના હૃદયમાં શ્રીસ્વામિનીજીનો સ્ત્રીભાવ પ્રકટ કરે. શ્રીસ્વામિનીજી વિપ્રયોગ શૃંગાર રસનો અનુભવ કરવા તેમના હૃદયમાં કૃષ્ણનો પુંભાવ પ્રકટ કરે. ઉભયના હૃદયના રસાત્મક સ્ત્રી-પું ભાવો એક થતાં,જે ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થાય તે શ્રીવલ્લભ. શ્રીગુસાંઇજીએ આ રહસ્ય ‘સૌંદર્યપદ્ય’ માં સમજાવ્યું છે.
આમ, શ્રીવલ્લભનું સ્વરૂપ શ્રીપ્રભુ અને શ્રીસ્વામિનીજીના ભાવોનું ભાવાત્મક-રસાત્મક સ્વરૂપ છે. તેમાં સંયોગ અને વિપ્રયોગના બંને રસ છે. સ્ત્રીભાવ અને પુંભાવના ભાવાત્મક રસ પણ છે. આથી આ સ્વરૂપને ‘શ્રીવલ્લભ’ કહ્યા. વલ્લભ એટલે વહાલા. જે મઘુર હોય, આનંદમય હોય, તે જ સૌને વહાલા લાગે. જે સુંદર અને ગુણવાન હોય તે જ સૌને વહાલા લાગે. શ્રીવલ્લભ તો પ્રભુને અને સ્વામિનીજીને ય વહાલા લાગે માટે તેમનું નામ ‘શ્રીવલ્લભ’.
વદ્ + લભ = વલ્લભ. જેમનું નામ રટતાં ય જીભ અને મોં મીઠાં બની જાય, મઘુરતાના આસ્વાદનો લાભ મળે, તે શ્રીવલ્લભ. આમ, શ્રીવલ્લભના નામકીર્તનથી મધુરતાનો અનુભવ થાય છે. જેમના નામમાં આટલી મધુરતા હોય, તેમના સ્વરૂપમાં કેટલી મઘુરતા હશે?
એનો જવાબ શ્રીહરિરાયજી આ પદમાં આપે છે. ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે’.
(ક્રમશઃ)