રચયિતાઃ શ્રીમદ્ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રીગુસાંઈજી
લેખકઃ શ્રી રમેશભાઈ પરીખ
કરિયે શ્રીસર્વોત્તમ રસપાન ।
પ્રસંસા કરિ સકૈ કૌન કવિ ઐસો, શ્રીમુખ કરત બખાન ।।૧।।
અતિસય કરુણા કરિ યા કલિમેં, દિયો દૈવી જીવનકો દાન ।
એક એક અક્ષર હૈ અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન ।।૨।।
અર્ધ નિમેષ વિલંબ ન કરિયે, રૈન દિવસ આઠો જામ ।
“રસિક” પ્રીતમ જાકે રંગ રંગ્યો, સો હૈ ભક્તિનિધાન ।।૩।।
શ્રી હરિરાયજીએ શ્રીસર્વોત્તમજીના જપનો તેમને થયેલ અનુભવ ઉપદેશના રૂપમાં આપણી સામે ઉપરના પદમાં રજૂ કર્યો છે. તેઓ આજ્ઞા કરે છે કેઃ આ શ્રીસર્વોત્તમસ્તોત્રનું રસપાન કરવું જોઈએ. સ્તોત્રના ‘પાઠ’ અને ‘રસપાન’માં ફરક છે. જેટલો ફરક અનિચ્છાએ દવા તરીકે લીમડાનો રસ પીવમાં અને આનંદથી મધ જેવી મીઠી કેસર કેરીનો રસ ખાવામાં છે, એવો જ ફરક સ્તોત્રના પાઠ અને રસપાનમાં છે.
શ્રીમહાપ્રભુજીએ “શ્રીસુબોધિનીજી”માં બે સત્ય બહુ જ સુંદર રીતે સમજાવ્યાં છે.
(૧) જપે મર્યાદા ધ્યાને પુષ્ટિ – સંખ્યાની ગણત્રી સાથે નિયત સંખ્યામાં મંત્ર કે સ્તોત્રનો મોઢેથી પાઠ કરવો કે મનમાં જપ કરવો તે મંત્રશાસ્ત્ર પ્રમાણે એક સાધન છે; તેથી તે મર્યાદામાર્ગનો પ્રકાર છે. તે મંત્ર કે સ્તોત્રનો માનસિક જપ કરતાં તે મંત્ર કે સ્તોત્રમાં બિરાજમાન ભગવદ્ સ્વરૂપનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું અને તે ધ્યાનમાં એકચિત્ત બની જવું તે પુષ્ટિ પ્રકાર છે. ધ્યાનપૂર્વકના જપ દ્વારા ભગવદ્ સ્વરૂપના અલૌકિક આનંદનું પાન થાય છે, તેથી તે આનંદપ્રદ છે.
(૨) જ્ઞાત્વાપાનેમહાન્ રસઃ – ભગવદ્ સ્વરૂપના જ્ઞાનપૂર્વક, ભગવદ્ નામનું પાન કરવામાં વિશેષ રસાનંદનો અનુભવ થાય છે.
આથી શ્રીહરિરાયજી મહાપ્રભુ આ પદમાં આપણને શ્રીસર્વોત્તમસ્તોત્રનો પાઠ કે જપ કરવાની આજ્ઞા કરતા નથી, પરંતુ તેનું રસપાન કરવાની આજ્ઞા કરે છે.
ભોજનમાં પણ મધુર રસનું પાન કરવાની એક વિશેષ પદ્ધતિ છે. વાડકીમાં ભરેલ મધુર રસને ચમચી દ્વારા ધીમે-ધીમે મોંમાં મૂકતાં તે મધુર રસની મધુરતા મોંમાં મમળાવવમાં આવે છે. તેનાથી તન-મનમાં ખાસ પ્રકારના સુખનો અને તે સુખમાંથી નિપજતા માનસિક આનંદનો અનુભવ થાય છે, તેને રસપાન કહેવામાં આવે છે. પ્રવાહી રસને ગ્લાસમાં ભરીને નાના-નાના ઘૂંટડાથી પીતાં-પીતાં પણ તેની લિજ્જ્ત ઘણાં લોકો માણતાં હોય છે.
શ્રીસર્વોત્તમસ્તોત્રમાં રહેલો રસ લૌકિક રસ નથી, અલૌકિક રસ છે. કારણ કે તેમાં ભગવદ્ રસ રહેલો છે. શ્રીગુસાંઈજીએ “શ્રીવલ્લભાષ્ટક”માં તેમનો સ્વાનુભવ કહ્યોઃ “વસ્તુતઃ કૃષ્ણ એવ” – શ્રીમહાપ્રભુજી વાસ્તવમાં કૃષ્ણ જ છે. પર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ અને શ્રીમહાપ્રભુજીના મૂળ એક જ સ્વરૂપ છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ “આનંદ કરપાદ મુખોદરાદિ” છે, એમ વેદની શ્રુતિ કહે છે, અર્થાત્ તેઓ આનંદઘન સ્વરૂપ છે. એવી જ રીતે શ્રીમહાપ્રભુજી પણ આનંદઘન સ્વરૂપ છે.
(ક્રમશઃ)