[રચના-ગોવિંદસ્વામી]
[રાગ-બિલાવલ]
જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી ।
શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન સુખકારી ।।૧।।
વિવિધ સુગંધ પહોપકી માલા તુલસીદલ લે સરસ ર્સંવારી ।
કર લે શંખ ન્હવાવત હરિકો શ્રી વિઠ્ઠલ પ્રભુકી બલિહારી ।।૨।।
તેસેઈ નિગમ પઢત દ્વિજ આગે તેસોઈ ગાન કરત વ્રજનારી ।
જે જે શબ્દ ચાર્યો દિશ વ્હે રહ્યો, યહ બિધિ સુખ બરખત અતિભારી ।।૩।।
કરિ સિંગાર પરમ રૂચિકારી, શીતલભોગ ધરત ભર થારી ।
દે બીરા આરતી ઉતારત, ગોવિંદ તન મન ધન દે વારી ।।૪।।
જેઠ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં સ્નાનયાત્રાનો ઉત્સવ મનાવાય છે. એ ઉત્સવની લીલાનું વર્ણન કરતું શ્રીગોવિંદસ્વામી રચિત આ સુંદર પદ છે.
જેઠ સુદ પૂનમનો મંગલ દિવસ છે. શ્રીઠાકોરજીને જયેષ્ઠાભિષેક થઈ રહ્યો છે. આ અભિષેક પાછળની ભાવના એવી છે કે વ્રજના રાજા નંદરાયજીએ આજે પોતાના પુત્ર શ્યામસુંદરને વ્રજના યુવરાજ તરીકે સ્થાપિત કર્યા છે. પવિત્ર જલથી અભિષેક કરી, યુવરાજ તરીકે તિલક કર્યું છે. આ સમયે વેદમંત્રોનું ગાન કરવા અનેક ઋષિમુનિઓ અને વિપ્રવર્યો પધાર્યા છે. નંદરાયજીએ ગામેગામથી પોતાનાં સગાં સ્નેહીઓને તેડાવ્યાં છે. સમસ્ત વ્રજવાસીઓ પ્રભુનો જયઘોષ કરી રહ્યાં છે. શ્યામસુંદર શ્વેત ધોતીઉપરણો ધારણ કરી સોનાના બાજઠ ઉપર બિરાજ્યા છે. શ્રીહસ્તમાં સુવર્ણનાં કડાં અને બાજુબંધ શોભે છે. કેડ ઉપર કટિમેખલા અને ચરણોમાં નુપૂર ધર્યાં છે. શ્રીકંઠમાં સુવર્ણની દુલરી માળા શોભે છે. પહેલા શંખથી અને પછી ઘડા ભરી ભરીને સ્નાન થઈ રહ્યું છે.
કેવા જલથી સ્નાન થઈ રહ્યું છે? શીતલ જલથી. વર્ષમાં આ એક જ દિવસ છે કે જ્યારે પ્રભુને શીતલ જલથી સ્નાન થાય છે. શીતલ ઉપરાંત એ જલ સુગંધિત પણ છે. ગઈકાલે સુવર્ણના ઘડા ભરી ભરીને શ્રીયમુનાજલ મગાવ્યું છે. એ જલમાં કદમ, મોગરો જેવા સુગંધિત પુષ્પો, અત્તર, ચંદન, ખસના વાળા વગેરે પધરાવી તેને સુગંધિત કરવામાં આવ્યું છે. પુષ્પો અને તુલસીદલથી અલંકૃત થયેલા એ જલનું રાત્રે અધિવાસન કરીને શ્રીઠાકોરજીને સ્નાન કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આવા રજની અધિવાસિત, શીતલ, સુગંધી, જલને શંખમાં ભરીને પ્રભુ શ્રીગોવર્ધનધરને શ્રીવિઠ્ઠલેશ પ્રભુ સ્નાન કરાવી રહ્યા છે. આગળ બ્રાહ્મણો વેદમંત્રોનું ગાન કરી રહ્યા છે. વ્રજનારીઓ મંગલ ગીતો ગાઈ રહી છે. ચારે બાજુ ભક્તો પ્રભુનો જયજયકાર કરી રહ્યા છે. બધાંને અપાર સુખનો અનુભવ થઈ રહ્યો છે. જાણે સુખનો વરસાદ વરસી રહ્યો છે. પુરુષસૂક્તનો પાઠ થઈ ગયા પછી હવે શંખને બદલે ઘડા ભરી ભરીને પ્રભુને સ્નાન થઈ રહ્યું છે.
શ્રીગુસાંઈજી શ્રીગોવર્ધનધર પ્રભુને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર અને શૃંગાર ધરે છે. કેસરી કિનારીનો સફેદ ધોતીઉપરણો ધરે છે. શ્રીમસ્તક ઉપર સફેદ કુલ્હે અને મોરપિચ્છનો જોડ ધરે છે. મોતીની માળાઓ અને મોતીના કુંડળ ધરે છે. સુંદર શૃંગાર કરાવ્યા બાદ અનેક શીતલ સામગ્રીઓનો ભોગ ધરે છે.
એક થાળીમાં બીજ અને ચારોળીના લાડુ, કચોરી, મીઠું દહીં, શ્રીખંડ વગેરે સાજ્યા છે. બીજી થાળીમાં અંકુરી (ઉગાડેલા મગ) કેરી, વિવિધ લીલા મેવા, કેરીનો રસ વગેરે સાજ્યા છે. પનો, મગની અને ચણાની ભીંજવેલી દાળ જેવી અનેક સામગ્રીઓ સાજી છે. ઉપરાંત સવા લાખ કેરીનો ભોગ આજે શ્રીગોવર્ધનધર પ્રભુને ધરાય છે.
ભોગ સરાવી, બીડાં આરોગાવી, શ્રીગુસાંઈજી પ્રભુની આરતી કરે છે. આ દર્શન કરતાં ગોવિંદસ્વામી પોતાનાં તન, મન, ધન સર્વસ્વ શ્રીઠાકોરજી ઉપર ઓવારી દે છે.
આજે પણ સ્નાનયાત્રાના દિવસે વહેલી સવારે પ્રભુને શીતલ સુગંધિત જલથી સ્નાન કરાવીને, શીતલ સામગ્રીઓનો ભોગ ધરાય છે.
આજની સામગ્રીઓમાં બીજના લાડુ, અંકુરી અને કેરી વિશેષ પ્રમાણમાં ધરાય છે. આ સામગ્રીઓનો ભાવ બતાવતાં શ્રીહરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે બીજ એવા ભાવથી ધરાય છે કે તેનાથી ભક્તિનું બીજ હૃદયમાં સ્થપાય. આ બીજ અંકુરિત થાય એ ભાવથી અંકુરી અને તે બીજ ફલાત્મક બને તે ભાવથી કેરીનો ભોગ ધરાય છે.
આમ આ નાનકડા પદમાં ગોવિંદસ્વામી સ્નાનયાત્રાના ઉત્સવનો આનંદ અને ઉત્સવની સેવાની રીત રજૂ કરે છે.