હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)
રચનાઃ શ્રી ગોવિંદસ્વામી
રાગઃ મલ્હાર
હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી,
તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧)
ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી,
અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨)
મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી,
ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩)
ભાવાર્થઃ
શ્રાવણ માસ પ્રકૃતિ સૌંદર્યનો માસ છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હોય, સવર્ત્ર હરિયાળી છવાઈ હોય,પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હોય, વનમાં વૃક્ષો ઉપર ફૂલો ખીલ્યાં હોય, મોર કોયલનો કલશોર થતો હોય ત્યારે નિસર્ગના આ આનંદભર્યા વાતાવરણમાં વનમાં કુંજ નિકુંજમાં વૃક્ષની ડાળીએ હિંડોળો બાંધી, વ્રજભકતો શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજીને તેમાં પધરાવે છે. પ્રિયા પ્રિયતમને હિંડોળે ઝુલાવવાનો આનંદ લે છે.
અષાડ સુદ એકમથી શ્રાવણ વદ બીજ સુધીના ૩૨ દિવસ પ્રભુ હિંડોળે ઝૂલે છે. નંદાલયમાં, નિકુંજમાં, શ્રીગિરિરાજજી ઉપર અને શ્રી યમુના પુલિન ઉપર એમ ચાર જગ્યાએ ઝૂલે છે. ચાર યૂથાધિપતિઓના ભાવથી આઠઆઠ દિવસ ઝૂલે છે. અથવા સોળ દિવસ શ્રીઠાકોરજીના અને સોળ દિવસ શ્રી સ્વામિનીજીના એમ યુગલ સ્વરૂપની ભાવનાથી બત્રીસ દિવસ ઝૂલે છે.
વૈષ્ણવો આ ૩૨ દિવસ વિવિધ પ્રકારના કલા કૌશલ્યથી ભરપૂર હિંડોળાની રચના કરી, પ્રભુને હર્ષોલ્લાસપૂર્વક તેમાં પધરાવી, હૈયાના હેતથી ઝૂલાવી, પ્રભુની સમીપ રહેવાનો આનંદ માણે છે.
અષ્ટસખા પૈકીના પ્રભુના પરમ સખા શ્રી ગોવિંદસ્વામીએ પ્રભુની આ હિંડોળાલીલાનાં દર્શન કરીને ઉપરનું પદ ગાયું છે. કવિ કહે છે કે સુખદાયક એવી વર્ષાઋતુમાં સર્વત્ર હરિયાળી છવાઈ છે. આકાશમાં વાદળો ગર્જી રહ્યાં છે. વીજળી ચમકી રહી છે. શીતલતા અર્પતો વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે. આવા મધુર વાતાવરણમાં પ્રિયાપ્રિયતમ હિંડોળે ઝૂલે છે. સખીઓ ઝૂલાવે છે. કોઈવાર હિંડોળાને ઝોટા દઈને ખૂબ ઊંચે સુધી લઈ જાય છે ત્યારે, વીજળી અને વાદળોની જોરદાર ગર્જના થાય છે ત્યારે, અત્યંત સુકુમાર એવાં રાધાજી મનમાં ડરી જાય છે અને ભયભીત થઈને પોતાના પ્રિયતમશ્રીકૃષ્ણને અંકવારી ભરી લે છે, ભેટી પડે છે. તે સમયે મદનગોપાલ પ્રભુ શ્યામતમાલના વૃક્ષ જેવા અને સુકુમારી રાધા કનકવેલી એટલે સુવર્ણનાં વેલ જેવાં લાગે છે. જાણે શ્યામતમાલના વૃક્ષ ઉપર કનકવેલ વીંટળાઈ ગઈ હોય તેવું લાગે છે. આવા રસિક શ્રી ગિરિધરલાલ અને રસિકની શ્રી રાધાજી ઉપર ગોવિંદસ્વામી બલિહારી જાય છે.