કલેઉનું પદ
(ભક્ત કવિ શ્રીપરમાનંદદાસ)
(રાગ-ભૈરવ)
આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે ।।
નિશ કે ઉનીદે નયના તોતરાત મીઠે બેના
ભાવતે જિય કે મેરે સુખહી બઢાઇયે ।। ૧ ।।
સકલ સુખ કરન વિવિ તાપ હરન
ઉરકો તિમિર બાઢ્યો તુરત નસાઇયે ।।
દ્વાર ઠાડે ગ્વાલ બાલ કરોહો કલેઉ લાલ
મીસીરોટી છોટી મોટી માખન સોં ખાઇયે ।। ર ।।
તનકસો મેરો કન્હૈયા વાર ફેર ડારે મૈયા
બેંની તો ગુહોં બનાઇ ગહરન લગાવે ।।
‘પરમાનંદ’ પ્રભુ જનની મુદિત મન ફૂલી ફૂલી
અતિ ઉર આનંદ ન સમાઇયે ।। ૩ ।।
ભાવાર્થઃ
શ્રીયશોદામા શ્યામસુંદરને વિનંતી કરે છેઃ ‘હે લાલ, તમારું અતિ સુંદર, માખણ જેવું કોમળ (આછો નીકો લોંનો) મુખારવિંદનાં સવારમાં દર્શન કરાવો. તમારાં નેત્રોમાં રાત્રિના ઉજાગરાની લાલાશ જણાય છે. તમે બાલસુલભ વાણીમાં મીઠાં વચનો કહો છો, તેથી મારા હૃદયને તમે ખૂબ પ્રિય લાગો છો. માટે તમે મારું સુખ વધારો.’
‘આપ અમારી આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રણે ય પ્રકારના તાપ હરી લઇ અમને સર્વ પ્રકારનું સુખ આપનારા છો. અમારા હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકારી વધ્યો છે, તે આપ દૂર કરો. હે લાલ, બારણે ગ્વાલબાલ તમારી રાહ જોતા ઉભા છે. માટે તમે જલદી કલેઉ કરી લો. આપના માટે મેં સુંદર નાની મોટી મિસિ રોટી (ઘી ચોપડી ખાંડ ભભરાવેલી રોટી) બનાવી છે, તે તમે માખણ સાથે આરોગો.’
યશોદામા કહે છેઃ ‘મારો કનૈયા ખૂબ નાનો (તનકસોં) છે. હું તમારી સુંદર વેણી ગૂંથી દઇશ. મારા લાલના હું ઓવારણાં લઉં છું, અને તેને છાતીસરસો ચાંપું છું.’
શ્રીપરમાનંદદાસજી કહે છેઃ ‘મારા પ્રભુનાં માતા આમ પ્રસન્ન મનથી ખૂબ ફૂલાયાં છે અને તેમના હૃદયમાં આનંદ સમાતો નથી’