(બસંત આગમનનું પદ)
રાગઃ માલકૌંસ
રચના – નંદદાસજી
લહેકન લાગી વસંતબહાર સખી, ત્યોં ત્યોં બનવારી લાગ્યો બહેકન.
ફૂલ પલાસ નખ નાહર કૈસે, તૈસે કાનન લાગ્યો મહેકન. (૧)
કોકિલ મોર શુક સારસ હંસ ખંજન, મીન ભ્રમર અખિયાં દેખ અતિ લલકન.
નંદદાસ પ્રભુ પ્યારી અગવાની, ગિરિધર પિયકો દેખ ભયો શ્રમકન. (૨)
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/Lahekan-Lagi-Basant-Bahar.mp3|titles=Lahekan Lagi Basant Bahar](સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગાંધર્વ)
શિશિર ઋતુ વિદાય લઈ રહી છે અને વસંતનું આગમન થઈ રહ્યું છે. ઠંડી ઋતુનો અંત આવતાં સર્વત્ર વનરાજી ખીલવા માંડી છે. શ્રીયમુનાજીના મનોહર તટ ઉપર કમનીય કુસુમવનમાં વૃક્ષો ઉપર જાણે વસંતને કારણે બહાર-મસ્તી આવી ગઈ છે.
વનમાં વિહાર કરવા માટે શ્રીરાધિકાજીની આગેવાની નીચે નીકળેલી સખીઓ આ બહારને જોઈને ખુશ થતાં કહે છેઃ ‘હે સખી, જો તો ખરી. વનમાં વસંત ખીલી છે. વૃક્ષો ઉપર નવાં પાન લહેરાઈ રહ્યાં છે. ફૂલ ખીલ્યાં છે. જેમ જેમ વસંતની મસ્તી લહેરાય છે તેમ તેમ આપણો આ બનવારી – પ્રાણપ્યારો કૃષ્ણ પણ મદમસ્ત બની બહેકી રહ્યો છે.!’
વાઘના નખ વધીને વાંકા થઈ જાય તેમ આ પલાશ – કેસૂડાના ફૂલની પાંદડીઓ પણ ખૂબ ખીલીને વાંકી થઈ ગઈ છે. પલાશના પુષ્પોની મહેંકથી આખું વન મહેંકી રહ્યું છે. સુગંધિત થઈ રહ્યું છે. એ સુગંધની મસ્તીમાં જાણે સૌ બહેકી રહ્યાં છે.
પશુ-પક્ષીઓ પણ એમાંથી બાકાત નથી. કોકિલા, મોર, પોપટ, સારસ, હંસ, ખંજન જેવાં ચંચળ પક્ષીઓ, મીન એટલે માછલાં, ભ્રમર વગેરે બધાં આ ખીલેલી વનરાજીથી ખુશ થયેલા ગિરિધરપ્રભુનાં નેત્રોનાં દર્શન કરીને, મધુર અવાજ કરી રહ્યાં છે, જાણે લલકારીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યાં છે.
નંદદાસજી કહે છે કે આવા મધુર સમયે શ્રીપ્રભુના મિલન માટે જઈ રહેલાં સખીજનોની અગવાની લેનાર શ્રીસ્વામિનીજીને મારા પ્રભુનાં દર્શન થતાં જ કપોલ ઉપર શ્રમકણ બિંદુઓ ઝળકી ઊઠ્યાં છે!
ઋતુપરિવર્તનની સુંદર નોંધ લેતું અને વસંતની બહારને વધાવતું આ મધુર પદ અષ્ટસખા પૈકીના શ્રીનંદદાસજીની રચના છે અને વસંત આગમના દિવસોમાં શ્રીપ્રભુ સન્મુખ ગવાય છે.
(વસંત આગમના દિવસો – પોષ વદ અમાસથી મહા સુદ ચોથ)