જન્માષ્ટમીની વધાઈ
રચનાઃ ચતુર્ભુજદાસજી
(રાગઃ દેવગંધાર)
નેનભર દેખો નંદકુમાર,
જસુમતિ કૂખ ચંદ્રમા પ્રગટ્યો યા વ્રજકો ઉજિયાર. (૧)
વન જિન જાઉ આજ કોઉ ગોસુત ઔર ગાય ગુવાર,
અપને અપને ભેષ સબે મિલ લાવો વિવિધ સિંગાર. (૨)
હરદ દૂબ અક્ષત દધિ કુમકુમ મંડિત કરો દુવાર,
પૂરો ચોક વિવિધ મુક્તાફલ ગાવો મંગલચાર. (૩)
ચહું વેદધ્વનિ કરત મહામુનિ હોત નક્ષત્ર વિચાર,
ઉદયો પુન્યકો પુંજ સાંવરો સકલ સિદ્ધિ દાતાર. (૪)
ગોકુલવધૂ નિરખિ આનંદિત સુંદરતાકો સાર,
દાસ ચતુર્ભુજ પ્રભુ સબ સુખ નિધિ ગિરિધર પ્રાન આધાર. (૫)
ભાવાર્થઃ
ચતુર્ભુજદાસજી નંદમહોત્સવના દિવસે સવારમાં આ પદ ગાઈ રહ્યા છે. ચાલો આપણે પણ પહોંચી જઈએ નંદમહોત્સવનાં દર્શન કરવા નંદભવનમાં.
તેઓ કહે છે કે નંદભવનમાં પારણામાં પોઢેલા નંદકુમારનાં તમે નયનભરીને દર્શન કરો. એ નંદકુમાર એવા સુંદર દેખાય છે કે જાણે માતા જસુમતિની કૂખે ચંદ્રમા પ્રગટ્યો હોય એવું લાગે છે. જેમ ચંદ્ર આકાશમાં એટલે સમગ્ર જગતને પ્રકાશિત કરે તેમ વ્રજમાં પ્રગટેલો આ કૃષ્ણચંદ્ર સમગ્ર વ્રજને પ્રકાશિત કરી રહ્યો છે.
આજે ખૂબ આનંદનો દિવસ છે. નંદભવનમાં શ્રીકૃષ્ણના પ્રાગટ્યનો મહોત્સવ મનાવાઈ રહ્યો છે. તેથી આજે સર્વ ગ્વાલબાલોને પોતાની ગાયો અને વાછરડાં લઈને વનમાં જવાની કવિ ના પાડે છે. તેઓ કહે છે કે આજે તમે વનમાં ન જશો, પણ અક્ષત્, કુમકુમ, હળદર, ધરો, દહીં વગેરે મંગલ પદાર્થોથી તમારા આંગણાને શોભાયમાન બનાવો. સુંદર વિવિધ રંગનાં મોતીથી રંગોળી પૂરો, મંગલ ગીતો ગાઓ. ગીતો ગાતાં ગાતાં નંદભવન પહોંચી જાઓ. ત્યાં પ્રભુપ્રાકટ્યના ઉત્સવમાં સામેલ થઈ જાઓ.
જુઓ, આજે પ્રભુ પ્રાકટ્યનો આનંદ મનાવવા મોટા મોટા મુનિજનો અહીં આવ્યા છે. વેદનું ગાન કરી રહ્યા છે. એનો ધ્વનિ સમસ્ત ગોકુળમાં ગાજી રહ્યો છે. મુનિજનો પ્રભુના જન્મ સમયના નક્ષત્રોનો અભ્યાસ કરીને કહે છે કે આજે અનેક જન્મોના પુણ્યના પ્રતાપે નંદરાયજી અને જશોદાજીના ઘેર પ્રગટેલો આ સાંવરો બાળક વ્રજને બધી જ સિદ્ધિઓ આપનારો બની રહેશે.
ઘેરઘેરથી ગોકુલની વ્રજનારીઓ લાલાનાં દર્શને આવી છે. સમસ્ત વિશ્વની સુંદરતાને ધારણ કરનારા બાલકૃષ્ણને નિરખીને આનંદિત થઈ રહી છે.
ચતુર્ભુજદાસજી કહે છે કે સર્વ સુખોના ભંડાર એવા આ ગિરિધરલાલ મારા પ્રાણના આધાર છે. એ ગિરિધરલાલને આજે તેમના જન્મોત્સવના દિવસે નયનભરીને નિરખવાનું સૌભાગ્ય તમે સૌ મારી સાથે પ્રાપ્ત કરો અને ધન્ય થાઓ.
સૌને જન્માષ્ટમી અને નંદમહોત્સવની ખૂબ ખૂબ વધાઈ!