[રાગ-આસાવરી]
[રચના-શ્રી હરિરાયજી મહાપ્રભુ (રસિક)]
પ્રીત બઁધી શ્રીવલ્લભપદસોં અર ન મનમેં આવે હો ।
પઢ પુરાન ખટદર્શન નીકે જો કછુ કોઉ બતાવે હો ।।૧।।
જબતેં અંગીકાર કિયો હૈ મેરો તબતેં અન્ય ન સુહાવે હો ।
પાય મહારસ કોન મૂઢમતિ જહાં તહાં ચિત્ત ભટકાવે હો ।।૨।।
જાકો ભાગ્ય ફલ્યો યા કલિમેં સો યહ પદરજ પાવે હો ।
જિન કોઉ કરો ભૂલ મન સંશય નિશ્ચય કરિ શ્રુતિ ગાવે હો ।।૩।।
નંદનંદનકો નિજ સેવક કર દ્રઢ કર બાંહ ગહાવે હો ।
‘રસિક’ સદા ફલરૂપ જાનકે લે ઉછંગ હુલરાવે હો ।।૪।।
આ પદ શ્રી હરિરાયજી રચિત છે, જેમને આપણે ‘શિક્ષાપત્ર’ના કર્તા તરીકે યાદ કરીએ છીએ. આપશ્રીએ ‘રસિક’ ઉપનામથી ઘણાં કીર્તનોની રચના કરી છે. શ્રી હરિરાયજીને શ્રીમહાપ્રભુજીના ચરણોમાં ઘણી આસક્તિ હતી. શ્રીમહાપ્રભુજી પ્રત્યે તેમને અનન્ય ભાવ હતો. તેમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ત્રણ દિવસ સુધી સતત પાઠ કરેલા. તેના ફળસ્વરૂપે તેમને શ્રીમહાપ્રભુજીનો સાક્ષાત અનુભવ પણ થયો હતો. આ પદમાં તેઓ કહે છે કે મને શ્રીવલ્લભના ચરણકમલ સાથે એવી પ્રીત બંધાઈ ગઈ છે, એમાં એવી આસક્તિ થઈ ગઈ છે કે હવે એ ચરણકમલ સિવાય બીજું કંઈ મનને ગમતું નથી. કશામાં રૂચિ
થતી નથી.
અઢાર પુરાણો અને છ દર્શનો સારી રીતે ભણીને પણ જો કોઈ શ્રીવલ્લભ સિવાયની કોઈ બાબત મને બતાવે તો પણ મારું મન એ માનવા તૈયાર નથી. એ પુરાણો અને દર્શનો ભણવા માટે પણ કોઈ કહે તો તેમાંય મારું મન
લાગતું નથી.
જ્યારથી શ્રીવલ્લભે મારો અંગીકાર કર્યો છે, મારો હાથ પકડ્યો છે, ત્યારથી મને બીજું કંઈ સુહાતું નથી. જ્યારે કોઈ મહાન રસ પ્રાપ્ત થઈ જાય, કોઈ ઉત્તમોત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી એવો કોણ મૂઢમતિ હોય કે એ મહારસમાં મન લગાવવાને બદલે એના ચિત્તને આમતેમ ભટકાવે? શ્રીવલ્લભ જેવા કરુણાનિધિ, કૃપાનિધિ ગુરુ પ્રાપ્ત થઈ ગયા પછી જો કોઈ અન્યને શરણે જવા માટે આમતેમ ભટકે તો તેને મૂઢમતિ જેની બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે એવો જ કહેવાયને? એની બુદ્ધિ માટે બીજું શું કહેવું?
આ કલિકાલમાં જેનું મહાન ભાગ્ય હોય એને જ શ્રીવલ્લભની ચરણરજ પ્રાપ્ત થાય. શ્રીવલ્લભનું સ્વરૂપ ‘વસ્તુતઃ કૃષ્ણ એવ’ સાક્ષાત્ શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે. એમના સ્વરૂપમાં ભૂલથી પણ કોઈ શંકા કરશો નહિ. વેદના પ્રમાણોથી આ બાબત સિદ્ધ થયેલી છે. એ વલ્લભની ચરણરજ મને પ્રાપ્ત થઈ છે એ મારું પરમ ભાગ્ય છે. તેથી હવે મને બીજું કાંઈ ગમતું નથી.
શ્રીવલ્લભ એવા કૃપાળુ છે કે જે જીવ આપને શરણે જાય છે તેને નંદનંદનના સેવક બનાવી દે છે. પ્રભુને એ જીવનો હાથ પકડાવી દે છે. એ હાથ એવો દ્રઢતાથી પકડાવે છે કે પ્રભુ એ જીવને પછી કદાપિ છોડતા નથી. ભલે એ જીવ ભગવાનને ભૂલી જાય પણ ભગવાન તેને ભૂલતા નથી. એટલું જ નહિ પણ એ જીવ જો પ્રેમથી પ્રભુનાં સેવાસ્મરણ કરે તો એ ભગવદીયની ગોદમાં નંદનંદન સદા ખેલે છે. ‘લે ઉછંગ હુલરાવે હો’ એ જીવ પ્રભુને સદા પોતાના ઉચ્છંગમાં ગોદમાં ખેલાવે છે.
આમ આ પદમાં શ્રી હરિરાયજી બતાવે છે કે શ્રીવલ્લભમાં આપણો પ્રેમ છે, ભાવ છે તો એનું મુખ્ય લક્ષણ એ છે કે પછી આપણા હૃદયમાં તેમના સિવાય બીજા કોઈનું સ્થાન ન રહેવું જોઈએ. મન, વચન, કર્મથી તેમના જ થઈને રહીએ. તેમની આજ્ઞા અનુસાર જીવન જીવીએ. વલ્લભના વલ્લભ (પ્રિય) બનીએ.