શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !
(૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ ।
પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી.
(૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ ।
આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર શ્રીહરિનું જ શરણ વિચારવું.
(૩) અવિશ્વાસો નૈવ કર્તવ્ય ।
પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો.
(૪) ન લૌકિકઃ પ્રભુ કૃષ્ણઃ મનુતે નૈવ લૌકિકમ્ ।
પ્રભુ શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરવા સમર્થ એવા અલૌકિક છે. તેમનામાં ગંધમાત્ર પણ પ્રાકૃતપણું – લૌકિકપણું નથી. લૌકિક ભાવે કરેલી સેવાથી તેઓ પ્રસન્ન થતા નથી.
(૫) કૃષ્ણસેવા સદા કાર્યા ।
વૈષ્ણવે ક્ષણમાત્ર પણ ગુમાવ્યા વિના કૃષ્ણની સેવા કરવી જોઈએ.
(૬) ચેતસ્તત્પ્રવણં સેવા, તત્સિદ્ધયૈ તનુવિત્તજા ।
ચિત્ત પ્રભુમાં પરોવાય તેનું નામ સેવા. આવી સેવા પોતાના તન અને ધનનો સાથે વિનિયોગ કરવાથી થાય છે.
(૭) અસમર્પિતવસ્તૂનાં તસ્માદ્ વર્જનમાચરેત્ ।
પ્રભુને અંગીકાર કરાવી ન હોય, તેવી બધી વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
(૮) ભગવત્સેવાયામપિક્લિષ્ટં ન સમર્પયેત્ ।
લોકને, આત્માને અને મનને ક્લિષ્ટ લાગતા પદાર્થો પ્રભુને ન સમર્પવા.
(૯) ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત્કૃષ્ણમ્ ।
ઘરમાં જ રહી, વર્ણાશ્રમ ધર્મના પાલનપૂર્વક, તેમાં આવૃત્ત થયા વિના કૃષ્ણની સેવા કરવી.
(૧૦) વ્યાવૃત્તોપિ હરૌ ચિત્તં, શ્રવણાદૌ યતેત્સદા ।
ઘરમાં રહેવાથી જો ચિત્ત તેમાં આવૃત્ત રહે, તો પણ શ્રવણ-કીર્તન દ્વારા ચિત્તને પ્રભુમાં લગાડવાનો સદા પ્રયત્ન કરવો.
(૧૧) અભિમાનશ્ચ સંત્યાજ્યઃ સ્વામ્યધીનત્વભાવનાત્ ।
હું પ્રભુનો દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે એમ વિચારી અભિમાનનો ત્યાગ કરવો.
(૧૨) પ્રાર્થિતે વા તતઃ કિં સ્યાત્ સ્વામ્યભિપ્રાયસંશયાત્ ।
પ્રભુમાં શંકા લાવીને પ્રભુ પાસે કશું પણ માગવું નહિ.
(૧૩) ભાર્યાદીનાં તથાન્યેષામસતશ્ચાક્રમં સહેત્ ।
પત્ની વગેરે કુટુંબીજનો તથા નોકરોના બધા પ્રકારના દુર્વ્યવહારોને સહન કરવા. તેમનો તિરસ્કાર ન કરવો.
(૧૪) વિષયાક્રાન્તદેહાનાં નાવેશઃ સર્વથા હરેઃ ।
કામ, ક્રોધ, વગેરે વિષયોથી ગંદા શરીરમાં શ્રીહરિનો અનુભવ સર્વથા થતો નથી.
(૧૫) આપદ્ગત્યાદિ કાર્યેષુહઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા ।
આપત્તિ આવી પડે ત્યારે કોઈ પણ વાતની હઠ ન કરતાં, તે વિવેકપૂર્વક છોડવી.
(૧૬) ત્રિદુઃખસહનં ધૈર્યમ્ ।
ત્રણે પ્રકારનાં – સર્વ દુઃખો ધીરજપૂર્વક સહન કરવાં.
(૧૭) સર્વં સહેત્ પરુષં સર્વેષાં કૃષ્ણ ભાવનાત્ ।
સર્વના અંતર્યામી શ્રીકૃષ્ણ જ પરોક્ષરૂપે ઉપદેશ આપે છે, તેમ વિચારી સર્વ પ્રકારની કઠોરતાઓ સહન કરવી.
(૧૮) કૃષ્ણે સર્વાત્મકે નિત્યં સર્વથા દીનભાવના ।
જડ-ચેતન સર્વમાં કૃષ્ણ છે, એમ વિચારી, સર્વત્ર ભગવદ્બુદ્ધિ રાખવી. માન મેળવવાની ઇચ્છા ન રાખતાં, હમેશાં દીનતા રાખવી.
(૧૯) સર્વથા તદ્ ગુણાલાપં નામોચ્ચારણમેવ વા, સભાયામપિ કુર્વીત નિર્ભયો નિઃસ્પૃહસ્તતઃ ।
સર્વત્ર પ્રભુના ગુણગાન ગાવા અને નામોચ્ચાર કરવાં. તેમાં સંકોચ ન કરવો.
(૨૦) સાધનં પરમેતદ્ધિ શ્રીભાગવતમાદરાત્, પઠનીયં પ્રયત્નેન નિર્હેતુકમદંભતઃ ।
નિષ્કામભાવથી, દંભ રાખ્યા વિના, પરમ સાધન એવા શ્રીભાગવતનું નિત્ય આદરપૂર્વક પઠન કરવું.
(૨૧) તુલસીકાષ્ઠાજામાલા તિલકં લિંગમેવ તત્ ।
હમેશાં તુલસી-કાષ્ઠની માળા અને કંકુયુક્ત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાં.
(૨૨) એકાદશ્યુપવાસાદિ કર્તવ્યં વેધવર્જિતમ્ ।
વેધરહિત (અરુણોદયે દશમી ન હોય) એકાદશી અને ચાર જયંતિ – કૃષ્ણ, વામન, રામ, નૃસિંહ – વ્રતો કરવાં.
(૨૩) તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં દ્રુતં ત્યજેત્ ।
આવી પડેલી મહા આપત્તિ પણ પ્રભુની લીલા છે, પ્રભુ સર્વ દોષો દૂર કરવા સમર્થ છે, તેમ વિચારી ચિંતાને તત્કાળ છોડી દેવી.
(૨૪) વૃથાલાપક્રિયાધ્યાનં સર્વથૈવ પરિત્યજેત્ ।
પ્રભુના સંબંધ વિનાનું બોલવું, ક્રિયા કરવી અને વિષયોનું ધ્યાન ધરવું – આ ત્રણેનો સર્વથા ત્યાગ કરવો.
(૨૫) સ્મરણં, ભજનં ચાપિ ન ત્યાજ્યં ઇતિ મે મતિઃ ।
પ્રભુનું સ્મરણ અને સેવા પણ ન છોડવાં એવો મારો (શ્રીવલ્લભનો) અભિપ્રાય છે.