(રાગ-આશાવરી)
હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન ।
માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ;
ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।।
ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ ।
સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।।
બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।
જોગી જતિ સતી સંન્યાસી, મગ્ન ભયે તિહારે ગુણગાન ।।૩।।
જૈસે તુરંગ ચલત ધરણી પર, તૈસે ભવરા કરત ગુંજાર ।
‘સૂરશ્યામ’ આધીન તિહારે જય જનની મૈયા કરની કલ્યાન ।।૪।।
ભાવાર્થઃ
‘સૂરશ્યામ’ની છાપનાં પદ શ્રીપ્રભુએ સ્વયં રચ્યાં છે. શ્રીયમુનાજીની વધાઈનું આ પદ ‘સૂરશ્યામ’ની છાપનું છે.
અમે શ્યામસ્વરૂપા શ્રીયમુનાજીનું શરણ ગ્રહણ કર્યું છે. તેથી હે યમુને મૈયા! અમારું ધ્યાન તમારાં ચરણોમાં લાગેલું રહો. તમારાં માતા છે સંજ્ઞાદેવી, તમારા પિતા છે આધિદૈવિક સૂર્યદેવ. તમારા ભાઈ છે ધર્મરાજ શ્રીયમદેવ અને તમારા પતિ છે પ્રભુ પોતે. એવાં શ્રીયમુનાજી પર્વતરાય હિમાલયના પાષાણોમાંથી ઊછળતાં-કૂદતાં, સાત-સાત સમુદ્રોને ભેદીને આપ પૃથ્વી પર પધાર્યાં છો. બ્રહ્માજી પણ તમારું ધ્યાન ધરે છે. વેદ-પુરાણ ભણતા પંડિતો, યોગીઓ, જતિ અને સતી તથા સંન્યાસી સૌ તમારા ગુણગાનમાં મગ્ન છે. જેમ ધરતી પર રેવાલ ચાલે, અશ્વ ચાલે, તેમ આપ પધારી રહ્યાં છો. ભ્રમરો ગુંજારવ કરે છે, એવાં શ્રીયમુનાજી, શ્રીશ્યામસુંદરલાલ પણ આપને આધીન છે. હે શ્રીયમુને મૈયા, આપનો જય થાઓ, આપ સૌનું કલ્યાણ કરો.