બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો
(રચનાઃ ઋષિકેશજી)
(રાગઃ આસાવરી)
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2012/03/Barsane-Ki-Naval-Nar-Mil-Hori-Khelan-Aayi-Ho_Bhagvati-Prasad-Gandharv.mp3|titles=Barsane Ki Naval Nar Mil Hori Khelan Aayi Ho_Bhagvati Prasad Gandharv]
(સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ)
—————————————————————————————————————–
બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો,
બરવટ ધાય જાય જમુના તટ ઘેરે કુંવર કન્હાઈ. (૧)
અતિ ઝીની કેસર રંગ ભીની સારી સુરંગ સુહાઈ,
કંચન બરન કંચુકી ઉપર ઝલકત જોબન ઝાંઈ. (૨)
કેસર, કસ્તુરી મલયાગર ભાજન ભરિ ભરિ લાઈ,
અબીર ગુલાલ ફેંટ ભર ભામિની કરન કનક પીચકાઈ (૩)
ઉતતેં ગોપસખા સબ ઉમગે ખેલ મચ્યો ઉદમાઈ,
બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ મુરલી મધુર બજાઈ (૪)
ખેલત ખેલત રસિક શિરોમણી રાધાજુ નિકટ બુલાઈ,
હૃષિકેશ પ્રભુ રીઝી શ્યામઘન, બનમાલા પહેરાઈ. (૫)
ભાવાર્થઃ
પ્રભુની સર્વ લીલાઓમાં હોરીલીલા એક રસમય લીલા છે. વ્રજમાં વસંતપંચમીથી દોલોત્સવ સુધી ૪૦ દિવસ ગોપ-ગોપીઓ શ્રીકૃષ્ણ સાથે હોળીખેલનો આનંદ માણે છે. હોળી ખેલ કેવી રીતે થાય છે તેનું સુંદર વર્ણન કરતાં ખૂબ લાંબાં-મોટાં પદો-ધમારો અષ્ટસખાઓએ અને અન્ય ભગવદીયોએ રચ્યાં છે. તેમાં વ્રજની હોળી અને એ ખેલવાનો અદ્ભુત આનંદ વર્ણવાયો છે.
આ નાનકડા પદમાં હૃષિકેશજી, જેઓ શ્રીગુસાંઈજીના અનન્ય સેવક હતા, તેઓ પ્રભુની હોળીલીલાનાં દર્શન કરીને આપણને પણ તેનાં દર્શન કરાવી રહ્યા છે.
તેઓ કહે છે કે બરસાનાથી શ્રીરાધિકાજી અને તેમની સખીઓ ગોકુળમાં કન્હાઈ સાથે હોળી ખેલવા માટે આવ્યાં છે. બધી નવયુવતીઓ મળીને યમુનાતટ ઉપર ગઈ છે. ત્યાં બિરાજેલા શ્યામસુંદરને ઘેરી લીધા છે.
શ્યામસુંદર એવી ગોપીકાઓથી ઘેરાઈ ગયા છે જેમના અંગ ઉપર સુંદર, કેસર રંગથી ભીની, રંગબેરંગી ઝીણી સાડીઓ શોભી રહી છે. સુવર્ણ રંગની સુંદર કંચુકીઓ શોભી રહી છે. એ નવયુવતીઓ પોતાની સાથે કેસર, કસ્તુરી, મલયાગર ચંદન વગેરે ભરેલાં પાત્રો લઈને આવી છે. અબીર અને ગુલાલથી તેમની ફેંટ ભરેલી છે. હાથમાં સુવર્ણની પીચકારી છે. હોળી ખેલવા માટેની બધી જ સામગ્રીથી સજ્જ થઈને આવેલી આ ગોપાંગનાઓએ જેવા શ્રીઠાકોરજીને ઘેરીને હોળી ખેલાવવા માંડી કે તરત જ ચારે બાજુથી તેમના સખાઓ પણ આવી ગયા. તેમની પાસે પણ અબીલ, ગુલાલની ફેંટ ભરેલી છે. કેસરજળના ઘડા ભરેલા છે. હાથમાં પીચકારીઓ છે. સખાઓ અને સખીઓના યૂથ વચ્ચે જોરદાર હોળી ખેલ શરૂ થયો. એકબીજા ઉપર અબીલ-ગુલાલની પોટલીઓ ફેંકીને વાતાવરણને રંગોથી ભરી દીધું.
કેટલાક સખાઓ અને સખીઓ તાલબદ્ધ રીતે મૃદંગ, ઝાંઝ, ડફ વગેરે વગાડીને સુંદર હોળીગીતો ગાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે મુરલીના મધુર સ્વર પણ સંભળાઈ રહ્યા છે. આ રીતે હોળીખેલમાં તેઓ ખલનારાને પાનો ચડાવી રહ્યાં છે.
મસ્ત હોળીખેલ જામ્યો છે. ખેલતાં ખેલતાં રસિક શિરોમણી એવા શ્રીઠાકોરજીએ રાધાજીને પોતાની પાસે બોલાવ્યાં. તેમના હોળી ખેલાવવાના આ મનોરથથી પ્રસન્ન થયેલા શ્રીઠાકોરજીએ પોતાની વનમાળા રાધાજીના કંઠમાં પહેરાવી દીધી. આ લીલાનાં દર્શન કરતાં શ્રીહૃષિકેશજી કહે છે મારા પ્રભુ શ્રીશ્યામઘનસુંદર આ હોળીખેલથી ખૂબ રીઝ્યા છે અને પોતાની માળા શ્રીરાધિકાજીને પહેરાવે છે.