પવિત્રાનું પદ
રચનાઃ શ્રી દ્વારકેશજી મહારાજ
(રાગઃ મલ્હાર)
શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર ।।૧।।
સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બિધ ઈચ્છાકો નિસ્તાર ।।૨।।
તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખતેં વચન કહત ઉચ્ચાર ।।૩।।
અબતેં કરોં બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધ ।।૪।।
વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ ।।૫।।
તબતેં સેવા રીત બતાઈ, પ્રભુ પ્રસાદ ફલ પરમ કહાઈ ।।૬।।
પુષ્ટિભજન રસરીત દીખાઈ, નિજજન યહ તજ અનત ન જાઈ ।।૭।।
ભવજલ નિધિતેં લિયે તરાઈ, સેતુબંધ જ્યોં પાજ ર્બંધાઈ ।।૮।।
શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલરાઈ, દ્વારકેશ અનુચર પદ પાઈ ।।૯।।
શ્રી દ્વારકેશજી મહારાજે આ પદમાં શ્રીવલ્લભના જીવનનો એક પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે, પુષ્ટિમાર્ગની સ્થાપનાનો પ્રકાર બતાવ્યો છે.
આપશ્રી પ્રથમ પંક્તિમાં કહે છે કે ‘શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર.’ શ્રાવણ માસની મેઘલી રાત છે. ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રીવલ્લભ પોઢ્યા છે. નિદ્રા આવતી નથી, પોતે વિચાર કરે છે કે મારું ભૂતલ ઉપર પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવો આ પૃથ્વી ઉપર આવીને આસુરી જીવોની સાથે રહીને, તેમના સંગદોષને કારણે પ્રભુને ભૂલી ગયા છે. પોતે કોણ છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, તે બાબતનો પણ તેમને ખ્યાલ નથી. અનેક દોષોથી ભરેલા આવા દૈવી જીવોનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ કેવી રીતે કરાવવો? તેમનો ઉદ્ધાર કઈ રીતે કરવો. પ્રભુની ઈચ્છા લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવોને પાછા ગોલોકમાં લાવવાની છે. તો પ્રભુની આ ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરવી? ‘સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બીધી ઈચ્છાકો નિસ્તાર?’
શ્રીવલ્લભની આ ચિંતાનો ઉકેલ લાવવા ‘તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર’ તરત જ શ્રીઠાકોરજી ત્યાં પ્રગટ થયા. શ્રીગોકુલચંદ્રમાજી સ્વરૂપે આપ પધાર્યા. શ્રીવલ્લભે દર્શન થતાં તરત જ ઊઠીને શ્રીઠાકોરજીને દંડવત પ્રણામ કરી વિનંતી કરી. ‘મહારાજ, આપ અત્યારે અહીં?’ મુખતે વચન કહત ઉચ્ચાર.
‘વલ્લભ, દૈવી જીવોના ઉદ્ધારનો ઉપાય બતાવવા આવ્યો છું.’ અબતેં કરો બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધઃ હું આપને એક મંત્ર આપું છું આ મંત્રની દીક્ષા દ્વારા આપ જીવને શરણે લઈ મને સોંપજો. જે જીવને આપ બ્રહ્મસંબંધ કરાવશો તેના પાંચે પ્રકારના દોષ દૂર થશે. એ જીવ સદોષમાંથી નિર્દોષ બનશે. એ જીવનો હું અંગીકાર કરીશ. પછી કદી એનો ત્યાગ નહિ કરું.’
દૈવી જીવોના ઉદ્ધારનો ઉપાય મળતાં શ્રીવલ્લભ ખૂબ પ્રસન્ન થયા. શ્રીઠાકોરજીએ આપને ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો. શ્રીવલ્લભે શ્રીઠાકોરજીને પોતાની પાસેનું પવિત્રું ધર્યું અને મિસરીનો ભોગ ધર્યો.
વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ. શ્રીવલ્લભે મધુરાષ્ટક દ્વારા પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ અંતર્ધાન થયા. આ સમયે દામોદરદાસ હરસાનીજી વગેરે સેવકો આપની સાથે હતા. શ્રીવલ્લભ પૂછે છેઃ ‘દમલા, તેને કછુ સૂન્યો?’ દમલા, તેં કંઈ સાંભળ્યું? ‘મહારાજ, સૂન્યો તો સહી, પર સમજ્યો નાહી’ દામોદરદાસજીએ દીનતાપૂર્વક કહ્યું કે મહારાજ, સાંભળ્યું તો ખરું પણ કાંઈ સમજ્યો નહિ. શ્રીમહાપ્રભુજીએ સવારે સ્નાન કરીને દામોદરદાસજીને સૌ પ્રથમ શ્રીઠાકોરજીની આજ્ઞા પ્રમાણે બ્રહ્મસંબંધની દીક્ષા આપી. ‘સિદ્ધાંતરહસ્ય’ નામનો ગ્રંથ રચી શ્રી ઠાકોરજીની આજ્ઞા અક્ષરેઅક્ષર સમજાવી. આમ પુષ્ટિમાર્ગની સ્થાપના થઈ. આ દિવસ હતો શ્રાવણ સુદ અગિયારસ અને બારસનો, જેને આપણે પવિત્રા અગિયારસ અને પવિત્રા બારસ તરીકે ઓળખીએ છીએ.
