શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ
‘વૈષ્ણવો, તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો,
તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો;
પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’
આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ
‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત ગાગરીમેં.’
એક પનિહારી માથા ઉપર પાણીનું બેડું ભરીને આવતાં
સખી-સાહેલીઓ સાથે રસમય વાતો કરતી ચાલે,
પણ તેનું ચિત્ત માથા ઉપરના બેડામાં જ હોય છે.
તેથી હલનચલન થવા છતાં બેડું પડી જતું નથી.
આમ, આપણે પણ સંસારના સર્વ વ્યવહારો કરતાં કરતાં,
આપણું ચિત્ત પ્રભુમાં સ્થિર રાખી, ગોવિંદને ભજીશું તો જરૂર ગોવિંદ મળશે.
શ્રી દયારામભાઈ ગાય છેઃ
‘જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદે ત્રીકમજીશું તાળી.’