શૃંગાર સન્મુખનું પદ
રચનાઃ શ્રીકૃષ્ણદાસજી
રાગઃ આસાવરી
ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી,
બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧)
મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ,
‘કૃષ્ણદાસ’ ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨)
ભાવાર્થઃ
એક ગોપાંગના યમુનાજીના કિનારેથી યમુનાજલ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં તેને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. પોતાનો અનુભવ આ ગોપાંગના કહી રહ્યાં છે. હે સખી, હું કૃષ્ણનાં દર્શન કરતાં અટકી ગઈ. મને કૃષ્ણદર્શનનું એવું વ્યસન લાગી ગયું કે મસ્તકે જમુનાજલની મટકી મૂકીને હું વારંવાર પનઘટ પર આવવા લાગી. (૧)
ત્યાં શ્રીમદનમોહનલાલનાં દર્શન થતાં, ત્યારે તેમના રૂપસુધાસાગરનું પાન હું ગટક-ગટક કરતી. કૃષ્ણદાસજી કહે છે, આવાં રાધિકાજીને ધન્ય છે, જેમણે પ્રભુ સાથેના પ્રેમને લઈને દુનિયાની સર્વ લાજ-શરમ ફેંકી દીધી છે. (૨)