આપણા પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રીઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રીઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે, એટલું જ નહિ પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે.
હોળી ખેલના ઉત્સવના ચાલીસ દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે. બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે. રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત-ધમાર-હોરીના ખેલ દ્વારા પ્રભુ વ્રજભક્તો સાથે વિહાર કરે છે. બધા વડીલોની હાજરીમાં વ્રજલલનાઓ સાથે હોળી ખેલે છે. ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખાનુભવ કરે છે.
ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ – વસંતપંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ – હોળી અને ફાગણ વદ એકમ – ડોલોત્સવ સુધી ૪૦ દિવસ ઉત્સવ મનાવાય છે.
વસંતઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. વસંતઋતુ આવતાં પ્રકૃતિ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને નવાં પાન, ફૂલ, ફળ આવે છે. વન-ઉપવન પુષ્પોની સુંગધ અને પક્ષીઓના કલરવથી મહેંકી ઉઠે છે. તેથી વસંતપંચમીને શ્રીપંચમી પણ કહેવાય છે.
વ્રજમાં કામદેવનો જન્મ વસંતપંચમીને દિવસે થયો છે. તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે. આ કામદેવને શિવજીએ બાળી નાંખેલો એ પ્રસંગ આપણે જાણીએ છીએ. ત્યારપછી કામદેવે શ્રીકૃષ્ણને ત્યાં રુકમણિજીની કૂખે પ્રદ્યુમ્નસ્વરૂપે જન્મ લીધો. માટે જ વસંતપંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમ્ન પ્રાગટ્યોત્સવ પણ મનાવાય છે. શિવજીએ બાળી નાંખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો. પરંતુ આધિદૈવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કયોઁ છે. કારણ પ્રભુ સાક્ષાત્ મન્મથમન્મથ છે. કામદેવને મોહિત કરનારા મદનમોહન છે. વસંતખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે. તેથી વસંતપંચમીને ‘મદનપંચમી’ પણ કહેવાય છે. વસંતોત્સવને ‘મદનમહોત્સવ’ કહેવાય છે.
આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે. પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાં થાય છે. તેથી પુષ્ટિમાર્ગમાં વસંતોત્સવ-હોળીખેલનો પ્રારંભ હોળીના ૪૦ દિવસ પહેલાં એટલે કે વસંતપંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રતિક સમાં કળશનું પૂજન થાય છે. સુવર્ણ કે ચાંદીના કળશમાં જળ ભરી, તેમાં ખજુરીની ડાળી, આંબાની મંજરી, સરસવના ફૂલ, જવ કે ઘઉંની ઊંબી, ખજૂરીની ડાળીમાં બોર એમ પાંચ વસ્તુઓ કામદેવનાં પાંચ બાણના પ્રતિક રૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવી, તેનું અધિવાસન અને પૂજન થાય છે.
આ રીતે વસંતોત્સવ – વસંતખેલની શરૂઆત થાય છે. પ્રભુને ચંદન, ચોવા, અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે છે. વસંતપંચમીથી દસ દિવસ હળવો ખેલ થાય છે. આ દિવસો વસંતખેલના દિવસો કહેવાય છે. દસ દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય છે. વિવિધ સામગ્રીનો ભોગ ધરાય છે. ત્યાર પછીના ત્રીસ દિવસ હોળી ખેલનાં છે. મહાસુદપૂનમે હોળી દંડારોપણ થયા પછી ધમાર ગવાય છે. ભારે ખેલ થાય છે. ભક્તો કેસૂડો અને પીચકારી તથા અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી, રસભરી લીલા છે. કેસર(કેસૂડો) સ્વામિનીજીના પીતરંગના ભાવથી, ગુલાલ શ્રીલલિતાજીના લાલ રંગના ભાવથી, અબીલ શ્રીચંદ્રાવલિજીના શ્વેતરંગના ભાવથી અને ચોવા શ્રીયમુનાજીના શ્યામરંગના ભાવથી આવે છે.