‘તબતેં સેવા રીત બતાઈ’ શ્રીવલ્લભે જે જીવોને શરણે લઈ બ્રહ્મસંબંધ દીક્ષા આપી, નામ નિવેદન કરાવ્યું તેમને પોતાના કર્તવ્ય તરીકે ‘પ્રભુની સેવા’ કરવાનું સમજાવ્યું. શ્રીઠાકોરજી પધરાવી દીધા. સેવાની સર્વ રીત શીખવી.
‘પ્રભુ પ્રસાદ ફલ પરમ કહાઈ’ પુષ્ટિમાર્ગનું પરમ ફલ બતાવ્યું કે પ્રભુની સેવા અને સમર્પિત જીવન એ જ પુષ્ટિમાર્ગનું સાચું ફળ છે. સેવા એજ કર્તવ્ય અને સેવા એ જ ફળ. બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી, વૈષ્ણવ બન્યા પછી, વૈષ્ણવનું કર્તવ્ય પ્રભુને સમર્પિત જીવન જીવવાનું છે. પ્રભુના પ્રસાદી અન્નથી પેટ ભરવાનું છે. અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવાનો છે.
‘પુષ્ટિભજન રસ રીત દિખાઈ’ પુષ્ટિમાર્ગીય ભક્તિનો રસભરેલો માર્ગ બતાવ્યો. પુષ્ટિભક્તિ એ આનંદનો માર્ગ છે. અહીં જપ, તપ, વ્રત, ઉપવાસ જેવાં સાધન કરવાનાં નથી. આનંદપૂર્વક પ્રભુની રાગ-ભોગ-શૃંગાર યુક્ત સેવા કરવાની છે. સેવાની એ રસરીત, શ્રીવલ્લભે વૈષ્ણવોને બતાવી.
‘નિજજન યહ તજ અનત ન જાઈ.’ શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે કે શ્રીવલ્લભે સેવાનો જે આનંદભર્યો માર્ગ બતાવ્યો છે, તે નિજજનોને શ્રીવલ્લભના સેવકોને એવો ગમી ગયો છે કે તેઓ એ માર્ગને છોડીને બીજે ક્યાંય જતા નથી.
‘ભવજલ નિધિતેં લિયે તરાઈ’ આ રીતે શ્રીવલ્લભે પ્રભુ સેવાના આ અલૌકિક માર્ગ દ્વારા ભવસાગર આ સંસારરૂપી સાગરમાંથી ભક્તોને તારી લીધા. સંસાર સાગરમાંથી પાર ઉતરવા સેવારૂપી સેતુબંધ પાળ બંધાવી દીધી. જેના દ્વારા ભક્તો પ્રભુને પામી શકે. સેતુબંધ જ્યોં પાજ બંધાઈ.
‘શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલરાઈ દ્વારકેશ અનુચર પદ પાઈ.’ શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે કે હે શ્રીવલ્લભ, હે શ્રી વિઠ્ઠલ, આપની કૃપાથી મને આપના આ સેવામાર્ગમાં અનુચરનું-સેવકનું પદ પ્રાપ્ત થયું છે એ મારું ભાગ્ય છે.
આ પ્રસંગને યાદ કરી પવિત્રા અગિયારસના દિવસે શ્રીઠાકોરજીને આપણા હાથે સિદ્ધ કરેલું, ૩૬૦ તારનું સૂતરનું પવિત્રું ધરીએ અને મધુરી મીસરી આરોગાવીએ.
પવિત્રા બારસના દિવસે આપણા ગુરુદેવને પવિત્રા ધરી, આપણી ગુરુભક્તિને શ્રીવલ્લભના ચરણોમાં ન્યોછાવર કરીએ. પવિત્રાબારસનો ઉત્સવ પુષ્ટિમાર્ગની ગુરુપૂર્ણિમા છે. ગુરુ પ્રત્યેના પૂર્ણ ભાવથી તેને ઉજવીએ.