(રચનાઃ પરમાનંદદાસજી)
(રાગઃબિલાવલ)
યહ માંગો ગોપીજનવલ્લભ ।
માનુષજન્મ ઔર હરિસેવા, વ્રજવસવો દીજે મોહિ સુલભ ।।૧।।
શ્રીવલ્લભકુલકો હો હું ચેરો, વૈષ્ણવજનકો દાસ કહાઉં ।
શ્રીયમુના જલ નિત્ય પ્રતિ ન્હાઉં, મન કર્મ વચન કૃષ્ણ ગુણ ગાઉં ।।૨।।
શ્રીભાગવત શ્રવણ સૂનું નિત ઈન તજ ચિત્ત કહૂં અનત ન લાઉં।
પરમાનંદદાસ યહ માંગત નિત નિરખોં કબહૂં ન અઘાઉં ।।૩।।
નાનકડા ધ્રુવજીએ વનમાં જઈ તપ કર્યું. પ્રભુ પ્રસણ થયા. દર્શન આપ્યા. પ્રભુએ કહ્યું, ‘માગ, માગ, માગે તે આપું.’ ધ્રુવજીએ માગ્યું કે…
પ્રાચીન વાર્તાઓમાં આ રીતે પ્રભુ પ્રસન્ન થયા હોય અને ભક્તને કંઈક માગવાનું કહ્યું હોય તેવા ઘણા પ્રસંગો જોવા મળે છે. કોઈકે દુન્વયી સુખસંપત્તિ માગી છે તો કોઈએ ભક્તિ માગી છે, કોઈએ વળી પ્રભુ ચરણોનો આશ્રય માગ્યો છે તો કોઈએ મુક્તિ માગી છે.
અહીં શ્રી પરમાનંદદાસજી પણ પ્રભુ પાસે કંઈક માગે છે. શ્રીમહાપ્રભુજીના સેવક અને અષ્ટસખા પૈકીના એક મહાનુભાવ પરમાનંદદાસજી શ્રીગોપીજનવલ્લભ એટલે કે ગોપીજનોને વહાલા એવા પ્રભુ શ્રીકૃષ્ણ પાસે કંઈક માગે છે અને તેના દ્વારા આપણને પણ શીખવે છે કે જ્યારે પ્રભુ પ્રસન્ન થાય ત્યારે એમની પાસે શું માગવું!
પરમાનંદદાસજી કુલ ૧૦ બાબતો માગે છે. સૌથી પ્રથમ તો કહે છે કે હે શ્રી ગોપીજનવલ્લભ પ્રભુ, મને હંમેશા મનુષ્ય જન્મ આપજો; કારણ મનુષ્ય જન્મમાં જ પ્રભુની ભક્તિ થઈ શકે છે. ૮૪ લાખ યોનિઓમાં બીજી કોઈ યોનિમાં પ્રભુની ભક્તિ થઈ શકતી નથી.
કવિ મનુષ્ય જન્મ શા માટે માગે છે? હરિસેવા માટે. મનુષ્ય જન્મ ધરીને હું પ્રભુની સેવા કરું. મારું સમગ્ર જીવન શ્રીહરિની સેવામાં વિતાવું. શ્રીહરિસેવા એ જ મારા જીવનનું ધ્યેય. સેવા દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરું.
ત્રીજી બાબત કવિ માગે છે એ છે વ્રજવાસ. હંમેશા વ્રજમાં વસવાનું મને સુલભ થાય. વ્રજમાં રહીને વ્રજરાજ અને વ્રજભક્તોની લીલાનાં દર્શન, ગુણગાન કરું. વ્રજભક્તો જેવો ભાવપ્રેમ મને પ્રાપ્ત થાય.
ચોથી વસ્તુ માગે છે શ્રીવલ્લભકુલના સેવક થવાની. શ્રીવલ્લભના પુષ્ટિમાર્ગમાં શ્રીવલ્લભકુલ દ્વારા દીક્ષિત થઈ તેમનો આશ્રિત બનું. તેમની કૃપા પ્રાપ્ત કરું.
શ્રીવલ્લભ જેવા સમર્થ સ્વામીને પ્રાપ્ત કરી, તેમના સેવક અન્ય વૈષ્ણવોનો એટલે કે આપના અનન્ય ભક્તોનો પણ હું દાસ થાઉં, એવી મનોકામના કવિ અહીં વ્યક્ત કરે છે.
વ્રજવાસ કરીને રહેવા સાથે નિત્ય શ્રીયમુનાજીમાં સ્નાન કરવાની પણ કવિ અહીં અભિલાષા સેવે છે. કૃપાશક્તિ સ્વરૂપા શ્રીયમુનાજીનાં દર્શન અને એમનાં જલમાં સ્નાન કરી શ્રીયમુનાજીના કૃપાપાત્ર બનવા ઈચ્છે છે.
હંમેશા મનકર્મ અને વચનથી કૃષ્ણના જ ગુણ ગાઉં એમ કહીને પરમાનંદદાસજી શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની અનન્યતા પ્રગટ કરે છે.
શ્રીકૃષ્ણના નામ સ્વરૂપ એવા શ્રીમદ્ ભાગવતજીની કથા નિત્ય શ્રવણ કરું અને શ્રીકૃષ્ણમાં તથા કૃષ્ણલીલાના શ્રવણમાં મારું ચિત્ત સદા લાગેલું રહે એવું પણ પરમાનંદદાસજી માગે છે.
તેઓ પ્રભુને વિનંતી કરે છે કે મારું ચિત્ત આપની લીલાના ચિંતન સિવાય અન્ય બાબતમાં ગૂંથાયેલું ન રહે એવી કૃપા આપ કરો.
છેલ્લે પરમાનંદદાસજી કહે છે કે પ્રભુ, આપનાં દર્શન માટે તાલાવેલી, પ્યાસ સદા દીલમાં રહે. નયનો આપનાં સ્વરૂપને નિરખે છતાંય અતૃપ્ત જ રહે, એવી કૃપા આપ કરો.
આમ પરમાનંદદાસજી શ્રીગોપીજનવલ્લભ પ્રભુને વિનંતી કરી પ્રભુ પાસે મનુષ્ય જન્મ, હરિસેવા, વ્રજવાસ, શ્રીવલ્લભનું શરણ, વૈષ્ણવજનોનું દાસપણું, શ્રીયમુનાસ્નાન, કૃષ્ણનાં ગુણગાન, શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ, ચિત્તની અનન્યતા અને પ્રભુ દર્શનની તીવ્ર લાલસા બની રહે તેવું માગે છે.