અપનેં બાલ ગોપાલૈ રાનીજુ પાલને ઝુલાવે ।
બારંબાર નિહારી કમલમુખ પ્રમુદિત મંગલ ગાવૈ ।।૧।।
લટકન ભાલ ભૃકુટિ મસિ બિંદુકા કઠુલા કંઠ સુહાવે ।
દેખિ દેખિ મુસકાઈ સાંવરો દ્વૈ દંતિયાઁ દરસાવૈ ।।૨।।
કબહુક સુરંગ ખિલૌના લૈ લૈ નાના ભાંતિ ખિલાવૈ ।
સદ્ય માખન મધુ સાનિ અધિક રૂચિ અંગુરિન કરકે ચટાવૈ ।।૩।।
સાદર કુમુદ ચકોર ચંદ જ્યોં રૂપ સુધારસ પ્યાવૈ ।
ચતુર્ભુજ પ્રભુ ગિરિધરનચંદકો હંસિ હંસિ કંઠ લગાવૈ ।।૪।।
ભાવાર્થઃ
ચતુર્ભુજદાસજી રચિત પલનાનું આ એક સુંદર પદ છે. યશોદામૈયા પોતાના લાલ બાલ-ગોપાલને પલનામાં પોઢાડી ઝૂલાવી રહ્યાં છે. પ્રભુનું કમલ જેવું સુંદર મુખકમલ વારંવાર નિહાળીને આનંદિત થઈ રહ્યાં છે. પ્રભુને ઝૂલાવતાં ઝૂલાવતાં મંગલ ગીતો ગાઈ રહ્યાં છે.
પલનામાં ઝૂલતાં બાલકૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતાં કવિ કહે છે કે તેમના ભાલપ્રદેશમાં (કપાળમાં) મોતીની લરો લટકી રહી છે. ભ્રમર ઉપર માતાએ કરેલું મસિબિંદુ (અંજનની શ્યામબિંદી) શોભી રહી છે. પોતાના લાલને નજર ન લાગે માટે માતાએ શ્યામ કાજળની એ બિંદી કરી છે. લાલનના કંઠમાં કઠુલા –મોતીની માળા, જેમાં સોનાની ચોકીની સાથે વાઘનખ જડેલો છે; તે શોભી રહ્યો છે.
માતાનાં હાલરડાં સાંભળી, માતા સામે જોઈ લાલન હસી રહ્યા છે. હસે છે ત્યારે એમની નાની નાની બે દંતૂડી (દાંત) દેખાય છે. માતા ઝૂલાવતાં ઝૂલાવતાં કોઈવાર વળી તાજું માખણ અને મધ ભેગા કરી આંગળી ઉપર લઈ ચટાડે છે. જેમ ચંદ્ર કુમુદ (રાત્રે ખીલતું કમળ) અને ચકોર (એક પક્ષી)ને પોતાના સુધારસનું પાન કરાવે છે તેમ અહીં શ્રીગિરિધરલાલ રૂપી ચંદ્ર માતાને પોતાને સ્વરૂપામૃતનું પાન કરાવે છે. ચતુર્ભુજદાસજી કહે છે કે ચંદ્ર જેવા સુંદર બાલકૃષ્ણને માતા હસતાં હસતાં પોતાના ગળે લગાડે છે અને તેમને વ્હાલ કરે છે.