આજે મંગલાઆરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાય છે. સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખૂલ્યા પછી તિલક-અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારપછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષસૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર, ઘંટા વાગે છે. મૃદંગ સાથે જ્યેષ્ઠાભિષેકનાં કીર્તન થાય છે. પુરુષસૂક્તનો પાઠ થઈ જાય પછી લોટાથી સ્નાન થાય છે.
આ સ્નાન જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે. નંદરાયજીએ શ્રીઠાકોરજીનો રાજ્યાભિષેક કરી તેમને વ્રજરાજકુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા તેનો આ ઉત્સવ છે. તેથી સ્નાન-અભિષેક સમયે વેદમંત્રો-પુરુષસુક્તનો પાઠ થાય છે. વ્રજવાસીઓએ પ્રભુ વ્રજરાજ બન્યા તેના આનંદમાં ભેટ તરીકે ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી હતી. તેથી પ્રભુ આજે સવા લાખ કેરીઓ આરોગે છે.
પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રીયમુનાજીમાં સ્નાન અને વ્રજભક્તો સાથે જલક્રીડા કરી છે તે ભાવથી આજે સ્નાનયાત્રા મનાવાય છે. તેથી આજે શ્રીયમુનાજીનાં અને જલવિહારનાં પદો ગવાય છે.