રચનાઃ શ્રીહરિરાયજી
(રાગઃ ભૈરવ)
ભોર હી વલ્લભ વલ્લભ કહિયે,
આનંદ પરમાનંદ કૃષ્ણમુખ સુમર સુમર આઠોં સિદ્ધિ પૈયે. (૧)
અરુ સુમરો શ્રીવિઠ્ઠલ ગિરિધર ગોવિંદ દ્વિજવરભૂપ,
બાલકૃષ્ણ ગોકુલ-રઘુ-યદુ-પતિ નવ ઘનશ્યામ સ્વરૂપ. (૨)
પઢો સાર વલ્લભવચનામૃત, જપો અષ્ટાક્ષર નિત ધરી નેમ,
અન્ય શ્રવણકીર્તન તજિ નિસદિન સુનો સુબોધિની જિય ધરી પ્રેમ. (૩)
સેવો સદા નંદયશોમતિસુત પ્રેમ સહિત ભક્તિ જિય જાન,
અન્યાશ્રય, અસમર્પિત લેનો, અસદ્ અલાપ, અસત્ સંગ હાન. (૪)
નયનન નિરખોં શ્રીયમુનાજી ઔર સુખદ નિરખોં વ્રજધામ,
યહ સંપત્તિ વલ્લભ તેં પૈયે, ‘રસિક’નકો નહિ ઔરસોં કામ. (૫)
ભાવાર્થઃ
પ્રભુથી વિખૂટા પડે આપણને હજારો વર્ષો થયાં. વિવિધ યોનિના ૮૪ લાખ ફેરામાં અથડાતાં આપણે પ્રભુને ભૂલી ગયા. આપણા મૂળ સ્વરૂપને પણ ભૂલી ગયા. અ બધો સમય આપણા જીવનની ઘોર અધારી રાત હતી.
પ્રભુકૃપાએ આપણને માનવદેહ મળ્યો. શ્રીવલ્લભે કૃપા કરી આપણને સનાથ કર્યા, આપણને બ્રહ્મસંબંધ કરાવી પ્રભુપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવ્યો. આપણા જીવનમાંથી અંધકાર દૂર થયો. આપણા વૈષ્ણવી જીવનનું સોનેરી સવાર ઊગ્યું છે, ત્યારે જીવનની બારીઓ ખોલી નાંખી, આળસ ખંખેરી જાગીએ. અલૌકિક સૂર્ય સ્વરૂપ શ્રીવલ્લભનાં સ્મરણ અને કીર્તનથી આપણા વૈષ્ણવી જીવનનો પ્રારંભ કરીએ.
મહાપ્રભુ શ્રીવલ્લભનું અને આપને વલ્લભ (પ્રિય) એવા પ્રભુનું જાગ્યા ત્યારથી જ સ્મરણ અને કીર્તન કરીએ. ‘શ્રીસર્વોત્તમ સ્તોત્ર’માં પ્રકટ આપનાં ૧૦૮ અલૌકિક નામ-સ્વરૂપોનાં બીજ રૂપ ત્રણ નામ-સ્વરૂપ આનંદ, પરમાનંદ અને શ્રીકૃષ્ણમુખારવિંદનું રાતદિવસ ચિંતન કરીશું તો તેમની કૃપાથી અલૌકિક અષ્ટસિદ્ધિ અવશ્ય સાંપડશે.
તદુપરાંત શ્રીગુસાંઈજી અને આપના સાત કુમાર-શ્રીગિરિધરજી, શ્રીગોવિંદજી, શ્રીબાલકૃષ્ણજી, શ્રીગોકુલનાથજી, શ્રીરઘુનાથજી, શ્રીયદુનાથજી અને શ્રીઘનશ્યામજીનું પણ આપણે સ્મરણ કરીએ.
શ્રીહરિરાયજી આપણાં વૈષ્ણવોના કર્તવ્ય નીચે પ્રમાણે બતાવે છે.
(૧) શ્રીમહાપ્રભુજીના ગ્રંથો વાંચવા, વિચારવા અને સમજવા.
(૨) દરરોજ નિયમપૂર્વક શ્રીઅષ્ટાક્ષરમંત્ર-શ્રીકૃષ્ણ શરણં મમનો જપ કરવો.
(૩) અન્ય લૌકિક બાબતો સાંભળવા-બોલવાનું છોડી દઈ, પ્રેમપૂર્વક શ્રીસુબોધિનીજીનું શ્રવણ હંમેશાં કરવું.
(૪) હૃદયના સાચા નિષ્કામ પ્રેમપૂર્વક શ્રીયશોદોત્સંગલાલિતની સદા સેવા કરવી.
(૫) અન્યાશ્રય, અસમર્પિત ખાન-પાન, અસદાલાપ અને અસત્સંગથી મોટી હાનિ થાય છે તેમ સમજી, તેમનો ત્યાગ કરવો.
(૬) શ્રીયમુનાજી અને સુખદ એવા શ્રીવ્રજધામનાં દર્શન કરવાં.
આ છ પ્રકારની અલૌકિક સંપત્તિ જ સાચી સંપત્તિ છે. તે મહાપ્રભુ શ્રીવલ્લભની કૃપાથી પ્રાપ્ત થશે. આ અલૌકિક સંપત્તિના રસિકોને બીજી કોઈ સંપત્તિનું કામ નથી. માટે ચાલો, પ્રેમથી શ્રીવલ્લભનું નામ રાતદિવસ રટીએ.